આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬

પ્રવાસી યુ. ધોળકિયા

મુગલ કાળ

હવે આપણે મુગલ કાળ વિશે ઇતિહાસ શું કહે છે તે જાણીએ.

આ પહેલાં એ યાદ કરી લેવું જરૂરી છે કે સલ્તનત કાળ ભારત પર લગભગ ૩૨૦ વર્ષ રહ્યો. આ સુલતાનો આપણા દેશની અથાગ સંપત્તિ લુંટી, મંદિરોનો નાશ કર્યો અને નાલંદા જેવાં જ્ઞાનકેન્દ્રોને આગ ચાંપી આપણા દેશને અંધકારયુગમાં ધકેલી દીધો. ઈ. સ. ૧૨૦૬થી ઈ. સ. ૧૫૨૬ વચ્ચે બધું મળીને ૩૨ સુલતાનોએ ભારતના લગભગ ૭૦% વિસ્તાર પર શાસન કર્યું. આ કાળ દરમ્યાન ભારતીય મુળના લગભગ ૧૦  પ્રતિશત લોકોએ ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો.

વિશ્વવિખ્યાત મુગલોએ પણ આપણા દેશ પર ઈ. સ . ૧૫૨૬થી ઈ. સ. ૧૮૫૮ સુધી, ૩૩૨ વર્ષ, રાજ્ય કર્યું.  તેઓ જ્યારે રાજકીય રીતે સર્વશક્તિમાન હતા  ત્યારે અખંડ ભારતના ૮૫ ટકા ભૂવિસ્તાર પર તેમનું શાસન હતું. એ સમયમાં લગભગ વીસ ટકા લોકોને ફરજિયાત મુસલમાનો બનાવાયા.

મુગલ સામ્રાજ્ય એ સમયનાં ત્રણ મહાન સામ્રાજ્યોમાંનું સૌથી ધનિક સામ્રાજ્ય હતું.  આ સમયે ટર્કીંમાં ઓટોમન સામ્રાજ્ય અને ઇરાનમાં સફાવિદ સામ્રાજ્ય હતાં. આ તબક્કે એક વાતની આપણે ખાસ નોંધ લેવી રહેશે કે ઇસ્લામ સંસ્કૃતિ એક વૌશ્વિક સંસ્કૃતિ હતી, કુરાન પ્રેરિત આરબોનું ધાર્મિક આધિપત્ય,  ઇરાનનાં કળા, સંસ્કૃતિ તેમજ વહીવટી તંત્ર અને  તુર્ક લોકોની તલવારની શક્તિ એ તેના  ત્રણ આધાર સ્તંભો હતા.. મુગલ બાદશાહોમાં આ તુર્ક રક્ત વહેતું હતું.

મુગલ કાળ પર અનેક પુસ્તકો લખાયાં છે. તે સમયનાં બાબરનામા, આઈન-ઇ-અકબરી, અકબરનામા, બાદશાહનામા અને ગુલશન બેગમે પોતાના ભાઈ હુમાયુંનાં જીવન પર લખેલ હુમાયુંનામાનો સમાવેશ થાય છે. ભારત પર ૧૮ મુગલ બાદશાહોએ રાજ્ય કર્યું, પણ આપણે એમાંના ફક્ત સાત બાદશાહોનો જ ટુંક પરિચય કરીશું.

ક્રમ બાદશાહનું નામ શાસન કાળ કુલ વર્ષ
બાબર ૧૫૨૬થી ૧૫૩૦
હુમાયું ૧૫૩૦થી ૧૫૫૬ ૨૬
અકબર ૧૫૫૬થી ૧૬૦૫ ૫૦
જહાંગીર ૧૬૦૫થી ૧૬૨૭ ૨૨
શાહજહાં ૧૬૨૭થી ૧૬૫૮ ૩૧
ઔરંગઝેબ ૧૬૫૮થી ૧૭૦૭ ૪૯
બહાદુરશાહ II

(છેલ્લો મુગલ બાદશાહ)

૧૮૩૭થી ૧૮૫૭ ૨૦

ઉપરોક્ત બાદશાહોના શાસન દરમ્યાન બનેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રમાણે છે –

(૧) બાબર: ભારતમાં સલ્તનત કાળનો અંત કરી અને તેણે મુગલ વંશની સ્થાપના કરી. બહુ ટૂંકા સમયમાં તેણે આજુબાજુનાં અનેક રાજ્યો પર વિજય મેળવ્યો. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેણે બાબરનામા લખીને આપણા દેશની પરિસ્થિતિનું તેમાં ચિત્રણ કર્યું.

(૨) હુમાયું: બાબરના પુત્ર, હુમાયું, એ રાજગાદી તો સંભાળી, પરંતુ શેરશાહ સુરને હાથે પરાજય પામી ભારત છોડી નાસી જવું પડ્યું. શેરશાહ અતિપ્રતાપી સુલતાન હતો, પરંતુ તેનું અકાળે અવસાન થતાં હુમાયું ફરીને મુગલ બાદશાહ બન્યો.

ત્રીજા, મહાન, મુગલ બાદશાહ અકબર વિશે પછીથી વિચારણા કરીશું.

(૩) જહાંગીર: જહાંગીરને રાજકારણમાં ખાસ કોઈ રસ નહોતો. તેની બેગમ નુરજહાંને કારણે જહાંગીરનું નામ પ્રસિદ્ધિ પામ્યું. નુરજહાં એક બાહોશ રાજ્નીતિજ્ઞ, રૂપવાન અને શિક્ષિત બેગમ હતી. એમ કહી શકાય કે તેની નીતિઓને કારણે જ જહાંગીર વીસ વર્ષથી વધારે શાસન કરી શક્યો.

(૪) શાહ જહાં : પાંચમા ક્રમે આવતા આ શાસકે પ્રથમ તો પોતાના બધા પુરુષ સગાસંબંધીઓને મરાવી નાખ્યા અને ગાદી હસ્તગત કરી. શાહજહાં ભારે મુત્સદી અને સબળ શાસક હતો. તેથી તે સતત યુદ્ધોમાં જ કાર્યરત રહ્યો. જોકે ઇરાનના શાહ પાસેથી કંદહાર પ્રાંત તે પાછો ન મેળવી શક્યો. હિદુઓ તરફની અકબરની ભાઈચારાની નીતિનો તેણે ત્યાગ કર્યો. અનેક મંદિરોનો તેણે વિધ્વંસ કર્યો. તેના સમયમાં અંગ્રેજો વેપારને બહાને ભારતીય પ્રદેશોમાં પોતાનો અડ્ડો જમાવી શક્યા. શાહજહાંએ આ મહત્ત્વની ઘટના તરફ દુર્લક્ષ્ય સેવ્યું. તે જ રીતે, ઈ. સ. ૧૪૯૨માં પોર્ટુગલના વાસ્કો=દ-ગામાએ આપણી પ્રજા પર ભારે અત્યાચાર કરી દીવ, દમણ અને ગોવામાં પોતાનાં થાણાં સ્થાપ્યાં. આ પોર્ચુગીઝોએ આરબોના હાથમાંથી દરિયાઈ વેપાર છીનવી લીધો, છતાં શાહજહાંએ તેની સામે લડવાનો પ્રયાસ ન કર્યો.

શાહજહાંએ પોતાની અતિપ્રિય મૃત બેગમ મુમતાઝની યાદમાં વિશ્વવિખ્યાત તાજ મહાલ બંધાવીને અમર પ્રેમનું એક અદ્‍ભૂત સ્થાપત્ય સર્જ્યું. તે ઉપરાંત આગ્રાથી રાજધાની દિલ્હીમાં ખસેડીને શાહજહાંબાદની રચના કરી. ત્યાં તેણે લાલ કિલ્લો અને અન્ય ઈમારતો બાંધીને મુગલ કાળની ભવ્યતાને વિશ્વ સમક્ષ પેશ કરી.  જોકે આ સ્થાપત્યો પાછળ ભારતીય પ્રજાનાં રક્ત ચુસીને ઊભાં કરાયેલાં નાણાંના વેડફાટની આહુતિ હતી..

(૫) અકબર: પ્રથમ છ મુગલ બાદશાહોમાં અકબર ત્રીજા ક્રમે આવે છે, તેની તુલના એક મહાન બાદશાહ તરીકે મૌર્ય સમ્રાટ અશોક સાથે કરવામાં આવે છે. હુમાયુંનું અચાનક અવસાન થતાં અકબરે ફક્ત ૧૩ વર્ષની ઉમરે જ મુગલ શાસનની ધુરા પોતાના હાથમાં લીધી. જોકે આ સમયે તેને વફાદાર સેનાપતિ બૈરામખાનો તેને ભારે ટેકો રહેલો. પછીથી, આ બૈરામખાનનો તેણે અકારણ વધ કરાવી નાખેલો, જેને કારણે તે ઇતિહાસકારોનો ટીકાપાત્ર પણ રહેલો છે. અકબરે હેમુ નામના હિંદુ રાજવીનો પાણીપતનાં બીજાં યુધ્ધમાં પરાજય કરીને તેનો પણ વધ કરી નાખેલ. અકબર તેના કાર્ય કાળમાં યુદ્ધના મેદાનમાં સતત પ્રવૃતિશીલ રહ્યો. મુગલ સામ્રાજ્ય સામે બળવો પોકારનાર ગુજરાતના સુલતાન અને રાજપુતાનાના અનેક રાજવીઓનો પરાજય કર્યો. જોકે પછીથી અકબરે રાજકીય સુઝબુઝ દાખવીને રાજપુત કન્યા જોધાબાઈ સાથે લગ્ન કર્યાં અને તેનું અનુકરણ કરીને અનેક મુસ્લિમ સરદારોને પ્રેરિત કર્યા. પરિણામે અકબરને રાજપુત જેવી બહાદુર કોમનો, કેટલાક અપવાદો બાદ કરતાં, સંપૂર્ણ ટેકો મળતો રહ્યો.

અકબરે અન્ય મુસ્લિમ શાસકોની હિંદુ વિરોધી નીતિઓનો ત્યાગ કરી આ બહુમતીના ઉત્સવોમાં ભાગ લેવા લાગ્યો. તેણે હિંદુઓ પર લગાવાયેલો જજિયાવેરો નાબુદ કર્યો અને અનેક હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. મુગલ વહીવટીતંત્ર અને લશ્કરમાં હિંદુઓને સ્થાન આપવામાં આવ્યું. અકબરના દરબારનાં નવ રત્નોમાં અબુલ ફઝલ ઉપરાંત સંગીતમાં તાનસેન, વહીવટી સુધારણા અને મહેસૂલ પદ્ધતિમાં ખેડૂતોપયોગી સુધારા લાવનાર ટોડરમલ અને બૌદ્ધિક મિત્ર તરીકે બિરબલને સ્થાન આપ્યું. તેથી જ અકબરને મહાન રાજવીનું બિરૂદ યોગ્ય રીતે મળ્યું. અકબરે તેના સમયથી આગળ સર્વધર્મ સમભાવનો પ્રાંરંભ કર્યો. મુસ્લિમ ઉલેમાઓના વિરોધની પરવા કર્યા વિના બધા ધર્મોમાંથી સારાં તત્ત્વો લઈને અકબરે દીને ઈલાહી નામના નવા ધર્મની સ્થાપના કરી. જોકે તેને બહુ મોળો પ્રતિસાદ મળ્યો અને અકબરની વિદાય સાથે આ ધર્મ પણ ક્ષય પામ્યો.

ઉત્તર ભારતમાં અકબરે રાજ્યવ્યવસ્થા સુદૃઢ કરી કાયદાનું શાસન સ્થાપિત કર્યું. જમીન મહેસૂલ ઉઘરાવવાની સરળ પધ્ધતિ કરવાની અને વેપાર ઉદ્યોગને ઉત્તેજન આપવાની રાજ્યની નીતિને કારણે મુગલ સામ્રાજ્ય વિશ્વનાં ધનાઢ્ય સામ્રાજ્ય તરીકે ગણાવા લાગ્યું. અકબર પોતે ભારે પરિશ્રમી હતો અને રાજ્યના કલ્યાણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહેતો.  તેણે પ્રજા સાથે દૈનિક  અને દરબારીઓ સાથે પણ સીધો સંપર્ક જાળવી રાખીને યોગ્ય વહીવટ આપ્યો. વહીવટી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે માટે તેને અનેક ખાતાંઓમાં વહેંચી નાખવામાં આવી અને ત્યાં બાહોશ અને પ્રમાણિક અમીરોને સત્તા પર બેસાડ્યા.

અગાઉના સલ્તનતના સમયમાં પણ સુલતાનો પોતાના સામંતો પર બહુ આધાર રાખતા. આ પદ્ધતિને ‘ઈકતા’ પદ્ધતિ એવું નામ આપવામાં આવેલ. સમજવામાં થોડી અઘરી પડે એવી એ વ્યવસ્થા હોવાથી આપણે તેની ચર્ચા અહીં ટાળીશું. અકબરે મનસબદારી નામની સામંતશાહી વ્યવસ્થાનું પ્રચલન કર્યું, જેમાં મુગલ સરદારોએ ચોક્કસ સંખ્યામાં સૈનિકો અને અશ્વદળ રાખવા પડતાં. આ મનસબદારોને પોતાના ભૂવિસ્તારોમાંથી થતી મહેસૂલ અને કરવેરાની આવકમાંથી અમુક ચોક્કસ હિસ્સો મધ્યસ્થ તિજોરીમાં જમા કરાવવાનો રહેતો હતો. મનસબદારોને અકબરનાં લશ્કરી અભિયાનોમાં પણ પોતાનું પ્રદાન કરવું પડતું.

અકબરના સમયમાં શાંતિ અને સુખાકારી હોવાથી સાહિત્ય અને સંસ્કૃતિનો વિકાસ થયો.  અબ્દુલ રહીમ જેવા  અનેક સાહિત્યકારો થયા. ચિત્રકળા જેવી કળા વિદ્યાઓ પણ વિકસી હતી. અકબર પોતે અશિક્ષિત હોવા છતાં તેને પોતાની લાયબ્રેરીમાં ૨૦,૦૦૦ પુસ્તકોનો સંગ્રહ કરેલ. આગ્રા અને ફતેપુર સિક્રીમાં અનેક સ્થાપત્યોની તેણે રચના કરાવી. કુદરતી સંજોગોમાં અકબરનું ઈ. સ. ૧૬૦૫માં અવસાન થયું ત્યારે મુગલ સામ્રાજ્ય વિશ્વભરમાં ટોચ પર વિરાજતું હતું.

(૬) ઔરંગઝેબ: મુગલ સામ્રાજ્યના અતિશક્તિશાળી બાદશાહોમાં ઔરંગઝેબ સૌથી છેલ્લો ગણાય છે. પોતાના ભાઈઓની હત્યા કરી, પિતા શાહજહાંને કેદમાં નાખીને તેણે ઈ. સ. ૧૬૫૮માં  આલમગીર નામ ધારણ કરીને મુગલ તાજ પ્રાપ્ત કર્યો. બિલકુલ હસવું નહીં એવા ગંભીર સ્વભાવનો હતો. કુરાન પ્રેરિત અત્યંત સાદગીભર્યું જીવન તે જીવતો. અકબરે અર્ધી સદીની મહેનતને પરિણામે ઊભી કરેલ મુગલ સંસ્કૃતિનો ઔરંગઝેબે ખોટી નીતિઓ અખત્યાર કરીને નાશ કરી નાખ્યો.

હિંદુઓનો તે ભારે વિરોધી હતો. કેટલાંય મંદિરો તેણે તોડાવ્યાં અને તેમાંથી કેટલાંકને તો તેણે મસ્જિદોમાં પણ પરિવર્તિત કરી નખાવ્યાં. હિંદુ તહેવારો અને સંગીત પર તેણે પ્રતિબંધ મુક્યો અને હિંદુઓ પર  જજીયાવેરો નાખ્યો. ઉત્તર ભારત પર પોતાની સત્તા કાયમ કરીને પોતાનાં જીવનનાં છેલ્લાં ૨૬ વર્ષો ડેક્કન અને દક્ષિણ ભારતને જીતવામાં તેણે ગાળી નાખ્યાં. તેની ધર્માંધ નીતિને કારણે શિવાજીએ મહાન મરાઠી સત્તાના પાયા નાખ્યા અને મુગલ બાદશાહીને હચમચાવી નાખી. ઔરંગઝેબે શીખ ધર્મના અનુયાયીઓને પણ ક્રુરતાથી કચડવાના પ્રયાસ કર્યા જેના પરિપાક રૂપે અન્યથા શાંત શીખ પ્રજાને તેમના દશમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની રચના દ્વારા લડાયક બનાવી અને પંજાબ પર શીખોનો અધિકાર મેળવ્યો. ઔરંગઝેબે હિંદુ જાટ લોકોને પણ બહુ કનડ્યા. તેથી ખેતી કરતી આ પ્રજાએ મુગલો સામે બળવો પોકાર્યો.

૧૭૦૭માં ઔરંગઝેબનાં મૃત્યુ પછી, માત્ર ૧૫૦ જ વર્ષમાં મુગલ શાસન એટલી હદે નબળું પડી ગયું કે તેની સત્તા દિલ્હીની સીમા સુધી પણ માંડ પ્રવર્તતી હતી.

(૭) બહાદુરશાહ મુગલ વંશના અઢારમા અને અંતિમ શાસક હતા. રાજકીય રીતે તેઓ એટલ નિર્બળ  હતા કે તેમને બ્રિટિશ રાજ્યનાં વર્શાસન પર જીવવું પડતું હતું. તેમના અંતિમ કાળમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના શ્રીગણેશ થયા. ઈ. સ. ૧૮૫૭માં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં જ્યારે ક્રાન્તિનું રણશિંગું ફુંકાયું ત્યારે પોતાની અનિચ્છા છતાં તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામની નેતાગીરી સ્વીકારવી પડી. દુર્ભાગ્યે, આ ક્રાન્તિ નિષ્ફળ ગઈ. અગ્રેજોએ આ સમયે ભારતીયો પર  અત્યંત ક્રૂરતા દાખવી અને લગભગ દરેક ક્રાંતિવીરને કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કર્યા વિના જ ફાંસીએ લટકાવી દીધા. બહાદુરશાહની હાજરીમાંજ અંગ્રેજોએ તેના બે પુત્રોને ગોળી મારીને ઠાર કર્યા, બહાદુરશાહને રંગુન (બ્રહ્મદેશ)માં દેશનિકાલ કર્યા. આવી દારૂણ અવસ્થામાં, માત્ર કહેવા પુરતાં જ રહી ગયેલ મુગલ સામ્રાજયનો હવે કાયમ માટે અંત આવ્યો.


ક્રમશ : ભાગ ૧૭ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૬

Leave a Reply

Your email address will not be published.