નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૮

માણસ સંબંધોના ભ્રમમાં આખી જિંદગી ગાળી દે છે

નલિન શાહ

માનસી જુહુમાં રાજુલના બંગલે પહોંચી ત્યારે ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તાની સામગ્રી ગોઠવાઈ રહી હતી.

‘તારી જ વાટ જોવાતી હતી.’ રાજુલે માનસીને જોઈને કહ્યું.

‘એટલે જ ચા પીધા વગર આવી છું’. માનસીએ બાપુની બાજુમાં જગ્યા લેતા કહ્યું, ‘બાપુ, હવે તમને કેમ છે એમ પૂછવાની પણ જરૂર નથી લાગતી. તમારે ચહેરો જ કહે છે કે તમે તંદુરસ્ત છો, પણ એવી શી ઉતાવળ છે ગામ જવાની?’

‘ઉતાવળ તો શી હોય, પણ, પણ…’

‘પણ દીકરીનું ઘર છે. કેટલો વખત રહેવાય. એમ જ ને?’

‘બાપુ!’ માનસીએ કહ્યું, ‘સ્થપાયેલા રિવાજોનું આંધળું અનુકરણ કરનારા સમાજનું સૌથી વધુ નુકસાન કરે છે. તમારી બંને દીકરીઓએ તમને દીકરાની ખોટ સાલવા નથી દીધી અને અહીંની સેવામાં તમને કોઈ ખોટ લાગી?’

‘ના ભૈ ના. અમે તો સુનિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ તો ગામ સાંભરે છે ને ડૉક્ટરે પણ રજા આપી છે એટલે જઈએ છીએ ને જ્યારે ચેક-અપ માટે આવવાનું થશે ત્યારે પાછાં અહીં જ આવશું ને!’

‘બાપુ, તમારી પાસે બધી વાતના જવાબો છે.’ માનસીએ હસીને કહ્યું.

‘ના, માનસી અમે તો સમાજના નિયમોને ક્યારના નેવે ચઢાવી દીધા છે. સમાજ તો નબળાને દબાવે. જો ને, શશીને ગ્રામ સેવાનું કામ કરતી વેળા ગમે એમ બોલીને વગોવતા’તાં ને! પદ્મશ્રી મળ્યો ત્યારે સત્કાર કર્યો. ’

ચા પીતાં પીતાં રતિલાલ માનસીને સંબોધીને બોલ્યા, ‘દીકરી, કેટલું મુશ્કેલ હતું ઓપરેશન! કહેવાય છે કે અહીં હજી એટલું પ્રચલિત નથી. પરાગનો જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. પણ સાચું કહું તો એની માના બાપ તરીકે અમારી પાસે બે પૈસા ઓછા લે એ તો સમજાય એવી વાત હતી પણ સાવ ના લે એ જરા ખૂંચ્યું. આ તો દીકરીના ઘરનો લાભ લેવા જેવું થયું.’

સાંભળીને માનસીનું હૃદય ઘૃણાથી ભરાઈ ગયું. પ્રેમ અને લોહીના સંબંધો પણ કેવા અટપટા હોય છે! માણસ એ સંબંધોના ભ્રમમાં આખી જિંદગી ગાળી દે છે. પ્રભુ કોઈને એ માની લીધેલા સંબંધો અજમાવવાની ફરજ ના પાડે. કારણ જ્યારે ભ્રમ ભાંગે છે ત્યારે જિંદગીની વિષમતાઓનો સામનો કરવો પડે છે. એ તો સારું થયું કે સુનિતાબેને એમને ઉગાર્યા. બાપુને જો વાસ્તવિકતાની જાણ હોત તો આવા ડૉક્ટરના હાથે સાજા થવા કરતાં મરવાનું વધારે પસંદ કર્યું હોત.

બાપુના મોંએ પરાગની સ્તુતિ સાંભળી માનસીએ કોઈ પ્રતિકાર ના દર્શાવ્યો. મૌન જાળવી રાખ્યું, જે બાપુએ એમની વાતનું સમર્થન માની લીધું હશે.

સુનિતાએ વાતને વળાંક આપવા કહ્યું, ‘માનસી, ગામ જવાની આગલી રાત્રે તું અહીં જ વહેલી સવારે બે ગાડી લઈ આવજે. અહીંથી જ નીકળી જઈશું. માનસીએ સંમતિસૂચક હકારમાં ડોકું હલાવ્યું.

કન્સલ્ટિંગ રૂમનો સમય થયો હોવાથી માનસી જવાને ઊભી થઈ. ‘સુનિતાબેન, શું કામ હતું મારું?’ એણે પૂછ્યું.

‘જરા બે વાત કરવી’તી’ કહીને સુનિતા ઊભી થઈને માનસીને બીજા ઓરડામાં દોરી ગઈ. રાજુલને પણ અંદર આવવા ઇશારો કર્યો.

સુનિતાએ સોફામાં માનસીને બાજુમાં બેસાડી કહ્યું, ‘માનસી, કુટુંબની આબરૂ બચાવવાને અને બાપુને સારું લગાડવા માટે તને કેટલી તકલીફ  પડી હશે એ હું સારી રીતે સમજી શકું છું. મને દુઃખ કેવળ એ વાતનું થાય છે કે તેં મને પણ પારકી ગણી.’

‘હું કાંઈ સમજી નહીં.’ માનસીએ મૂંઝવણ અનુભવતા કહ્યું.

‘સમજાવું છું….’ સુનિતાએ કહ્યું અને પર્સ ખોલી એક મોટું એન્વેલપ કાઢી માનસીના હાથમાં આપ્યું.

‘માનસી, સાચું કહું તો ભગવાને મને બે દીકરા આપ્યા હોત તો તારા જેવી વહુ પામી હું કેટલી ધન્ય ધન્ય થઈ ગઈ હોત ને તારી અને રાજુલની જોડી પણ કેટલી શોભત! હું સાચે જ નિશ્ચિંત થઈને નિવૃત્ત જીવન ગાળત અને તમારાં બાળકો સાથે આનંદની પળોમાં સમય વીતાવત.’

માનસી આશ્ચર્ય પામી સુનિતાની સામે જોઈ રહી, ‘આ શું છે?’ એન્વેલપ બતાવી એણે પૂછ્યું.

‘આ છે તારા ઓપરેશન માટે હોસ્પિટલમાં ભરેલા પૈસા.’

‘સુનિતાબેન!’ માનસીએ ચમકીને ઊંચા સાદે સુનિતાબેનને સંબોધ્યાં.

‘હું કાંઈ એટલી મૂર્ખ નથી કે સાચી સ્થિતિ પામી ન શકું. જરૂર લાગે તો હું રાજુલને પણ ધમકાવી શકું છું અને તને પણ હુકમ આપી શકું છું. કેમ રાજુલ, બરાબર કહું છું ને?’ રાજુલે સંમતિસૂચક સ્મિત આપ્યું. ‘મારે કોઈ દલીલ ના જોઈએ. જ્યાંથી લાવી હોય ત્યાં પહોંચાડી દે, એટલે પત્યું.’ સુનિતાએ હાથ ઊંચો કરી માનસીને કોઈ પણ પ્રકારનો વિરોધ કરતાં અટકાવી, ‘બાપુ ભ્રમમાં છે એ જ એમને માટે સારું છે, એટલે આ વાત આપણાં ત્રણ સિવાય કોઈ ના જાણે.’

માનસી જાણતી હતી કે સુનિતા આગળ એનું ચાલે તેમ નહોતું. કચવાતા મને એણે પૈસા સ્વીકાર્યા. ‘કેટલા છે?’ એણે પૂછ્યું. ‘દોઢ લાખ.’ સુનિતાએ કહ્યું, ‘ને ભવિષ્યમાં ક્યારેય કોઈ જરૂર ઊભી થાય તો તું મારા અને રાજુલ પર અવલંબી શકે છે અને તે પણ હક્કથી. અમારા બંને ઘરો તારે માટે હંમેશાં ખુલ્લા છે. ખાવા, પીવા ને રહેવા માટે- પણ જો તું અમને પારકાં ના ગણતી હોય તો.’

આટલું કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે સુનિતા માનસીના સિદ્ધાંતો અને એની વ્યથાથી પૂરી રીતે વાકેફ હતાં.

‘હા, માનસી તારી ગાડીનું શું થયું?’ એણે પૂછ્યું.

‘પરાગે ફિયાટ બુક કરાવી છે ને મારે જરૂર પણ છે. આમાંથી ચૂકવી દઈશ. શું ભાવ છે ફિયાટનો આજકાલ?’

‘પિસ્તાળીશથી પચાસ હજારનો.’ રાજુલે કહ્યું.

‘કેમ, પરાગે માંગ્યા છે?’ સુનિતાએ વિસ્મયથી પૂછ્યું.

‘ના, એ તો ગિફ્ટ છે. પણ મને પરાગના પૈસાનો રંગ પસંદ નથી ને એ પૈસામાં બાપુનાં ઓપરેશન પેટે લીધેલા દોઢ લાખ પણ સામેલ છે ને!’

સુનિતાએ માનસીને ગળે વળગાડીને વહાલથી એના માથે હાથ ફેરવ્યો, ‘સંજોગો એની મેળે ઘડાય છે. ક્યારે કોને ભેગાં કરે છે ને ક્યારે કોને વિખૂટાં પાડે છે એ કળવું મુશ્કેલ છે. આપણે બધાં તો કઠપૂતળીની જેમ છીએ. તું ઉપડ હવે, લેટ થતું હશે. ને ગામ જવાની આગલી સાંજે આવી જજે થોડો સામાન લઈને. આપણે રાત્રે ઉજાણી કરશું. ને તારાં સાસુ કેમ છે?’

‘ઠીક છે. બહુ સામે આવતાં નથી. ઘણું ખરું તો સૂનમૂન થઈને બેસી રહે છે.’

‘વાંક બધો આ રાજુડીનો છે.’ સુનિતાએ સખ્તાઇનો ડોળ કરી કહ્યું. ‘ગામડામાં કોઈ લંગડા-લૂલાને પરણી હોત તો એની ધન્નો આટલી દુઃખી ના થાતે ને!’

‘વાંક તમારો ને તમારા દીકરાનો છે. મને એવો કોઈ મોકો જ ન આપ્યો.’ રાજુલે આંખો નચાવતાં કહ્યું.

ને બધાં ખડખડાટ હસી પડ્યાં.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.