નથી આક્રોશ, નથી ગુસ્સો

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

૩૧ જુલાઇ, ૨૦૨૦નો દિવસ. ચોપરા ઇન્ડસ્ટ્રીઝ, વાઘોડીયા. ફરજ પર હાજર થયાને ભરત રોહીતને હજુ બે કલાક થયા હતા. ચોપરા ઇન્ડસ્ટ્રીઝ વાઘોડીયાની મુંજાલ ઓટોને મોટરસાયકલના પાર્ટ પુરા પાડે છે. આ કંપનીમાં ૧૫૦ જેટલા કોન્ટ્રાકટ કામદારો છે. ભરતભાઇને લગભગ રોજ બે કલાક ઓવરટાઇમ કરવાનું કહેવાતું પણ એ માટે ફેકટરી એકટની જોગવાઇ મુજબ બમણા દરે ઓવરટાઇમનો પગાર ચુકવાતો નથી પણ ભરતભાઇ જાણતા નથી કે ફેકટરી એકટમાં એવી કોઇ જોગવાઇ કરવામાં આવી છે.

પહેલાં તો ભરતભાઇ મુંજાલ ઓટોમાં જ મશીન ઓપરેટર તરીકે કામ કરતા. ત્યાં ૧૦ વર્ષ સુધી કોન્ટ્રાકટ કામદાર તરીકે કામ કર્યા પછી તેમને કંપનીએ કાયમી કામદાર તરીકે રાખી લીધા. બીજા ૧૦ વર્ષ તેમણે કાયમી કામદાર તરીકે કામ કર્યું. પણ કોવીડ આવ્યો અને બાજી બગડી. કોવીડના પહેલા મોજા દરમ્યાન કંપનીએ ૧૫૦ જેટલા કોન્ટ્રાકટ કામદારોને બંધ કર્યા. કાયમી કામદારો કમી કરવા કંપનીએ બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરી હતી. આ યોજના હજુ ચાલુ હતી. ભરતભાઇને લાગ્યું કે આ એક સારી તક છે. તેમણે કંપનીમાંથી આ યોજના હેઠળ રાજીનામું આપી મળતા લાભ અંકે કરી લીધા. એકાદ બે મહીના આરામ કરીને એમણે દીલીપ બારીઆ નામના કોન્ટ્રાકટરને ત્યાં કામ લીધું. આ દીલીપ બારીઆનો ચોપરા ઇન્ડસ્ટ્રીઝમાં કોન્ટ્રાકટ ચાલતો હતો.ચોપરામાં કામ કરવા તેઓ ૧ જુલાઇ, ૨૦૨૧ને દીવસે જોડાયા.

તેના બરાબર એક મહીના પછી ૧ ઓગષ્ટને દિવસે સવારે ૯ વાગે તેઓ કામે લાગ્યા અને સીધા મશીન પર પહોંચી ગયા. આ મશીન એટલે પાવર પ્રેસ મશીન. આ મશીન છેલ્લા ૨—૩ દિવસથી પજવતું હતું. તેના અમુક બોલ્ટ ઢીલા પડી ગયા હતા અને બહાર નીકળી જતા હતા. બોલ્ટ નીકળી જાય ત્યારે કોઇ પુર્વ ચેતવણી મળે નહી એટલે કે પહેલેથી ખબર ન પડે કે હવે એ નીકળી જશે. બોલ્ટ નીકળી જાય એટલે મશીન બેકાબુ બનીને શોટ માર્યા કરે. સામાન્ય રીતે શોટ તો ત્યારે જ વાગવો જોઇએ જ્યારે ઓપરેટર કળ દબાવે. કળ દબાવ્યા વગર જ, ઓપરેટરની જાણ બહાર મશીન શોટ મારે. આ મશીનમાં એક પતરાનો ટુકડો ડાઇમાં મુકવામાં આવે અને કળ દબાવતાં ઉપરથી હથોડો પડે અને ડાઇના આકારમાં પતરું ફેરવાઇ જાય. આપણે ઘરમાં વાસણ વાપરીએ છીએ તે વાસણ પણ આ જ રીતે બનાવવામાં આવે. આ મશીનનો હથોડો જેને અંગ્રેજીમાં “રેમ” કહેવાય તેની તાકાત અમુક ટનની હોય. એટલે કે એટલા ટન વજન પેલા પતરા પર પડે. ઓપરેટરે પતરું મુકવાનું, કળ દબાવવાની અને હથોડો પડી ગયા પછી તરત ડાઇમાંથી હવે પતરાને જે આકાર મળ્યો હોય તે કાઢી લઇ તરત પતરાનો બીજો ટુકડો મુકવાનો અને ફરી કળ દબાવવાની. આ કામ તેણે આઠ કલાક કર્યા કરવું પડે. એ એક હાથે પતરાના ટુકડાના ઢગલામાંથી એક પરતું ઉંચકીને મુકે અને બીજે હાથે કાઢી લે. બધું કામ ફટાફટ કરવું પડે. આ મશીનમાં સેન્સર ન હતું. સામાન્ય રીતે સેન્સર હોય તો કામદારનો હાથ મશીનની ડાઇ પાસે હોય તો હથોડો પડે જ નહી. સેન્સર ન હોય ત્યારે મશીન બીનસલામત કહેવાય.

મશીનમાંથી બોલ્ટ નીકળી જતો હોવાની વાત ભરતભાઇએ ડાઇ સેટરને કરી. આ ડાઇ સેટ કરનાર કામદાર પોતે એક કોન્ટ્રાકટ કામદાર જ હતો. તેનું કોણ સાંભળે અને કેટલું ઉપજે? આવું થાય ત્યારે એક કામદાર બીજા કામદારને કહે એટલું જ મુલ્ય. ખરેખર તો મેનેજમેન્ટે કામદારોને સુચના અને તાલીમ આપવાની હોય કે આવું થાય તો કોને કહેવું, કઇ રીતે કહેવું. કયું ફોર્મ ભરીને કોને આપવું અને એ માટે ધોરણ વીકસાવાયા હોવા જોઇએ કે આવું ફોર્મ ભરાય તે પછી કોણ શું કાર્યવાહી કરશે અને કેટલા સમયમાં કરશે અને તે દરમ્યાન કામદારે શું કરવું. કયા મશીન પર કામ કરવું? પણ આવા કોઇ ધોરણો વીકસાવવામાં આવ્યા ન હોય. કામદારને આવી કોઇ તાલીમ કે સુચના આપવામાં આવી ન હોય. ડાઇ સેટરે જવાબ આપ્યો કે કંપની કહે છે કે જે છે તેનાથી ચલાવી લો, નવા પાર્ટ મંગાવતા નથી. તે પછી ધવલ નામના કોન્ટ્રાકટના સુપરવાઇઝરને વાત કરી તો એણે સારું, સારું, જોઇશું,કહી વાત પતાવી દીધી. એણે કશું કર્યું નહી.

બપોરે ૧૨ના અરસામાં ભરતભાઇ જમવાની રિસેસ માટેની ઘંટી વાગે એની વાટ જોતા હતા ત્યારે હજુ તો એમનો ડાબો હાથ ડાઇ પાસે હતો ત્યારે અચાનક હથોડો ઉપરથી પડયો અને એમના પંજાને છુંદી નાખ્યો. એમનો અંગુઠો, પહેલી આંગળી અને વચ્ચેની આંગળીમાં ઇજા થઇ. બાજુના મશીન પર કામ કરતા કામદારે આ જોયું અને તરત એણે ભરતભાઇના મશીનની સ્વીચ બંધ કરીને મશીન બંધ કર્યું અને ભરતને બચાવવા દોડી ગયો.

કોઇક કયાંકથી કોટનવેસ્ટ એટલે કે કપડાની ચીંદરડીઓ લાવ્યું અને ભરતની લોહી નીંગળતી આંગળીઓ ફરતે વીંટાળી દીધું.અહીં પ્રાથમિક ઉપચાર માટેની કોઇ પેટી હતી નહી જે કાયદાની જોગવાઇ મુજબ હોવી જરુરી છે. એટલું જ નહી પ્રાથમિક ઉપચાર આપવા માટે કામદારોેને તાલીમ આપવાની પણ કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે. કંપનીમાં કોઇ એમ્બ્યુલન્સ પણ નહી કે આવા સમયે ઉપયોગમાં લઇ શકાય તેવા પણ કોઇ વાહન નહી.

એમને બાઇક પર પાછળ બેસાડવામાં આવ્યા અને તેઓ પડી ન જાય એ માટે એમની પાછળ બીજા એક ભાઇને બેસાડવામાં આવ્યા. આમ એક બાઇક પર ત્રણ સવારી થઇ. પારુલ હોસ્પિટલમાં તેમને લઇ જવામાં આવ્યા. કામદાર રાજ્ય વીમા યોજનાનું દવાખાનું આ પારુલ હોસ્પીટલમાં છે. આ વાઘોડીયા ડી—૧ નામનું દવાખાનું એક ડોકટરનું છે એટલે કે એક ડોકટરની નીમણુંક કરવામાં આવી હોય. ભરતભાઇ વીમા કામદાર છે જેમનો વીમા નંબર ૩૦૧૦૧૩૧૩૬૨ છે.

વાઘોડીયા અૌદ્યોગીક વીસ્તારમાં ૯૦૦ જેટલાં કારખાનાં છે જેમાં ૨૦—૨૫ હજાર કામદારો કામ કરતા હોવાનો અંદાજ છે. પણ વીમા કાયદા હેઠળ ૧૮ હજાર કરતાં ઓછા નોંધાયા છે.

ભરતભાઇ દલિત છે. તેમની જ્ઞાતીના લોકો પાસે જમીન હોતી નથી તેથી તેઓ ઉદ્યોગોની નોકરીઓ પર જ નિર્ભર હોય છે. તેમના પિતા ખેતમજુર હતા. એ અને એમના બીજા બે ભાઇઓ ૧૦માથી આગળ શિક્ષણ લઇ શકયા નહી. આ વિસ્તારમાં પટેલો જમીનમાલીકો છે અને ગામડામાં પ્રભુત્વ ધરાવતી કોમ છે. પટેલ યુવકો વધુ આત્મવિશ્વાસ ધરાવતા હોય અને તેથી આગેવાની લેતા હોય. આ પટેલ યુવકો કારખાનાઓમાં સંગઠનનું નેતૃત્વ હાથમાં લેવાની હિંમત કરતા હોય કારણ કાઢી મુકાય તો તેઓને ગુજરાન માટે ખેતી તો હોય જ, તકલીફ પડે નહી. પણ દલિત યુવકો આવી હિંમત કરી શકે નહી. કાઢી મુકે તો ખાય શું? સત્તાધીશોને પડકારવામાં તેઓ પાછા પડે. તેમને તો સદીઓથી પ્રભૂત્વ ધરાવતી કોમોની તાબેદારી કરવાનું શીખવવામાં આવ્યું છે. તે તેમના જીવનમાં વણાઇ ગયેલું ન હોય તો જ નવાઇ.

હવે, આ જ કારણસર — ખેતીની જમીન ન હોવાને કારણે — કારખાનાઓમાં આ જ કામદારો બહુમતીમાં હોય છે અને તેથી પાવરપ્રેસના અકસ્માતોની વાત આવે તો મોટાભાગના પીડીતો દલિત જ હોય.

હવે જોઇએ કામદાર રાજય વીમા યોજના હેઠળ ચાલતા દવાખાનાની હાલત શી હોય છે તે. કારખાનામાં તો અગાઉ કહ્યું તેમ મશીન બગડેલાં હોય, મશીનોને જોવા—તપાસવાવાળું કોઇ ન હોય, ફરીયાદ સાંભળવાવાળું કોઇ ન હોય. ઇજા થાય તો દવાખાને જતા સુધી પાટો બાંધવા માટે માત્ર ચીંદરડા હોય અને દવાખાને જવા માટે બાઇક પર બે જણ વચ્ચે ભીંસાઇને ઇજાગ્રસ્તે બેસવાની વ્યવસ્થા હોય. તો વીમા દવાખાનામાં શું હોય? માત્ર સલાહ હોય. તબીબી અધિકારીએ સલાહ આપી કે બાજુમાં જઇને એટલે કે પારુલ હોસ્પીટલમાં જઇ એકસ—રે કરાવી લાવો. પોતાને ખર્ચે એકસ—રે કરાવી લીધો. અહીં પોતાને ખર્ચે એટલે કોન્ટ્રાકટરને ખર્ચે. પણ કોન્ટ્રકટર પણ જો વીમાનો ફાળો ભરતો હોય તો શા માટે ખર્ચ કરવો જોઇએ? આ દવાખાનામાં એક નર્સ હોય, એક હેડ કલાર્ક હોય, કેસ બારી પર નોંધણી માટેના બે કર્મચારી હોય, એક ફાર્માસીસ્ટ દવા આપવા હોય અને એક પટાવાળા હોય. એકસ—રે મશીન તો ન હોય પણ ઘા પર ટાંકા પણ કોઇ લેતું ન હોય. સુપરવાઇઝરે જાણ કરતાં કોન્ટ્રાકટર પણ દવાખાને પહોચી ગયા.

ત્યાંથી ભરતભાઇને વીમાની ગોત્રી હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા જે અહીંથી ૨૫ કીલોમીટર દુર છે. ત્યાં પહોંચવા માટે આખું વડોદરા શહેરના ગીચ વસ્તી દરાવતા ભીડભાડવાળા વીસ્તારો અને તેનો ટ્રાફિક વીંધીને રેલ્વે સ્ટેશનથી પશ્વીમે જવું પડે. ત્યાં પહોંચવા એમણે ઓટોરીક્ષા ભાડે કરી અને ભાડાના પૈસા પણ પોતે ચુકવ્યા. હોસ્પિટલમાં તેમને તપાસવામાં આવ્યા અને કરાર હેઠળની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા.

ખાનગી નાયક હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા. સાંજે તેમની સર્જરી એટલે ઓપરેશન કરવામાં આવ્યું. ૧૧ દીવસ પછી તેમને રજા આપવામાં આવી. મહીના પછી પ્લાસ્ટિક સર્જરી માટે ફરી દાખલ કરવામાં આવ્યા. એક જગ્યાએથી ચામડી લઇ ઘાની જગ્યાએ મુકવામાં આવી.

લગભગ ૬ મહીના પછી ફેબ્રુઆરી, ૨૧માં તેઓ ફરી નોકરી પર હાજર થયા. હવે તેમને ક્વૉલિટી કન્ટ્રોલ વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે જયાં તેમણે ગુણવત્તા ચકાસણીનું કામ કરવાનું હોય છે.

પણ પેલા મશીનનું શું થયું, મેં પુછયું. એને પછી રીપેર કરવામાં આવ્યું કે નહી? એમને કહ્યું કે, ના એ મશીન હવે ચલાવવામાં આવતું નથી. બે દાયકાની લાંબી કારકીર્દીમાં તમે આવા કેટલા અકસ્માત જોયા હશે? ભરતભાઇ કહે, મુંજાલમાં તો સારું હતું પણ અહી તો અવાર—નવાર અકસ્માત થતા રહે છે. મુંજાલમાં વીસ વર્ષમાં એક—બે અકસ્માત જોયા હશે પણ ચોપરામાં તેમણે બે મહિનાના ટુંકા ગાળામાં જ બે—ત્રણ અકસ્માત જોયા હશે.

વીમા નિગમ તરફથી તેમને હંગામી અપંગતા માટેનો લાભ મળ્યો છે. તે મેળવવામાં એમને કોઇ તકલીફ પડી નથી. લોકલ ઓફિસના મેેનેજરે અકસ્માતના સ્થળની મુલાકાત લીધી હતી? કોઇ નિવેદન લીધું હતું? ભરતભાઇ કહે કે મેનેજરે અકસ્માત સ્થળની મુલાકાત લીધી કે નહી તેની તો જાણકારી નથી પણ મારું કોઇ નિવેદન નોંધ્યું નથી. લોકલ ઓફિસમાં કોઇ કાગળીયામાં સહીઓ કરી હોય અને તે નિવેદન હોય તો એમને ખબર નથી કે યાદ નથી.

૧૯ મે, ૨૦૨૧ને દિવસે તેમની અપંગતાની આકારણી માટે મેડીકલ બોર્ડમાં બોલાવવામાં આવ્યા હતા. બોર્ડના સભ્યોએ તેમને તપાસીને જવા કહ્યું. ઇ.એસ.આઇ. રેગ્યુલેશનની કલમ ૭૩ની જોગવાઇ અનુસાર અપંગ વ્યકિતને મેડીકલ બોર્ડના નિર્ણયની અને મળવાપાત્ર લાભની લેખિત જાણ કરવી જરુરી છે. પણ એમને આવી કોઇ જાણ કરવામાં આવી નથી.

લાંબા સમય સુધી લાભની રકમ મળી નહી તેથી તેમણે મુંજાલ ઓટોના પોતાના જુના સાથી મહેન્દ્રસીંહ ચૌહાણનો સંપર્ક કરી મદદ માગી. તેઓ મુંજાલમાં કામદાર સંગઠનના આગેવાન છે અને ઇ.એસ.આઇના લાભો મેળવવામાં કામદારોને મદદ કરે છે. તેમણે લોકલ ઓફીસના મેનેજરની મુલાકાત લઇ રજુઆત કરી. મેનેજરે કહ્યું કે ભરતભાઇના કોન્ટ્રાકટરે ફાળો જમા કરાવ્યો નથી અને વીમા કામદારે ફરીથી ૧૭ નવેમ્બરે મેડિકલ બોર્ડમાં હાજર થવું પડશે. મહેન્દ્રસીંહે ભરતભાઇના પત્નીને આ બાબત જાણ કરી પણ ભરતભાઇ એ મુજબ મેડીકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહ્યા નહી. કારણ તેમને વીમા નિગમ તરફથી કોઇ આધિકારીક કહેણ મોકલવામાં આવ્યું ન હતું. મેડિકલ બોર્ડમાં તબીબી નિષ્ણાતો અપંગતા કાયમી છે કે કેમ અને તેની આકારણી કરી કેટલી અપંગતા છે તેનો કયાસ કાઢતા હોય છે અને તે પ્રક્રિયા તો પુરી થઇ ગઇ હતી. જો કોન્ટ્રાકટરે ફાળો ભર્યો ન હોય તો તે માટે કામદાર જવાબદાર ગણાય નહી અને તેને તે માટે દંડાય નહી કે તેના લાભ રોકી રાખી શકાય નહી. અકસ્માતને ૧૬ મહીના કરતાં વધુ સમય થઇ ગયો અને મેડિકલ બોર્ડની તપાસને ૮ મહીના થઇ ગયા પણ તેને કાયમી અપંગતાના લાભ ચુકવાયા નથી.

અકસ્માત થાય એટલે કોન્ટ્રાકટરે વીમા કાયદા મુજબ અને ફેકટરી એકટ મુજબ એમ બે એકસીડન્ટ ફોર્મ ભરીને જમા કરાવવા પડે. એણે એમ કર્યું કે નહી તેમ પુછતાં ભરતભાઇએ પોતે તે બાબત અજાણ હોવાનું જણાવ્યું.

ફેકટરી એકટમાં તો પાવર પ્રેસ મશીન પર માત્ર તાલીમ પામેલા ઓપરેટરને જ કામ આપી શકાય તેવી જોગવાઇ છે. તાલીમ પામેલા કામદારોની યાદી દર્શાવતું રજીસ્ટર પણ નીભાવવું પડે. પાવર પ્રેસ મશીન ચલાવવાની એવી કોઇ ખાસ તાલીમ પોતાને મળી ન હોવાનું ભરતભાઇએ જણાવ્યું. એ કંપનીમાં કોઇ સેફટી કમીટી પણ ન હોવાનું તેમના સાથીએ જણાવ્યું.

હવે, અપંગતા આવ્યા પછીનું જીવન કેવું છે? ભરતભાઇ કહે છે, મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવે કપડાંના બટન ભીડવા કે ખોલવા તેમને મદદની જરુર પડે છે. નહાતી વખતે પીઠ ઘસી—ચોળીને સાફ કરવી હોય તો જાતે ન કરી શકે. નહાતી વખતે ટમ્બ્લર કે સાબુ પકડવાનું ન ફાવે. બાઇક ચલાવતી વખતે કલચ અને હેન્ડલ પકડતાં હાથ દુખી જાય છે.

પણ એથી મોટી સમસ્યા એ છે કે હાથના દુખાવાને કારણે એ હાજરી પુરી ભરી શકતા નથી. મહીનામાં માંડ ૧૫—૨૨ દિવસ ભરી શકે છે. એમને રુ.૩૪૦/— રોજ મળે છે. પણ સંતોષ એ વાતનો છે કે કાયંમી અપંગતા આવી હોવા છતાં નોકરી ચાલુ રહી શકી છે કે જળવાઇ રહી છે. અને રોજનો પગારનો દર પણ એ જ રહ્યો છે.

તમારી અપેક્ષાઓ શી છે તેમ પુછતાં એમણે કહ્યું કે એમને કંપનીએ રોજમદાર તરીકે નહી પણ માસિક વીસેક હજારના ફીકસ પગારે રાખવા જોઇએ અને વર્ષ દરમ્યાન ભરપગારે ૩૦ રજા આપવી જોઇએ. કામ પર આવી શકાય નહી તેનો પગાર કોન્ટ્રાકટરે ચુકવવો જોઇએ. હાલ તેઓ ભરપગારે રજા મેળવવાને હકદાર નથી. સરકાર એમને માટે શું કરી શકે તેની તેમને ખબર નથી.

મેં એમને સીધો સવાલ પુછયો — અકસ્માત માટે જવાબદાર કોણ. એ સ્પષ્ટ હતા, મૅનેજમૅન્ટનો વાંક હતો જેને કારણે અકસ્માત અને અપંગતા આવી.

તેમના મનમાં કોઇને માટે રોષ કે ગુસ્સો નથી. એમને ગુસ્સે થવું પોસાય તેમ નથી.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

7 thoughts on “નથી આક્રોશ, નથી ગુસ્સો

  1. કામદારોની તાલીમ કે મશીનોની જાળવણી માટેની જોગવાઈની માલિકોએ આવશ્યક ઔપચારિકતા પૂરી ના કરી હોય તો આવા અકસ્માત વેળા માલિકની જવાબદારી થાય છે, માલિકને દંડવો જોઈએ, એક કામદારને ન્યાય મળવો જ જોઈએ. વીમાના પ્રીમિયમ ભરવા પડે એમ કરીને માલિકો પૈસા બચાવતા હોય છે પણ આમાં સરવાળે કામદારોને નુકસાન થતું હોય છે. આપણી વ્યવસ્થામાં નાના માણસને જ અન્યાય થતો હોય છે, એમના અજ્ઞાનનો લાભ સહુ લેતાં હોય છે.

  2. કામદારોની રોજીરોટી માટેની લાચારી અને નિયમો વિશેની જાણકારીનો અભાવ. આ બન્ને ભેગાં થઈ જાય ત્યારે બીજી શું આઅ શા રાખી શકાય. યુનિયનો કાઅમદારોને નિયમો અને કાયદાઓની માહિતી આપવામાં પણ નિષ્ફળ રહ્યાં છે.

  3. મોટે ભાગે આવા કિસ્સાઓ નાના પાયે ચાલતાં એકમોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેમાં safety અંગેનાં protocol જે તે ઍકમ નાં લોભિયા માલીક થકી ઘ્યાન પર લેવાતા નથી. કામદાર ની જાગૃતતા અને સરકારની કડક કામગીરી સિવાય આવા કિસ્સાઓ બનતા જ રહેશે તે નક્કી છે. તમે આ લેખનું મથાળું
    *નથી આક્રોશ નથી ગુસ્સો* દરેક આવા કામદાર ની બિલકુલ મજબુરી અને નિઃ સહાયતા નું દુઃખદ વર્ણન કરે છે.

  4. આવું તો લગભગ બધી જ ફેકટરી કે કારખાનામાં થતું જોવામાં આવ્યું છે, મારો અનુભવ છે કે મેનેજમેન્ટ કોઈપણ રીતે આવા અકસ્માતો દબાવીને પોતે જવાબદારીમાંથી છટકી જતું હોય છે. કારણ કદાચ સેફટી ઓફીસરોની લેવાવલી અને, કોન્ટ્રાકટરોની મીલીભગત. કાયદા હોવા છતાં આમ થાય છે, આખરે ગરીબ મજૂરોને જ સહન કરવું પડે છે.

  5. one more tragic story of worker whose tragedy is 100% due to negligence of owner & contractor. ESI dispensary is mokery.

Leave a Reply

Your email address will not be published.