સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૩) શાશ્વત સંઘર્ષ


નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

સુખ્યાત શાસ્ત્રીય સંગીતજ્ઞ અને પ્રતિષ્ઠિત ‘સંગીત સામ્રાજ્ઞી’ ખિતાબનાં વિજેતા એવાં ગાયિકા કિશોરી આમોનકર ફિલ્મોમાં ગાવાની પ્રવૃત્તિને બહુ સન્માનીય નથી ગણતાં. એક જાણીતા દૈનિકને થોડાં વર્ષો અગાઉ આ બાબતે એમણે કહ્યું હતું, “શાસ્ત્રીય સંગીતથી ઉલટું, ફિલ્મી અને રૉક સંગીતનું (સંગીતની દુનિયામાં) કોઈ સ્થાન જ નથી.શ્રોતાના મનમાં નિર્મળ લાગણી પ્રગટાવવાની જગ્યાએ એવું સંગીત માત્ર આવેશને જન્માવે છે.” આવો અભિપ્રાય ઉચ્ચારનારાં એ રુઢીચુસ્ત શાસ્ત્રીય સંગીતવિદુષી સુશ્રી આમોનકરે સને ૧૯૯૦માં ફિલ્મ ‘દૃષ્ટિ’ માટે સંગીતકાર અને ગાયિકા તરીકે આ વર્જિત ભૂમીમાં શાથી પગપેસારો કરવો પડ્યો હશે એની નવાઈ લાગે.

સુશ્રી કિશોરી આમોનકર

શાસ્ત્રીય સંગીતના જે હિમાયતિઓ  ફિલ્મસંગીતને વખોડી નાખે છે, તેમણે યાદ રાખવું ઘટે કે એમની ખયાલ ગાયકીના પ્રકારને અગાઉના સમયના ધ્રુપદ ગાયકીના ઉપાસકો નીચી દ્રષ્ટિએ જોતા હતા. એ જ રીતે પરંપરાવાદી ખયાલ ગાયકીનો મહિમા કરનારા કેટલાક કલાકારો ઠુમરી ગાયનને જ ઉતરતું ગણતા હોય એવી સ્થિતિમાં ગઝલ કે ફિલ્મી ગીતોની વાત ક્યાં કરવી! જ્યારે પંડીત ઓમકારનાથ ઠાકુરે કોલંબીયા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી રેકોર્ડ (GE 3143) માટે બે ગુજરાતી ગઝલો ગાઈ, ત્યારે કદાચ એમને ભારે ક્ષોભ થયો હશે. (આ કારણથી) તે રેકોર્ડ ઉપર લખાવવામાં આવેલું, ‘લોકલાગણીને માન આપીને’. તેમને આવો અપરાધભાવ શાથી અનુભવાયો હશે? ઉસ્તાદ બીસ્મીલ્લાહ ખાનને ફિલ્મ ‘ગુંજ ઉઠી શહેનાઈ’(૧૯૫૯) માટે વાદન કરવામાં કે પછી ઉસ્તાદ અમીર ખાનને ફિલ્મ શબાબ(૧૯૫૪) માટે ભજન (દયા કર હે ગીરીધર ગોપાલ) ગાવામાં આવો કોઈ જ છોછ નહોતો અનુભવાયો.

ઉસ્તાદ અમીર ખાન અને (તેમની જમણી તરફ) ગુલામ મહમ્મદ અન્ય કલાકારો સાથે

એક યા બીજા સમયે ઘણાં શાસ્ત્રીય સંગીતનાં કલાકારો ફિલ્મી સંગીત સાથે સંકળાયાં છે. જેમ કે ૧૯૩૦ના દાયકામાં ગોવીંદરામ તામ્બે અને માસ્ટર કૃષ્ણારાવ જેવા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયકોએ પ્રભાત પીક્ચર્સની શરૂઆતની ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. ૧૯૩૭ની ફિલ્મ ‘પ્રતિભા’ માં હીરાબાઈ બરોડેકરે અભિનય કર્યો હતો અને ગાયું પણ હતું. લખનૌની ભાતખંડે સ્કૂલ ઑફ મ્યુઝીકમાં શીખેલાં સરસ્વતી દેવીએ ૧૯૩૫ થી ૧૯૫૦ના સમયગાળામાં ૩૦ કરતાં વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. પ્રોફેસર બી આર દેવધરે અને માસ્ટર કૃષ્ણરાવે દસ દસ ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. તો વાંસળીવાદક પન્નાલાલ ઘોષને ખાતે નવ ફિલ્મો નોંધાયેલી છે. જાણીતા શાસ્ત્રીય ગાયક ફીરોઝ દસ્તૂર પણ ફિલ્મસંગીત સાથે નિકટથી સંકળાયેલા રહ્યા હતા. કર્ણાટકી સંગીતનાં ઉપાસક અને ૧૯૯૮માં ભારત રત્ન સન્માનથી વિભૂષિત થયેલાં એવાં એમ.એસ.સુબ્બાલક્ષ્મીએ ફિલ્મ ‘મીરાં’(૧૯૪૭)માં અભિનય પણ કર્યો હતો અને એને માટે ૧૮ ગીતો પણ ગાયાં હતાં.

શાસ્ત્રીય સંગીતના એકદંડીયા મહેલમાં બેસીને ફિલ્મી સંગીતને વખોડનારાઓએ શાસ્ત્રીય સંગીતને અને તેના કલાકારોને જનસામાન્યમાં લોકપ્રિય બનાવવામાં કરેલા ફિલ્મસંગીતના મહત્વના પ્રદાનને જાણવું જોઈએ. ‘તાનસેન’, ‘ભરથરી’ અને ‘મહલ’ જેવી ફિલ્મોના સંગીતકાર ખેમચંદ પ્રકાશ એક ધ્રુપદ ગાયક તેમ જ કથ્થક નૃત્યકાર હતા. પંડીત હુશ્નલાલ કે જેમણે ભગતરામની સાથે મળીને ‘બડી બહન’, ‘પ્યારકી જીત’ અને ‘શમા પરવાના’ જેવી અનેક ફિલ્મો માટે સંગીત આપ્યું તે ખયાલ ગાયક અને વાયોલીન વાદક હતા. તબલા નવાઝ અલ્લા રખાએ ૧૯૪૩ થી ૧૯૬૪ દરમિયાન ‘સબક’, ‘બેવફા’ અને અન્ય મળીને કુલ ૪૦ ફિલ્મોનું સંગીત તૈયાર કર્યું હતું.

આ વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને ૧૯૫૦ થી ૧૯૬૦ના ગાળામાં ઘણા મહારથી શાસ્ત્રીય કલાકારોએ ફિલ્મસંગીત ક્ષેત્રે  કરેલા યોગદાનને અવગણી શકાય નહીં. અમીર ખાન( ‘બૈજુ બાવરા’, ‘શબાબ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘રાગીની’), ડી.વી. પલુસકર(‘બૈજુ બાવરા’), ભીમસેન જોશી(‘બસંત બહાર‘) અને બડેગુલામ અલી ખાં(‘મુગલ એ આઝમ’) જેવા ગાયકોએ ફિલ્મો માટે ગાયું. એ જ રીતે અબ્દુલહલીમ જાફર ખાં( સીતાર), અલીઅકબર ખાં(સરોદ) અને રામનારાયણ(સારંગી) જેવા કલાકારોએ વાદક તરીકે પ્રદાન કર્યું. સીતારવાદક રવિશંકરે ‘અનુરાધા’(૧૯૬૦), ‘ગોદાન’(૧૯૬૩) અને ‘મીરાં’(૧૯૭૯) માટે સંગીત તૈયાર કર્યું. એ જ રીતે સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસીયાએ પોતાના જાહેર કાર્યક્રમો વચ્ચેથી સમય કાઢીને ફિલ્મો માટે લોકપ્રિય ગીતો સર્જ્યાં. આ દિગ્ગજોએ પોતાનું સ્તર નીચે ન ઉતરવા દીધું, બલ્કે તેમણે ફિલ્મી સંગીતનું સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું.

કિશોરી આમોનકરનો ફિલ્મી સંગીતને માટેનો અણગમો એની સમયાવધિને અનુલક્ષીને પણ હતો. એમને લાગતું કે એક રાગને ત્રણ મીનિટમાં શી રીતે રજૂ કરી શકાય! પણ તેમના આ વાંધા માટે એક જ જવાબ આપી શકાય_ હિંમત એ મર્દા તો મદદ એ ખુદા. આ સમજવા માટે અબ્દુલ કરીમ ખાંના અવાજમાં રાગ દેસીમાં પિયા મિલન કી આસ, રાગ નટ બિહાગમાં ફૈયાઝ ખાંનું ગાયેલું ઝન ઝન ઝન પાયલ બાજે કે પછી સુશ્રી આમોનકરનાં માતા અને ગુરુ એવાં મોઘુબાઈ કુરડીકર તેમ જ બીજા અનેક મુર્ધન્ય કલાકારો ના અવાજમાં ધ્વનિમુદ્રીત થયેલા માત્ર ત્રણ મીનિટ માટેની રાગની રજૂઆતની જાદૂઈ અસર માણવી જોઈએ. ત્યાર પછી તો જો કે ચુમ્બકીય ટેપનો આવિષ્કાર થતાં લાંબા સમય માટેનું ધ્વનિમુદ્રણ શક્ય બન્યું.

કેટલીયે વાર એવું બને છે કે ફિલ્મી ગીતમાં વાદ્યવૃંદ થકી રાગની અસર વધુ સારી રીતે ઉપસી આવે છે. ઉદાહરણ તરીકે કેટલાંક ગીતો લઈએ તો રાગ ગારામાં ગવાયેલું મોહે પનઘટ પે નંદલાલ (ફિલ્મ ‘મુગલ એ આઝમ-૧૯૬૦), રાગ મિયાં મલ્હારમાં સ્વરબધ્ધ થયેલું ફિલ્મ ‘ગુડ્ડી’(૧૯૭૧)નું બોલે રે પપીહરા, ૧૯૬૦ની ફિલ્મ ‘કોહીનૂર’નું મધુબન મેં રાધિકા નાચે રે કે જે રાગ હમીરમાં છે, ફિલ્મ ‘રાગરંગ’(૧૯૫૨)નું યમન રાગમાં ઢળાયેલું ગીત એ રી આલી પિયા બિન, ૧૯૫૯ની ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’નું તિલંગ રાગમાં નિબધ્ધ એવું સજન સંગ કાહે નેહા લગાયે અને બીજાં અગણિત ગીતો ગણાવી શકાય.

એ હકિકતને નકારી ન શકાય કે શાસ્ત્રીય સંગીતને અંતરિયાળ ગામડામાં રહેતા સામાન્ય જણ સુધી ફિલ્મી સંગીતે પહોંચાડ્યું છે. કિશોરી આમોનકરને એમના જાહેર કાર્યક્રમોમાં સાંભળનારાઓ કરતાં ૧૯૬૪ની ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોં ને’ના ગીતમાં સાંભળનારાઓ સાંભળનારાઓની સંખ્યા ઘણી મોટી હશે. રાગ ઝીંઝોટીમાં ઉસ્તાદ અબ્દુલકરીમ ખાંએ ગાયેલી ઠૂમરી પિયા બિન આવત નહીં ચૈન ફિલ્મના ‘દેવદાસ’ના પાત્ર તરીકે કુંદનલાલ સાયગલે નશીલી અસરમાં રજૂ કરી એનાથી ખુદ ઉસ્તાદજી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. બે મીનિટથી પણ ઓછા સમયમાં પોતાની આગવી રજૂઆત વડે સાયગલ રાગના મૂળ સુધી પહોંચ્યા હતા, જે કોઈ ઉસ્તાદની પણ કલ્પનાની બહારની સિધ્ધી હતી.

થોડાં વર્ષો અગાઉ કિશોરી આમોનકર સાથે થયેલી વાત મને યાદ આવે છે. તેમણે કારકીર્દિની શરૂઆત(૧૯૬૭)માં રાગ હમીરમાં ગાયેલી ઠૂમરી ‘કોયલીયા ના ગા ડર ડર કે’ મેં તેમને યાદ કરાવી. (મેં કહ્યું કે) જ્યારે જ્યારે એ (દિલ-દિમાગને) ડોલાવી દેનારી રજૂઆત સાંભળી છે ત્યારે તે મને અંદરથી સ્પર્શી ગઈ છે. તેમણે મને પ્રતિપ્રશ્ન કર્યો કે મેં તેમના સ્વરમાં ‘બાબુલ મોરા’ સાંભળ્યું છે કે કેમ! મારો જવાબ હકારમાં આપતાં મેં પૂછ્યું કે એમણે ૧૯૩૮ની ફિલ્મ ‘સ્ટ્રીટ સીંગર’માં સાયગલના અવાજમાં ગવાયેલી એ જ રચના સાંભળી છે? પછી તરત જ હું કોની સાથે વાત કરી રહ્યો હતો એનું ધ્યાન રાખ્યા વગર મેં એક ફિલ્મી ગીતનો ઉલ્લેખ કરી દીધો હતો એનો વિચાર આવતાં જ હું હલી ગયો. પણ, જવાબ મળતાં હું ચકિત થઈ ગયો. એમણે કહ્યું, “સાયગલે ‘બાબુલ મોરા’ને અમર કરી દીધું છે. હું નથી માનતી કે અન્ય કોઈ ગાયક એમનાથી આગળ નીકળી શકે.”

આમ, જે હોય તે, મારા કહેવાથી શાસ્ત્રીય સંગીતની આભા ઝાંખી ન પડી શકે. એ જ રીતે કિશોરી આમોનકરના કહેવાથી ફિલ્મી સંગીતની મહત્તામાં ઘટાડો પણ ન થાય. શાસ્ત્રીય સંગીત અને ફિલ્મી સંગીતની વચ્ચે પરસ્પર સંઘર્ષ શક્ય જ નથી. શાસ્ત્રીય સંગીતનું કલામૂલ્ય ઘણું ઊંચું છે, પરંતુ ફિલ્મી સંગીતને કમ ગણાવીને ઉતારી ન પાડી શકાય. ભૂતકાળમાં શ્રોતાઓને સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરાવે એવું સંગીત ફિલ્મો માટે તૈયાર કરનારા અનેક સંગીતકારો થઈ ગયા છે.  કિશોરી આમોનકર જેટલા જ ફિલ્મસંગીતને સમર્પિત હતા.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.