રામ રતન ધન પાયો

ગિરિમા ઘારેખાન

રાગ ભૈરવીના સૂરોનો આલાપ પૂરો થયો. તબલાએ છેલ્લી થાપ આપી અને સંગત કરી રહેલા બીજા વાજિંત્રોએ પણ વિરામ લીધો. ગોવિંદની સ્વરપેટીએ શ્વાસ લીધો પણ એણે આલાપેલા ભૈરવીના  રે ગ ધ ની કોમળ સૂર- ‘શ્યામ સુંદર મદન મોહન જાગો મેરે લાલા’- હોલની હવામાં ઘૂમરાતા રહ્યાં. શ્રોતાઓના કાનમાં પણ એ ગૂંજતા જ રહ્યાં હશે કારણકે ગોવિંદનો આલાપ અટક્યો પછીની થોડી ક્ષણો સુધી તો એ લોકો એ કોઈ જાદૂથી બંધાઈ ગયાં હોય એવી રીતે સ્થિર બેસી રહ્યાં! ગોવિન્દને બેચેની થઇ ગઈ. આ તો બધા જ્ઞાની શ્રોતાઓ, સૂરોના જાણકાર. એ લોકો આમ ચિત્રમાં હોય એમ સ્ટેજ તરફ જોઇને બેસી કેમ રહ્યાં છે? મારાથી ભૂલ થઇ ગઈ? ક્યાં? એકેય સૂર ખોટો નથી ગવાયો કે હું ક્યાંય અટક્યો પણ નથી, તો પછી?

એણે મૂંઝવણભર્યા ચહેરે ગુરુજી સામે જોયું. ગુરુજીના ચહેરા ઉપર તો એ જ હંમેશનું સ્મિત હતું. એમણે ગોવિંદ સામે જોઇને એને આશ્વાસતા હોય એમ પલકો બંધ કરી અને પછી અપલક શ્રોતાઓ સામે જોઈ રહ્યાં. થોડી ક્ષણો હવામાં શાંતિ તોળાઈ રહી. પછી અચાનક એક સાથે બધી ખુરશીઓ ઊભી થઇ અને તાળીઓનું સુનામી આવ્યું. હવે સ્થિર થઇ જવાનો વારો ગોવિંદનો હતો. ગોવિંદ સ્ટેજ ઉપર હાથ જોડીને ઊભો રહી ગયો. કોઈ ઉત્સાહી શ્રોતાઓ સ્ટેજ ઉપર આવે એ પહેલા ગુરુજી ગોવિંદનો હાથ પકડીને એને અંદર ખેંચી ગયા.

ઘેર જઈને, અંતરમાં ઊતરી ગયેલા એ તાલીનાદની ગુંજના કેફમાં ગોવિંદ તો સુઈ ગયો પણ એના ગુરુજી – પંડિત શ્યામસુંદરજીની આંખોમાં ઉજાગરો અંજાયો હતો. આજે એમણે અનુભવેલા એ તાલીઓના સુનામીમાં એ દિવસ ઉછળતો ઉછળતો એમની સામે આવ્યો હતો જયારે એ પહેલીવાર ગોવિંદનો હાથ પકડીને પોતાને ઘેર લઇ આવ્યા હતા..

એ દિવસે એ શહેરના એક નવા રસ્તે ચાલવા નીકળ્યા હતા અને અચાનક જ એક જગ્યાએ એમના પગ ચાલતા ચાલતા થંભી ગયા હતા. કાનને એક નિનાદનો પમરાટ સ્પર્શ્યો હતો. એ પછી એમના હૃદયના ધબકારા કોઈ અનોખી ઉત્તેજનાથી એકદમ વધી ગયા, શરીરનું એક એક રુંવું ઊભું થઇ ગયું અને કોઈ નવી જ શક્તિ એમના થાકેલા પગને એ અવાજ તરફ લઇ ગઈ. એ ધ્વનિ જ અત્યારે એમની પૃથ્વી હોય અને પોતાના ગુરુત્વાકર્ષણથી એમને ખેંચતી હોય એવી રીતે એ એક નાના મંદિર સુધી પહોંચી ગયા. ત્યાં જ એમણે જોયો એ મધુર, સુરીલા અવાજનો સ્ત્રોત. એના પગ પાસે એક વાટકો પડેલો હતો અને એ  પાંચ- છ વર્ષનો છોકરો ડોક ઊંચી કરીને ગાઈ રહ્યો હતો –‘મન તડપત હરી દર્શનકો આજ.’

આ કોઈ મનુષ્યનો અવાજ હતો? એક પળ તો શ્યામસુંદરજીને લાગ્યું કે કોઈ શ્રાપિત ગંધર્વ બાળકનું રૂપ લઈને શ્રાપમુક્તિ માટે અહીં મંદિરની બહાર બેસીને ઈશ્વરની આરાધના કરતો હશે. ગાયકી પણ કેટલી શુદ્ધ! રાગ માલકૌંસના વાદી મધ્યમ, સંવાદી ષડજ અને ભૈરવીની થાટ એવા નીકળતા હતા જાણે શાસ્ત્રીય સંગીતનો કોઈ ઉસ્તાદ ગાઈ રહ્યો હોય! એ સાનભાન ભૂલીને કૃષ્ણના બંસીવાદન પછી થતી ગોપીની ધ્યાનસ્થ અવસ્થામાં આવી ગયા. આંખો બંધ થઇ ગઈ અને મન ડોલવા માંડ્યું. પેલા છોકરાએ ગાવાનું બંધ કર્યું એ પછી પણ એમની ધ્યાનાવસ્થા ન તૂટી. કાનમાં આગંતુક થઈને પ્રવેશેલો એ અવાજ હૃદયસ્થ થઇ ગયો હતો.

થોડી વાર પછી એમણે આંખો ખોલી. પેલો છોકરો એના વાટકામાં પડેલા પૈસા ગણી રહ્યો હતો. પંડિતજી એની પાસે ગયા, એના વાટકામાં પચાસ રૂપિયાની નોટ મૂકી અને પૂછ્યું, ‘તેરા  નામ ક્યા હૈ બેટા?’

‘ગોવિંદ’.

‘આવી મોહિની તો ગોવિંદના અવાજમાં જ હોય ને!’ પંડિતજીએ વિચાર્યું અને બીજો પ્રશ્ન કર્યો, ‘કહાં રહતે હો?’

ગોવિંદે થોડે દૂર દેખાતી ઝુંપડપટ્ટી તરફ આંગળી ચીંધી.

‘મુજે અપને ઘર લે ચલોગે?’

ગોવિંદે આશ્ચર્યથી એની સામે ઊભેલા, સફેદ ઝભ્ભો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા આ માણસ તરફ જોયું. એનું નામ તો ઘણા બધા માણસો પૂછતા હતા, પણ ઘેર લઇ જવાનું!

ગોવિંદે પશ્ચિમના આકાશ તરફ જોયું. સૂરજ ઢળવાની તૈયારી હતી. એણે પેલી ઝુંપડપટ્ટી તરફ નજર નાખી અને થોડા ભયભીત અવાજે બોલ્યો, ‘અભી આરતી નહીં હુઈ હૈ, તો—-’

શ્યામસુંદરજી એની મૂંઝવણ કળી ગયા. એમણે બીજી પચાસની નોટ એના વાટકામાં મૂકી.

‘અબ લે જાઓગે?’

ગોવિંદનું મોઢું સહેજ મલકાયું. એણે એ પચાસની નોટ પણ ખીસામાં મૂકી દીધી અને એના ઘર તરફ ચાલવા માંડ્યો. પંડિતજી એની પાછળ પાછળ ચાલ્યા. થોડે આગળ જઈને એમણે કહ્યું, ‘વો ગીત ગાઓ ના!’

‘કૌનસા ગીત?’ એણે શું ગાયું હતું એ પણ ગોવિંદને યાદ ન હતું. પંડિતજીએ એને ગીત યાદ કરાવ્યું. એણે કહ્યું, ‘નહીં, વો નહીં, મૈ તો દૂસરા ગાઉંગા, મેરે નામ વાલા’. એણે ‘ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો’ ચાલુ કર્યું. શ્યામસુંદરજીને શબ્દોથી કોઈ ફેર પડતો ન હતો. એ તો એ અવાજના પ્રેમમાં પડી ચૂક્યા હતા. એમના ચાલવામાં હવે સ્ફૂર્તિ આવી ગઈ હતી.

છોકરાનું ગીત સાંભળતા સાંભળતા એ ક્યારે એની ઝૂંપડી પાસે આવી ગયા એની એમને ખબર જ ન પડી. ઝૂંપડીની બહાર એક તૂટેલા ખાટલામાં એક પુરુષ સૂતેલો હતા. આજુબાજુ પાંચ છ નાના નાના બાળકો રમી રહ્યાં હતા. અંદરથી કોઈ સ્ત્રીની બૂમાબૂમનો અવાજ આવતો હતો. ખાટલા ઉપર, પેલા બાળકોના કપડાં ઉપર, ઝૂંપડીની દીવાલો ઉપર, બધે જ, ગરીબી અઠે દ્વારકા કરીને બેઠી હોય એવું લાગતું હતું.

ગોવિંદ થોડો ડરતો ડરતો ખાટલા પાસે જઈને ઊભો રહ્યો, ‘બાબા, યે——’

પેલો પુરુષ ખાટલા પરથી ઊભો થયો અને સંદેહભરી આંખે પંડિતજી સામે જોઈ રહ્યો. એમને પણ શું બોલવું એ સૂઝતું ન હતું. છેવટે હિંમત કરીને શરૂઆત કરી, ‘યે તુમ્હારા લડકા બહુત અચ્છા ગાતા હૈ. આવાઝ એકદમ સુરીલી હૈ.’

પેલો પોતાના તમાકુવાળા દાંત બતાવતો હસ્યો અને બોલ્યો, ‘હાં, એક દિનમેં પચાસ-સાઠ કમા લેતા હૈ. તો —ઉસકા ક્યા?’

ઉસે તાલીમ દેના ચાહતા હું. બહોત બડા ગાયક બનાઉંગા.’

‘અચ્છા તો વો ગાતા હી હૈ, તભી તો પૈસે મિલતે હૈ.’ પેલાને કંઈ સમજણ ન’તી પડતી.

હવે ઝુંપડામાંથી સ્ત્રી પણ બહાર આવીને ઊભી રહી ગઈ હતી.

‘ઇસસે ભી અચ્છા ગાયેગા. મારી જિંદગીમાં મેં આવો અવાજ સાંભળ્યો નથી. અદ્ભુત છે. મા સરસ્વતીના આશીર્વાદ મળ્યા છે એને. કલાની દેવી—’. પંડિતજી એમની જ ધૂનમાં બોલે જતા હતા. એ કોઈની સાથે વાત કરે છે એ પણ ભૂલી ગયા હતા. એમનો આ અનુભવ એવો દિવ્ય હતો કે એને વ્યક્ત કરે જ છૂટકો.

ગોવિંદના બાપને આ બધું કંઈ સમજાયું નહીં એટલે એ વચ્ચે જ બોલી ઊઠ્યો, ‘ઔર ક્યા સીખાઓગે? વો તો રેડીઓ પે એક બાર સુનકે હી સીખ લેતા હૈ.’

‘નહીં નહીં, ઐસા ગાના નહીં. મૈ ઉસે તાલીમ દૂંગા. રાગ-રાગીની સીખાઉન્ગા. ઉસકો—-

ગોવિંદનો બાપ ગંદુ હસ્યો, ‘વો સબ કરેગા તો ગાયેગા કબ ઔર કમાયેગા કબ?’ કમાયેગા નહીં તો ખાયેગા ક્યા?’

પંડિતજીને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. એ એમના નિર્ણયમાં વધુ દ્રઢ બન્યા. આ દૈવી અવાજને વેડફી ન નંખાય. કરોડો માણસોમાં એકાદને આવા અવાજનું વરદાન મળે. એમણે કહ્યું, ‘વો જીતના કમાતા હૈ ઉતના પૈસા મૈ હર મહિને તુમકો દે દૂંગા. તુમ ઇસકો મેરે સાથ ભેજ દો.’

પુરુષે સ્ત્રી સામે જોયું. એ નકારમાં મોં આમતેમ હલાવતી હતી. પુરુષ એને ખેંચીને ઝુંપડીની અંદર લઇ ગયો અને થોડી વાર પછી બહાર આવીને બોલ્યો, ‘હર એક મહિને તુમ ના આઓ તો મૈ કહાં તુમકો પકડને આઉં? મુજે એક સાથ હી સારા પૈસા ચાહિયે. ફિર તુમ ચાહો તો રખ લો ઇસકો.’

પંડિતજી થોડા આશ્ચર્ય અને આઘાતથી પેલા પુરુષના તીષ્ણ હૂક જેવા અવાજને સાંભળી રહ્યા. પછી પૂછી જ લીધું, ‘કિતના?’

એણે એને બહુ મોટી લાગતી એક રકમ કહી. પંડિતજી માટે તો આ રત્ન અમૂલ્ય હતું. એ આમ હંમેશ માટે મળી જશે એવું તો એમણે વિચાર્યું પણ ન હતું. એને માટે કોઈ રકમ મોટી ન હતી.

ત્રીજે જ દિવસે પેલાની મોં માગી રકમ આપીને શ્યામસુન્દરજી ગોવિંદને પોતાને ઘેર લઇ આવ્યા, એને  શિષ્ય તરીકે દીક્ષા આપી અને એની શાસ્ત્રીય સંગીતની તાલીમ ચાલુ કરી દીધી.

ગોવિંદ તો જાણે જન્મોજન્મથી સંગીતનો આરાધક હોય એવી રીતે જે શીખવાડાય એ બધું તરત ગ્રહણ  કરી લેતો હતો. થોડા વર્ષો પછી તો ગુરુજી એને પોતાની સાથે કાર્યક્રમોમાં લઇ જવા માંડ્યા, થોડું થોડું ગવડાવવા પણ માંડ્યા. શ્રોતાઓ એનો અવાજ સાંભળીને આફરીન થઇ જતા. એવો ગગનપારનો અવાજ એમણે પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. ક્યારેક ગુરુજી એની સાથે સંગત પણ કરી લેતા. ઉસ્તાદો શ્યામસુંદરજીને પૂછતા હતા, ‘ક્યાંથી શોધી લાવ્યા છો આ રતનને?’ પંડિતજી જવાબમાં માત્ર એક સ્મિત આપતા અને ગણગણતા, ‘પાયોજી મૈને રામ રતન ધન પાયો.’ પત્ની જીવંત હતી ત્યારે યુવાનીમાં એમણે જેવા પુત્રની કલ્પના કરી હતી એવો જ હતો ગોવિંદ- પાલક પિતા માટે આદર્શ પુત્ર અને એક ગુરુ માટે સંપૂર્ણ શિષ્ય.

****************         ***************.         **************

 ચાલતા ચાલતા ગોવિંદ અચાનક થંભી ગયો. મુખ્ય બજારમાં એક થાંભલા ઉપર એક મોટું પોસ્ટર લાગેલું હતું અને નીચે યુવાન-યુવતીઓનું ટોળું હતું. એણે પોસ્ટર વાંચ્યું. ટી.વી. ઉપર ગાયકીની સ્પર્ધા ચાલુ થવાની હતી એમાં ભાગ લેવા માટેનું આમંત્રણ હતું. વિજેતાને  ઇનામની બહુ મોટી રકમ મળવાની હતી- એ નાનપણમાં ગીતો ગાઈને રોજના જેટલા રૂપિયા કમાતો હતો એટલે લાખ! ગાવા માટે આટલા બધા રૂપિયા મળે! ક્યારેક ઓછા પૈસા મળે તો સાવકા બાપની પીઠ ઉપર પડતી સોટીઓનો ચચરાટ હજુ એને યાદ હતો. એ પોસ્ટર વાંચતો હતો ત્યાં જ એક યુવાન એની પાસે આવીને બોલ્યો, ‘થોડા સમય પહેલાં જ એક કાર્યક્રમમાં આપને સાંભળ્યા હતા. અદ્ભુત અવાજ છે આપનો! શું નામ આપનું?’

‘ગોવિંદ.’

ગુરુજી ક્યારેય ગોવિન્દને એના પ્રશંસકો સાથે મળવા ન હતા દેતા. કાર્યક્રમ પૂરો થયા પછી તરત એને લઈને નીકળી જતા. આજે આમ રસ્તામાં એક પ્રશંસક મળી ગયો એ ગોવિંદને ગમ્યું.

પેલાએ આગળ ચલાવ્યું, ‘આપ જો આ સ્પર્ધામાં ભાગ લો તો સ્પર્ધાનું ધોરણ ઊંચું આવી જાય. વિજેતા તો આપ જ બનો. હું ઘણા કાર્યક્રમોમાં જાઉં છું પણ આપના જેવો અવાજ મેં ક્યારેય નથી સાંભળ્યો. આપ તો ‘સા—’ આલાપો છો અને હૃદયમાં સરગમ વાગવા માંડે છે. આપને સાંભળ્યા ત્યારે તો હું જાણે  કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો.’

ગોવિંદનું આખું અસ્તિત્વ મલકી ઊઠયું. ગુરુજીએ આજ સુધી એને આવું તો કહ્યું જ ન’તું.

ગોવિંદ કંઈ બોલ્યો નહીં એટલે પેલાએ વધુ એક પાસો ફેંક્યો, ‘આખું વિશ્વ તમારી ગાયકીને બીરદાવશે. રાતોરાત પ્રખ્યાત થઇ જશો. બાકી આટલા સારા ગાયક છો, પણ આ ટોળામાંથી કોઈ તમને ઓળખે છે?’

ગોવિંદે ચારેબાજુ નજર ફેરવી. ના, કોઈ એને ઓળખતું ન હતું.

‘કરાવવું છે ને રજીસ્ટ્રેશન? ભરી દો ફોર્મ. પછી બધું આપનું જ છે-નેમ, ફેમ એન્ડ મની.’

ગોવિંદે એ શબ્દો આખેઆખા સાંભળ્યા, મગજમાં ઊતાર્યા. પણ હૃદય આ શું કહેતું હતું- ગુરુજીની પરવાનગી લેવી પડે. મગજ બીજી દિશામાં દોડતું હતું- પણ આમ તો ગાવા જ જવાનું છે ને? ગુરુજી એમના કાર્યક્રમ માટે અમેરિકા ગયેલા છે અને ત્યાં તો ક્યાં હોય કોને ખબર? આમે ય ગાવા માટે એ થોડી ના પાડવાના છે?

ગોવિંદની અંદર બેઠેલો ગોવિંદ એને પૂછતો હતો, ‘તું પૈસા અને કીર્તિ માટે તો આમાં ભાગ લેવા માંગતો નથી ને? ગુરુજી હંમેશા કહે છે કે સરસ્વતીના ઉપાસકોએ લક્ષ્મીદેવીની કૃપાની આકાંક્ષા તો રાખવાની જ નહીં. કીર્તિની ખેવના પણ નહીં કરવાની.’ ગોવિંદે એ ગોવિંદને જવાબ આપી દીધો, ‘ના,ના. આ માધ્યમથી હું તો વિશ્વને બતાવવા માગું છું કે મારા ગુરુજી કેટલા મહાન છે. મારા થકી એમનું નામ ચોમેર ફેલાશે એ મારી એમને માટેની ગુરુદક્ષિણા હશે.’

ગોવિંદે રજીસ્ટ્રેશન કરાવી લીધું.

*****************  .       ****************        ****************

શહેર શહેરમાં ગાયકોની ચકાસણી ચાલુ થઇ. પસંદગી થવા માંડી. ગોવિંદે પહેલીવાર એ સામે બેઠેલા પ્રખ્યાત ગાયકો, સંગીતજ્ઞો સામે રાગ જોગીયાનું ‘પીયાકે મિલનકી આસ’ ગાયું ત્યારે એ લોકોએ ઊભા થઈને પૂરી ત્રણ મિનીટ સુધી તાળીઓ વગાડી હતી. મુખ્ય નિર્ણાયક એને આવીને ભેટ્યા હતા. બીજાએ કહ્યું હતું કે તમારો અવાજ આ પૃથ્વી ઉપરનો નથી. આ અવાજ સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી દેશે. અદ્ભુત, અકલ્પનીય, જેવા કંઈ કેટલાય વિશેષણોથી એને નવાજવામાં આવ્યો. એણે આગળની ચકાસણીમાં જવાની જરૂર ન હતી. એને સીધો મુખ્ય સ્પર્ધા માટે પસંદ કરી લેવામાં આવ્યો હતો.

એ દરમ્યાન ગુરુજીનો જ એના ઉપર ફોન આવ્યો. એણે ઉત્સાહથી છલકાતા અવાજે એમને સ્પર્ધાની બધી વાત કરી. એ સાંભળીને ગુરુજીના વ્હાલ ટપકાવતી બુંદો જેવા અવાજને ઉદાસીની રેતી ઘેરી વળી હોય એવું એને લાગ્યું. એણે જયારે કહ્યું કે આ બધું એ ગુરુજીના નામને વિશ્વવિખ્યાત કરવા માટે કરી રહ્યો હતો ત્યારે ગુરુજીએ એને ધીમા પણ મક્કમ અવાજમાં જણાવી દીધું, ‘ગોવિંદ, તું આ બધું મારે માટે કરતો હોય તો ન કરીશ. તું શુદ્ધ શાસ્ત્રીય સંગીતની અવિરત આરાધના કર્યા કરે એ જ મારે માટે સહુથી મોટી ગુરુદક્ષિણા છે.’

ગોવિંદની જાણ બહાર એના મોંમાંથી શબ્દો બહાર રગડી ગયાં, ‘ગુરુજી, ઇનામની રકમ કેટલી મોટી છે એ આપ જાણો છો?’

પંડિતજી ચોંક્યા. પછી બોલાયેલા એમના શબ્દો થોડા રૂંધાયેલા હતા, ‘હું ભૂલી ગયો હતો કે તું ‘ગોવિંદ’ છે. તને તો લક્ષ્મીનો મોહ થઇ જ જાય ને?’

ગોવિંદ બોલાયેલા શબ્દોને ગળી ન હતો શકતો, પણ એના વાઘા જરૂર બદલી શકતો હતો. એણે કહ્યું,  ‘ગુરુજી, ઇનામની મોટી રકમ મને મારા માટે નથી જોઈતી. હું તો સંગીત માટે કંઇક કરવા માગું છું. સંગીતના કેટલાય ઉસ્તાદોની વૃદ્ધાવસ્થા ગરીબીમાં વીતે છે. હું એમની જિંદગી સુધારવા માગું છું. હું ઇનામની રકમમાંથી સંગીત મહાવિદ્યાલયોને દાન આપીશ. આપે જેમ મારો ઉદ્ધાર કર્યો એવી રીતે હું મારા જેવા બીજા બાળકોને સહાય કરીશ. બસ, મને આશીર્વાદ આપો.’

ગુરુજી સમજી ગયા કે આ પંખીને પાંખો ફૂટી ગઈ છે, એ પણ સોનાની. એના ચળકાટમાં એને પોતાનો પડછાયો પણ દેખાતો નથી.

‘તારી મરજી’ કહીને એમણે ફોન મૂકી દીધો.

***************              *******************           ****************

ગોવિંદ સ્પર્ધામાં એક પછી એક રાઉન્ડ વટાવતો આગળ વધતો જતો હતો. હવે એ બધા હરીફોની સાથે એક મોટા શહેરમાં રહેતો હતો. એને ટી.વી. ઉપર એને જોતા પ્રેક્ષકોને ખુશ કરવાની કળા આવડી ગઈ હતી. એ ‘બદન પે સિતારે લપેટે હુએ’ ગાતા ગાતા નાચતો હતો અને ‘આજા આજા’ ગાતી વખતે સ્ટેજ ઉપર ગુંલાટો પણ મારતો હતો. મુખ્ય મહેમાન તરીકે આવતા સિતારાઓની આગળ-પાછળ ફરતો હતો અને નિર્ણાયકો એની પ્રશંસામાં ઊભા થઇ જાય ત્યારે એમની સામે નીચા નમીને જમીનને ચૂમતો હતો. બધા જ એવું માનવા માંડ્યા હતા કે આ સ્પર્ધામાં ગોવિંદ જ વિજયી બનશે.

એકવાર ગોવિંદે રાગ બાગેશ્રીનું ગીત ગાયું:

કોન કરત તોરી બિનતી પીહરવા
માનો ન માનો હમરી બતિયા.

ગોવિંદને લાગતું હતું કે આજે એ નહીં પણ એના ગળામાં બેસીને ગુરુજી ગાઈ રહ્યાં હતા. પોતે એમની વાત માની ન હતી એટલે એ એને કહી રહ્યાં હતા-‘કોન કરત તોરી બિનતી પીહરવા.’ ગોવિંદના નાભીમાંથી નીકળતા નાદને સાંભળીને ત્યાં બેઠેલા બધા જ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા. નિર્ણાયકોએ એને માથા ઉપર ઉપાડી લીધો. એમણે કહ્યું કે એ અત્યાર સુધીના બધા ગીતોમાં એ એનું સર્વશ્રેષ્ઠ ગીત હતું. થોડા સમય પછી એ પાર્શ્વગાયક તરીકે ફિલ્મોની દુનિયા પર રાજ કરશે એવી આગાહી કરવામાં આવી. આ બધું સાંભળીને ગોવિંદનું મન ગુરુજીને મળવા આતુર થઇ ગયું. એમણે ભલે નારાજ થઈને એને ફોન કરવાના બંધ કરી દીધા હતા, પણ આ બધું એમના થકી જ શક્ય બન્યું હતું ને! ગુરુજી અમેરિકાથી પાછા આવે એટલે તરત જ એ એમને મળીને પોતાની પ્રગતિ વિષે જણાવશે એટલે એમની નારાજગી દૂર થઇ જશે. આખરે એમનું ધ્યેય પણ એ જ તો હતું-‘સંગીતની સાધનામાં તને ઊંચાઈઓ પર જતો જોવો છે, ગોવિંદ.’

શ્યામસુંદરજી ભારત પાછા ફર્યા એટલે ચેનલમાંથી એક દિવસની રજા લઈને ગોવિંદ પહોંચી ગયો એમની પાસે. ગુરુજીને રીઝવવા માટે એણે મોબાઈલમાં કરેલું પોતાના ગીતનું રેકોર્ડીંગ અને પાછળ આવેલો નિર્ણાયકોનો પ્રતિભાવ બતાવ્યો. પછી એમની સામે મસ્તક નમાવીને બોલ્યો, ‘જુઓ ગુરુજી, આપની કૃપાથી આપનો શિષ્ય ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હવે મને વિજેતા થવાના આશીર્વાદ આપો   જેથી હું મારા ધ્યેયને પામી શકું.’

ગુરુજી ચૂપ રહ્યા. ગોવિંદે જોયું તો ગુરુજીની આંખોમાં જળબિંદુ ચમકી રહ્યાં હતા. એને લાગ્યું કે છેવટે પોતે સફળ થયો ખરો. પોતાના શિષ્યની આટલી સફળતા જોઇને ગુરુની આંખમાં હર્ષાશ્રુ આવે એ જ એના સંગીતની સાર્થકતા. ત્યાં તો એને પંડિતજીનો ઊંડી ગુફામાંથી આવતો હોય એવો અવાજ સંભળાયો, ‘ગોવિંદ, મને લાગે છે કે મેં આટલા વર્ષો તારી પાછળ વેડફ્યા. તું તો હતો ત્યાં નો ત્યાં જ છે. હું મારા ધ્યેય સુધી ન પહોંચી શક્યો.’

એમણે આંખો બંધ કરી અને મોં ફેરવી લીધું..

તેજોવધ થયો હોય એવી રીતે ગોવિંદ ગુરુજી સામે જોતો રહ્યો. જયારે આખું વિશ્વ એની પ્રશંસા કરતુ હતું ત્યારે ગુરુજીના આવા પ્રતિભાવની એણે આશા ન’તી રાખી. એનાથી પૂછાઈ ગયું, ‘હતો ત્યાં નો તો ત્યાં! એટલે?’

‘એટલે એમ કે આ વિડીયોમાં તને – “પ્લીઝ પ્લીઝ મને વોટ આપજો” કહેતો સાંભળીને મને એ ગોવિંદ યાદ આવી ગયો જે મંદિરની બહાર બેસીને ગીત ગાયા પછી બધા સામે વાટકો ધરતો હતો.’

ગોવિંદ નીચે ફસડાઈ પડ્યો. વાટકો ધરતો ગોવિંદ અને વોટ માંગતો ગોવિંદ વારાફરતી એની સામે આવતાં રહ્યાં. ક્યાંય સુધી એના મોબાઈલની રીંગ વાગતી રહી પણ એને તો અંદરની રૂમમાંથી આવતા રાગ આહીર ભૈરવના કરુણ આલાપો જ સંભળાતા હતા. એનું હૃદય ક્યારે એ આલાપોના ‘રે’ અને ‘ની’ કોમળ સ્વરોની બંદિશની સંગત કરવા માંડ્યું એની એને પોતાને પણ ખબર ન પડી.


ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા-સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪


સુશ્રી ગિરિમા ઘારેખાન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વાર્તા, લઘુકથા, નવલકથા, લઘુનવલ, વ્યક્તિ ચરિત્રો ઇએવાં સ્વરૂપોની રચનાઓ માટે આગવું સ્થાન ધરાવે છે. તેમની વાર્તાઓ પરબ, નવનીત સમર્પણ, શબ્દ સૃષ્ટિ, કુમાર વગેરે બધા પ્રતિષ્ઠિત સામયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતી રહે છે. વાર્તાઓનો મરાઠી અને હિન્દી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને એ ભાષાના સામયિકોમાં પ્રકાશિત પણ થઈ છે. બાળવાર્તાઓનાં પ્ણ તેમનાં ત્રણ પુસ્તકો થયાં છે.

વેબ ગુર્જરી પર ગિરિમાબેનનું સપ્રેમ સ્વાગત છે.

– રાજુલ કૌશિક , ગદ્ય વિભાગ સંકલન સમિતિ વતી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.