અંગ્રેજી આવડે નહીં, ગુજરાતી ગમતું નથી

ફિર દેખો યારોં

માતૃભાષાનો બેડો પાર કરીએ

બીરેન કોઠારી

ભાષાગૌરવ અને ભાષાઝનૂન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માતૃભાષા કોઈને પસંદગીથી પ્રાપ્ત થતી નથી. તેમાં કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ હોતા નથી. માતૃભાષાની જાણકારી હોવી સ્વાભાવિક છે, પણ એક જ ભાષાના અનેકવિધ આયામ હોય છે. જેમ કે, વહીવટી ભાષા, કાનૂની ભાષા, શિક્ષણની ભાષા, સાહિત્યની ભાષા વગેરે! તદુપરાંત બદલાતા સમયની સાથેસાથે ભાષા પણ બદલાતી રહે છે.  બોલી આ બધાથી સાવ અલગ હોય છે, જેમાં ભાષા એની એ રહેવા છતાં તેના ઉચ્ચાર અને શબ્દભંડોળમાં વૈવિધ્ય આવતું રહે છે. આથી જ આપણે ત્યાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ જેવી ઉક્તિ પ્રચલિત છે. ગુજરાતીની જ વાત કરીએ તો પ્રાંતવાર અને પેટાપ્રાંતવાર આપણે ત્યાં અનેક પ્રકારની બોલીઓ ચલણમાં છે. એક પ્રદેશની બોલી ધરાવતા લોકો અન્ય પ્રદેશની બોલીને ઉપહાસની નજરે જુએ એ સામાન્ય બાબત છે. આવામાં ગૌરવ કરવું તો કઈ માતૃભાષાનું કરવું?

ફ્રેન્‍ચ લોકો પોતાના ભાષાઝનૂન માટે કુખ્યાત છે. ફ્રેન્‍ચ ભાષાની જાળવણી માટે ઈ.સ.1635માં સ્થપાયેલી ‘અકાદમી ફ્રાન્‍સેસ’ દ્વારા હવે અંગ્રેજીના વધી રહેલા ઉપયોગ બાબતે ફિકર વ્યક્ત કરવામાં આવી છે. થોડા સમય અગાઉ પ્રકાશિત ત્રીસેક પાનાંના એક અહેવાલમાં અંગ્રેજીના વધતા જતા ઉપયોગને ‘સામાજિક ગઠન’ અને ‘ભાષાના અધ:પતન’ માટે કારણભૂત ગણાવવામાં આવ્યો છે. ખાસ કરીને મનોરંજન, ફેશન તેમજ જાહેર પરિવહનના માધ્યમ જેવી ટ્રેનમાં થતી ઘોષણાઓમાં વધતા જતા અંગ્રેજી શબ્દોના ઉપયોગ સામે તેણે લાલ બત્તી ધરી છે. આના માટે જે કેટલાંક મુખ્ય પરિબળો જવાબદાર ગણાવાયાં છે એ પૈકીનું એક છે ‘કેલિફોર્નિઝમ’. ટેક્નોલોજીની મોટા ભાગની અમેરિકન કંપનીઓ પશ્ચિમ કાંઠા (કેલિફોર્નિયા)ની હોવાથી તેમના દ્વારા પ્રચલિત બનેલા આ ચલણને આવું નામ અપાયું છે. બીજું સૌથી મહત્ત્વનું પરિબળ કોવિડની વૈશ્વિક મહામારીનું ગણાવાયું છે. ‘ક્લસ્ટર’ (ઝૂમખું) અને ‘ટેસ્ટિંગ’ (પરીક્ષણ) જેવા અંગ્રેજી શબ્દોને મારીમચેડીને ફ્રેન્‍ચ વ્યાકરણમાં ગોઠવી દેવાય છે. આને પરિણામે શબ્દોનું એવું વર્ણસંકર સ્વરૂપ નીપજે છે જે નથી હોતું અંગ્રેજી કે નથી ફ્રેન્‍ચ. અહેવાલમાં આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વીસમી સદીના અંગ્રેજ સાહિત્યિક ટેરી ઈગલટને કહેલું, ‘ભાષા તમામ ઓળખોનું મૂળ છે. એની સાથે છેડછાડ કરવી કાં કવિતા હોય કે પછી રાજદ્રોહ.’ આ સંસ્થાના સત્તાધીશો કદાચ ચુસ્તપણે આમ માનતા હશે. સદીઓ અગાઉ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ત્યારે ‘શુદ્ધ ફ્રેન્‍ચ’ જેવી કોઈ વિભાવના અસ્તિત્વમાં નહોતી. ઘણા સમય પછી રાજ્યવ્યાપી રીતે એકસમાન ફ્રેન્‍ચ ભાષા અમલી બની. ફ્રેન્‍ચ ભાષામાં નવા પ્રવેશતા ‘વર્ણસંકર’ શબ્દો કદાચ ‘લુપ્ત’ થઈ ગયેલી ફ્રેન્‍ચ સંસ્કૃતિની મજાક ઉડાવતા હોય એમ આ સંસ્થાના સત્તાધીશોને લાગતું હશે, કેમ કે, ફ્રેન્‍ચ ભાષા સાથે તેમણે સંસ્કૃતિઓળખ, સંસ્કૃતિગૌરવ અને ચડિયાતાપણાની ભાવનાને સાંકળી લીધી હતી.

સંસ્કૃતિની જેમ જ ભાષા પણ બંધિયાર બની રહે તો કાળક્રમે એ ક્ષીણ થયા વિના રહે નહીં. આપણા દેશની વાત કરીએ તો અતિ શુદ્ધ ભાષા બોલતાં પાત્રો સામાન્ય રીતે ઉપહાસને પાત્ર બની રહે છે. સાહિત્યકૃતિઓમાં કે ફિલ્મોમાં આવાં અનેક ઉદાહરણ મળી રહેશે. ગુજરાતીમાં ભદ્રંભદ્રનું અમર પાત્ર આ જ માનસિકતાનું પ્રતીક બની રહ્યું છે. આનો અર્થ એમ કાઢી શકાય કે સાવ શુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત્‍ છે. ધારી લઈએ કે કોઈ એ કરે, તો પણ એના થકી યોગ્ય રીતે સંવાદ સાધવો મુશ્કેલ બની રહે છે.

આપણી ગુજરાતી ભાષામાં જ કેટલા બધા શબ્દો ફારસી, અરબી, અંગ્રેજી થકી આવીને સર્વસ્વીકૃત બની ગયેલા છે. અન્ય ભાષાઓમાં પણ આવું થયું જ હશે. અલબત્ત, આનો અર્થ એ નથી કે ભાષાનું કશું મહત્ત્વ નથી. પ્રત્યેક ભાષાનું એક આગવું લાલિત્ય હોય છે, વિશેષતા હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને તેને ગર્વ કે ગૌરવનો મુદ્દો બનાવવાને બદલે તેના ઉપયોગનો વ્યાપ વધતો રહે એવા પ્રયત્ન થવા જોઈએ.

આપણા દેશમાં ભાષા લોકનિસ્બતનો ઓછો અને રાજકારણનો મુદ્દો વધુ બની રહ્યો છે. હમણાં ગુજરાત સરકાર દ્વારા આઠ મહાનગરોમાં જાહેર સ્થળોએ મૂકાતું લખાણ ગુજરાતીમાં જ મૂકવાનો નિર્ણય લીધો છે. દેખીતી વાત છે કે સરકારનો ભાષાપ્રેમ કંઈ ઉભરાઈ જતો નથી. આમ કરવાથી જો ભાષા બચી જવાની હોય એમ કોઈને લાગતું હોય તો એથી પહેલાં એ વિચારવું જોઈએ કે પોતાના જ પ્રાંતમાં પોતાની ભાષાને ‘બચાવવી’ પડે એવી સ્થિતિ શી રીતે આવી? અને એ સ્થિતિમાંથી ભાષાને ઉગારવા માટે આટલા પ્રયાસ પૂરતા થઈ પડે? ગુજરાતી માધ્યમની શાળાઓ જેટલી બચી છે એ જાણે કે વેન્‍ટિલેટર પર જીવી રહી છે. અંગ્રેજી માધ્યમ તરફનું આકર્ષણ એ હદે વધતું રહ્યું છે કે ગુજરાતીની સમાંતરે અંગ્રેજી નહીં, પણ ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ ચાલતો રહ્યો છે અને હજી એ ઓસરવાનું નામ લેતો નથી.

એક તરફ ‘અકાદમી ફ્રાન્‍સેસ’નું ઉદાહરણ છે, જેને વ્યવહારુ અંગ્રેજી શબ્દોનો ફ્રેન્‍ચમાં પ્રવેશ થવાથી પોતાની ભાષા અભડાઈ જવાનું અનુભવાય છે, બીજી તરફ ગુજરાતમાં ગુજરાતીને જીવંત રાખવાના હવાતિયાં મારવામાં આવી રહ્યાં છે. એટલું યાદ રાખવું રહ્યું કે ભાષા કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સરકારથી અનેક ગણી વિશાળ છે. એ પોતાના બળે ટકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. ભાષા અંગે ઠાલો ગર્વ કે ઠાલી શરમ કશું અનુભવવાની જરૂર નથી. એનો સહજપણે ઉપયોગ કરતા રહીએ તોય ઘણું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩-૦૩ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.