શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: સમજશક્તિ. નૈતિકતા લોકશાહી, કામ અને સુખ

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

ગયા પ્રકરણમાં આપણાં સામાજિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર દર્શાવતાં વીસમી સદીના કેટલાક લક્ષણો વિશે વાત કરી. હવે આપણી સમજશક્તિ, નૈતિકતા -ધર્મ, લોક્શાહી, આપણું કામ, સુખ વગેરેની પરિસ્થિતિ આજે શું છે તે વિશે લેખકનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયાસ કરીશું

“તારા આત્માને જાણ, સ્વને ઓળખ” એવા ઉપદેશોથી આપણે ભારતીયો ભાગ્યેજ અપરિચિત હોઈશું.  આધ્યાત્મિક્તાની આટલી ઉંડી વાત કદાચ આપણે ના સમજી શકીએ, પરંતુ આજના યુગમાં પ્રયત્ન કરીને પણ જાત સાથે તાદાત્મ્ય સાધવું મુશ્કેલ થઇ ગયું છે  લેખકનો એ મત આપણને વિચારવા પ્રેરે તેવો લાગે જ છે. આજે દુનિયાભરમાં નિરક્ષરતા ખૂબ જ ઘટી ગઈ છે. લોકો છાપું વાંચીને દુનિયાભરના બનાવો વિશે જાણી લે છે. અગાઉ ક્યારેય વંચાયા ન હતા એટલા વિપુલ પ્રમાણમાં ધર્મશાસ્ત્રો પણ વંચાય છે. આ કારણોસર એવો ભ્રમ ઊભો થાય છે કે આપણું જ્ઞાન વધ્યું છે. આપણે બુદ્ધિપૂર્વક કુદરતના રહસ્યો અને વિજ્ઞાનના કોયડાઓ ઉકેલી શકીએ છીએ. વિશાળ એવા બ્રહ્માંડનું તથા નાનામાં નાના પરમાણુંનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આ બધુ આપણે બુદ્ધિની મદદથી કરી શકીએ છીએ. પરંતુ આપણી સમજશક્તિ કે જેના વડે કોઇ ચીજવસ્તુનું સમગ્રપણે આકલન કરી શકાય તેમાં વધારો થયો નથી. આજના એકમો તે પછી કારખાનું, શહેર કે રાજ્ય હોય તે બધા એટલા મોટા બની ગયા છે કે તેમને સમગ્રપણે જાણવા માટે આપણી સમજશક્તિનો પનો ટૂંકો પડે છે. પ્રાચીન ગ્રીસના મહાન તત્વચિંતક એરિસ્ટોટલે તો ત્યાં સુધી કહેલું છે કે શહેરમાં અમુક હદ કરતા વધુ વસ્તી હોય તો તે જીવવા જેવું ના રહે.

આજનો માણસ ગીતા કે કુરાનની જેમ રોજે છાપું વાંચે છે, તો પણ રાજકીય બબતોની સમજણ તેનામાં આવતી નથી. બુદ્ધિ વડે આપણે શસ્ત્રો બનાવીએ છીએ પરંતુ તેના પર અંકૂશ રાખવાની સમજશક્તિનો આપણામાં અભાવ છે. વાચક મિત્રો સમજી શક્યા હશે કે લેખક બુદ્ધિ અને સમજશક્તિ બન્નેમાં ભેદ કરે છે. સમજશક્તિને આપણે વિવેક પણ કહી શકીએ.

બજારે આપણી નૈતિકતા ઉપર પણ પ્રભાવ પાડ્યો છે. નીતિશાસ્ત્રનું કામ આપણને યોગ્ય વર્તન કરતા શીખવવાનું છે. હવે યોગ્ય કે અયોગ્યને નક્કી તો આપણે આપણા વિવેક વડે કરી શકીએ અને વિવેક માટે તો આપણા અંતરાત્મા એટલે કે સ્વની ઓળખ જરૂરી છે. પરંતુ આગળ જણાવ્યા પ્રમાણે આપણે હવે આપણી જાતને જ જાણી શકતા નથી તેથી જ  ઇષ્ટ કે અનિષ્ટ આપણે નક્કી કરી શકતા નથી. વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરવાની ક્ષમતા વિનાનું નીતિશાસ્ત્ર તો પાંગળુ જ કહેવાય ને?

ધર્મ વિશે તથા ઇશ્વરનાં અસ્તિત્વ અંગેની ચર્ચાઓ નાસ્તિકો અને આસ્તિકોમાં સદાકાળ ચાલતી આવી છે. દુનિયામાં મોટાભાગના  લોકો ધર્મસ્થાનોમાં જઈને પૂજાપાઠ, બંદગી કે પ્રાર્થના કરે છે અને તેથી આપણે તેમને ઇશ્વરમાં માનનારા એટલે કે આસ્તિક ધારીએ છીએ. એથી વિરુદ્ધ કેટલાક લોકો ઇશ્વરનો ઇ‌ન્કાર કરે  છે, તેમને આપણે નાસ્તિક કહીએ છીએ. પરંતુ ખરો ધર્મ કે ઇશ્વર તો જીવનનાં રહસ્યો બાબતે વિચારવું અને  તેનો ઉકેલ શોધવા પ્રામાણિકપણે મથ્યા કરવું એ છે. કૃષ્ણથી કબીર સુધીના ધર્મગુરુઓએ આને જ ધર્મ કહ્યો છે. પરંતુ  મોટાભાગના લોકો જેને આપણે આસ્તિક કહ્યા તેમને તો આની સાથે લેવદેવા જ નથી. ઈશ્વર તો તેમને કોઈ મોટી લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર લાગે છે. આપણે તેમને ખરા અર્થમાં આસ્તિક કઈ રીતે કહી શકીએ? આથી લેખક કહે છે કે દુનિયાની મોટાભાગની વસ્તી  નાસ્તિક જ છે અને  વ્યંગમાં કહે છે કે ‘આજનો સમાજ ખરા અર્થમાં બીનસાંપ્રદાયિક સમાજ છે!’

કામ અંગેની વાત કરીએ તો કુદરતમાં દરેક પ્રાણી જીવવા માટે કામ કરે છે. એ જ  રીતે માનવી જો કોઈનું શોષણ ન કરે તો તેણે પણ કાર્ય કરવું પડે છે. પરંતુ આપણે જો અન્ય પ્રાણીઓથી નિરાળા હોઈએ તો કામ અંગેની આપણી સમજણ પણ નિરાળી હોવી જોઈએ. માત્ર આજીવિકાનાં સાધન તરીકે થતી માનવીની પ્રવૃતિ તો અન્ય પ્રાણીઓની જેમ પ્રકૃતિથી દોરવાયાથી થયેલી કહેવાય. ખરેખરું કામ તો એ કહેવાય જે તેને પ્રકૃતિની ગુલામીમાંથી મુક્ત કરે. પશ્ચિમની દુનિયામાં તેરમા અને ચૌદમા સૈકામાં કલા-કારીગીરી અને જ્ઞાનની અનેક શાખાઓના વિકાસનું રહસ્ય એ જ હતું કે લોકોએ કાર્યને આંતરિક રીતે સમૃદ્ધિ પામવાના એક સાધન તરીકે જોયું. પોતાનાં કામમાંથી જ તેમને મનોરંજનની પ્રાપ્તિ થતી. આ અંગે વધુ વિચારતા ખ્યાલ આવશે કે જેમ કામ અને મનોરંજન જોડાયેલા છે તેમ કામ અને સંસ્કૃતિ પણ જોડાયેલા છે. આપણને ભલે લાગતું હોય કે નાટકસીનેમા, સરકસ કે અન્ય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આપણે માત્ર શ્રોતા કે પ્રેક્ષકો હોઇએ છીએ તેમાંથી આપણે મનોરંજન મેળવીએ છીએ, પરંતુ તે મનોરંજન ક્ષણજીવી હોય છે. પોતાની જાત સાથે જોડાઇને કરેલું કોઇ કલાકારીગીરી, ચિત્ર કે નાટકસીનેમાનું સર્જન કે તેમાં કરેલો અભિનય  આપણા આત્મા સુધી પહોંચીને આપણાં ચિત્તને પ્રસન્નતા આપે છે.

પરંતુ આજે કામનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. કામ સફળતા માટેનું એક સાધન બની ગયું છે, ભલે આ સફળતા વેપારધંધા, રાજકારણ, નાટકસીનેમા, સાહિત્ય કે લાલિતકલા જેવા ક્ષેત્રની સુધ્ધા હોય.  આપણે સ્વા‌ન્ત સુખાય કે નિજાનંદ માટે કામ નથી કરતા. સ્વાભાવિક છે કે આથી કામ એક વેઠ બની જાય છે. ઉત્પાદનના કે સેવાના ક્ષેત્રોમાં કામદારોમાં આ વેઠ સ્પષ્ટ દેખાઈ આવે છે. પરિણામે કામદારોમાં અસંતોષ વ્યાપે છે. આધુનિક વ્યવસાયપ્રબંધકોના ધ્યાનમાં આ વાત આવી હોવાથી કામદારોનાં મનોવિજ્ઞાન વડે કામ પ્રત્યેના તેમના વલણો સમજવાનાં પ્રયાસો થાય છે. આ રીતે ઉદ્યોગોની માનવીય સમસ્યાના અભ્યાસનો ખ્યાલ પણ શરૂ થયો છે. પરંતુ  આ અભ્યાસનાં કે‌ન્દ્રમાં માનવી તો નથી જ, કારણ કે તેનો  હેતું તો ઉત્પાદન સારી રીતે થાય એ છે. આથી જ લેખક જણાવે છે કે સમાજના સ્વાસ્થ્ય માટે ઉદ્યોગોના માનવીય પ્રશ્નના અભ્યાસની નહિ, પરંતુ માનવીના ઓદ્યોગિક પ્રશ્નના અભ્યાસની જરૂર છે.

માણસનો કામ સાથે નાતો છૂટી જવાને કારણે બે પ્રત્યાઘાતો ઊઠે છે. કામ એક વેઠ લાગતા તેને માટે માણસ ઉદાસીન બની જાય છે એથી સંપૂર્ણ આળસુપણાનો આદર્શ ઉભો થાય છે. તેવી જ રીતે  કામ તથા તેની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ઘૃણા અને દુશ્મનાવટની લાગણી ઊભી થાય છે. (પોતાના બોસની ગેરહાજરી આથી જ ઉત્સવ જેવી લાગે છે!) આ પ્રકારના પ્રત્યાઘાતોથી વેપારઉદ્યોગોના સંચાલકો પણ મુક્ત નથી હોતા.

આજે આપણે માનીએ છીએ કે દુનિયાના ઘણાખરા દેશોમાં લોકશાહી છે. રાજ્યના સંચાલકોને પ્રજા જ નક્કી કરે છે. આથી આપણે લોકશાહીને સૌથી સુસંસ્કૃત રાજયપદ્ધતિ તરીકે ઓળખી છીએ. લોકો જ પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. પરંતુ બને છે એવું કે આ પસંદગી તો સાબુ કે ટુથપેસ્ટની પસંદગીની જેમ માત્ર જાહેરાતોની અસરમાં જ થાય છે. પ્રચારના ઢોલમાં સત્ય સાંભળી કે સમજી શકાતું નથી. ચીજવસ્તુના વેચાણમાં કંપનીઓ જાહેરાતને આધારે મેદાન મારી જાય છે તેમ રાજકીય પક્ષો ચૂંટણીઓ જીતી જાય છે. શ્રી શુપીટર(1883 થી 1950)ના કહેવા મુજબ લોકોના મત મેળવવાની સ્પર્ધામાં  જીતીને અમુક લોકો નિર્ણય લેવાની સત્તા મેળવી લે છે. પરંતુ લેખક એ બાબત પર આપણું ધ્યાન દોરે છે કે નિર્ણય પણ આપણા પ્રતિનિધિઓ નહિ પરંતુ તેમનો પક્ષ, અને પક્ષમાં પણ તેનો મુખ્ય વડો કરે છે. કંપનીના એક  શેર હોલ્ડરનો કંપનીના સંચાલનમાં જેટલો હિસ્સો છે તેથી સહેજ પણ વધારે હિસ્સો  કે અવાજ રાજયનાં સંચાલનમાં મતદારનો નથી હોતો. લોકશાહીમાં શાસક એવું યંત્ર છે કે જે લોકોના મત વડે પસંદ થાય છે અને પસંદગી પામ્યા પછી તેનો લોકો સાથેનો સંપર્ક તૂટી જાય છે અને તેના પર પ્રજાનો કાબૂ રહેતો નથી.

જીવનમાં દરેક વ્યક્તિ સુખ પ્રાપ્તિ માટે ઝંખના ધરાવે છે. પરંતુ આપણી સુખ વિશેની સમજણ જ ભ્રામક છે. જીવનમાં કોઇ સંઘર્ષ કરવો ના પડે, કોઇ જોખમ ઊઠાવવું ના પડે, પળે પળે સબ સલામતની ખાતરી થયા કરે એને આપણે સુખ માનતા હોઈએ છીએ. આ સમજણથી દોરવાઈને આપણે આપણાં બાળકોને પણ ઉછેરીએ છીએ. તેમનાં જીવનમાં કોઇ અવરોધ ના આવે  કે તેમને કશો સંઘર્ષ કરવો ના પડે તેની સંપૂર્ણ કળજી લેતા હોઈએ છીએ. પરંતુ લેખક આને સુખ માનતા નથી. જે માણસ ઉર્મિશીલ અને જીવંત છે તે નિશ્ચિતતા અનુભવી જ કેમ શકે? વળી માનવજીવન જ એવું છે કે લાખ ઉપાયો છતાં સબ સલામતની ખાતરી હોતી નથી. ગમે તેટલી કાળજી રાખીએ તો પણ બીમારી કે અકસ્માતો નિવારી શકાતા નથી. ગમે તેટલી ચોકસાઇપૂર્વક કરેલો નિર્ણય ખોટો હોઈ શકે છે. હકીકત એ છે કે સ્થિરતા કે નિશ્ચિતતા માટે ઝાવાં નાખવાં એ મૃગજળ પાછળ દોડવા જેવું છે. વળી આગળ જણાવ્યા પ્રમાણે નિશ્ચિતતા એ પણ સાચું સુખ તો નથી જ, પરંતુ આજે આપણને મળતી સુવિધાથી આપણે બધી રીતે નિશ્ચિત થવાનું વલણ ધરાવતા થઈ ગયા છીએ. આમાં પણ બલિહારી તો બજારની જ છે. “તમે ફક્ત નિર્ણય કરો, બીજું બધું અમારા પર છોડી દો” એવી જાહેરાતો આપણાં આ વલણને સમર્થન આપે છે. જૂના જમાનામાં તો અનિશ્ચિતતા અને અસલામતી ઉપરાંત જીવન જીવવા માટેનો સંઘર્ષ પણ આજના કરતા ખૂબ જ વધારે હતો. પરંતુ માણસ સમૂહ સાથે જોડાયેલો રહેતો, પછી એ સમૂહ કુટુંબ, જ્ઞાતિ રાષ્ટ્ર કે અન્ય કોઇ જૂથ હોય. આ પ્રકારના જોડાણને કારણે  અનિશ્ચિતતા  અસલામતીની લાગણી કે સંઘર્ષ  તેને પીડતા નહિ. આજે તો માણસે વ્યક્તિવાદી રહેવું છે અને અસલામતી, અનિશ્ચિતતા તથા સઘર્ષથી નાસી જવું છે. પરંતુ તેમ બની તો શકતું નથી. આથી તે હતાશા અનુભવે છે. લેખક આ હતાશાના અભાવને જ સુખ કહે છે. હતાશાથી મુક્ત રહેવા માણસ ટોળાનો હિસ્સો બની જાય છે. આખરે તો એ ઘેટાશાહી છે.

ઉપર  વર્ણવેલી મોટા ભાગની તકલીફો આપણે જાત સાથેનો નાતો તોડી નાખવાને લીધે ઉદભવી હોય એમ લાગે છે. આપણા ધર્મ, નૈતિકતા  લોક્શાહી વગેરે આપણને ખોખલા લાગવાનું કારણ પણ એ છે કે  તે બધાનો આપણા સ્વ સાથેનો સબંધ તૂટી ગયો છે.

આમ છતાં લેખક *‘ખુદાના શુકર છે’ની જેમ સધિયારો આપે  છે કે આજની જીવનપદ્ધતિથી લોકોને વધુ ને વધુ નિરાશા ને અસમાધાન થતાં જાય છે, અને તેઓ પોતાના ખોવાયેલાં સર્જનાત્મકતામાંથી કંઈક પાછું મેળવવા પ્રયત્ન કરે છે, લાખો માણસો સારું સંગીત સાંભળે છે, વધુ ને વધુ લોકો બાગકામ કરે છે, ચિત્રો દોરે છે, પોતાના ઘરો પોતે બાંધે છે, અને ‘જાતે કરો’ નો મંત્ર સમજીને પ્રવૃતિઓમાં રસ લે છે. આ બધા આશાસ્પદ લક્ષણો હોવા છતાં તે પૂરતા નથી. આપણું પરાયાપણું હજી ગયું નથી.

આ સાથે આ પ્રકરણ પૂરું કરીએ છીએ અને હવે પછીના પ્રકરણમાં બીજા કેટલાક નિદાનો અને લેખકના પૂર્વસુરીઓએ આવનારા સમયને ઓળખીને વર્ષો  પહેલા કરેલી કેટલીક આગાહીઓ વિષે વાત કરીશું.

  • કવિ શ્રી મકરંદ દવેનું કાવ્ય કદાચ અપ્રસ્તુત લાગે પરંતુ ખુદાના શુકર છે એ શબ્દ યાદ આવતા અહીં મૂકવાની લાલચ રોકી શકતો નથી.

ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
કહો આજ બેલી ખુદાના શુકર છે.
ભલે આજ રંગીન બાગો બળે છે
ભલે ખાખ થાતા સપન ઓગળે છે,
છતાં એક નાનુ અહીં ખિલખિલે છે-
જુઓ બાળ માની આ છાતી ઉપર છે!
ખુદાના શુકર છે. ખુદાના શુકર છે
દમેદમ ભલે મોત આંટા ફરે છે,
લડીને પડીને આ આ માનવ મરે છે
છતાં કોઈને હાસ હોઠે તરે છે-
જુઓ ફૂલ કેવા કબરની ઉપર છે!
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!
અરે! હાય બેલી કાં ડૂકી પડે છે?
શિયાળા સહીને વસંતો જડે છે,
પછી જિંદગાનીયે જીતે ચડે છે‌-
હજી ચાંદ કેવો રૂપેરી ઉપર છે!
ખુદાના શુકર છે, ખુદાના શુકર છે!


(ક્રમશ:)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.