નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૭

એવી મોટાઈનો શો અર્થ જે દેખાય નહીં?

નલિન શાહ

ધનલક્ષ્મીએ ધ્રૂજતા હાથે રિસીવર કાને અડાડ્યું, ‘કેમ છે દીકરી?’ એ જ અવાજ, એ જ લહેજો, એ જ વ્હાલસોયું સંબોધન, જે છેલ્લું એણે પરાગના જનમ વખતે સાંભળ્યું હતું. ‘સારું છે.’ ધનલક્ષ્મીએ અચકાતાં અચકાતાં કહ્યું. ‘આ તો એમ કે મુંબઈ આયાં’તાં તે જરા વાત કરી લઉં. બાપુ બહુ સંભારે છે.’

ધનલક્ષ્મી સાંભળી રહી, ‘બાપુ કેમ છે?’ એટલું જ બોલી.

‘એ તો તારા દીકરાએ ઉગાર્યા, બહુ હોશિયાર છે. નાનાને કદી મળ્યો નથી પણ એ નાનાને ભૂલ્યો નો’તો. જો ને પૈસા પણ ના લીધા ઓપરેશનના. અમારા આશીર્વાદ આપજે એને. ને તારી વહુ માટે તો જેટલું કહું એટલું ઓછું છે. ખરેખર નસીબદાર છે તું.’ ધનલક્ષ્મી અવાક્‌ થઈ સાંભળી રહી. ઓપરેશનના પૈસા ના લીધાની વાત એને ના સમજાઈ. એને સારું લગાડવા તો આવું ખોટું ના કીધું હોય! ‘હવે તો ચાર-છ દિનમાં જાવું છે. જતાં પહેલાં તારી સાથે વાત કરવી હતી તે કરી લીધી. જીવને ઠંડક વળી. મૂકું છું. સંભાળ રાખજે તારી.’

ધનલક્ષ્મી ફોન મૂકીને સૂનમૂન બની ડાઇનિંગ ટેબલ પર જ બેસી રહી. દીકરીએ માને વિસારી દીધી હતી. પરંતુ મા પણ જો દીકરીને વિસારી દે તો એ મા મટી જાય. એણે સાંભળ્યું હતું કે પાલણ અને રાજાપુરના ઘરોને અદ્યતન રૂપ આપ્યું હતું અને બાપુ પણ ગામની મહત્ત્વની વ્યક્તિઓની કક્ષામાં ગણાતા હતા. ડૉક્ટર તરીકે માનસીનો મોભો પણ કાંઈ જેવો તેવો નહોતો. કહેવાતું હતું કે લોકો એને મસીહા કહેતા હતા. જ્યારે પરાગના મોંએ એના વખાણ કરનારા એની પીઠ પાછળ એને કસાઇનું બિરુદ આપતા હતા. એના કાને એ પણ વાત આવતી હતી કે સમાજમાં સુનિતા, રાજુલ અને માનસીના મોભાની સામે એનો મોટાઈનો ડોળ હાસ્યાસ્પદ લાગતો. પણ અનુભવોમાંથી બોધપાઠ લેવાની ક્ષમતા એનામાં નહોતી. એટલે જ એનું હળવા-મળવાનું એના જેવી જ ચાર-છ મંદબુદ્ધિની આડંબરયુક્ત સહેલીઓ પૂરતું સિમિત રહ્યું હતું. ધનલક્ષ્મી વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ પરાગ ઉતાવળા પગલે દાખલ થયો ને નોકરને થાળી પીરસવાનું કહ્યું. એ ડાઇનિંગ ટેબલ પર બેઠો ને તરત ખાવાનું શરૂ કર્યું. ‘જરા ખાવાનું તો શાંતિથી ખા. મારે તને કાંક પૂછવું છે.’

‘મમ્મી, આજે મને બહુ જ લેટ થઈ ગયું છે. બ્રીચ કેન્ડી જલદી પહોંચવાનું છે. જે બોલવું હોય એ જલદી બોલ.’

‘બાનો ફોન હતો. કેતાં’તાં કે તેં પૈસા ના લીધા સંબંધના હિસાબે. જ્યારે તું તો કાંક બીજું જ કહેતો’તો.’

માનસી સોફામાં બેઠી સાંભળી રહી હતી એટલે ધનલક્ષ્મી રૂપિયાનો આંકડો ના બોલી કે બહુ ઊંડાણમાં ના ગઈ.

‘દેખીતી વાત છે.’ પરાગે હસીને કહ્યું. ‘પેશન્ટને સંકોચ ન થાય એટલે સુનિતાબેને એકાઉન્ટ મારફત પૈસા ચૂકવી દીધા હશે છાનામાના ને પેશન્ટને દિલાસો આપવા કહ્યું હશે કે મેં પૈસા જતા કર્યા. મને શું ફરક પડે છે?’

ધનલક્ષ્મીને પૈસા કરતાં બા-બાપુ પર ઉપકાર ચઢાવ્યાના વિચારે ખુશી વધુ થઈ. ધનલક્ષ્મીએ માનસી તરફ ઇશારો કરી પરાગને આગળ બોલતાં અટકાવ્યો. માનસીએ જાણે કશું સાંભળ્યું ના હોય એમ છાપાંમાં માથું નાખી બેસી રહી. વારંવાર બાપુને ‘પેશન્ટ’ કહી સંબોધતા સાંભળી એને ક્રોધ થતો હતો પણ મહામુશ્કેલીએ ચુપકીદી સેવી.

‘માનસી, સાંભળ્યું?’ ધનલક્ષ્મીએ ખાતરી કરવા પૂછ્યું.

‘શું, કાંઈ કીધું મને?’

‘શું બોલ્યો?’

‘ઇ જ કે ઓપરેશન બરાબર થયું છે. હવે કોઈ ચિંતાનું કારણ નથી.’

‘હા, સાંભળ્યું મેં. હું જરા આડી પડું છું.’ કહીને ચાલવા માંડ્યું ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકી. ધનલક્ષ્મીએ ઊઠાવ્યો અને માનસીને હાક મારી. માનસીએ આવી ફોન લીધો. ‘તારો ફોન કોઈ ઊઠાવતું નહોતું એટલે મને એમ કે તું સાસુના ફ્લેટમાં હશે,’ સુનિતા બોલી, ‘ફક્ત એટલું જ પૂછવું હતું કે તું આવવાની છે ને રોજની માફક?’

‘હા, કેમ કાંઈ કામ છે?’

‘આ તો મને એમ થયું કદાચ કામમાં અટવાઈ જાય ને આવવાનું ના બને એટલે ખાતરી કરવા જ ફોન કર્યો, કારણ મારે તારું થોડું કામ હતું.’

‘કહેતાં હો તો વહેલી આવું.’

‘ના, રોજના ટાઇમે ચાલશે. તારી વાટ જોઈશ.’ કહીને ફોન મૂકી દીધો.

‘કોણ, સુનિતા હતી ને?’ ધનલક્ષ્મીએ પૂછ્યું.

‘હા.’ કહી માનસીએ ચાલતી પકડી.

પરાગ જમીને તરત ચાલી ગયો હતો. ધનલક્ષ્મી બેસીને મનમાં ને મનમાં સુનિતા પર રોષ ઠાલવતી રહી, ‘માનસીને ભાવ આપે છે ને મારી સાથે બે વાત પણ નથી કરતી, જાણે હું કોઈ ગણતરીમાં જ ન હોઉં! હશે મોટા ઘરની. મારે શું? એને જોઈને કોઈ કહે કે મોટા ઘરની છે? ના કોઈ દાગીના, ના કોઈ ભપકો ને સાડી તો કોટનની જ હોય. એવી મોટાઈનો શો અર્થ જે દેખાય નહીં?’

ધનલક્ષ્મી ખાવા ખાતર થોડું ખાઈ ઊભી થઈ ગઈ અને હાથ-મોં ધોઈ ‘મુંબઈ સમાચાર’ ઊઠાવી એના રૂમમાં ખાટલામાં પડી. છાપાંમાં મરણનોંધ જોઈ, દાગીના અને સાડીઓની બે ચાર જાહેરખબર પર નજર ફેરવી છાપું ફગાવી દીધું. વરસ-દોઢ વરસ પહેલાં ઇન્દિરા ગાંધીના ‘ખૂન’ની વાતો થોડી રસપ્રદ લાગી હતી. હવે કાંઈ ખાસ વાંચવા જેવું દેખાતું નહોતું. ટી.વી. પર પણ એને એક ‘હમ લોગ’ સિરિઅલ જોવા જેવી લાગી હતી. રવિવારે જૂની ફિલ્મો બતાવતા હતા, પણ એને ટી.વી.વાળાઓ પર ગુસ્સો એ વાતનો હતો કે જૂની ફિલ્મોમાં ગુજરાતી ‘ગુણસુંદરી’ નહોતા બતાવતા. ‘ઓ ભાભી, તમે થોડા થોડા થાઓ વરણાગી’ કેટલું સરસ ગાયન હતું! કેટલી યાદો સંકળાયેલી હતી એ ફિલ્મ સાથે! આજે જ્યારે એ જોવા ને માણવા આઝાદ હતી ત્યારે એ જોવા જ નહોતી મળતી. વિચારતાં વિચારતાં ધનલક્ષ્મીની આંખ મળી ગઈ.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.