મારે સદા અજવાળવા અંધકાર કેરા પંથ સૌ ચમકી અને ટૂટી પડે એવો સિતારો હું નથી

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

ધોની જેવો મહાન વ્યક્તિ-ક્રિકેટર ક્યારેય હતો નહી, છે નહી અને પેદા થશે નહીં. જીવનમાં કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સતત સંઘર્ષપૂર્વ જીવન જીવના ધોનીમાં આદર્શ લીડરના બધા જ ગુણો હતા

શનિવાર તા. ૧૫મી ઓગષ્ટ, ભારતના ૭૪મા સ્વતંત્રતા દિવસ પર મહેન્દ્રસીંગ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડીયો પોસ્ટ કર્યો. જેમાં એની કારકિર્દીની યાદગાર પળોના ખાસ ફોટા હતા. અને બેક ગ્રાઉન્ડમાં ફીલ્મી કભી કભીનું સાહિર લુધિયાનવીએ લખેલું અને મૂકેશના અવાજમાં ગવાયેલું ગીત વાગી રહ્યું હતું. ‘મૈં પલ દો પલ કા શાયર હૂઁ…’ આ વીડીઓની નીચે લખ્યુંહતું ‘આ સફરને માટે, તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. આજે ૭.૨૯ મીનીટે મને નિવૃત્ત સમજવો.’

સલામ ધોની હેલીકોપ્ટર જેવી આગવી છટામાં ક્રીકેટીંગ શોટ્સ લગાવતા… માહીએ નિવૃત્તિ પણ રફાલને હંફાવી દે તેવી અનોખી અદામાં લીધી. ૧૯૪૭માં ૧૫મી ઓગષ્ટે સ્વતંત્ર ભારતનો પ્રથમ સૂર્યાસ્ત સાત વાગીને ઓગણત્રીસ મિનિટે થયોહતો. એ જ સમયે ધોનીએ પોતાની ક્રિકેટની કારકિર્દીનો અસ્ત જાહેર કર્યો અને ક્રીકેટ જગતમાં ‘ધુ્રવ તારા’ જેમ ‘ધોની સિતારો’ બની તમે કરોડો ચાહકોના દિલો દિમાગના સિતારા બની ગયા. હા… એ દિવસે તમે ચન્દ્રમાની જેમ ચમકી ઉઠયા.

શાસ્ત્રોમાં કહ્યું છે…

વજ્રાદપિ કઠોરાની રુજુની કુસુમાદપિ
લોકોત્તરાણામ્ ચેતાંસી અર્હતુ નાપિ સંભવમ્

ખરેખર કેપ્ટન કૂલ અને ભાવનાની દ્રષ્ટિએ સ્થિતપ્રજ્ઞા લાગતા લોખંડી છાતીવાળા મહેન્દ્રસીંગ ધોનીએ ફૂલથી પણ કોમળ સંવેદના વ્યક્ત કરતાં નિવૃત્તિ લઇ સાબિત કર્યું… માહી ખરેખર મહાન છે.

મર્યાદિત ઓવરની મેચમાં ધોની સર્વશ્રેષ્ઠ ફીનિશર તરીકે સુખ્યાત છે. ક્રિકેટને અલવિદા કહી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને ફીનીશ કરવાની ધોનીની છટા પણ એટલી જ આગવી છે. ક્રિકેટની આગવી સૂઝ, મેઘાવી નેતૃત્વ અને ઠંડા દિમાગથી રમત રમવાનું ધોનીનું મનોવલણ ક્રીકેટ પ્રેમી નાગરિક ક્યારેય ભૂલશે નહીં.

આ સમયે એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીએ ઠારવેલી હૈયા વરાળ કંઇક આવી હતી, ‘મને લાગ્યું હવે જીવન સ્થગિત થઇ ગયું છે ચારેય બાજુ અંધકાર જ અંધકાર લાગે છે. સ્વપ્નમાં સેવેલી મંઝીલ ક્યાંય દ્રશ્યમાન થતી નથી. આ રીતે ગમે તેટલી મહેનત કરૂં તો પણ મારી દશા ઘાંચીના બળદ જેવી ઠેરના ઠેર જ રહેવાની.’

ત્રણ વર્ષ થયાં, બધા જ એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ, ૧૦૬૯ અપ અને ૧૦૭૭ ડાઉનના રીઝર્વેશન ચાર્ટની આપ લે કરવામાં જ પસાર થયો. ક્રીકેટ રમવામાં પણ એકની એક ઘરેડ, રેલ્વે તરફથી રણજી રમવામાં અને સહકાર્યકરોની આંતરિક સ્પર્ધા તેમજ રાજકારણમાં જ જીવન પસાર થઇ જશે. મારી સાથેની અન્ડર નાઇનટીઝની ટીમમાં રમનાર મહમદ કૈફ, યુવરાજ અને નયન મોંગીયા ક્યાંય આગળ નીકળી ગયા છે. હવે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તરફથી રમવાના મારા કોઈ જ ચાન્સીસ નથી. ઇચ્છિત સફળતા મેળવવી કદાચ મારી પહોંચની બહાર લાગે છે.

માહીને સફળતા પહોંચની બહાર લાગી ત્યારે એ વેંત છેટી દૂર જ હતી. જરૂર હતી ટકી રહેવાની. જીવનના સુરક્ષિત ઝોનમાંથી બહાર આવી સાહસ કરવાની.

જીવનના આ કપરા સમયમાં તેણે નિર્ણય લેવાનો હતો. ઇન્ડીયન રેલ્વેઝની સલામત નોકરી છોડી માત્ર ક્રીકેટ પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનો.

નિર્ણય મુશ્કેલ હતો કારણ આખી જિંદગી ક્રીકેટ રમવાનું શક્ય ન હતું. એમાં કેટલી સફળતા મળશે એ પણ નક્કી ન હતું. જ્યારે ઇન્ડીયન રેલ્વેઝની ટીકીટ કલેકટરની નોકરીમાં જીવનની સલામતી હતી. અને મૃત્યુ પર્યંત સરકારી પેન્શન મળવાનું હતું. પરંતુ ટી.સી.ની નોકરીને કારણે ક્રીકેટને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું શક્ય ન હતું. નોકરીને કારણે તે પોતાની પૂરી માનસિક શક્તિ ક્રિકેટમાં લગાડી શક્તો ન હતો.

કટોકટીની એ પળમાં માહીએ નિર્ણય લીધો જીવનના સલામત અને સગવડ ભર્યા આરામદાયક ‘કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનો. તેણે ટી.સી.ની નોકરી છોડી દીધી. ક્રિકેટને પોતાના ૧૦૦% આપ્યા અને માત્ર છ મહીનામાં તેનું ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સિલેકશન થયું.’

રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામ્યા પછી ધુંઆધાર ધોનીએ હરીફ ટીમના રનના ખડકલાનો પીછો કરવા માટે રમાયેલી મેચોમાં ૪૦માંથી ૩૮માં વિજય મેળવી તે નોટઆઉટ રહ્યો છે. દરેક વખતે સફળતા જ્યારે પહોંચની બહાર લાગતી હતી ત્યારે એ વેંત છેટી જ હતી અને એટલો સમય મેદાન પર ટકી રહેવાનું, ધૈર્ય, આત્મવિશ્વાસ અને હિંમત ધોનીમાં ગજબનાક હતા. તે ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ગેઇમચેનજર અને ગેઇમ ફીનીશર હતો. આ સત્ય એ વાતથી સિધ્ધ થાય છે કે તેણે નોટાઉટ રહીને ૪૦માંથી ૩૮ એટલે કે પંચાણું ટકા સફળતા અપાવી છે. જ્યારે ધોની આઉટ થઇ ગયો હોય એવી રનનો પીછો કરવાની ઇનીંગ્સમાં ભારતીય ટીમ ૭૩ મેચમાંથી ૨૧ મેચ જીતી છે જ્યારે ૫૧ મેચ હારી છે. આમ ધોની વિના માત્ર ૨૧% મેચમાં અન્ય ક્રીકેટરે કટોકટીની ક્ષણમાં બાજી જીતમાં પલટાવી છે. એટલે ધોની જેમ વેંત છેટી સફળતાને ઝૂંટવી લેનાર ભારતીય ક્રિકેટર ક્યારેય કોઈ ન હતો, આજે નથી અને ભવિષ્યમાં પણ પેદા નહીં થાય ઓમ ફીનીશાય નમઃ જેવી માનવાચક ટીપ્પણી આપણે કરવી જ રહી. મેચના અંતિમ બોલે ચોવીસ મેચમા છગ્ગો મારી જીત અપાવનાર ધોની વિશ્વનો પ્રથમ ક્રીકેટર છે. ધ્યેયસિધ્ધિ માટે ડેડીકેશન અને ડીટરમીનેશન ધોનીમાં અજોડ હતું.

આમ કપરા સંજોગોમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું, અને પૂરા વિશ્વાસ, લગન, સ્વાર્પણ અને સંકલ્પથી ટકી રહેવાનું યુવા પેઢીએ ધોની પાસેથી શીખવાની જરૂર છે.

જ્યો પિઝેટ અને લોરેન્સ કોહલબર્ગે કોઇપણ સંસ્થા કે ટીમના નેતામાં નીચેના છ પ્રકાર ગણાવ્યા છે

૧. તકવાદી, ૨. સોસિયોપેથ, ૩. કાચંડા જેમ રંગ બદલનાર, ૪. સિધ્ધિ મેળવનાર, ૫. ટીમને જોડનાર-બિલ્ડર, ૬. ગુણાતીત (ટ્રાન્સીડેન્ટસ), આમાં છઠ્ઠા સ્તરે પહોંચવા માટે તે લોકો પોતાની સંસ્થા કે ટીમના હિતને વ્યક્તિગત હિત કરતાં મહાન ગણાવે છે. ટીમના વિકાસમાં તેનું યોગદાન અદ્ભૂત હોય છે.

ધોની છઠ્ઠા સ્તરે પહોંચેલો ટીમલીડર હતો. તેને મળેલી સફળતાનો જશ તે અન્ય સાથી ખેલાડીને આપતો એટલું જ નહીં વિશ્વવિજેતાનો કપ પણ તે સાથી ખેલાડી પાસે લેવડાવવાનો આગ્રહ રાખી તેના યોગદાનનું બહુમાન કરતો.

ગમે તેવી પળોમાં શાંત અને ઠંડા રહેવાની, સફળતામાં છકી નહીં જવાની અને નિષ્ફળતામાં નિરાશ ન થવાની, કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારી પોતાના શિરે લઇ સૌથી પહેલા ચેલેન્જ ઉપાડવાની અને પોતાની અંગત સિધ્ધિ માટે નહીં પણ ટીમ માટે રમવાની તેની ખાસિયતોએ તેને સફળ કેપ્ટન બનાવ્યો હતો. આમ તેનામાં સર્વાંગ સંપૂર્ણ નેતા બનવાના તમામ ગુણો હતા.

૯ જુલાઈ ૨૦૧૯માં વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની હતી. ભારતે જીતવા માટે ૨૪૦ રન કરવાના હતા. પરંતુ માત્ર પાંચ રનના સ્કોર પર રોહિત શર્મા, કે.એલ.રાહુલ અને વિરાટ કોહલી તંબુ ભેગા થઇ ગયા હતા. ૯૨ રનમાં છ વિકેટ પડી ગઈ હતી અને ધોની સાથે જાડેજા જોડાયો. બન્ને વચ્ચે ૧૧૬ રનની ભાગીદારી થઇ અને સ્કોર ૨૦૮ સુધી પહોંચ્યો અને જાડેજા આઉટ થયો. હવે ધોનીનો વારો હતો રમતને જીત સુધી લઇ જવાનો. એ માટે ખમીરવંતા ધોનીએ ખભા ઉંચક્યા. પણ ઓગણપચાસમી ઓવરમાં ધોની રન આઉટ થયો. અને મેચ ન્યુઝીલેન્ડ જીતી ગયું.

આઉટ થયા પછી પેવેલીયનમાં આવી ધોની રડયો હતો. તેની સાથે સહાનુભૂતિ દર્શાવતાં દેશના બધા જ ક્રીકેટ પ્રેમી રડયા હતા. ધોનીએ મેચ ફીનીશ ન કરી શક્યો તેનો આજે પણ તેને અફસોસ છે.

ધોનીના વ્યક્તિત્વને સમજવા અને આત્મસાત કરવા તેની બીજી બાયોપિક બનાવવી પડે. ધોનીનો આત્મવિશ્વાસ, લગન, હિમ્મત એ કઠોર પરિશ્રમ આવનારી પેઢીને પ્રેરિત ચોક્કસ કરશે પણ ધોની જેવો બીજો ક્રિકેટર મેળવાનું ભારતીય ક્રીકેટ બોર્ડનું જો કોઈ સ્વપ્ન હોય તો એ મિશન ઇમ્પોસીબલ છે.

ધોનીએ ભલે વિનમ્રતાથી કહ્યું હોય કે એ પલ દો પલનો શાયર છે. હકીકતમાં કેટલાયે ચુનંદા ક્રીકેટરો ઇન્ડીયન ક્રિકેટમાં આવશે, ધોનીથી વધારે સારું રમનાર પણ કદાચ આવશે પણ સર્વગુણ સપન્ન ધોની ક્યારેય નહીં ભૂલાય. એ ‘હરએક પલનો શાયર છે’ ધોનીની જીવનશૈલી, પ્રતિભા અને વ્યક્તિત્વ ક્રીકેટ જગતમાં હંમેશા અમર રહેશે. ભારતીય ક્રિકેટની હિસ્ટ્રીમાં ધોની યુગ સુવર્ણ અક્ષરોએ લખાયેલો રહેશે. અલવિદા મહેન્દ્રસીંગ ધોની.. જીવનની બીજી ઇનીંગમાં શિખર પર પહોંચવા માટે કોટી કોટી શુભકામનાઓ.

ન્યુરોગ્રાફ:

ધોનીના વ્યક્તિત્વને આત્મસાત કરનાર અને પડદા પર રોલ મોડેલીંગ કરનાર સ્વ. શુશાંતસીંગ પણ ક્યારેય નહી ભૂલાય. 


સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

2 thoughts on “મારે સદા અજવાળવા અંધકાર કેરા પંથ સૌ ચમકી અને ટૂટી પડે એવો સિતારો હું નથી

  1. Leaving the Comfort zone…many preach it. Some like Dhoni have practised it.

    Very good example .

    But note, all who leave comfort zone may not succeed.

    That is where Bhagwad Gita shows the direction.

  2. હુ તો એને ક્રિકેટ નો ભગવાન કહીશ , જે અંગત રેકોરડસ માટે નહી પણ દેશ માટે જ રમ્યો , દેશ ને જીતાડવા માટે જે સાહસ કરવું પડે તે કર્યું , કોઇ પબલીસીટી નહી , કોઇ પીઠબળ નહી , પણ પોતાની તાકાત પર જ દેશ ને ગોરવ અપાવ્યું , ખરેખર તો એ જ ભારત રતન નો હકદાર છે

Leave a Reply

Your email address will not be published.