રજા-રાજને દેશવટો આપવો અશક્ય છે ?

નિસબત

ચંદુ મહેરિયા

બ્રિટીશ રાજની ગુલામીમાંથી આપણો દેશ પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ મુક્ત થયો હતો. પરંતુ તે પછીયે દેશના કેટલાક પ્રદેશો પર વિદેશી હકુમત જારી હતી.હાલનો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી છેક ૧૯૫૪ સુધી પોર્ટુગીઝ શાસનના તાબામાં હતો અને બીજી ઓગસ્ટ ૧૯૫૪ના રોજ આઝાદ થયો હતો. એટલે તે દિવસ દાદરાનગર હવેલીનો આઝાદી દિન છે. ૧૯૫૪ થી ૨૦૨૦ સુધી દાદારનગર હવેલીને બે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજાઓ મળતી હતી. ૨૦૨૧માં દાદરાનગર હવેલીના અલગ સ્વાતંત્ર્ય દિનની રજા બંધ કરવામાં આવતાં તેનો વિરોધ થયો. આ બાબતે મુંબઈની વડી અદાલતમાં દાદ માંગવામાં આવી હાઈકોર્ટે અરજદારની જાહેર રજાની માંગણી નકારી કાઢી અને તેના ચુકાદામાં નોંધ્યું છે કે જાહેર રજા એ કોઈ મૂળભૂત અધિકાર નથી કે તે કાયદાકીય રીતે અમલી બનાવવા યોગ્ય અધિકાર પણ નથી.

દાદરાનગર હવેલીના આઝાદી દિનની રજા નકારતાં ચુકાદામાં અદાલતે એમ પણ કહ્યું છે કે  દેશમાં એટલી બધી જાહેર રજાઓ છે કે તેમાં ઘટાડો કરવાની જરૂર છે, નહીં કે વધારો કરવાની. વિડંબના એ પણ છે કે હજુ ગયા વરસોમાં જ દાદરાનગર હવેલીના એક શિક્ષક નામે ધીરજલાલ નાયક પાંત્રીસ કરતાં વધુ વરસોની તેમની નોકરી  દરમિયાન એક પણ રજા ભોગવ્યા વિના નિવ્રુત થયા હતા.તે પ્રદેશના લોકો એક વધુ જાહેર રજા માટે વડી અદાલતના દ્વાર ખટખટાવે છે. વળી ઈન્કાર કરનાર અને જાહેર રજાના અતિરેકને ઘટાડવાની સલાહ આપનાર ન્યાયતંત્ર પોતે અદાલતોમાં કરોડો કેસોના ભરાવા છતાં અંગ્રેજોના જમાનાનું વેકેશન ભોગવ્યા કરે છે

આપણો દેશ કાર્ય-સંસ્કૃતિને નહીં પણ રજા-સંસ્કૃતિને વરેલો છે તેવું સરકારી કચેરીઓ, સરકારી જાહેર ક્ષેત્રો, બેન્કો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળતી રજાઓ પરથી લાગે છે. વરસના ૩૬૫ દિવસમાંથી ખરેખર કામના દિવસો કેટલા અને રજાના દિવસો કેટલા તેનો હિસાબ માંડીએ તો રજાસંસ્કૃતિની વિકરાળતાનો ખ્યાલ આવે છે. કામમાંથી આરામની મનુષ્યમાત્રને જરૂર રહેવાની.એટલે અઠવાડિયે એક છૂટ્ટી સ્વાભાવિક છે. પણ વરસના ૫૨ રવિવાર અને ૫૨ શનિવાર(જ્યાં પાંચ દિવસનું સપ્તાહ ન હોય ત્યાં ૨૬ શનિવાર) લેખે ૧૦૪ (કે ૭૮) દિવસની અઠવાડિક રજાઓ મળે છે. ઉપરાંત સરકારી અધિકારી-કર્મચારીને વરસે ૩૦ દિવસની હકરજા, ૧૦ દિવસની માંદગીની રજા, ૧૨ દિવસની પરચુરણ રજા, ૨ મરજિયાત રજા અને વીસેક જાહેર તહેવારોની રજાઓનો સરવાળો કરીએ તો જણાય છે કે અડધું વરસ તો આપણે રજાઓ જ ભોગવીએ છીએ.

બહુધાર્મિક અને વિવિધતાસભર ભારત દેશમાં વારેતહેવારે રજાઓ હોય છે. ગુજરાત સરકારે વરસ ૨૦૨૨માં આમ તો ત્રણ રાષ્ટ્રીય સહિત ૧૯ રજાઓ જાહેર કરી છે તેમાં રવિવારે આવતા પાંચ તહેવારો કે એક જ દિવસે આવતા બે તહેવારો ઉમેરીએ તો એકલા ગુજરાતમાં જ ૨૬ જાહેર રજાઓ છે. આટલા બધા દિવસો જો રજાઓ મળતી હોય તો આપણે કાર્યપ્રધાન ઓછા અને રજાપ્રધાન વધારે છીએ તેમ સ્વીકારવું જોઈએ. વળી આવી સગવડો અને લાભ સંગઠિત વર્ગના સરકારી નોકરિયાતોને જ મળે છે.અસંગઠિત વર્ગોના ખાનગી ક્ષેત્રના કામદારોને આ પ્રકારની રજાઓ મળતી નથી. કારખાનાઓ અને અન્યમાં અઠવાડિક રજા અને કામના વાજબી કલાકો માટે દીર્ઘ લડતો કરવી પડી હતી.

દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વાર્ષિક કામના કલાકો લગભગ અડધા જ છે અને જાહેર રજાઓ બમણી છે.તો ય જાણે કે આપણને રજાઓથી ધરવ નથી. એટલે નિતનવી રજાઓની માંગણીઓ ઉઠતી રહે છે. સરકારો પણ તે સ્વીકારતી હોય છે. દાદરાનગર હવેલીની રદ જાહેર રજાના સંદર્ભમાં સ્વિત્ઝરલેન્ડની યાદ આવે છે. સ્વિત્ઝરલેન્ડના સાતસોમા સ્થાપના દિવસ(સ્થાપના ૧લી ઓગસ્ટ ૧૨૯૧)ની સરકાર રજા આપવા માંગતી હતી પણ લોકોએ તેનો પ્રબળ વિરોધ કર્યો હતો.

કોઈ રાજનેતાના અવસાનનો શોક મનાવવા જાહેર રજા આપવાનો આપણે ત્યાં વિચિત્ર ચાલ છે. વિશ્વમાં ક્યાંય આ પ્રકારે શોક મનાવાતો નથી. ઘણા વિદેશી નેતાના અવસાનનું દુ:ખ પણ ભારતમાં જાહેર રજાથી વ્યક્ત થાય છે ! અમેરિકી પ્રમુખ  જહોન  કેનેડીની હત્યાનો આઘાત અમેરિકીઓએ કામ ચાલુ રાખીને અને ભારતીયોએ રજા રાખીને જીરવ્યો હતો !. સોવિયેત પ્રમુખ બ્રેઝનેવના અવસાન વખતે રશિયન પ્રજાએ વધુ એક કલાક કામ કરીને તો ભારતે રજા પાડીને.અંજલિ આપી હતી ભારતમાં નેતાનું મૂલ્ય તેના અવસાનની જાહેર રજા પરથી અંકાય છે. રાજકીય ગણતરીઓથી તમિલનાડુના મુખ્યમંત્રી એમ.જી રામચન્દ્રન કે કશ્મીરના શેખ અબ્દુલ્લા જેવા પ્રાદેશિક નેતાઓના અવસાનનો શોક રાષ્ટ્રવ્યાપી  જાહેર રજાઓથી મનાવાયો હતો. કહેવાય છે કે જવાહરલાલ નહેરુના અવસાનની રજાના ખબર કેટલીક દૂરની બેન્કોને મોડા પહોંચતા તેમને ઓવરટાઈમ આપવો પડ્યો હતો ! શોકના નામે રજા જાહેર કરીને સરકારો નોકરશાહીમાં પેંધી પડેલી અકર્મણ્યતાને પ્રોત્સાહિત કરે છે.

રજા-રાજને દેશવટો આપવો તો ઠીક તેના કિલ્લાની એક કાંકરી પણ ખેરવી શકાતી નથી. જો કોઈ મજબૂત રાજનેતા એકાદ રજા પણ ઘટાડે તો તેને ભારે વિરોધનો સામનો કરવો પડે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ૨૦૦૪માં એક સામટી છ જાહેર રજાઓ ઘટાડી નાંખી હતી. ૨૦૦૩માં ગુજરાતમાં ૨૨ જાહેર રજાઓ હતી. નરેન્દ્ર મોદીએ ચેટીચાંદ, ઈદેમિલાદ, પરશુરામ જયંતી, ગુરુ નાનક જયંતી, પતેતી અને ગુડ ફ્રાઈડેની રજાઓ  રદ કરીને એ વરસે ૧૬ રજાઓ કરતાં તેનો વ્યાપક વિરોધ થયો હતો. રદ કરેલી રજાઓ તમામ ધર્મોની હોવા છતાં તેને રજાઓના અતિરેકની રીતે સ્તુત્ય પગલું ગણવાને બદલે મોદીના લઘુમતી વિરોધની રીતે જોવાયું હતું. ખ્રિસ્તી બહુલ અમેરિકામાં ગુડફ્રાઈડેની રજા નથી પણ બિનમજહબી ભારતમાં છે ! નરેન્દ્ર મોદી જેવા પ્રજાની નાડ પારખવામાં પાવરધા અને વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવતા રાજનેતાને પણ પારોઠનું પગલું ભરવું પડ્યું હતું અને ગુજરાતના જાહેર રજાઓના લિસ્ટમાં આ બધી રજાઓ સામેલ કરવી પડી હતી.

ભલે મુંબઈ હાઈકોર્ટે રજાઓનો અતિરેક ઘટાડવા સૂચન કર્યું હોય પણ તેનો અમલ શક્ય નથી. જે મુખ્ય મંત્રી મોદીએ ગુજરાતમાં છ રજાઓ ઘટાડી હતી તેમણે વડાપ્રધાન તરીકે દર શનિવારે અડધો દિવસ ચાલુ રહેતી બેન્કોને બીજા-ચોથા શનિવારની રજા આપી છે !.વળી હવે તો સરકારો પોતે જ કાયમ રજા અને ઉજવણીના મૂડમાં હોય છે ત્યારે વહીવટી તંત્રને પણ જલસા પડે છે. એ સંજોગોમાં ભારતમાં રજા-રાજ અમર રહેવાનું છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.