જીવનનૃત્યના લયનો આંનદ મેળવીએ

મંજૂષા

વીનેશ અંતાણી

એક પ્રેમી અને એક પ્રિયતમા વચ્ચેનો કાવ્યમય સંવાદ: “આપણી આસપાસ સૂરીલા સંગીતનો લય ગૂંજી રહ્યો છે. હું અને તું નૃત્ય કરી રહ્યાં છીએ. તારો હાથ મારા હાથમાં છે, આપણે એકબીજા સાથે જોડાયેલાં છીએ. સાથે જ આગળ વળીએ છીએ, પાછળ નમીએ છીએ, આપણા બંનેના પગ એકતાલે થરકી રહ્યા છે.  આ એવો અનુભવ છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આપણા લયતાલનું એક થઈ જવું આપણા હૃદયની ભીતરથી ઊઠી રહ્યું છે. હું તારી સાથે આ રીતે જ આખી જિંદગી નૃત્ય કરવા માગું છું – આ એવું નૃત્ય છે, જે આપણા શરીરના, લોહીના, હૃદયના લયને એક કરીને આપણને જોડી રાખે છે.” એમણે એમના સહનૃત્યમાં જે સંવાદિતા અનુભવી છે એને તેઓ એમના સહજીવનની ક્ષણેક્ષણ સાથે જોડી દેવા માટે ઉત્સુક છે.

વાત જીવનમાં દરેક તબક્કે લય જાળવી રાખવાની છે. વૃદ્ધાવસ્થામાં જીવનની રફતાર ધીમી પડે છે, પરંતુ જો આપણે માનસિક રીતે  બદલાયેલી વયનો લય જાળવી રાખવામાં સફળ થઈએ તો વૃદ્ધાવસ્થાના આગવા લયનો આનંદ માણી શકાય. સક્રિય જીવનમાંથી નિવૃત્તિ પછી વધી પડેલા સમયના લય સાથે લય જાળવી શકાય તો હતાશા જન્મતી નથી, બલકે એક નવી અને જુદી જ ગરિમાનો અનુભવ કરી શકાય છે. ઉપર ચઢવાના લયની જેમ  નીચે ઊતરવાનો પણ લય હોય છે.

વિચારક સ્કૉટ હેલમેન લખે છે: “દરેક જગ્યાએ લય છે – છાતીમાં ધબકતા હૃદયમાં, આપણી ભાષામાં, આપણા દરેકે દરેક ડગલામાં. આપણા કાને જે સંભળાય છે તે દરેકમાં લય હોય છે, આપણે એનાથી સભાન હોઈએ કે નહીં એ જુદી વાત છે. એક વાર હું એરપોર્ટ પર મારું લગેજ લેવા ઊભો હતો. લગેજનો કન્વેયર બેલ્ટ ચાલવાની શરૂઆત થઈ એ સાથે એક જુદો જ લય મારા કાને અથડાયો. મારી સૂટકેસ આવી ત્યાં સુધી હું એ લય સાથે જોડાયેલો રહ્યો. બહાર નીકળીને ટૅક્સી કરી પછી સડક પરથી આવતા અવાજોના લય સાથે જોડાઈ ગયો. ઘેર પહોંચ્યો ત્યારે ઉપર જતી લિફ્ટનો લય, મારા ઘરમાં સંભળાતા અવાજોના લય, સંતાનોની દોડાદોડીનો લય, મારી પત્ની નજીક આવતી હતી ત્યારે એનાં પગલાંનો લય… હું પહેલી વાર મારી આસપાસના જુદાજુદા લય વિશે સભાન થયો હતો. મને લાગે છે કે ત્યાર પછી જીવન વિશેનો મારો સમગ્ર અભિગમ બદલાઈ ગયો છે…”

માઈકલ રોસેન એમનો વિચાર પદ્યમાં વ્યક્ત કરે છે: “પુલના રેલિન્ગ પર હાથ મૂકો અને ટ્રેનનો લય અનુભવો. બારી પર હાથ મૂકો, વરસાદનો લય અનુભવો. ગળા પર હાથ મૂકો અને તમારા અવાજનો લય અનુભવો. સમુદ્રના જળમાં હાથ બોળો અને ભરતી-ઓટના લયનો સ્પર્શ કરો. હૃદયના ધબકાર પર હાથ મૂકો અને તમારા શરીરના લયનો અનંદ માણો. તમારા હોવાપણા પર હાથ મૂકો અને સમયનો લય અનુભવો…”

આલ્ફ્રેડ જે. પાર્કર કહે છે: “જ્યારે આપણે રિધમનો વિચાર કરીએ છીએ ત્યારે પહેલો વિચાર નૃત્ય, સંગીત અને સમયના સંદર્ભમાં આવે છે. સામાન્ય રીતે આપણે લયને ગતિના અનુભવ સાથે જોડીએ છીએ. કેટલાય લય આપણે સાંભળતા નથી, છતાં એને સંવેદી શકીએ છીએ. રંગોનો પણ એક લય હોય છે…શિલ્પ-સ્થાપત્યમાં પણ લય હોય છે.” પાર્કર વિચારોના લય પર પણ ભાર મૂકે છે. “જો આપણે વિચાર કરવાની પ્રક્રિયામાં લય ઊભો કરી શકીએ તો આપણી વાણી અને વર્તનમાં ગરવો લય પકડાશે. બેતાલ વિચારો બેફામ વાણી તરફ દોરી જાય છે. પહેલાં તો આપણા વિચારોમાંથી નકારાત્મક વિચારોને દૂર કરીએ. એવા વિચારોથી ભય, ચિંતા, બિનજરૂરી ઉત્તેજના, ઇર્ષા, કડવાશ, હતાશા અને આત્મગ્લાનિ જેવા ભાવ જન્મે છે. નકારાત્મક વિચારો વિચારની દિશાને બેતાલ બનાવે છે અને આપણે મૂળ વિચારના કેન્દ્રથી દૂર ચાલ્યા જઈએ છીએ. વિચારોનો લય ચૂકી જનાર વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી.”

દુનિયાભરના વિચારકો આસપાસની પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની વાત પર ભાર મૂકે છે. કહ્યું છે: “આપણું અસ્તિત્વ સૂર્યોદય અને સૂર્યાસ્તના લય, ચન્દ્રના ઉદય અને આથમવાના લય, દિવસના તાપમાન અને રાતના તાપમાનના લય, દરેક ઋતુના લય, સમુદ્રમાં આવતી ભરતી અને ઓટના લય અને આપણા આંતરિક લય સાથે જોડાયેલું છે. એ લયમાંથી બહાર નીકળી જનાર વ્યક્તિનું જીવન બેતાલ બની જાય છે.”  વિચારકોએ વયના સંદર્ભમાં પણ લયનો ઊંડો વિચાર કર્યો છે. બાળપણનો લય, કિશોરાવસ્થાનો લય, યુવાનીનો લય, પ્રૌઢ વયનો લય અને વૃદ્ધાવસ્થાનો લય જુદોજુદો હોય છે. આપણે બાળપણના લયથી યુવાનીનાં વરસો વિતાવી શકીએ નહીં અને વૃદ્ધાવસ્થામાં યુવાનીના લયના અભાવમાં ઝૂરી શકીએ નહીં.

સંગીતમાં જેટલો આનંદ દ્રુત લયનો મળે છે એટલો જ આનંદ વિલંબિત લયમાંથી પણ મળે છે. આ  વાત આજના અતિ વેગીલા જીવનમાં આપણે ભૂલી ગયા છીએ. પ્રચંડ વાવાઝોડું વિનાશ નોતરે છે, આછી હવામાં ફરફરતા પાંદડાનો મર્મર સાંભળવા જેવો છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.