ભગવાન થાવરાણી
વધુ એક બદાયુનીની વાત કરીએ. ‘ ફાની ‘ બદાયૂની. આ પહેલાં આપણે ફહમી, શકીલ અને મહશર બદાયુની વિષે સંક્ષેપમાં ચર્ચા કરી ગયા. એ પહેલાં એક દિલચસ્પ આડવાત. મારો એક બેહદ પ્રિય શેર છે જેને હું આજ સુધી ‘ ફાની ‘ સાહેબનો માનતો આવેલો. એ શેર આમ છે :
મર ગયા હમકો ડાંટને વાલા
અબ શરારત મેં જી નહીં લગતા
( ઉંમર ગમે તેટલી હોય, દરેક માણસને તોફાન મસ્તી કરવાનો હક છે, જ્યાં સુધી એને ઠપકો આપવાની લાયકાત અને ઉંમરવાળો છેલ્લો સ્વજન જીવે છે ત્યાં સુધી ! )
આ શ્રુંખલા દરમિયાન કરેલી છાનબીનમાં જાણ્યું કે આ શેર દરઅસલ ફહમી બદાયુની સાહેબનો છે જેમને આપણે ૨૭ ક્રમાંકની કડીમાં ચર્ચી ગયા છીએ.
ખેર ! ‘ ફાની ‘ બદાયુનીને નિરાશાવાદના પેશવા કહેવામાં આવે છે. એમની કવિતા મહદંશે દુખ અને પીડાની કવિતા છે. એમના વિષે કહેવાય છે કે જ્યારે એ પોતાના દર્દ-ઘૂંટ્યા અવાજમાં ગઝલ કહેતા ત્યારે શ્રોતાઓ એવા સંમોહિત થતા કે અક્સર દાદ દેવાનું પણ ભૂલાઈ જતું ! એમનો દ્રષ્ટિકોણ જૂઓ :
ન ઈબ્તિદા કી ખબર હૈ ન ઈંતિહા માલૂમ
રહા યે વહમ કિ હમ હૈં – સો વો ભી ક્યા માલૂમ !
( આદિ અને અંતની ખબર નથી જ, આપણે પોતે છીએ કે નહીં એ પણ શંકાસ્પદ છે ! )
જીવનને વેઠવાનો એમનો તરીકો :
હર મુસીબત કા દિયા એક તબસ્સુમ સે જવાબ
ઈસ તરહ ગર્દિશ-એ-દૌરાં કો રુલાયા મૈને
( વર્તમાનની દરેક મુસીબતને અમે રોવડાવી. કઈ રીતે ? નિ:શબ્દ સ્મિત કરીને ! )
સાહિરનું ‘ બરબાદિયોં કા જશ્ન મનાતા ચલા ગયા ‘ યાદ આવે !
એમના એક ખૂબ પ્રખ્યાત શેરમાં એમણે જે વાત કરી છે એ આપણે અહીં ટાંકેલા પ્રથમ શેર વાળી વાતનું જ અલગ સ્વરૂપ છે :
એક મુઅમ્મા હૈ સમજને કા ન સમજાને કા
ઝિંદગી કાહે કો હૈ – ખ્વાબ। હૈ દીવાને કા ..
સાચી વાત. જીવન એક ન સમજાય એવો કોયડો છે, જે સમજાય પણ નહીં, સમજાવી શકાય પણ નહીં . એની તુલના અગર સંભવ છે તો એટલું કહી શકાય કે એ કોઈ પાગલનું સપનું છે જેનું ન ધડ ન માથું !
એટલે તો અખ્તર સઈદ ખાન સાહેબે કહેવું પડ્યું :
તૂ કહાની હી કે પરદે મેં ભલી લગતી હૈ
ઝિંદગી ! તેરી હકીકત નહીં દેખી જાતી …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.