ખેડૂતના પર્યાવરણીય મિત્રો

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

માણસનો મિત્ર માણસ હોય, એ તો હોય ! એ વાત કંઇ વિશેષ રૂપે વર્ણવવા જેવી ન ગણાય.માણસના મિત્રો જાનવર બન્યાં હોય તેવા દાખલાઓ તમે યે સંભળ્યા જ હશે ! હું જે ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિનો સ્નાતક થયો છું તે લોકભારતી સણોસરાની ગૌશાળામાં તે દિવસોમાં એક બનુબાપુ નામે ગાયોના ગોવાળ હતા. ભૂલમાં કે રમત-રમતમાં એ બનુબાપુને આપણે બાથ ભરી દીધી છે તેવું તેની ગાયોનું ધણ જો નજરે ભાળી જાય તો આવી જ બને આપણું ! રૂમાડો લેતીકને, પૂંછડાં ઊંચા લઈ, ફૂંફાડા બોલાવતી,  હડી કાઢતી આવી પહોંચે બાપુની ઢુકડી, અને શિંગડે જ ચડાવી મારે આપણને ! જો આપણે બનુબાપુને બાથમાંથી છૂટા ના કરીએ તો આપણું તો આવી જ બને ! આતો ગાય અને ગોવાળની મિત્રતાના દર્શન છે. ને આ ઘોડા અને એના અસવારની મિત્રતાના દાખલા ઇતિહાસ કથામાં ક્યાં નથી વાંચ્યા આપણે ? કૂતરો પણ તેના માનવમિત્રનું પોતાના જાનના જોખમે રક્ષણ કરી છૂટે છે તે બાબતથીયે આપણે અજાણ નથી.

ખરા અજાણ શેનાથી છીએ ?   આ દેશની મોટાભાગની વસ્તી હજુ જેમાંથી રોટલાની શોધ કરી રહી છે, કુદરત પણ જેની સામે પ્રતિકૂળ સાબિત થતી જાય છે, અને વધારામાં સરકાર જે ધંધાને મન મૂકીને ભેર કરી શકતી નથી, એવા ખેતીના ધંધામાં ઘોર અંધકારના ટાણે ભલે “સૂરજ”નથી, છે તો નાનાં એવાં કોડિયાં, પણ એ જ આશાનું કીરણ બની શકે તેમ છે-તેવાં કેટલાંક ચીંથરે વિંટ્યા રતન- એ બધાં છે કોણ કોણ અને તે કેવી કેવી મદદ કરતા રહે છે તેની આપણને પૂરી ખબર છે ?

ખેડુત એટલે જે ખેતી કરે તે. અને ખેતી એટલે મોટે ભાગે વનસ્પતિઓ પાસેથી કંઇકને કંઇક ઉપયોગી જણસો વધુ મેળવવાની નોખી નોખી તરકીબો ! આ તરકીબો કામયાબ કરવામાં જેટલા મદદ કરનારા છે, પછી તે સંરક્ષણ ક્ષેત્રે હોય કે પોષણ ક્ષેત્રે હોય, તેમને ખુદને ખબર નથી કે તેમનો સ્વભાવ અને ટેવ, કે ખોરાકની શોધ બાબતની આગવી શૈલીઓ ખેતીના ધંધાને ઉપયોગી સાબિત થઈ રહેલ છે. તેઓ બધા તો સહજ પકૃતિગમ્ય રીતે પોતાનું જીવન જીવ્યે જાય છે. પણ તેનો આડકતરો લાભ ખેતીને મળી જાય છે. એટલે એ ખેડુતના હિતેચ્છુ-તેને માટે મહેનત કરનારા સાબિત થાય છે. સમાજમાં આજે બીજા માટે કંઇક કરી છૂટનારા અને ખરાટાણે ભાંગ્યાના ભેરુ બનનારા કુટુંબ કે સગા-સહોદર સિવાયના જે વિરલાઓ હોય છે, તે બીજા કોઇ નહીં, તેના મિત્રો જ હોય છે.પછી તે કીડી હોય કે કુંજર, ગાય,બળદ કે ભલેને હોય એવાં બીજાં પ્રાણીઓથી નાનેરાં, છતાં મુઠ્ઠી ઊંચેરાં કામ કરનારાં છે. આજે તેની ઓળખાણ અને કામની જ વાત કરવી છે.તો ચાલો જોઇએ કે કોણ છે તે બધા ?

@……..આકાશે ઊડનાર પંખીઓ = પંખીરાજ જટાયુ ભગવાન શ્રીરામના મિત્ર. મિત્રતા નિભાવવા જતાં જટાયુએ પાંખો અને પ્રાણ બધુંય ખોયું. તે દિવસે રાવણના ત્રાસમાંથી સીતાને છોડાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આજે ? આજના ખેતીપાકોને નુકસાનકારક જીવાતોના ત્રાસમાંથી બચાવવાનું બીડું ઝડપવાની જરૂર છે.

તમે જૂઓ ! નાની એવી ચકલીઓ- પછી તે ગામેચી-ઘરચકલી હોય કે વગડાની સુઘરી હોય કે હોય ભલેને દેવચકલી, મામાનાઘોડા હોય કે બુલબુલ હોય, આવા ચકલાંઓની આખી નાત જ્યાં સુધી જીવડાં મળે ત્યાં સુધી અનાજ-કઠોળમાં રસ દાખવતી નથી. તેની ચકોર અને તરવરિયા નજર ઇયળોને તો વીણી ખાય, અરે ! ઊડતાં ફૂદાંને પણ પકડી પાડી સંરક્ષણનું કામ કરે છે.

લલેડાની ટુકડી બપોર વચાળે ઝાડનાં છાંયડે ઘૂસી ઘૂસી જઈ, તાલબધ્ધ સંગીતે ચડી હોય ત્યારે માની લેવાનું કે તેને આજે જીવાતોનું ભારે મિષ્ટાન મળી ગયું છે.અને વૈયાંનાં તો ટોળે ટોળાં પાકને નુકસાન કરતી જીવાતો પર એવા ઊતરી પડે કે ના પૂછો વાત ! વૈયું એકલ-દોકલ નીકળે જ નહીં ને ! એને તો બસ ટુકડીમાં જ જમાવટ ફાવે ! લઘરીબાઇના માથામાંથી જૂ શોધતા હોય તેમ પાંદડાં અને ડાળખીઓના ઘેઘૂર લટિયામાંથી જીવાતો શોધી શોધી અસો [નુકસાન] બધો જમી જાય.

કાબર પણ માંસાહારી છે. એને ઇયળો જેવી ઝીણી વાનગીઓમાં ઓછો રસ. પણ ફૂદાં અને તીડ-પતંગિયા જેવી મોટી જીવાતોને ભાળે કે તેમનો કેડો ન છોડે. કાગડો કોઇનો નહીં, પણ ઝાડની ડાળીસાથે ચાંચ ઘસતો હોય અને નીચે ઉંદર ભાળી જાય, તો ચાંચ સજવી મેલ્ય પડતીક ને ફટાક દઈને ઉંદરને ચાંચમાં પકડી લે ! બગલાની ડૉક ભલેને પાતળી હોય, પણ ઉંદરને ભાળ્યા ભેળો જ ઝપટ મારી પકડી લઈ, ડોક ફુલાવી ગળી ગયે પાર કરે !

ઘૂવડ, ચીબરી દિવસે ન ભાળે તો શું થઈ ગયું ? દિવસ આખો આરામ કરે અને રાતપાળી ડ્યુટી બજાવી મારણ ચલાવે ! કબૂતર અને હોલાં સિવાયનાં મોટાં ભાગનાં કોયલ, કાગડિયો કુંભાર, પોપટ, કાળિયોકોશી, તેતર,બટાવરાં,ટીટોડી અને ઢેલ-મોર સુધ્ધાં દાણાની સરખામણીએ જીવાતો ખાવાનું વધુ પસંદ કરે છે. ખેતીપાકોમાં જીવાતોના ત્રાસ વખતે હળવાશ રહે તેવું ઉપયોગી કામ પંખી સમાજ દ્વારા ખેતીને મળ્યા કરે છે.          

@……..વનસ્પતિની આસપાસ ફરનારાં ફુદડાં-જીવડાં = હવામાં ઊડનારાં માખી જેવડા જંતુઓ અને એનાથી પણ ઘણી નાની-બારીક ભમરીઓ, કોઇ કોઇ તો નરી આંખે જોઇ પણ શકાતી નથી. પણ તેથી શું ? આપણે તો તેના દ્વારા થતાં કામથી તેનું ગજું માપવાનું છે ને ? પાકના જીવાતો સામેના રક્ષણમાં તેનું કામ ગજબનાક સાબિત થયું છે. બંદુક કરતાં અણું અને પરમાણું હોય કેટલા નાના ? છતાં તેનું કામ બંદુક કરતા, અરે ! કાયામાં કદાવર તોપ કરતાં પણ કેટલાગણું હોય વધારે ? કપાસ, મગફળી, દિવેલા, તુવેર, શાકભાજીમાં આવતી લીલી,કાબરી, ઘોડિયા, ગુલાબી અને લશ્કરી ઇયળોનાં ઈંડાને શોધી શોધી તેમાં પોતાનું ઇંડું ભરાવી દે બોલો ! બીજાનું ઇંડું પોતાનાં બચ્ચાનો ખોરાક બની જાય, અને તેમાંથી બહાર નીકળેલું બચ્ચું પાછું કેટલાય ઇંડાનું  ભક્ષણ કરી જાય ! આ છે ટ્રાઇકોગામા ભમરીઓ. એક ભમરી 1200 જેટલા ઇંડાનો નાશ નોતરી શકે.

આપણે ખેડુતો જેને “લીલીપોપટી” તરીકે ઓળખી, લીલી ઇયળનું જ આ ફૂદું છે તેવું માની, ભાળ્યા ભેળું, દવા છાંટી ઠાર મારી નાખીએ છીએ- તે હકીકતમાં ‘દુશ્મન’ નથી., પણ ‘મિત્ર’ છે. આ ક્રાઇસોપા ટરકોડરમા પાકને નુકસાન કરતી મોલો, તડતડિયાં, પાનકથીરી, લીલી ઇયળનાં ઇંડા,ચીટકો  વગેરેનું ભક્ષણ કરે છે. તેની માદા 35 થી 40 ની સંખ્યામાં- ઢગલોએક ઇંડા મૂકે છે. અને તેમાંથી નીકળતી ઇયળ પરભક્ષી હોય છે. પોતાના 6 થી 8 દિવસના જીવનકાળ દરમ્યાન 500 જેટલાં મોલોનાં કે 500 જેટલાં સફેદમાખીનાં બચ્ચાં કે 700 થી 800 જેટલાં ઇયળ બહાર નીકળે તે પહેલાંનાં કૂણાં ઇંડા ખાઈ શકે છે.

જેને આપણે “ડાળિયા” [લેડી બર્ડ બીટલ] થી ઓળખીએ છીએ તેની ઇયળ પોતાના જીવનકાળ દરમ્યાન 900 થી 1000 જેટલી મોલો ખાઇ શકે છે.આવા કેટલાય પરભક્ષી , કીડીઓ, ભમરીઓ અને કરોળિયા નુકસાન પહોંચાડતી જુદી જુદી જીવાતોને ખાઇ જઈને તેની વસ્તીને કાબુમાં રાખવાનું કામ કરે છે.

ઘણાંબધાં ફળો અને વેલાવાળા શાકભાજીમાં ઢગલાબંધ સડો પેદા કરનારી ફળમાખીની વાત સાંભળીએ ત્યારે આખી માખીજાત પ્રત્યે અણગમો ઊપજે. પણ રખે એવું થવા દેતા ! તો અન્યાય થઈ બેસે આપણી ઉપયોગી જીવાતોને. ‘મધમાખી’ છે તો માખીની જ જમાત માહ્યલીને ? કોઇપણ જાતનું સહેજ પણ નુકસાન પાકને કર્યા વિના, એના વનસ્પતિ સાથેના સહવસવાટથી બસ નર્યા ફાયદા જ ફાયદા ! પરાગનયનના મોટા જબરજસ્ત કામ ઉપરાંત જો તેને પાલતુ બનાવી લેવાય તો મધ ઉત્પાદનનું આગવું અંગ બની શકે તેમ છે. વધારાના ખાસ મૂડી રોકાણ વિના જ બીજાની હરિભરી મોલાતો, કાદવ-કીચડ અને પાણીમાંથી મહેનત કરી,મીઠોમધ રોટલો ખેડુતને રળી દેનારી ખેડુતની જીગરજાન દોસ્ત બનવા તે તો તૈયાર છે, આપણે એને મિત્ર બનાવવા તૈયાર છીએ ?

@     જમીનમાં રહેનારાં =  હવામાં ઊડનારાં જો ખેડુતની મિત્રતા નિભાવી શકતાં હોય તો જમીનમાં વસવાટ કરનારાં એનાથી ઉણાં થોડા ઉતરે ? તેનું શરીર કેવું છે તેના કરતાં તેનું કામ કેવી ગુણવત્તામાં અને કેટલા જથ્થામાં કરી દેખાડે છે તેનાથી તેનું વજન થવું જોઇએને ? જમીનમાં વસી કામ કરનારામાં ફૂગજન્ય રોગોમાં ઉપયોગી થનાર એવી એક છે પરભક્ષી ફૂગ, અને બીજા છે ઝીણા બેક્ટેરિયા. દ્વિદળ કે કઠોળ પાકનાં મૂળિયાંમાં ચોટી જઈ, ત્યાં જ આસન જમાવી દઈ, હવામાંનો નાઇટ્રોજન પોતે પકડી લે અને તેનું ભાતું [ગંડિકા] છોડવાનાં મૂળિયાંમાં બંધાવી આપે એ રાઇઝોબીયમ બેક્ટેરિયા.લીલા પડવાસના શણ, ઇકડ, ઢીંઢણ તથા કઠોળ વર્ગના પાકો પાસેથી આપણને આનો લાભ મળે એવું જ ધાન્યવર્ગના મૂળમાં રહી, અનુકૂળ પરિસ્થિતિ ટાણે સર્જનમાં મદદ કરનારાં એઝોટોબેક્ટર બેક્ટેરિયા અને એજોસ્પીરીલમ બેક્ટેરિયા ઉપયોગી સાબિત થયાં છે.

જમીનની અંદર રહેલા અલભ્ય ફોસ્ફરસને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવી આપવાનો લાભ કરનારાં બેક્ટેરિયાં પણ જમીનમાં વસે છે. તે બધા પણ ખેડુતના મિત્રો જ છે. આબધા મિત્રોનો વધુ લાભ લેવામાટે જ આપણે જૈવિક કલ્ચર ઉમેરીએ છીએ ને !

વરસોથી જેના ઋણી રહ્યા છીએ તેવું અળસિયું પણ જમીનમાં જ વસનારું છે. છોડવાઓને એવું મોઢું કે જડબાં નથી કે જે આપણે આપેલી ખાતરની પોટલીઓ સીધેસીધી ઓહિયા કરી જાય ! આપણે આપેલા કાચા ખાતરને સેડવીને, છોડને મળી શકે તેવી સ્થિતિમાં લાવવાનું કામ ઘણીબધી જીવાતો કરતી હોય છે. અળસિયાં આ બધામાં મુખ્ય-નાયક છે. ખેતેરની માટી અને સેંદ્રીય કચરાને ભેગા કરી, પોતાના શરીરમાં રહેલી ઘંટીમાં પીસે છે.પોતાને જોયતું ચૂસી લઈ,બહાર જે કચરો છોડે છે તેના જેવું ઉત્તમ સેંદ્રીય ખાતર બીજું એકે નથી.

દેખાવે લાગે સાવ બિચારું બાપડું ! નહીં પગ, નહીં પાંખો, અરે ! નહીં કાન કે નહીં આંખો ! અને છતાં એના ઉદ્યમનો પાર નહીં ! ભેજવાળી જમીનમાં ખોરાકની શોધમાં નીચે, અને શ્વાસોશ્વાસ તથા મળવિસર્જન માટે ઉપર આવાગમનના કેટકેટલાં કાણાં ! હવા અને પાણીને ચાલવાની મીની પાઇપલાઇનો જ જોઇ લ્યો ! જમીન ઊલટ-સૂલટનું-હળખેડનું કપરું કામ તે આસાનીથી કરી આપે છે. પાકની જમવાની થાળી [એટલે સમજોને જમીન ] પીરસવામાં અને પાક વિના મુશ્કેલીએ એ જમી શકે, હવા વિના મુંઝારો ન અનુભવે, અને છતાં જરૂરી ભેજનો સંગ્રહ કરી શકે, વધુ પડતા પાણી વખતે મૂળિયાંને ગુંગળામણ ન થાય એ રીતે વધનું પાણી જારદ થઈ જાય તેવી અનેકવિધ સગવડો અળસિયું કરી આપે છે.

જમીનમાં રહી પાકમાં ભમનારાં = આપણને કાયમ એમ જ લાગે છે કે આ ઉંદરડા બધું કાપાકાપ કરી નાખી, ખાય તેના કરતાં બગાડી વધુ નાખે છે. પણ વિજ્ઞાન કહે છે કે એ બિચારા બહુ દુ:ખિયારા છે. તેના દાંતને જો કાપાકાપ કરી ઘસાઘસ ન કરે તો તેના દાંત એટલાબધા વધી જાય કે નીચલા દાંત ઉપલા જડબામાં અને ઉપલા દાંત નીચલા જડબામાં સામસામા ધરબાઇ જાય ! એટલે કાપવાનું કંઇ ન મળેતો છેવટે ડુંગરાઓની ધારોમાં આડેવગડે આખી રાત પાણાને બટકાં ભર્યાં કરતા હોય છે. આ ઉંદર જેમ ખેતીપાકનો દુશ્મન છે તેમ તેને મિષ્ટાન માની આરોગી જનાર સાપ ખેડુતના મિત્રો જગણાય ને ?  ખરું કહીએ તો સાપના ઝેર કરતાં સાપના દંશની બીક વધુ ભયંકર છે. એટલે જ આપણે સાપને ભાળ્યાભેગો તે “ઝેરી”છે કે “બિનઝેરી” છે ? તેવું જાણ્યા જાણ્યા વિના જ તેને “ઠાર” કરવાનો આપણો વ્યવહાર રહ્યો છે. ઝેરી અને બિનઝેરી, નાનામોટા બધી જ જાતના સાપ, પાકને માટે નુકસાનકારક જીવાતોનું ભક્ષણ કરી રક્ષણ પૂરું પાડનારા છે.

કાચિંડા અને ઘો જેવા પ્રાણીઓ પણ ઘણી જીવાતોને ખાતાં હોય છે. દેડકાની ઉપયોગિતા વિષે તો જાપાનમાં ડાંગરના પાકમાં પ્રયોગો થયા છે. ડાંગરના ત્રણ પ્લોટ બાજુ બાજુમાં ઉગાડી, એવી ઝીણી ઝાળીથી પેક કર્યા કે એકબીજા પ્લોટના દેડકાની અંદરોઅંદર હરફર ન થઈ શકે. પછી પહેલા પ્લોટમાંથી બધાં દેડકાં વીણી,પકડી, ત્રીજા પ્લોટમાં ઉમેરી દીધાં.બીજા નંબરનો પ્લોટ કંટ્રોલ પ્લોટ રહ્યો , એટલે કે કુદરતી રીતે જેટલાં દેડકાં અંદર હતાં તેટલાને તેટલાં જ તેમાં રહ્યાં. ત્રણે પ્લોટમાં માવજતો બધી સરખી જ આપી. ઉતારાની નોંધ વખતે ખ્યાલ આવ્યો કે પહેલા નંબરનો પ્લોટ – જે બિલકુલ દેદકા વિનાનો હતો તે ઉત્પાદન બાબતે સૌથી નીચો રહ્યો. બીજા નંબરનો-કંટ્રોલ પ્લોટ એથી વધુ ઉતર્યો અને ત્રીજા નંબરનો પ્લોટ કે જેમાં દેડકાંનું ઉમેરણ કરાયું  હતું તેનો ઉતારો સૌથી વધારે મળ્યો. આનો અર્થ શું થયો ? દેડકાઓએ ડાંગરને નડતર રૂપ જીવાતોનો નાશ કર્યો એમજ ને ! એટલેજ તો આપણા દેશમાં રોડપર જેમ “નિશાળ છે-વાહન ધીમે હાંકો” એવું બોર્ડ જોવા મળે છે, તેવું જાપાનમાં કોઇ કોઇ લીલા નાઘેર વિસ્તારમાં સડક પર લખાણ જોવા મળે છે કે “તમારા વાહનને સાવ ધીમે ચલાવો-અહીંથી દેડકાં પસાર થાય છે.” તેમણે મિત્રતાની ખરી કદર કરી છે.

મિત્રોની વધારે મદદની જરૂર છે ?  તો આટલું કરીએ………

[1] સાપ, દેડકાં, કાચિંડા, ઘો જેવા જમીન પર ફરતા ઉપયોગી જીવોને મારવા નહીં

[2] જમીનનાં ઝીણા જીવોને નડે તેવાં રાસાયણિક ખાતરો કે ઝેરીલી દવાઓનો વિવેક પૂર્વક ઉપયોગ કરીએ.

[3] વધુમાં વધુ સેંદ્રીય કચરો  સેડવીને જમીનને આપતા રહીએ, જમીન પર ઢાંકણ રાખતા થઈએ.

[4] જૈવિક કલ્ચરનો ઉપયોગ શરૂ કરીએ

[5] કઠોળ તથા દ્વિદળ પાકો ની સાથે અનાજ વર્ગના પાકોની ખેતી કરીએ.

[6] ફળઝાડના ખાલા વચ્ચેની જમીનમાં લીલોપડવાસ કરીએ.

[7] વાડીમાં પંખીઓનો વસવાટ વધે તેવી પરિસ્થિતિ નિર્માણ કરીએ.

[8] વાડીમાં કાયમી લીલી વનસ્પતિ, ફૂલો, પાણી અને ગારો મળી રહે તેવું આયોજન કરીએ.

[9] જંતુનાશકો છાંટવાની જરૂર ઊભી થયે, બને ત્યાં સુધી વનસ્પતિજન્ય દવાઓ છાંટીએ. ના છૂટકે જ હળવી રા.દવાઓ છાંટીએ.

[10] પરભક્ષી ભમરીઓ જેવા જૈવિક નિયંત્રકોનાં ઇંડા-બચ્ચાં મોલાતમાં ઉમેરીએ.

[11] ફૂલોમાંથી વધુ રસ ઝરતા કે મકાઇ મત્સગંધા જેવા વધુ પરાગરજ ધરાવતા છોડવાઓને ખેતીપાકોની વચ્ચે વાવવાનું રાખીએ, અને એવું જ હજારીગલ જેવા પીળાફૂલોના પાકોને પણ શેઢે-પાળે આશરો આપીએ.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.