દુનિયાભરની ડોક્યુમેન્ટરીઝ, અને ડોક્યુમેન્ટરીઝની દુનિયા

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

આ લખાય છે ત્યારે રીન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ નામના બે ભારતીય સર્જકોએ બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રાઈટિંગ વિથ ફાયર’ ચર્ચામાં છે. ઓસ્કારમાં નોમિનેશન પામેલી આ ફિલ્મ 94મા એકેડેમી એવોર્ડ માટે ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ’ની કેટેગરીમાં અંતિમ પાંચ સ્પર્ધકોમાં સ્થાન પામી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેટેગરીમાં નોમિનેટ થનારી આ પ્રથમ સંપૂર્ણ ભારતીય ફિલ્મ છે. આ ડોક્યુમેન્ટરીમાં દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એકમાત્ર વર્તમાનપત્ર વિશેની કથા છે. હાલમાં એના વિષે ઘણું લખાઈ રહ્યું છે, એટલે અહીં એની વાત નથી કરવી. અહીં વાત કરવી છે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સની. એક જમાનો હતો જ્યારે લોકવાયકા સમાન બની ગયેલા અભિનેતાઓ-અભિનેત્રીઓએ હિન્દી ફિલ્મોનો સુવર્ણકાળ આપણને દેખાડ્યો. એ પછી એંસીના દાયકામાં બીબાઢાળ ફિલ્મોનો દોર શરુ થયો. એકાદ ફિલ્મ હીટ જાય, એટલે એ જ પ્રકારના કથાનક પરથી બીજી અડધો ડઝન ફિલ્મો ઉતરવા માંડી. ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ થિયરી તો એટલી ચાલી કે દરેક ત્રીજી ફિલ્મમાં હીરો બાળપણમાં પોતાના પરિવારથી વિખુટો પડી જતો, અને ૨૫ વર્ષની વયે ફરી પાછો પરિવારને જડી આવતો! ઓટીટી પ્લેટફોર્મ આવ્યા પછી પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવવાના આસાર દેખાયા. પણ ન ગમે એવી વાત એ છે કે આ પ્લેટફોર્મ પણ સંપૂર્ણપણે ‘બીબાઢાળ ઇફેક્ટ’થી બચી નથી શક્યું. પરફેક્ટ ક્રાઈમ, સિરીયલ કિલિંગ, વેર-બદલો, પોલિટિકલ પાવર ગેમ્સ… આ બધા વિષયો પરથી એક પછી એક સિરીઝ બનતી જ રહે છે. ખેર, આ બધા વચ્ચે સમયાંતરે એવા લોકો પણ સર્જનક્ષેત્રે આવતા રહે છે, જેઓ કશુંક અલગ નિર્માણ કરે છે. એમની કૃતિ સારી હોય છે કે ખરાબ, સફળ હોય છે કે નિષ્ફળ, એ જુદી ચર્ચાના મુદ્દાઓ છે. પણ આજે કેટલીક એવી ડોક્યુમેન્ટરીઝ વિષે વાત કરવી છે, જે ‘રાઈટિંગ વિથ ફાયર’ની માફક ‘જરા હટકે’ ગણાઈ છે.

“બાથટબ્સ ઓવર બ્રોડવે”

દૂરદર્શનના જમાનામાં ટેલીવિઝન પર આવતી જાહેરાતો યાદ છે? ‘દૂધ સી સફેદી, નિરમા સે આયે….’ કહેતી હેમા, રેખા, જયા ઔર સુષમાવાળી પેલી વોશિંગ પાઉડર નિરમાની જાહેરાતને કોણ ભૂલી શકે? અને ‘હમારા બજાજ….’ અહા, કેવો સુરીલો જમાનો હતો! હવે જરા વિચારો કે કોઈ દિગ્દર્શક એ બધી જાહેરાતો માટે ઓનસ્ક્રીન અથવા ઓફસ્ક્રીન કામ કરનાર કલાકારો સાથે સંવાદ સાધીને એક મસ્ત મજાની ડોક્યુમેન્ટરી બનાવે, તો એ જોવાનો જલસો પડે કે નહિ?! ડાવા વ્હીસેનન્ટ નામની એક સર્જકે આવાજ કન્સેપ્ટ ઉપર એક હલકી ફુલકી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે, “બાથ ટબ્સ ઓવર બ્રોડવે”! ‘૬૦ અને ‘૭૦ના દાયકાની જાહેરખબરોમાં કામ કરનાર લોકો અને એ જમાના વિષે સ્ટીવ યંગ નામનો એક હાસ્યલેખક એ જમાનાની એડવર્ટાઈઝની રેકોર્ડ્સ ખોલતો જાય, એના વિષે વાત કરતો જાય, અને એ જાહેરાતોના નિર્માણ સાથે જોડાયેલા લોકોને મળતો જાય… એ જ આ ડોક્યુમેન્ટરીનું મૂળ તત્વ છે. એક બાથરૂમ ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપનીની જાહેરાતમાં આવતી કડી “my bathroom is much more than it may seem, where I wash and where I cream…” ને આધારે ડોક્યુમેન્ટરીનું ટાઈટલ પસંદ કરવામાં આવ્યું હોય, એમ લાગે છે. સર્જકે કદાચ એક પ્રયોગ તરીકે આવી ફિલ્મ બનાવી હશે, પણ લોકોને આ ફિલ્મ બહુ જ ગમી. ક્રિટીક્સે પણ એને ખૂબ વખાણી. આપણે ત્યાં કોઈક સર્જકે આવી ફિલ્મ બનાવવાનું બીડું ઝડપવું જોઈએ એમ નથી લાગતું?

થ્રી અઈડેન્ટિકલ સ્ટ્રેન્જર્સ

નામ પરથી જ ખ્યાલ આવી જશે કે આ ફિલ્મ એક સરખા દેખાતા ત્રણ અજનબીઓ વિષે વાત કરે છે. જો કે વાત આટલી સીધીસાદી નથી. શરૂઆતમાં જેની વાત કરી, એ આપણી દેશી ફિલ્મોમાં જોવા મળતી ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ થિયરીના રસિયાઓને જલસો પડી જાય એવી સત્યકથા પરથી ટિમ વાર્ડલે નામના દિગ્દર્શકે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે. એડવર્ડ ગેલન્ડ, ડેવિડ કેલમેન અને રોબર્ટ શેફ્રન નામના ત્રણ વ્યક્તિ એકસરખો દેખાવ ધરાવતા હતા. ત્રણેય એકબીજાથી સાવ અજાણ્યા હતા, પણ ૧૯ વર્ષની ઉંમરે તેઓ એકબીજાને મળે છે અને એ પછીના ઘટનાક્રમ ઉપરથી આ ડોક્યુમેન્ટરી બની છે. ડોક્યુમેન્ટરી જેમના ઉપરથી બની છે, એ ત્રણેય વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ તો ફિલ્મમાં સામેલ છે જ,પણ એમના જીવનની મહત્વની ઘટનાઓનું ડ્રામેટિક રીકન્સ્ટ્રક્શન પણ રજૂ કરવામાં આવ્યું છે. આથી આ ફિલ્મ દર્શકો માટે બહુ રસાળ બની રહે છે.

બે એકસરખા દેખાતા વિદ્યાર્થીઓ એક જ કોલેજમાં ભેગા થઇ જાય છે. બન્નેના દેખાવ વચ્ચેની સામ્યતા ગજબ છે. તપાસ કર્તા ખબર પડે છે કે હકીકતે આ બન્ને સગા ભાઈઓ જ છે. પછી તો આ બન્નેની ખ્યાતી આજુબાજુના વિસ્તારોમાં પ્રસરી જાય છે, જેના પરથી ત્રીજો ભાઈ પણ જડી આવે છે! ઇન શોર્ટ, આપણા સ્વ. મનમોહન દેસાઈ જેવા સર્જકની ફિલ્મને ટક્કર મારે એવી સિચ્યુએશન એડવર્ડ, રોબર્ટ અને ડેવિડના જીવનમાં વાસ્તવિક રીતે આકાર પામી, જેના ઉપરથી ટિમ વાર્ડલેએ રસપ્રદ ડોક્યુમેન્ટરી બનાવી નાખી.

માર્વેન્કોલ (Marwencol)

એવું કહેવાય છે કે તમારી અંદરની પીડા તમારી સર્જનાત્મકતાને ટ્રિગર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સર્જક જ્યારે મહત્તમ પીડા ભોગવતો હોય, ત્યારે એની સર્જનાત્મકતા પણ ઉત્તમ કક્ષાએ પહોંચે એવા સંયોગ હોય છે. માર્ક હોગનકેમ્પ સાથે એવું જ બન્યું. એક દિવસ શરાબ પીરસતા બારની બહાર માર્ક હોગનકેમ્પ પર હુમલો થયો. હુમલાખોરોએ ક્રૂર રીતે માર્કની પીટાઈ કરી. માર્ક સતત નવ દિવસ સુધી તો કોમામાં રહ્યો. માર્ક સાજો થઈને હોસ્પિટલમાંથી બહાર તો આવી ગયો, પરંતુ ડાબા મગજને ખાસ્સું નુકસાન થયું હતું, પરિણામે એ પોતાની સ્મૃતિનો અધિકાંશ હિસ્સો ગુમાવી બેઠો! આ અવસ્થામાં જેમતેમ દિવસો પસાર થઇ રહ્યા હતા. પોતાની ભૂલાઈ ગયેલી યાદો માટે ખાંખાખોળા કરતા એક દિવસ માર્કના મગજમાં અદભૂત વિચાર ઝબક્યો. એણે પોતાના ઘરના પાછલા હિસ્સા – બેકયાર્ડમાં બીજા વિશ્વયુદ્ધ સમયનું વાતાવરણ ખડું કરવાનું નક્કી કર્યું. આ માટે એણે હથિયારો અને લશ્કરી વાહનો સહિતના સાધનો તેમજ મનુષ્યોના મીનીએચર મોડેલ્સ બનાવવાની શરૂઆત કરી. જોતજોતામાં તો જાણે યુદ્ધભૂમિનું આખું મીનીએચર મોડેલ ખડું થઇ ગયું! માર્ક હોગનકેમ્પે પોતાના આ મોડેલને નામ આપ્યું ‘માર્વેન્કોલ’.

આ આખી ઘટના વિષે જેફ મેમ્બર્ગ નામના એક ફિલ્મ મેકરને જાન થઇ, અને એણે માર્ક હોગનકેમ્પે ઉભી કરેલી મિનીએચર સૃષ્ટિ ઉપર ‘માર્વેન્કોલ’ નામથી જ એક સરસ મજાની ડોક્યુમેન્ટરી બનાવી. હોગનકેમ્પ પોતાના જીવનની કઈ ઘટનાને કારણે, કયા સંજોગોમાં આર્ટ ક્રિએશનની દુનિયામાં આવ્યો, ત્યાંથી માંડીને માર્વેન્કોલમાં મુકાયેલા મિનીએચર પાત્રો વિશેની વાતો કહેતી ડોક્યુમેન્ટરી ફિલ્મ લોકોને ખૂબ ગમી. જો કે અનેક એવોર્ડ્સ મળવા છતાં ઘણા ક્રિટીક્સને આ ફિલ્મમાં ડોક્યુમેન્ટરી માટે જરૂરી એવા ગુણોનો અભાવ જણાયેલો. પણ પોતાની સ્મૃતિ અને કંઈક અંશે ભૂતકાળ ગુમાવી ચૂકેલા હોગનકેમ્પ માટે ગર્વની બાબત એ છે કે એની મિનીએચર કૃતિઓ હવે ન્યૂયોર્કની ઘી આર્ટ ગેલેરીઝમાં જોવા મળે છે. માર્વેન્કોલ ઉપરથી ઇસ ૨૦૧૮માં ‘વેલકમ ટુ માર્વેન’ નામની ફિલ્મ પણ ઉતરી છે.

ગ્રિઝલી મેન

ઉત્તર અમેરિકામાં જોવા મળતા વિશાળકાય બ્રાઉન રીંછની એક પ્રજાતિ ‘ગ્રિઝલી બેર’ તરીકે ઓળખાય છે. ટિમોથી ટ્રેડવેલ નામના એક પ્રકૃતિપ્રેમીને આ ગ્રિઝલી બેર્સ પ્રત્યે ગજબનો લગાવ હતો. દર ઉનાળે એ અલાસ્કા પહોંચી જતો, ને અહીં વસવાટ કરતા ખૂંખાર રીંછોની વચ્ચે રહેતો. એની ગર્લફ્રેન્ડ એને આવા સાહસોમાં સાથ આપતી. ઉનાળાની સતત તેર ઋતુ એણે ગ્રિઝલી બેર્સની વચ્ચે રહીને ગાળી! આ રીંછો સાથે એણે એટલો લગાવ થઇ ગયેલો કે એ બિન્ધાસ્ત આ ખૂંખાર પ્રાણીઓની વચ્ચે પહોંચી જતો. ટિમોથી દ્રઢપણે માનતો કે રીંછ જેવા પ્રાણીઓ સાથે માનવનું સહજીવન શક્ય છે. પોતાના કરતા અનેકગણા વિશાળકાય રીંછો સાથે એ પોતાના પાલતુ જાનવર જેવો જ વ્યવહાર કરતો. કમનસીબે આવા જ એક રીંછે અચાનક હુમલો કરી દેતા ટિમોથીનું મૃત્યુ થયું.

વર્નર હર્ઝોગ નામના સર્જકે ટિમોથીના જીવન ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. ગ્રિઝલી પ્રજાતિના રીંછો પ્રત્યેનો ટિમોથીનો લગાવ જોતા, એના જીવન પરથી બનેલી આ ડોક્યુમેન્ટરી ફિલ્મને ‘ગ્રિઝલી મેન’ નામ આપવામાં આવ્યું. આ ફિલ્મમાં ટિમોથીને ઓળખનારા અનેક લોકો અને રીંછ વિષે ઊંડો અભ્યાસ કરનાર તજજ્ઞો સાથે વાત કરવામાં આવી છે. ટિમોથી હંમેશા રીંછો સાથેના પોતાના વસવાટની ક્ષણોને પોતાની ગર્લફ્રેન્ડની મદદથી રેકોર્ડ્સ કરતો રહેતો. ટિમોથીએ શૂટ કરેલી આ બધી વિડીયો ટેપ્સ પણ ફિલ્મનો રસપ્રદ હિસ્સો છે.

ધી સ્પીડ ક્યુબર્સ

એક જમાનો હતો જ્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નિર્માતા સ્પોર્ટ્સના વિષય ઉપર ફિલ્મ બનાવવા નહોતો માંગતો. આશુતોષ ગોવારીકરે જયારે આમીર ખાન સાથે ફિલ્મ ‘લગાન’ બનાવવાની શરૂઆત કરી, ત્યારે કેટલાકે એને ચેતવેલો ય ખરો… કે ભાઈ, શા માટે પૈસાનું પાણી કરી રહ્યો છે?! હિન્દુસ્તાનના લોકો સ્પોર્ટ્સ આધારિત ફિલ્મો પસંદ નથી કરતા! જો કે આશુતોષે તમામ ચેતવણીઓ અવગણીને ધરાર ફિલ્મ બનાવી, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. હવે તો ટ્રેન્ડ બદલાયો છે, અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી અનેક ફિલ્મો આવતી થઇ છે. પણ ‘ધી સ્પીડ ક્યુબર્સ’ એક એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, જે આપણા માટે જાણીતી, છતાં પ્રમાણમાં નવી રમતની વાત કરે છે. ઘણા લોકો ક્યુબ્સની રમત રમ્યા હશે. આડાતેડા ગોઠવાયેલા ક્યુબ્સને એક સરખી પેટર્નમાં ગોઠવવાની રમત મ્સ્ત્મ્જાનો ટાઈમપાસ કરાવે છે. પણ તમને જાણીને નવી લાગશે કે સ્પીડ ક્યુબ્સની રમતમાં પણ વિશ્વ વિક્રમો નોંધાયા છે! આ રમત રમનારા ખેલાડીઓ સ્પીડ ક્યુબર્સ તરીકે ઓળખાય છે. તમે જો નિયમિત પ્રેક્ટિસ કરતા હોવ, તો તમને એક ક્યુબ સેટ કરવામાં કેટલીક મિનીટ્સ લાગી શકે છે. પરંતુ સ્પીડ ક્યુબર્સ દસ સેકન્ડ કરતા ઓછા સમયમાં ક્યુબ સેટ કરી નાખતા હોય છે. ક્યુબ પર એમની આંગળીઓ એટલી ઝડપથી ફરતી હોય છે કે વિડીયોમાં એ ધૂંધળી દેખાય છે! ફેલિક્સ ઝેમ્ડેગ્સ નામનો એક છોકરો ‘કિંગ ઓફ ધી ક્યુબર્સ’ના ઉપનામથી જાણીતો છે. એને નામે માત્ર ૪.૨૨ સેકન્ડમાં ક્યુબ સેટ કરી દેવાનો રેકોર્ડ બોલે છે. મેક્સ પાર્ક નામનો એક બીજો છોકરો ઓટિઝમથી પીડિત છે, પરંતુ સ્પીડ ક્યુબિંગમાં એક્સપર્ટ છે. તરુણવયના આ બન્ને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પાછી ગાઢ દોસ્તી પણ છે, આ બન્ને મિત્રોની દોસ્તી અને સ્પીડ ક્યુબિંગની રમત પર બનેલી રસપ્રદ ડોક્યુમેન્ટરી, એટલે ‘ધી સ્પીડ ક્યુબર્સ’. રમતમાં અને ખેલાડીઓના સંબંધોમાં રસ પડતો હોય, એ લોકોએ અચૂક આ ફિલ્મ જોવી જોઈએ.

સો ફ્રેન્ડ્સ, મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ… કે સેક્સ, મારધાડ અને પાવર પોલીટીક્સ સિવાય પણ અનેક વિષયો છે, જેના પર દુનિયાભરમાં સર્જકો રસપ્રદ કૃતિઓ બનાવી રહ્યા છે. શું જોવું અને શું એવોઈડ કરવું, એ આપણી મુનસફી પર આધાર રાખે છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.