નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૫

તમને તો કોઈ પાસે માંગતા પણ નથી આવડતું, ડૉક્ટર!

નલિન શાહ

રાજુલની છતી થયેલી ઓળખ ધનલક્ષ્મી માટે વજ્રાઘાત સમાન સાબિત થઈ હતી. સહેલીઓના વર્તુળમાં મોટાઈનું પ્રદર્શન કરવાનો મોહ નહોતો રહ્યો. ન તો એણે કોઈને આમંત્ર્યાં, ન એ પોતે ક્યાંય પણ ગઈ. સૂનમૂન થઈને બેસી રહેતી. જે કરતી હતી એ બધું યંત્રવત્‌ હતું. બંગલાની જગ્યાએ મકાન ચણાઈ રહ્યું હતું. નજદીકનાં મકાનમાં બે ફ્લેટો બાજુ-બાજુમાં મળી ગયા હતા. રસોડું ધનલક્ષ્મીના ફ્લેટમાં હોવાથી ક્યારેક ક્યારે માનસી સાથે મુલાકાત થતી, પણ બંને તરફથી ચુપકીદી સેવાઈ રહી હતી. નોકરો ઘર સંભાળતા હતા. રતિલાલની માંદગીના સમાચાર માનસીએ ફરજ ખાતર આપ્યા હતા- જે એણે સાંભળી લીધા હતા કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાત આપ્યા વગર, આથી વધુ એ બાબતમાં સામે ચઢીને ચર્ચા કરવાની માનસીને જરૂરત નહોતી જણાઈ.

માનસી તૈયાર થઈને આવી અને ડાઇનિંગ ટેબલ પર બેઠી. નોકર ચા અને ખાખરો મૂકી ગયો. પૂજાના ઓરડામાં સ્તબ્ધતા છવાયેલી જોઈ માનસીને મનમાં હસવું આવ્યું. હજી એનો ઠાકોરજી પ્રત્યે ઠલવાતો ગુસ્સો યથાવત્‌ હોય એમ લાગ્યું. ભગત ને ભગવાન વચ્ચે મધ્યસ્થી બનવાની એને કોઈ જરૂરત નહોતી જણાતી.

હોસ્પિટલમાં જતા પહેલાં માનસીએ ફિલોમીનાને ફોન કર્યો,

‘ફિલુ, કેટલા પૈસા છે મારા બેંકના એકાઉન્ટમાં?’

‘એક લાખ ત્રણ હજાર, ને મારા ખાતામાં બાવીસ હજાર છે તારે જોઈએ તો…’ ફિલોમીનાએ કહ્યું, ‘ને આસિત સરે ભેટ આપેલા એક લાખ ફિક્સ ડિપોઝિટમાં છે પણ એ તો તોડી શકાય. કોઈ ચિંતાનો વિષય નથી.’

‘ના, રહેવા દે.’ કહીને માનસીએ ફોન મૂકી દીધો.

માનસી વિચારતી રહી. કાંઈ યાદ આવ્યું હોય તેમ એણે બીજો ફોન ડાયલ કર્યો, ‘અમિતજીને આપશો?’ એણે ટેલિફોનમાં કહ્યું.

‘એ ઘરમાં નથી, શું કામ છે?’

‘હું ડૉક્ટર માનસી બોલું છું.’

‘એક મિનિટ થોભો.’ જવાબ મળ્યો ને તુરંત અમિતકુમારનો પરિચિત અવાજ કાને પડ્યો, ‘ઓહો! મારાં અહોભાગ્ય! તમે મને સવારે સવારે યાદ કર્યો. બોલો, શું હુકમ છે?’

‘અમિતજી, પચાસ હજાર રૂપિયાની જરૂર છે, લોન પેટે.’ કોઈ પણ ઔપચારિકતામાં પડ્યા વગર માનસીએ કહ્યું.

‘તમને તો કોઈ પાસે માંગતા પણ નથી આવડતું, ડૉક્ટર! માગી માગીને ફક્ત પચાસ હજાર?’

‘હા, એટલાની જ જરૂર છે.’

‘પાછા ના આપવાની શરતે આપું, લોન પેટે નહીં.’

‘તો રહેવા દો, નથી જરૂર.’

‘અરે અરે, ફોન ના મૂકતાં. તમે આજે જુદા મુડમાં લાગો છો.’

‘હા, વાત જ એવી છે.’ માનસીએ રડમસ અવાજમાં કહ્યું.

‘સોરી…’ અમિતકુમારે ગંભીર થઈ કહ્યું, ‘વાત એમ છે કે તમે ‘લોન પેટે’ કહ્યું એટલે જરા દુઃખ થયું કે તમે મને પરાયો ગણ્યો. તમે તો મારા તારણહાર છો. ચાલો, બીજી કોઈ વાર ચર્ચા કરશું. આજે તમારો મુડ બદલાયેલો લાગે છે એટલે હું કોઈ શરત નથી મૂકતો. પણ આપણા સંબંધોના હિસાબે હું એટલું જરૂર કહીશ કે જ્યારે જરૂર હોય, કેટલાની પણ, તમારે મને બેધડક હુકમ આપવાનો, વિનંતી નહીં કરવાની. પછી એને તમારે લોન, ડોનેશન, ભેટ જે ગણવું હોય તે. હમણાં જ મોકલું છું. રોકડા ચાલશે?’

‘હા, રોકડા જ જોઈએ છે. સાંજે ક્લિનિક પર મોકલશો તો ચાલશે.’ કહી માનસીએ ફોન મૂકી દીધો.

ફિલોમીનાને ફોન કરીને સૂચના આપી કે એક લાખ કાઢીને તૈયાર રાખે. બીજો ફોન સુનિતાને કર્યો ને કહ્યું કે કાલે સવારે જ એડમિશન લઈ એને જણાવે.

‘અને હા’ માનસીએ તાકીદ કરી, ‘ઓપરેશનના પૈસા ના ભરતા. પરાગ નાનાના ઓપરેશનની ફી નહીં લે.’

સાંભળીને સુનિતાએ કોઈ દલીલ ના કરી. એનું હૃદય માનસી માટે લાગણીથી ભરાઈ ગયું. એને માનસીની માનસિક વ્યથાનો સંદેશો હતો એટલે વધુ ચર્ચા કર્યા વગર એડમિશનની વ્યવસ્થામાં રોકાયાં.

માનસીએ તુરંત હોસ્પિટલની ઓફિસના મુખ્ય અધિકારી એના સ્વજન જેવા વયોવૃદ્ધ રમણિકભાઈનો સંપર્ક સાધ્યો, ‘કાકા, મારું એક કામ કરશો?’

‘અરે દીકરી, તારે પૂછવાનું ના હોય, કામ ચીંધવાનું હોય.’

‘ના કાકા, તમને તો પૂછવું પડે મારે.’

‘તો પૂછ.’

‘જુઓ, એક રતિલાલ મુન્શી નામના પેશન્ટનું એડમિશન થવાનું છે, ફર્સ્ટ ક્લાસમાં હશે. પરાગના પેશન્ટ છે.’ કાયદા પ્રમાણે એ ડિપોઝિટ વગેરે ભરશે ને જે ઓપરેશનનો ચાર્જ હશે….’

‘હાયર ક્લાસમાં હોય તો ઘણુ ખરું એ ડૉક્ટર ને પેશન્ટ વચ્ચેનો મામલો હોય એમાં હોસ્પિટલ વચ્ચે ક્યાં આવે?’ માનસીને બોલતી અટકાવી રમણિકભાઈએ કહ્યું.

‘એટલે જ તમારી મદદ માંગુ છું હું. ઓપરેશનના ખર્ચા પેટે જે રકમ મોકલું એ પેશન્ટના નામે જમા કરી દેજો અને ડૉ. પરાગને જણાવી દેજો કે એમની ફી જમા થઈ ગઈ છે. એને એ જાણવાની જરૂર નથી કે પૈસા કોણે ભર્યા છે. એને જ નહીં, પણ પેશન્ટ કે એનાં લાગતાં-વળગતાંઓએ પણ જાણવાની જરૂર નથી કે પૈસા જમા થયા છે. આ ખાસ જરૂરી છે. કારણ એ છે કે પેશન્ટ પરાગના સગા નાના છે, પણ એને મહત્ત્વ પૈસાનું છે, નાનાનું નહીં. ગમે તેટલો હોય ખર્ચો તો પેશન્ટની સૌથી નાની દીકરી કરવા શક્તિમાન છે,પણ એ મારી અંગત મિત્ર છે. આમાં મારી સ્થિતિ કેટલી કફોડી છે એ સમજી શકશો. હું આ પૈસા ખાનગી રીતે એટલે માટે ભરું છું કે આ લોકો એમ માને કે પૌત્ર હોવાના નાતે પરાગે પૈસા નથી લીધા.’

રમણિકભાઈએ એક ઊંડો નિસાસો નાખી કહ્યું, ‘માનસી, મને એ સમજાતું નથી કે જુદી જુદી માટીના ઘડાયેલા બે માનવીઓ ભેગા કેમ થતા હશે!’

‘વિધિના ખેલ કહો કે પછી સંજોગ. પણ જે થયું છે એને નથી થયું કરી શકાતું નથી.’

‘માનસી,’ રમણીકભાઈએ ચિંતા વ્યક્ત કરી, ‘તારી યોજનામાં એક મોટી ખામી છે.’

‘શું?’

‘જ્યારે હોસ્પિટલમાં જમા કરેલા પૈસાની બીલ સાથે રસીદ અપાશે એમાં ડૉક્ટરની ફી સાથે પૂરા પૈસાનો હિસાબ હશે.’

‘એનો તો મને ખ્યાલ જ ના રહ્યો.’ માનસીએ મૂંઝાઈને કહ્યું.

‘એટલે હું ઓપરેશનના પૈસા જમા નહીં કરું, પણ મારી પાસે રાખીશ. હું ડૉક્ટર પરાગ સાથે અંગતમાં સમજૂતી કરી લઈશ. એને પૈસા સાથે મતલબ છે, ક્યાંથી આવ્યા એની સાથે નહીં. હા, તને તો બહાર જ રાખીશ, ચિંતા ના કરતી. હું ડૉક્ટર પરાગને કહીશ કે પેશન્ટે એની દીકરીના પૈસે ઓપરેશનની ના કહી એટલે એમના સંતોષ ખાતર આમ કરવું પડે છે, જેથી પેશન્ટ એમ સમજે કે સંબંધના કારણે ડૉક્ટરે પૈસા જતા કર્યા છે. ડૉક્ટરને તો બંને બાજુ ફાયદો છે, પૈસાના પૈસા ને સાથે સાથે પૌત્રની ફરજ બજાવ્યાનો ધન્યવાદ.’

માનસીએ ખુશ થઈને રમણીકભાઈનો આભાર વ્યક્ત કર્યો.

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.