ભાષાને વળગી શકે ભૂર, રાજકારણમાં જીતે એ શૂર

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ભાષાનો પ્રવાહ નદીના પ્રવાહની જેમ સતત બદલાતો રહે છે.  સો વરસ પહેલાંની આપણી ગુજરાતી ભાષા જોઈને આજે આપણને હસવું આવે, પણ આજે વપરાતી ભાષાને જોઈને ભવિષ્યમાં કોઈને નવાઈ લાગે તો આશ્ચર્ય નહીં! જો કે, જે રીતે જાહેર માધ્યમોમાં ભાષાની અવદશા થઈ રહી છે, અને એ બાબતે જે રીતની ઉદાસીનતા સેવાઈ રહી છે એ જોઈને લાગે છે કે કપાળ કૂટવા માટે ભવિષ્ય સુધી રાહ જોવાની જરૂર નહીં રહે. ગુજરાતી લિપિની વાત કરીએ તો એ જે રીતે સંકર બની રહી છે એ પરિસ્થિતિ માત્ર ચિંતાજનક નથી, બલકે કરુણ છે. કારણ કે હવે સૌ કોઈને વ્યવહારોપયોગી ભાષાનો જ ખપ છે. પ્રસાર અને પ્રચાર માધ્યમો જેવાં સમૂહ પ્રત્યાયનનાં માધ્યમો અમુક અંશે લોકો પર પ્રભાવ પાડી શકે એમ છે, પણ ભાષા બાબતે સૌથી વધુ ઉદાસીનતા તેમના દ્વારા જ દાખવવામાં આવે છે.

ગુજરાતી ભાષાની સ્થિતિ અન્ય ભારતીય ભાષાઓની છે કે કેમ એ સંશોધનનો વિષય બની શકે એમ છે. આવા માહોલમાં ગોવા રાજ્યમાં જરા જુદા પ્રકારની માંગ થઈ રહી છે. ગોવાની અધિકૃત ભાષા કોંકણી છે, અને ગોવા આધિકારીક ભાષા કાનૂન 1987, પરિચ્છેદ 2 (સી) અનુસાર ‘કોંકણી એટલે દેવનાગરી લિપિમાં લખાયેલી કોંકણી ભાષા.’ હવે દેવનાગરીની સાથોસાથ રોમન લિપિમાં લખાયેલી કોંકણી ભાષાને પણ અધિકૃત ગણવાની માંગ થઈ રહી છે.

આ પ્રકારની માંગણી પહેલી વાર થઈ રહી નથી. પાંત્રીસ વર્ષથી, એટલે કે ફેબ્રુઆરી, 1987માં ભાષા કાનૂન અમલી બનાવાયો ત્યારથી રોમન લિપિમાં લખાતી કોંકણીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગણી કરાતી આવી છે. અત્યારે જે પ્રતિનિધિમંડળ આ માંગણી કરી રહ્યું છે તેના જણાવ્યા મુજબ કોંકણીને કેવળ દેવનાગરી લિપિ પૂરતી મર્યાદિત કરવી રોમન લિપિમાં કોંકણી લખી રહેલાઓને અન્યાય કરવા બરાબર છે. કોંકણીને ગોવાની અધિકૃત ભાષાનો દરજ્જો આપવાનું અભિયાન ચાલેલું એ દરમિયાન કેવળ દેવનાગરી લિપિ પૂરતી કોંકણીને મર્યાદિત કરવાની વાત ન હતી. રોમન લિપિમાં કોંકણી લખનારા લોકોનો પણ આ અભિયાનમાં મહત્ત્વનો હિસ્સો હતો. એ માટેનો ઓપિનિયન પોલ થયો એમાં પણ રોમન લિપિમાં કોંકણી લખનારાની ભૂમિકા મહત્ત્વની હતી. પ્રતિનિધિમંડળે આપેલી માહિતી અનુસાર દેવનાગરી લિપિના તરફદારોએ રોમન લિપિના તરફદારોનો દ્રોહ કર્યો અને ગોવા આધિકારીક ભાષા કાનૂન, 1987માં કોંકણી ભાષાની વ્યાખ્યાને કેવળ ‘દેવનાગરી લિપિ’ પૂરતી સીમિત કરી દીધી.

પાંત્રીસ વર્ષથી આ અન્યાયબોધ કોંકણી ભાષાના પ્રેમીઓના મનમાં ઘૂમરાતો રહ્યો છે. રાજકીય પક્ષ આ મુદ્દાને કેટલું મહત્ત્વ આપે છે એ જોવાનું રહે છે. માનો કે કોઈ પક્ષ આ મુદ્દાનો પોતાના ચૂંટણીઢંઢેરામાં સમાવેશ કરે તો પણ સત્તામાં આવ્યા પછી આ કાનૂનમાં કોઈ ફેરફાર કરશે કે કેમ એ સવાલ ઊભો છે. એમ હોત તો સાડા ત્રણ દાયકામાં કોઈક પક્ષે આ બાબતે પહેલ કરી જ હોત.

ભાષા આમ પણ રાજકારણીઓ માટે મહત્ત્વનો મુદ્દો બની રહે છે. ભાષા જેવા દેખીતા મુદ્દે રાજકારણ રમવું સરળ પડે છે, કેમ કે, તેમાં તરફદાર અને વિરોધીઓના વિભાજન સ્પષ્ટ હોય છે. મુખ્યત્વે વિદેશમાં વસવાટ કરતા ગોવાના વતનીઓ, રોમન લિપિમાં કોંકણી લખનારો મોટો યુવાવર્ગ તેમજ લેખકો આ લિપિનો ઉપયોગ કરી રહ્યા છે. રોમન લિપિ માન્ય થાય તો અનેક લેખકો વિવિધ પુરસ્કાર માટે લાયક બની શકે.

અસલમાં ‘રોમી કોંકણી’ તરીકે ઓળખાતી, રોમન લિપિમાં લખાતી કોંકણીનો જૂનો ઈતિહાસ છે. સોળમી સદીના ગાળામાં ગોવા આવેલા કેથલિક મિશનરીઓએ આ લિપિને પ્રત્યાયનના માધ્યમ તરીકે અપનાવી. સત્તરમી સદીમાં મરાઠાઓ દ્વારા સ્થાનિક કેથલિકો અને તેમનાં ચર્ચ પર વારેવારે હુમલા થવા લાગ્યા. તેને પહલે પોર્ચુગીઝ શાસને ગોવામાં કોંકણીનું દમન શરૂ કર્યું, જેથી સ્થાનિક કેથલિક લોકો પૂર્ણપણે પોર્ચુગીઝ શાસકો સાથે તાદાત્મ્ય અનુભવી શકે. આનું ધાર્યું પરિણામ મળવા લાગ્યું. ધીમે ધીમે દસ્તાવેજોમાં પણ પોર્ચુગીઝ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ન થાય તો તેના ભંગ બદલ કારાવાસની સજા થતી. આ દોર સતત ચાલતો રહ્યો. પરિણામે અહીંના ભદ્ર લોકો પોર્ચુગીઝની સાથેસાથે મરાઠી અપનાવવા લાગ્યા અને કોંકણી નોકરોની ભાષા ગણાવા લાગી.

આપણા દેશને સ્વાતંત્ર્ય 1947માં મળ્યું, પણ ગોવા પર પોર્ચુગીઝ શાસન ચાલુ રહ્યું, જેમાંથી તેને છેક 1961માં મુક્તિ મળી. એ સાથે જ પોર્ચુગીઝનો અસ્ત કળાવા લાગ્યો અને અંગ્રેજીનો ઉદય થવા લાગ્યો. એ પછી ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવાની વાતે મરાઠી અને કોંકણી ભાષાને ગોવાની અધિકૃત ભાષા ઘોષિત કરવા માટેનો સંઘર્ષ ચાલ્યો. અખિલ ભારત કોંકણી પરિષદે પોતાના આઠમા અધિવેશનમાં કેન્‍દ્રિય સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી કે કોંકણીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવે. આખરે ગોવા સ્વતંત્ર કેન્‍દ્રશાસિત પ્રદેશ બની રહ્યો અને કોંકણી ભાષાને નવેસરથી સ્વીકૃતિ મળવા લાગી.

‘રોમી કોંકણી’માં ગોવાના કેથલિક ચર્ચનું ધર્મસાહિત્ય લખાયેલું છે. એ ઉપરાંત ગોવાની મુક્તિ અગાઉ કોંકણી સાહિત્ય પણ મોટે ભાગે આ લિપિમાં જ લખાતું. ફાધર એદુઆર્દો બ્રુનો ડીસોઝાએ ‘ઉદેંતેચે સાળક’ નામનું માસિક ઈ.સ.1889માં રોમી કોંકણીમાં પ્રકાશિત કરેલું. પહેલવહેલી કોંકણી નવલકથા ‘ક્રિસ્તાંવ ઘરાબો’ પણ એમણે આ જ લિપિમાં લખેલી. રેજિનાલ્ડો ફર્નાન્ડિસે ‘રોમી કોંકણી’માં દોઢસોથી બસોની વચ્ચે નવલકથાઓ લખેલી છે. આમ, રોમી કોંકણીની પરંપરા જૂની, અને ઘણી ખેડાયેલી છે.

જો કે, લિપિનો આ મુદ્દો હવે રાજકારણનો બની ગયો છે. તેથી તેનો શો નિવેડો આવશે એ કહેવાય નહીં, પણ તેની પર રાજકારણ રમાશે એ નક્કી. ગુજરાતી ભાષા માટે આવી ચિંતા કરવાનો વારો આવશે નહીં, કેમ કે, ગુજરાતમાં રાજકારણ ભાષા માટે નહીં, કોમ માટે ખેલાતું આવ્યું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪ -૦૨ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ભાષાને વળગી શકે ભૂર, રાજકારણમાં જીતે એ શૂર

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.