ટયૂશન : ડેઝર્ટ કે મેઈનકોર્સ !

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

સમાજમાં સૌથી વધુ પરિવર્તન શિક્ષણ પ્રણાલીમાં આવે છે. પ્રત્યેક દસકાએ શિક્ષણપ્રથામાં આવેલા ફેરફારોને કારણે સમાજમાં સતત તાણ અનુભવાય છે. શિક્ષણ સમાજના સો ટકા વર્ગને સીધો સ્પર્શતો મુદ્દો હોવાથી તે સતત ચર્ચાની એરણ ઉપર રહે છે. તેના ત્રણ આધારસ્તંભો વાલી, વિદ્યાર્થી અને શિક્ષક આ ત્રણેયમાં અકલ્પ્ય પરિવર્તનો આવ્યાં છે. શાળાઓ ગુરુકુળમાંથી ફાઈવ સ્ટાર હોટેલ્સમાં ફેરવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ શિક્ષણાભિમુખ બનવાને બદલે અર્થોપાર્જન માટે જ શિક્ષણ લેવા તત્પર બન્યાં છે. બાળક કેળવણી પામવાને બદલે મેરિટ ક્રમાંકમાં આગળ રહે તેવી જ વાલીઓની અપેક્ષા હોય છે. વાલીઓને ગુણ (Qualities) કરતાં પરીક્ષાના ગુણ (Marks) માં વધારે રસ હોય છે.

શાળાઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે પરીક્ષાલક્ષી તૈયારીની સાથોસાથ જીવનલક્ષી શિક્ષણ આપવાના પ્રયત્નો પણ થવા જોઈએ, પણ ઉચ્ચ શિક્ષણમાં માત્ર મેરિટ જ ઘ્યાને લેવાતું હોવાથી વર્તમાનમાં કોચિંગ કલાસીસ ખૂબ ફૂલ્યાફાલ્યા છે. એક સમયે ટયૂશન અંગે શરમ અને સંકોચ અનુભવતા વાલી અને વિદ્યાર્થી આજે એ.સી. વર્ગખંડોમાં ‘ખાનગી ટયૂશન’ પ્રાપ્ત કરવામાં ગૌરવ લઈ રહ્યાં છે. જે ટયૂશન કલાસની ફી ઊંચી હોય તે ટયૂશન કલાસ વધારે સારો હોવાનું કહેવામાં વાલી અને વિદ્યાર્થી આનંદ અને ગૌરવ અનુભવે છે. કયારેક તો શાળામાં પ્રવેશ મેળવવામાં જેટલી તકલીફ ન પડે તેના કરતાં વિશેષ ટયૂશન કલાસમાં દાખલ થવામાં પડે છે ! વિદ્યાર્થી અને વાલીનું અંતિમ લક્ષ્ય માત્ર અને માત્ર માર્ક્સ થયું ત્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા થોડાંક વર્ષોમાં તો શાળાઓ પણ ‘કન્સેપ્ટ સ્કૂલ’ (Concept schools)ના રૂપકડા નામ સાથે ટયૂશન કલાસમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ શાળાઓનો કન્સેપ્ટ માત્ર અને માત્ર બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થી વધુ ને વધુ માર્ક રળી લાવે તે જ જોવાનો રહ્યો છે. તેમને વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ જ નથી. વિદ્યાર્થીને મશીન સમજી વધારેમાં વધારે ગુણ (Marks)નું ઉત્પાદન કરે તે રીતે ત્યાં શિક્ષણ આપવામાં આવે છે. સવારથી સાંજ સુધી માત્ર ગોખણપટ્ટી અને લખાણપટ્ટી કરાવવામાં આવે છે. આવા સ્થાનો ઉપર તાલીમ પામેલ અનુસ્નાતકો અને મનોવિજ્ઞાનના જાણકાર વ્યકિતઓ દ્વારા શૈક્ષણિક કાર્ય થાય તે જરૂરી નથી તેમ માનવામાં આવે છે. પોતાની ડિગ્રીને અનુરૂપ નોકરી ન મેળવી શકનાર યુવાન કે યુવતી શિક્ષણમાં સર કે મેડમ બની બેઠા છે. તમામ વ્યવસાયના માણસો ટયૂશન કલાસમાં હાથ અજમાવી શકે ! ટયૂશન વેપારની વસ્તુ (Commodity) બની ગઈ. વાલીઓને પણ આ પરીક્ષાલક્ષી શિક્ષણ સ્વીકાર્ય હોવાથી આપનાર-લેનાર વચ્ચે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ ચૂકયું છે. બાળકનો ‘સર્વાંગીણ નહીં, પણ એકાંગીણ’ વિકાસ થઈ રહ્યો છે. અહીંયાં માહિતીનો ભંડાર પૂરો પાડવામાં આવે છે. પરંત જ્ઞાન-સમજનો તદ્દન અભાવ જોવા મળે છે.

રોજ પરીક્ષા, રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ,
કાં તો સ્કૂલમાં, કાં ટ્યૂશનમાં, રોજ ટેન્‍શનમાં રહીએ.
નથી એકલા પાસ થવાનું, ટકા જોઈએ મોટા;
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.

કૃષ્ણ દવે

આ પરિસ્થિતિમાં ટયૂશનની જરૂરી છે કે માત્ર ‘દેખાદેખી’ તરીકે તેને સ્વીકારવામાં આવે છે તેવા ‘ચર્ચાસ્પદ’ મુદ્દા ઉપર જાહેર ચર્ચા થતી જ નથી. ટયૂશનને અનિવાર્ય માની લેવામાં આવ્યું છે. અંગ્રેજી માઘ્યમમાં તો જે વાલી અંગ્રેજી સહેજ પણ જાણતા નથી તેઓ તો બાલમંદિરથી પોતાનાં સંતાનો ટયૂશનશિક્ષકોને સોંપી દઈ નિરાંતની નીંદર માણતા જોવા મળે છે. આ દેખાદેખીમાં જે વાલીઓ વ્યકિતગત ધોરણે પોતાનાં સંતાનોને જાતે ઘેર ભણાવી શકે તેમ છે, તેઓ પણ ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય છે. ‘મારું તો સાંભળતો/ સાંભળતી જ નથી’ અથવા ‘પારકી મા જ કાન વિંધે’  જેવા બહાના હેઠળ બાલમંદિરના ભૂલકાંઓને પણ ટયૂશનશિક્ષકોને હવાલે કરી દેવામાં આવે છે. સંતાનપ્રાપ્તિ માત્ર વંશવેલો વધારવાનો વિષય નથી, તે તો જવાબદારી છે. વ્યવસાયમાં ટકી રહેવા કે આગળ વધવાની લહાયમાં પપ્પા અને પ્રગતિશીલ તથા સ્ત્રીસશકિતકરણમાં અગ્રેસર રહેવામાં અભિમાન અનુભવતી મમ્મીઓના સંતાનો ‘લાચાર’ દશામાં મોટા થઈ રહ્યા છે. આજ કાલ કૃત્રિમ ગરમી આપી ઈંડાનું સેવન કરી નક્કી કરેલ મુદત અગાઉ જન્મની પ્રક્રિયા કરાવવામાં આવે છે. તેવી જ રીતે બાળકોનો વિકાસ પણ ‘ઈન્ક્યૂબેટર’માં થઈ રહ્યો છે.

ટયૂશનની સૈદ્ધાંતિક ચર્ચા કરીએ તો ટયૂશન – શા માટે ? કોના માટે ? કેવી રીતે ? કોણ ટયૂશન આપી શકે ? આવા પ્રશ્નોની વિશદ ચર્ચા થવી જોઈએ. વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓનો બૃદ્ધિઆંક (I.Q.), સમજશકિત, ગ્રહણશકિત, શૈક્ષણિક અનુભવો, આનુવંશિક લક્ષણો અને કૌટુંબિક વાતાવરણ એક સરખા હોઈ શકે નહીં. વૈયક્તિક તફાવતો તો હોય જ. આ સંજોગોમાં તમામ બાળકોને ‘ટયૂશન’ની જરૂ૨ છે તેવી સમજ, માન્યતા અને લાગણી સદંતર ખોટી છે. વિવિધ કક્ષાના બાળકોને ટયૂશનની જરૂરીઆતની માત્રા જુદી જુદી હોય છે. કોઈ બાળકને એક જ વખત શીખવવામાં આવે અને તે તમામ બાબતો સમજી જાય, ગ્રહણ કરે. અન્યને બે-ત્રણ-ચાર વાર અને કયારેક તો દસવાર પણ એ જ બાબત સમજાવવી પડે તેવું પણ બને. પરંતુ તેજસ્વી બાળકોને ખાનગી ટયૂશનમાં ખૂબ અન્યાય થાય છે. તેઓનો ઘણો સમય વેડફાય છે. નબળા વિદ્યાર્થીઓને વિશિષ્ટ માર્ગદર્શનની જરૂર પડે તે સ્વીકારી લઈએ તો પણ વર્ગના બીજા વિદ્યાર્થીઓના મૂલ્યવાન સમયનો એકની એક વાત વારંવાર સાંભળી વેડફાટ થઈ રહ્યો છે તેવું લાગે. એકની એક વાત સાંભળતા હોવાથી શિક્ષણ તરફ અરુચિ અને કંટાળો પણ આવે. તેમના મનમાં શિક્ષણ પરત્વે નફરત પેદા થાય તેવું બને.

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં,
એમ ઈચ્છું કે એ નપાસ ન થાય,
છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી
મજબૂરી છે.
પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે?

ભાવેશ ભટ્ટ

શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ વેઠવો પડયો હોય તો જ જ્ઞાન ચિરંજીવી બને તેવું શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવેજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે. જે વ્યકિત પોતાની સમસ્યાનો ઉકેલ જાતે પ્રાપ્ત કરે છે તેને તે ઉકેલ જીવનપર્યંત યાદ રહે છે. વિદ્યાર્થી પ્રશ્નોત્તરની પ્રક્રિયામાંથી પસાર ન થયો હોય તો તે ઉત્તરનો આનંદ માણી શકતો નથી. કોઈ ગાણિતિક કોયડાનો ઉકેલ મધ્યરાત્રિએ પ્રાપ્ત થાય તો તેનો અવર્ણનીય આનંદ તો જેણે પ્રાપ્ત કર્યો હોય તેને જ સમજાય. ‘મથ્યા કરવાની’ પદ્ધતિમાંથી ટયૂશનમાં જતા વિદ્યાર્થીઓ પસાર થતા નથી. તેથી તેઓ સમસ્યા ઉકેલનું શિક્ષણ પ્રાપ્ત કરતા નથી.

ટયૂશનપ્રથાથી બાળકોની ‘સર્જનાત્મક શકિત’ને મોટી હાનિ પહોંચે છે. જીવનના અને શિક્ષણના પ્રત્યેક પ્રશ્નના એક કરતાં વધુ ઉકેલ હોય જ. ટયૂશન પ્રથાની કાખઘોડીને સહારે આગળ વધતા વિદ્યાર્થી સમસ્યાઓના ઉકેલ સહેલાઈથી પ્રાપ્ત કરી લેતાં હોવાથી અન્ય ઉકેલો તરફ વિચારવાનું જ છોડી દે છે. ટયૂશન કલાસમાં સહેલામાં સહેલી રીત વાળો ઉકેલ ‘શીરા’ની જેમ ગળે ઉતારી દેવાતો હોવાથી વિદ્યાર્થી અન્ય ઉકેલ શોધવા મથતો નથી. તેને શીખવવામાં આવે છે કે આપણને તો ‘રોટલા સાથે નિસબત છે, ટપટપ સાથે નહીં.’ પ્રક્રિયા (Process)નું મહત્વ જ નથી, માત્ર નિપજ (Product)નું જ મહત્વ છે.

શિક્ષણ વિશેની આ ધારણા કે સમજ કેળવણીની ઘોર ખોદી રહી છે. ટયૂશન પ્રથાના સહારે આગળ વધેલ યુવાનો આજે વાલીઓ બની ગયા હોવાથી ટયૂશનપ્રથા યોગ્ય છે કે કેમ તે અંગે ચર્ચા કે વિચારણા કરવા માટે પણ તેઓ તૈયાર નથી. થોડાક વિદ્યાર્થીઓ માટે કદાચ ‘ટયૂશન પ્રથા’ (અંગત માર્ગદર્શન) જરૂરી હોઈ શકે. સૌની બુદ્ધિશક્તિ સરખી નહીં હોવાથી અમુક વર્ગને તેની આવશ્યકતા હોય તો પણ તમામને ‘એક લાકડીએ હાંકવા’માં કોઈ તર્ક નથી. વાલીઓને બાળકોમાં અને શાળાઓમાં વિશ્વાસ ન હોવાથી તથા વધુ પડતી અપેક્ષાને કારણે ટયૂશન પ્રથા પૂરક બનવાને બદલે વિકલ્પ બની ગઈ. ટયૂશનકલાસ કયારેય શાળાનું સ્થાન લઈ શકે જ નહીં. ટયૂશન શિક્ષકે તો આર્થિક વળતર માટે જવાબદારી સ્વીકારી હોય છે. શાળાના શિક્ષકોએ તો માતાનું સ્થાન લેવાનું હોવાથી બાળકની રસ, રુચિ, વલણ અને શકિતને ઘ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય કરવાનું હોય છે. તેમનું ઘ્યેય વિદ્યાર્થીને માત્ર માર્કસ રળી આપનાર યંત્ર બનાવવાનો હોતો નથી. શાળાના શિક્ષકે ‘મમ્મી’ની જવાબદારી ઉઠાવવાની હોવાથી તેઓએ ‘પૂરક’ બનવાનું છે, ‘વિકલ્પ’ નહીં. વાલીઓ ટયૂશનને ‘ડેઝર્ટ’(Dessert)ને બદલે ‘મેઈનકોર્સ’ (Main course) સમજે છે.

આચમન:

જેટલું સહેલું હતું અઘરાં થવું,
એટલું અઘરું હતું સહેલાં થવું,
છત્રી ઓઢીને પલળવા નીકળી,
હું ભૂલી ગઈ કઈ રીતે ભીનાં થવું!
મેલ પૂળો બાળપણની મોજમાં,
દોડ બેટા, આપણે પેલ્લાં થવું.

મીનાક્ષી ચંદારાણા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “ટયૂશન : ડેઝર્ટ કે મેઈનકોર્સ !

Leave a Reply

Your email address will not be published.