લુત્ફ-એ-શેર: મણકો # ૯૧

ભગવાન થાવરાણી

આગળ ચાલીએ. મેરે મહેબૂબ નામની એક ફિલ્મ પાકિસ્તાનમાં પણ બનેલી ૧૯૬૬ માં. આ ફિલ્મમાં નૂરજહાં દ્વારા ગવાયેલી એક ગઝલનો મત્લો છે :

હર કદમ પર નિત નએ સાંચે મેં ઢલ જાતે હૈં લોગ
દેખતે  હી દેખતે  કિતને  બદલ  જાતે  હૈં  લોગ ..
( પછીથી સાહિર લુધિયાનવીએ કદાચ એ ગઝલમાંથી ‘ પ્રેરણા ‘ લઈ  ‘ જબ ભી જી ચાહે નઈ દુનિયા બસમાં લેતે હૈં લોગફિલ્મ ‘ દાગ ‘ માટે લખ્યું ! )
આ ગઝલના શાયર છે મીર હિમાયત અલી. એમનું તખલ્લુસ છે ‘ શાયર ‘. યાને હિમાયત અલી ‘ શાયર ‘ . બે વર્ષ પહેલાં જ દેહાવસાન થયું એમનું. અનેક પાકિસ્તાની ફિલ્મોના ગીતો લખ્યા. એકાદ ફિલ્મ ગાંઠના પૈસે પણ બનાવી. પછી બધું છોડીને કેનેડા જઈ વસ્યા. એમની એક ખાસ વાત એ કે ચાર સો પાનાંની એમની આત્મકથા ‘ આઈના – સર – આઈના ‘ માત્ર શેરોમાં લખાયેલી છે ! ત્રણ હજારથી યે વધુ શેર ! કમાલ છે ને !
એમના શેરોની ખુશ્બૂથી મઘમઘીએ :
યે બાઝગશ્ત મેરી સદા કી હૈ – યા મુજે
આવાઝ  દે રહા હૈ ખુદા – ગૌર સે સુનો
શાખોં  સે  ટૂટતે  હુએ  પત્તોં કો દેખ કર
રોતી હૈ મુંહ છુપા કે હવા – ગૌર સે સુનો
( બાઝગશ્ત = પ્રતિધ્વનિ, પડઘો )
અને આ એકરારમાં નિહિત ઈમાનદારી જૂઓ :
દુનિયા  ને  તુજ કો મેરા મુખાતબ સમજ લિયા
મહ્વ-એ-સુખન થા મૈં તો સદા અપને આપ સે
( દુનિયા એવું સમજતી રહી કે હું જે કંઈં લખું છું એ તને સંબોધિત કરીને લખું છું. હકીકત તો એ છે કે હું તો સ્વયં સાથે સંવાદમાં મશગૂલ હતો ! )
હવે આ રત્ન :
અપને  કિસી  અમલ  પે નદામત નહીં મુજે
થા નેકદિલ બહુત જો ગુનહગાર મુજ મેં થા..
 
જે કંઈ કર્યું, જો ખોટું પણ કર્યું એનો કોઈ પશ્ચાત્તાપ નથી. કારણ, મારી ભીતર એક ગુનેગાર પણ છે. ( કોની અંદર નથી ? ) અગત્યની વાત એ કે અંદર વસતો આ ગુનેગાર મૂળભૂત રીતે ભલો છે. આપણને થાય કે ગુનેગાર અને નેકદિલ એ વિરોધાભાસી છે. પણ મૂલત: આપણે બધા વિરોધાભાસોના પોટલાં જ છીએ ને ! તો આ નેકદિલ ગુનેગાર (  માંહ્યલો ! ) મને મારી સમગ્ર બુરાઈઓ અને ભલાઈઓ સહિત સ્વીકારે છે !
સીધી વાત છે.

Author: Ashok Vaishanav

1 thought on “લુત્ફ-એ-શેર: મણકો # ૯૧

Leave a Reply

Your email address will not be published.