જેણે ગુન્હો કર્યો હોય એ ડરે, તમારે શું ડરવાનું?
નલિન શાહ
અઢળક સંપત્તિની માલિક અને ખ્યાતનામ કલાકાર તરીકેની રાજુલની ઓળખે ધનલક્ષ્મીના મગજમાં ઝંઝાવાત પેદા કર્યો હતો. રાજુલનો વૈભવ અને ભદ્ર સમાજમાં એની ખ્યાતિ ધનલક્ષ્મીને અદેખાઈની આગમાં જલાવવા પૂરતાં હતાં. વગર દેખાડે પણ રાજુલનું વ્યક્તિત્વ છતું થતું હતું. એમ તો દુનિયામાં લાખો ધનાઢ્યો હશે, પણ રાજુલની વાત જુદી હતી. એની સાથે કોઈ કૌટુંબિક સંબંધ ના હોત તો એની સંપત્તિનું એને કોઈ મહત્ત્વ ના હોત. જે રાજુલને એણે ગરીબીમાં સબડતી ધારેલી એ જ રાજુલે એને માત કરી હતી, જે એ જીરવી ના શકી. સુનિતા શેઠનું નિમંત્રણ, ને મહેલ જેવા બંગલાની માલિક એ હતી.
કલાકાર વહુ સાથે થયેલી ઓળખાણ અને અમિતકુમારે સ્વીકારેલું ઘેર આવવાનું આમંત્રણ – આ બધી વાતોથી એની ચાર-છ સહેલીઓને પ્રભાવિત કરવા માગતી હતી. પણ રાજુલના કદી ના કલ્પેલા અવતારમાં થયેલા સાક્ષાતકારે એની આશાઓ ઢોળી નાખી’તી. સાસુનાં મરણ વખતે દૃઢ થયેલો ભગવાનમાં એનો વિશ્વાસ છેવટે ડગમગી ગયો હતો. કેવળ એના કોપના ડરથી સેવાઓ ચાલુ રાખી હતી અને તે પણ યંત્રવત્. માનસીનો વિચાર મનમાં ઝબક્યો ને ધનલક્ષ્મીએ વ્યથા અનુભવી. ‘માનસીને કેટલું મહત્ત્વ આપતી’તી એ રાજુલ! જાણે મારી તો કોઈ ગણના જ ન હોય!’
જ્યારથી માનસી ઘરમાં આવી હતી ત્યારથી જ એની પદપ્રતિષ્ઠા છીનવાતી જતી લાગી હતી.
માનસીએ વર્તનમાં હંમેશાં શિષ્ટાચાર જાળવ્યો હતો, છતાં એના આંતરિક બળ અને વ્યક્તિત્વની સામે પરાગ લાચારી અનુભવતો હતો, ને ધનલક્ષ્મી પણ ઊંચે સાદે બોલવાની હિમ્મત નહોતી કરતી. બાપુનું ઓપરેશન સારી રીતે પાર પડ્યું હતું એમ માનસીએ જણાવ્યું, પણ સામે ચાલીને પૂછવાની તેની હિમ્મત ના થઈ.
પરાગ તૈયાર થઈને આવ્યો અને ધનલક્ષ્મીની વિચારતંદ્રા તૂટી.
ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેસતાં જ એણે પૂછ્યું, ‘મમ્મી, માનસી કહેતી હતી કે રાજુલના બાપુ મારા નાના થાય, કેવી રીતે ?’
ધનલક્ષ્મી ગણગણતી હોય એમ ધીરેથી બોલી, ‘રાજુલ અને શશી મારી નાની બહેનો છે.’
‘તેં કદી કહ્યું નહીં!’
‘મને ખબર નહીં કે સુનિતાની વહુ એ જ રાજુલ છે.’
‘તું લગ્નમાં નહોતી ગઈ?’
‘ના’
‘કેમ, નહોતી બોલાવી?’
‘બોલાવી’તી.’
‘તો કેમ ના ગઈ?’
‘બસ, એમ જ…’
‘તારાં બા-બાપુને તું છેલ્લે ક્યારે મળી હતી?’
‘તારા જનમ વખતે.’
‘ઓહો, એ વાતને તો લગભગ આડત્રીસ વરસ થઈ ગયાં. કોઈએ તારી ભાળ ન લીધી આટલાં વરસમાં?’
ધનલક્ષ્મીએ જવાબ ના દીધો.
‘બા-બાપુને પણ આટલાં વરસમાં દીકરીને મળવાની ઇચ્છા ના થઈ?’
ધનલક્ષ્મી મૂક વદને સાંભળ્યા કર્યું. ચુપકીદી ના તોડી.
‘તું ચુપ છે એટલા માટે ને કે એ લોકોને દોષ દેવા નથી માગતી?’
જવાબ આપવાને બદલે ધનલક્ષ્મીએ મહારાજને પરાગની થાળી પીરસવાનું કહ્યું.
‘પહેલાં મારા સવાલનો જવાબ આપ. એ શશી, તારી બહેન – તારી પાસે પૈસા પડાવવા આવી હતી ને જેને તેં તમાચો માર્યો હતો? મને થોડુ થોડું યાદ છે પણ કાંઈ સમજાયું નહોતું. આજે સમજાય છે.’
છતાંયે ધનલક્ષ્મીએ એના સવાલનો જવાબ ના આપ્યો. પરાગ બોલતો રહ્યો, ‘ને તે દિવસે સમારંભમાં એ તને પગે લાગી તે એને ગુન્હો કર્યાનો પસ્તાવો થયો હશે ત્યારે જ ને?’
ધનલક્ષ્મી ચુપ રહીને મનમાં એના ભગવાનનો આભાર માનતી રહી કે આ સંવાદ સાંભળવાને માનસી હાજર નહોતી, ને હોત તો એની પ્રતિક્રિયાએ ઉત્પાતનું રૂપ લીધું હોત, ને અત્યાર લગી અંધારામાં રહેલા પરાગને એની માના અક્ષમ્ય અપરાધોની પ્રતીતિ થઈ હોત. માની ચુપકીદીને એની ઉદારતાની નિશાની સમજી પરાગે સંતોષની લાગણી અનુભવી કે એણે નાનાના ઓપરેશનના પૈસા લઈ કોઈ ખોટું કામ નહોતું કર્યું. ‘જે નાનાને મેં જોયા નથી, જેની સાથે નથી તારે કોઈ સંબંધ એવાની પાસે મારી મહેનતના પૈસા શાને વસૂલ ના કરું?’ પરાગે અવાજમાં થોડી કઠોરતા લાવી કહ્યું, ‘મેં તો પચાસ હજાર વધારે લીધા. રાજુલ શેઠ જેવી જો હોય આપનાર તો એનો કસ કેમ ના કાઢું અને તો કાંઈ ફરક નહોતો પડવાનો.’
ધનલક્ષ્મી નીચું મોં રાખી સાંભળતી રહી. ‘આખરે ફળ તો એણે રોપેલા ઝાડનું જ હતું.’ એણે વિચાર્યું. એને એમ પણ ના પૂછ્યું કે બાપુની તબિયત કેવી હતી!
ધનલક્ષ્મી જાણતી હતી કે પરાગે રાજુલ શેઠના નામનો ઉલ્લેખ કેવળ એણે પોતાના બચાવના સંદર્ભમાં કર્યો હતો. એ જો ના હોત તો કદાચ એણે પેશન્ટને કોઈ સાર્વજનિક હોસ્પિટલમાં બીજા સર્જન પાસે મોકલ્યો હોત. એ પણ શક્ય છે કે એણે એના દીકરાને નાના પાસે પૈસા લેતાં વાર્યો હોત ને મોટાઈનો ડોળ કરવા પૈસાની મદદ પણ કરી હોત. આજે પણ એના બાપુ મુંબઈમાં જ હતા ને મરણતોલ બીમારીમાંથી ઉગર્યા હતા અને હતા પણ એના જ દીકરાની સારવાર હેઠળ. એ જો ભાળ કાઢવા પણ ના જાય તો કેવું સંકોચજનક કહેવાય! પણ હવે કયું મોં લઈને જાય?
પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. બાપુ મોંઘી એવી હોસ્પિટલમાં હતા અને તે પણ વી.આઈ.પી. ક્લાસમાં અને એનાથી એ અનેકગણા ઊંચી કક્ષાનાં લોકો એની સારવારમાં હતા, જ્યાં એનો કોઈ ભાવ પણ ના પૂછે. પણ કદાચ એવું જરૂર પૂછે કે એ દીકરો પણ કેવો કે માના સગા બાપને પણ ખંખેરી નાખ્યા. કદાચ પૂછે પણ ખરાં કે આટલાં વર્ષે બાપુ સાંભર્યા? ને જો એને અપમાનિત કરી જાકારો આપે તો એ કેવી વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ જાય! બદલાયેલી પરિસ્થિતિમાં એ નવેસરથી સંબંધ સ્થાપિત કરવા જાય ને બધાં મોં ફેરવી લે ત્યારે મરવા જેવું થાય. આવું બધું ધનલક્ષ્મી જ વિચારી શકે. કારણ એના માપદંડ જુદા હતા. જે લોકો માટે આવું વિચારી રહી હતી એમના સંસ્કારો એની સમજની બહારની વસ્તુ હતી.
‘આવી પરિસ્થિતિમાંથી મને માનસી જ ઉગારી શકે.’ એને વિચાર ઝબક્યો ને પરાગના ગયા બાદ આતુરતાથી માનસીના જમવા આવવાની વાટ જોતી રહી. એક વાગવા આવ્યો હતો પણ માનસી નહોતી આવી. પરાગની સાથે જમવાનો કોઈ નિયમ એણે નહોતો પાળ્યો. માનસી જમવાના સમયમાં ચોકસાઈ જાળવતી હતી જ્યારે પરાગનું કશું નિશ્ચિત નહોતું. ક્યારેક વહેલો હોસ્પિટલમાંથી આવી ઉતાવળમાં કશું ખાઈ તરત વીસ કિલોમીટરથી પણ લાંબા અંતરે આવેલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિર્ધારિત કરેલા ઓપરેશન માટે ત્વરિત ચાલી જતો. ઘણું ખરું નોન-વેજિટેરિયન ખાતો હોવાથી બહારથી મંગાવી લેતો ને ઘેર જવાનું ટાળતો હતો. ક્યારેક સમયના અભાવે પણ ઘેર નહોતો આવી શકતો. માનસી સમય જાળવવાની બાબતમાં ચોક્કસ રહેતી. એનો સાદો અને સાત્વિક ખોરાક ઘરમાં જુદો તૈયાર થતો હતો. પરાગ એને ગરીબ સુદામાનો ખોરાક કહી ઠેકડી ઊડાવતો હતો. જમીને એના વ્યવસાયને લગતું અને અંગ્રેજી સાહિત્ય વાંચવામાં સમય ગાળતી ને થોડો આરામ કરી કન્સલ્ટિંગ રૂમમાં જવા નીકળી જતી.
ધનલક્ષ્મીને ચિંતા કરતાં આતુરતા વધુ હતી એટલે જ બે વાગ્યા હોવા છતાં માનસીની વાટ જોતી બેસી રહી. ત્યાં જ માનસી આવતી દેખાઈ.
‘કેમ આટલું મોડું થયું?’ એણે પૂછ્યું.
‘બાપુને જોવા ગઈ હતી. રાજુલે મને પણ આગ્રહ કરીને જમાડી.’
‘કેમ આજે વહેલી ગઈ હતી?’
‘નજદીકમાં વિઝિટ પર ગઈ હતી ને બીજું કામ નહોતું એટલે ત્યાં ગઈ.’
‘આમ તો રોજ મોડેથી જાઉં છું.’
‘રોજ જાય છે?’
‘હા.’
‘કેમ છે બાપુને?’
‘મહિનો તો થવા આવ્યો. ડૉક્ટરે તો ગામ જવાની રજા આપી છે. ચાર-છ દિવસમાં ચાલી જશે.
‘મને એમ થતું હતું કે ફોન કરીને ખબર કાઢું, પછી એમ થયું કે એ લોકોને મારી સાથે વાત કરવી ના ગમે કદાચ.’
‘એ લોકો એટલે કોણ?’
‘બા અને બાપુ.’
‘કેમ?’
‘મોટાં ઘરનાં લોકો એમની પડખે ઊભાં છે ને એટલે.’
‘મા-બાપ તરીકે કોઈ નાનાંમોટાં નથી હોતાં. ને જેને તમે મોટાં માનો છો એ લોકો એમની સમૃદ્ધિને કારણે મોટાં નથી કહેવાતાં. મોટાં કહેવાતાં હોય તો એમની કેળવણી, સંસ્કૃતિ અને સેવા ભાવનાના કારણે. ને મોટાં હોઈને પણ એમની નમ્રતા વિસ્મય પમાડે એવી છે.
‘જેણે ગુન્હો કર્યો હોય એ ડરે, તમારે શું ડરવાનું?’ માનસીએ અજાણતાંનો ડોળ કરી આશ્ચર્ય બતાવ્યું.
‘ના, આ તો પરાગે ઓપરેશનના પૈસા લીધા ને એટલે જરા ખોટું કર્યું હોય એમ લાગે છે. બીજું તો કાંઈ નથી.’
‘તો તમારે વારવો હતો ને તમારા દીકરાને.’
‘હું શું કરું? ધંધામાં એ કોઈની પણ આંખની શરમ રાખતો નથી. એ એનો સિદ્ધાંત છે. બધા સિદ્ધાંતવાદીઓ આવાં જ હોય છે, જીદ્દી. જો ને ગાંધીબાપુ પણ એવા જીદ્દી જ હતા ને!’
માનસીને મનમાં હસવું આવ્યું. આવું તો રાજુલની એ ધન્નો જ વિચારી શકે. એનું સંકુચિત માનસ એના દીકરાના ગુન્હાને પણ સિદ્ધાંતનું રૂપ આપી વ્યાજબી ઠેરવી શકે.
‘કેમ કાંઈ બોલતી નથી?’ ધનલક્ષ્મીએ મૂંઝવણ અનુભવતાં પૂછ્યું.
‘મારા માનવામાં એ વસ્તુ નથી આવતી કે દીકરીએ પોતાનાં મા-બાપની પૂછપરછ કરવા આટલી વિમાસણ અનુભવવી પડે છે!’
‘મને રાજુલનો ડર લાગે છે.’
‘ડર!’ માનસીએ આશ્ચર્ય અનુભવ્યું. ‘આવી શાલિન, સૌજન્યશીલ અને ખ્યાતિપ્રાપ્ત બેન માટે અભિમાન લેવાને બદલે એનો ડર લાગે એ તો અચરજ પમાડે એવી વાત કહેવાય. તમારી જાણ ખાતર કહું છું કે સવારે જ તમારો ટેલિફોન નંબર જાણવા રાજુલે મને ફોન કર્યો હતો. કીધું બાએ માંગ્યો હતો. એ ધારત તો બાને વારી શકત, પણ એણે એવું કશું ના કર્યું. બાકી એ બધાની સાથે સંબંધ જાળવવો કે ન જાળવવો એ તમારી મરજી. મને તો એ વાતનો ગર્વ છે કે રાજુલ મારી અંગત મિત્ર છે ને સુનિતાબેન અને તમારાં બા-બાપુ પણ મને દીકરીની જગ્યાએ ગણે છે. ચાર દિવસ પછી બા-બાપુને લઈ એમની સાથે ગામ પણ જવાની છું. રહી ઓપરેશનના પૈસાની વાત. તમારા દીકરાએ એ ના લીધા હોત તો પણ એ લોકોએ એને બળજબરીથી આપ્યા હોત. એ લોકો કદી કોઈનો ઉપકાર નથી લેતાં ને પોતે જે કોઈ માટે કરે છે એને ઉપકાર નથી માનતાં.’
ધનલક્ષ્મીએ સાંભળ્યા કર્યું. કાંઈ બોલી નહીં. ત્યાં જ ટેલિફોન રણક્યો. માનસીએ ફોન ઊઠાવ્યો ને ‘આપું છું’ બોલી ધનલક્ષ્મી સામે ધર્યો.
‘બા છે.’ ને પોતે જઇ સોફામાં છાપું ઊથલાવતાં બેઠી, પણ એની નજર આંખના ખૂણાથી ધનલક્ષ્મી પર ટકી હતી અને કાન સરવા હતા.