વિદેશમાં વસવાનો મોહ, પ્રતિભા પલાયન અને વતનઝુરાપો

નિસબત

ચંદુ મહેરિયા

ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજે રૂ. પંદર લાખની લોન સહાય આપે છે.આ સરકારી યોજના હેઠળ લોન મેળવી વિદેશ અભ્યાસાર્થે ગયેલ વિધ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ થયેથી ઓછામાં ઓછા પાંચ વરસ ભારતમાં સેવાઓ આપવાની શરત હતી. તાજેતરમાં સરકારે આ શરત દૂર કરી છે. પહેલી નજરે બ્રેઈન ડ્રેઈન અર્થાત પ્રતિભા પલાયનને ખુદ સરકારે આપેલો આ પરવાનો લાગે . પણ દયાળુ ગુજરાત સરકારના આ નિર્ણય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રેઈન ડ્રેઈન(પ્રતિભા પલાયન)ને બ્રેઈન ગ્રેઈન (પ્રતિભા લાભ)માં બદલવા માંગે છે.તેની કદાચ અસર વર્તાય છે.

સદીઓથી શિક્ષણ અને વેપાર માટે ભારતમાંથી વિદેશગમન થતું રહ્યું છે.પરંતુ હવે વિદેશમાં વસી જવાના મોહની હોડ જામી છે. કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતાં સરહદ પર ઠંડીમાં ઠુંઠવાઈને મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારની કારુણી તાજી છે. દર દસમાંથી છ ભારતીયને વિદેશ જવું છે. તે માટેની તેમની પહેલી પસંદગી અમેરિકાની છે.જે ચોત્રીસ દેશના નાગરિકો પોતાનો દેશ છોડી અમેરિકામાં વસવા ચાહે છે તેમાં ભારતનો ક્રમ ત્રીજો છે. અમેરિકા જઈ ચડેલામાંથી એંસી ટકા તક મળે તો અમેરિકામાં જ કાયમી ધોરણે વસી જવા માંગે છે. વિદેશ મંત્રાલયના અધિક્રુત આંકડા મુજબ દુનિયાના બસો આઠ દેશોમાં ભારતના ૩,૨૧,૦૦,૩૪૦ લોકો રહે છે. તેમાં ભારતીય મૂળના અને વિદેશોમાં વસેલા ૧,૮૬,૮૩,૬૪૫ અને ભારતીય નાગરિકતા ધરાવતા પણ વિદેશોમાં રહેતા બિનનિવાસી ભારતીયો ૧,૩૪,૫૯,૧૯૫ છે  જે ૩.૨૧ કરોડ ભારતીયો વિદેશોમાં છે તેમાં સૌથી વધુ ૪૪,૬૬,૦૦૦ વસાહતીઓના વતન અમેરિકામાં છે.

અમેરિકા પછી સૌથી વધુ, સવા ચોત્રીસ લાખ, ભારતીયો સંયુક્ત આરબ અમિરાતમાં વસે છે.પહેલા સમૃધ્ધિ અને સુખ સગવડો માટે અમીરો વિદેશોમાં જવા માંડ્યા તે પછી મધ્યમ વર્ગ તેને અનુસર્યો પણ મધ્ય પૂર્વના ખાડી દેશોમાં કુશળ-અકુશળ શ્રમિકો વધુ વેતન અને સારા ભવિષ્યની આશાએ ગયા છે. ખાડી દેશોમાં ૮૯ લાખ ભારતીયો છે. યુએઈની કુલ વસ્તીમાં ૮૮.૨ ટકા, કુવૈતમાં ૭૫.૫ ટકા, સાઉદી અરબમાં ૩૭ ટકા,જોર્ડનમાં ૩૩.૩ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૩૦ ટકા, કેનેડામાં ૨૧.૮ ટકા, અમેરિકામાં ૧૫.૩ ટકા, જર્મનીમાં ૧૪.૮ ટકા, ઈંગ્લેન્ડમાં ૧૩.૪ ટકા લોકો બીજા દેશોમાંથી આવી વસેલા છે. વિશ્વબંધુત્વને વરેલા અને હવે વિશ્વગુરુ બની રહ્યાનું કહેતા ભારતમાં ૫૨ લાખ કે કુલ વસ્તીના ૦.૪ ટકા જ વિદેશીઓ છે.

સ્વર્ગાદપિ ગરિયસી મનાતી જનમ ભોમકા ભારત છોડી અજાણ્યા મુલકમાં કાયમી ધોરણે વસી જવાના ઘણાં કારણો છે. ૨૦૨૧નો એક સર્વે જણાવે છે કે ૫૯ ટકા ભારતીયો સારા શિક્ષણ અને કારકિર્દી માટે વતન છોડે છે. વધુ આવકની શોધમાં ૪૦ ટકા ભારતીયો અમેરિકા,૧૬ ટકા કેનેડા, ૧૫ ટકા સંયુક્ત આરબ અમિરાત અને ૧૪ ટકા બ્રિટન જાય છે. ભારતમાં ત્રણ વરસમાં જેટલું કમાય છે તેટલું વિદેશમાં એક વરસમાં કમાય છે. જેમ ભારતીયોનું વિદેશમાં પલાયન વ્યક્તિગત સુખ-સુવિધા માટે છે તો  દેશમાં પ્રવર્તતા રાજકીય-આર્થિક કારણો માટે પણ છે. સારું શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સરળ કરપ્રણાલી, વેપાર માટે આસાન અને અનુકૂળ વાતાવરણ, ભ્રષ્ટાચાર, વહીવટી તંત્રની આડોડાઈ તથા નિયમ-કાયદાની આંટીઘૂંટી, મહાનગરોમાં વધતું પ્રદૂષણ, અનાકર્ષક અર્થવ્યવસ્થા જેવા કારણોને લીધે દર વરસે સરેરાશ ૫ લાખ ભારતીયો વિદેશ જાય છે. છેલ્લા સાત વરસમાં ૮.૫ લાખ ભારતીયોએ નાગરિકતા છોડી છે.

દેશના પ્રતિભાશાળી નાગરિકો એવા વૈજ્ઞાનિકો, તબીબો, ઈજનેરો, સંશોધકો, અર્થશાસ્ત્રીઓ, અધ્યાપકો અને બૌધ્ધિકોનું દેશ છોડી જવું દેશને પાલવે તેમ નથી. ખાસ તો ભારતમાં સરકારી ખર્ચે આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણ્યા પછી તેમના જ્ઞાનનો લાભ દેશને ન મળે તે સૌથી મોટું નુકસાન છે.તેનાથી દેશને કુશળ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની ખોટ પડે છે. એટલે આ પ્રતિભાઓનું પલાયન રોકવું જોઈએ. જે કારણોસર તેઓ દેશ છોડે છે તે કારણો દૂર કરવાની જરૂર છે. વિશ્વની શ્રેષ્ઠ સો યુનિવર્સિટીઓમાં ભારતની એકેય ન હોય  અને બેકારોની ફોજ ખડકે રાખતી શિક્ષણ વ્યવસ્થા હોય તો સારા શિક્ષણ માટે કોઈને દેશ છોડતા રોકી શકાશે નહીં.૧૯૯૬ થી ૨૦૧૫ના વીસ વરસોમાં માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાંત પરીક્ષાના ૮૬ ટોપરમાંથી ૪૬ વિદેશોમાં ભણવા ગયા હોય અને મોટાભાગના સ્વદેશ પરત ન આવ્યા હોય તો તે ગર્વ લેવાની બાબત નથી. તકના અભાવે પ્રતિભા પાંગરે નહીં તેના કરતાં તે વિદેશમાં પગ કરી જાય તે સારું તેવું કંઈક તો આપણે નથી કરી રહ્યાને ? બીજી તરફ ઘરગામકુટુંબવતન છોડી ખાડી દેશોમાં વૈતરું કરવા જતાં નિર્ધન શ્રમિકોને દેશમાં જીવન યોગ્ય દરમાયો મળી રહે તેવી રોજગાર વ્યવસ્થા કેમ નથી તેવો સવાલ થવો જોઈએ.

ભારતની અર્થવ્યવસ્થામાં પ્રવાસી ભારતીયો દ્વારા  દેશમાં મોકલાતા નાણાનું મોટું યોગદાન છે. સમગ્ર દુનિયામાં પ્રવાસી નાગરિકો દ્વારા દેશમાં મોકલાતા ધનમાં ૨૦૦૮થી ભારત પ્રથમ ક્રમે છે. ૨૦૨૧માં  પ્રવાસી ભારતીયોએ ભારતમાં ૮૭ અબજ ડોલર મોકલ્યા હતા.સામે પક્ષે ભારતમાંથી વિદેશમાં જતાં નાણાંમાં છેલ્લા પાંચ વરસોમાં દસ ગણો વધારો થયો છે.શિક્ષણ,સારવાર,સારસંભાળ અને બીજા કારણોસર ૨૦૧૩-૧૪માં ભારતીયોએ વિદેશોમાં ૧૦૯.૩ કરોડ ડોલર મોકલ્યા હતા. જે ૨૦૧૮-૧૯માં વધીને ૧૨૩૧ કરોડ ડોલર થયા હતા.એકલા અમેરિકાને ભારતીય વિધ્યાર્થીઓ વાર્ષિક ૧૧ અબજ ડોલરની ફી ચુકવે છે. એટલે નાણાની આવનજાવન બંને બાજુથી થાય છે.

અનેક કારણો વશ ભારત છોડી ગયેલાઓના વતન ઝુરાપાની બહુ ભાવુક કથાઓ પણ વાંચવા, જોવા, સાંભળવા મળે છે. પેઢીઓથી મૂળિયાથી કપાઈ ગયા છતાં વ્યક્તિગત, સામાજિક, સાંસ્ક્રુતિક,ધાર્મિક જ નહીં રાજકીય રીતે પણ તેઓ ભારત સાથે જોડાયેલા હોવાનું કહેવાય  છે. ભારતના ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ,પેટાજ્ઞાતિના વાડા તેઓ વિદેશમાં પણ અકબંધ રાખે છે. ભારતની અનામત નીતિ જેવી જ અમેરિકાની એફરર્મેટિવ એકશન પોલિસી(હકારાત્મક પગલાંની નીતિ)ના લાભાર્થી બનીને ભારતની અનામત નીતિના વિરોધી અને જ્ઞાતિપ્રથાના સમર્થક બની જીવે છે. તેઓ ભારતમાં બીજેપીના અને અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના મતદારો છે.’ઈન્ડિયન અમેરિકન્સ એટિટ્યુડ સર્વે’ના તારણો પ્રમાણે અમેરિકાના ઉદારવાદનો લાભ મેળવતા ભારતીયો ભારતમાં કટ્ટર રૂઢિવાદી છે.

પરાગ અગ્રવાલ ટ્વીટરના સીઈઓ બને કે ઉર્જિત પટેલ એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ બને તેનાથી ભારતીય તરીકે ભલે આનંદિત થઈએ પણ આવા અનેક ભારતીયોને આપણે ઘર આંગણે સાચવી નથી શકતા કે તેઓ ભારતમાં રહેવા જ નથી માંગતા તે સવાલ પણ ઉઠાવતા રહીએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “વિદેશમાં વસવાનો મોહ, પ્રતિભા પલાયન અને વતનઝુરાપો

  1. Chandubhai as a Asian we are not able to get benefits for affirmative action.On the contrary despite of merit black and Latino candidates are preferred due to their lower participation.(in case of USA). In lots of USA universities Chinese and Indian students are rejected as they believe we are over representing in some of fields.I am living in Canada and we do not get any special treatment as a racial minority. Your observation regarding political affiliation in USA is not correct majority of Indian are democratic party supporter.You may have generalize based on interaction of few Gujarati people.Fully agree with your other observation.
    With regards

Leave a Reply

Your email address will not be published.