આભાસી શિક્ષણનું જમીની વાસ્તવ

નિસબત

ચંદુ મહેરિયા

અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટીમાં છેલ્લા બે એક વરસોથી  દેશ અને દુનિયા જીવી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા બે વરસોથી વિશ્વના ભારતની કુલ વસ્તી જેટલાં બાળકો શાળાઓથી દૂર રહ્યાં હતા.. ભારતમાં ૧૫.૫ લાખ શાળાઓના ૨૪.૮ કરોડ વિધ્યાર્થીઓ લાંબા સમયથી શાળાબંધી સહન કરી રહ્યાં છે. શાળા, શિક્ષકો, દોસ્તારો, ખાણીપીણી,રમતગમત અને એવી કંઈક ચીજોથી દૂર બાળકોના મનમાં ચાલતી ઉથલપાથલ અંગે સમાજ અને સરકાર બેપરવા લાગે છે. ભૌતિક રીતે લાંબા સમયથી બંધ શિક્ષણ આભાસી રીતે ચાલુ જ હોવાના દાવાઓ જરૂર થાય છે પણ જમીની સચ્ચાઈ સાવ જુદી છે.

ઓનલાઈન શિક્ષણમાં જેટલી પ્રાથમિકતા ઉપલા ધોરણોને અપાય છે તેટલી નાના બાળકોને અપાતી નથી. ત્રણથી છ વરસના પૂર્વ પ્રાથમિક અને પહેલા-બીજા ધોરણના બાળકો અને તેમનાં વાલીઓ શાળાકીય શિક્ષણ તથા તત્સંબંધિત પ્રવૃતિઓ બંધ હોવાની સૌથી વધુ પીડા ભોગવી રહ્યા છે. છેલ્લા બે વરસમાં પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઘટી છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતમાં છ થી દસ વરસના ૧.૮ ટકા બાળકો શાળા બહાર હતા. આ વરસે તે વધીને ૫.૩ ટકા થયા છે.

નર્સરી અને જુનિયર-સિનિયર કે.જી.નું ઓનલાઈન શિક્ષણ બાળકો અને તેમના માવતર માટે ભારરૂપ બની ગયું છે. બાળકોના શિક્ષણ પ્રવેશનો આ ગાળો વર્ગખંડ શિક્ષણ કરતાં રમતગમત, હળવા-મળવા અને દેખભાળનો છે. પરંતુ બાળક ઘરમાં જ પૂરાઈને ભણતું હોવાથી તેના મનમાં કદાચ શાળા અને શિક્ષણ પ્રત્યે દુર્ભાવ પેદા થવાની ભીતિ રહે છે.વળી માતાપિતાએ જ શિક્ષકની ભૂમિકા નિભાવવાની આવે છે અને તેઓ મોટેભાગે બાળશિક્ષણના નિષ્ણાત ન હોવાથી બાળકની શાળાવિમુખતા વધી શકે છે. આ બધી બાબતો તો ભણેલા, થોડા સમૃધ્ધ અને ઓનલાઈન શિક્ષણ જેમની પહોંચમાં છે તેમને લાગુ પડે છે. પરંતુ બહુ મોટો ગરીબ વર્ગ તેની બહાર છે

કોરોના કાળના આભાસી શિક્ષણની મર્યાદાઓ અનેક સર્વેક્ષણો અને અધ્યયનોમાં છતી થઈ છે. ભારે સામાજિક-આર્થિક અસમાનતા ધરાવતા ભારતમાં ઓનલાઈન શિક્ષણના ઉપકરણો(કમ્પ્યૂટર,લેપટોપ, સ્માર્ટફોન)ના અભાવે પેદા થયેલો ડિજિટલ ડિવાઈડનો ભેદભાવ નાનોસૂનો નથી. ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ’(અસર) ૨૦૨૧માં ડિજિટલ ડિવાઈડની વ્યાપકતા અને અસરો નોંધાઈ છે. દેશમાં મોબાઈલ ફોનની ખપત વધી છે ૨૦૨૦માં દેશના ૬૧.૮ ટકા ઘરોમાં મોબાઈલ ફોન હતા જે વધીને ૨૦૨૧માં ૬૭.૬ ટકા થયા છે પણ હજુ તે બધાની પહોંચમાં નથી. બિહારના ૪૫.૬ ટકા, પશ્ચિમ બંગાળના ૪૧.૬ ટકા અને ઉત્તરપ્રદેશના ૪૧.૧ ટકા બાળકોના ઘરમાં હજુ સ્માર્ટ ફોન પહોંચ્યો નથી. એટલે આ રાજ્યોના અડધોઅડધ વિધ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ એક સ્વપ્ન છે.

જે પરિવારો પાસે ફોન છે તે કુટુંબની મુખ્ય વ્યક્તિનો હોઈ તેની બાળકોના ઓનલાઈન શિક્ષણ માટેની ઉપલબ્ધતા સીમિત છે. ઘરના એક કરતાં વધુ બાળકોના એક જ સમયે ઓનલાઈન શિક્ષણ માટે તો ઑર મુશ્કેલીઓ છે. શહેરોમાં ૨૪ ટકા અને ગામડાંઓમાં ૧૫ ટકા જ બાળકો નિયમિત ઓનલાઈન ભણી શકે છે. ગ્રામીણ દલિત-આદિવાસી માત્ર ૪ ટકા અને કથિત ઉચ્ચ વર્ણના ૧૫ ટકા જ બાળકો ઓનલાઈન શિક્ષણના નિયમિત લાભાર્થી હતા આ હકીકત દેશનો કેટલો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે દર્શાવે છે.ગરીબ વંચિત સુધી શિક્ષણ પહોંચ્યું નથી. ત્યારે આભાસી શિક્ષણે શિક્ષણના ક્ષેત્રે અગાઉથી પ્રવર્તતી વિષમતાની ખાઈને વધુ પહોળી અને ઉંડી બનાવી છે.

શાળાઓ બંધ હોવાથી લાંબા અને ટૂંકા ગાળાની અસરો શિક્ષણ પર પડી છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસનું તારણ છે કે પ્રાથમિક શાળાના ૮૨ થી ૯૨ ટકા વિધ્યાર્થીઓએ ભાષા અને ગણિત કૌશલ ગુમાવ્યું છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્વેજ અને અન્યનો અભ્યાસ જણાવે છે કે વંચિત વર્ગોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રસાર ખૂબ ઓછો છે આભાસી શિક્ષણ તેમના માટે અભિશાપ નિવડ્યું છે. કેમ કે ઓનલાઈન શિક્ષણની સામગ્રી ઉપલબ્ધ નહોતી, ગરીબ-અભણ વાલીઓને તેની કશી જાણકારી નહોતી, નાના બાળકો ઓનલાઈન શિક્ષણ યોગ્ય રીતે સમજી શકતા નહોતા કે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નહોતા. ધોરણ ૩ થી ૫ના ગ્રામીણ બાળકો ૪૨ ટકા અને શહેરી બાળકો ૩૫ ટકા જ થોડું વાંચી શકતા હતા. ગામડાઓમાં ૭૫ અને શહેરોમાં ૭૬ ટકા બાળકોની વાંચવાની ક્ષમતા ઘટી છે. ૧૦ થી ૧૪ વરસના બાળકોનો રાષ્ટ્રીય સાક્ષરતા દર ૨૦૧૧માં ૯૧ ટકા હતો તે એક દાયકે ઘટીને ગામડાંઓમાં ૬૬ અને શહેરોમાં ૭૪ ટકા થયો છે. શાળાઓ બંધ હોવાથી તે હજુ ઘટશે અને શિક્ષણના નબળા સ્તરની અસરો લાંબાગાળા સુધી જોવા મળશે.

સંપન્ન અને શહેરી ઈન્ડિયાના બાળકોના શિક્ષણ પર લર્નિંગ એપ્સ અને ટ્યુશન-ટ્યુટોરિયલ કલાસીસના કારણે ખાસ અસર જોવા મળશે નહીં. પરંતુ ગરીબ વંચિત ભારતના બાળકોના શિક્ષણ પર ભરપાઈ ન થઈ શકે તેટલી મોટી અસર થઈ છે. ‘રાઈટસ ટુ એજ્યુકેશન ફોરમ’નો મત છે કે ભારતમાં ૧ કરોડ બાળકીઓ શિક્ષણ છોડી દેશે. તેઓ ગરીબ માબાપના વૈતરાંમાં જોતરાઈ ગઈ છે. બાળલગ્ન,બાળશ્રમ, બાળતસ્કરીનું ચલણ વધ્યું છે. બાળકો સંક્રમિત થવાના ભયથી શાળાઓ બંધ રખાઈ છે. પરંતુ ગરીબ શ્રમિકોના સંતાનો ઘરે કે માબાપ સાથે મજૂરીના સ્થળે સંક્રમિત થવાનો વધુ ભય છે. મધ્યાન્હ ભોજન બંધ હોવાના અને માબાપની મજૂરી ઘટવાને કારણે બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

નિરીહ બાળકો અને તેમનું શિક્ષણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા જ નથી. ઓનલાઈન શિક્ષણે ગરીબ વંચિત વર્ગોના બાળકોને પાછળ ધકેલી દીધા છે તેનો ઉપાય કરવાને બદલે કેન્દ્ર સરકારે બજેટમાં ૨૦૦ ચેનલ મારફત પૂરક શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે. જેમના સુધી મુખ્ય શિક્ષણ જ નથી પહોંચ્યું તેમને પૂરક શિક્ષણ આપવાનો, અને તે પણ ટી.વી. ચેનલ મારફત, અર્થ શો ? ખરેખર તો કોરોના મહાનગરોમાં વકરે ત્યારે આખા દેશ કે રાજ્યમાં શાળાબંધી કરવાને બદલે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ.ખાનગી શાળાઓએ શિક્ષણબંધીના સમયમાં પણ ફી વસૂલી છે અને સરકારી શાળાઓના મુકાબલે ઓછું શિક્ષણ આપ્યું છે એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવી, સરકારી શિક્ષણ માટે પાયાની સગવડો ઉભી કરવાની જરૂર છે.

વિકટ કોરોનાકાળમાં પણ શિક્ષણ ઓનલાઈન ધોરણે સુચારુ રૂપે ચાલુ રહ્યાની સરકારી ગુલબાંગોને હવે રૂક જાવ કહેવાની જરૂર છે. આભાસી શિક્ષણ અંગેના ધરાતલના વાસ્તવને સ્વીકારવું પડશે. છેલ્લા બે વરસોના શિક્ષણ પર થયેલી ભયાવહ અસરો નાબૂદ કરવા દીર્ઘકાલીન અને ધીરજપૂર્વકના પ્રયાસોની દિશામાં સક્રિય થવાની જરૂર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.