રવાઇડો ઘુવડ: તમારી આંખમાં તેની ચમકતી પીળી આંખ પરોવવાથી ગભરાતું નથી

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

કુદરત એટલી અજાયબ છે કે જુદાજુદા જીવને અનોખા રંગરૂપ અને વિવિધ લાક્ષણિકતા આપેલી છે.  અનોખી ચમકતી પીળી આંખવાળું નિશાચર પક્ષી એટલે રવાઇડો ઘુવડ. રવાઇડો ઘુવડની દેખાવમાં એક છેતરતી લાક્ષણિકતા છે. માથાના ઉપરના ભાગમાં બંને બાજુ નાની ચોટલી એટલે કે કલગી હોય છે જે આબેહૂબ કાન જેવો આભાષ ઉભો કરે છે જે  તેના કાન નથી. તેના કાન મોંહની બાજુમાં હોય છે જે સંતાયેલા હોય છે અને દેખાતા નથી. હા, ક્યારેક આ ચોટી દેખાય નહિ તેવી ખુબ નાની અથવા ન પણ હોય તેવું બને છે. તેનામાં એક બીજો ગુણ હોય છે. તેની સામે જોનારની આંખમાં તે સામે આંખ મેળવીને જોતા ગભરાતું નથી અને સામે એક જુદો દેખાવ ઉભો કરે છે અને ક્યારેક જોનાર તેની જોવાની રીતથી ગભરાય છે.

રવાઇડો ઘુવડ/ Short Eared Owl / Asio flammeus
34–43 cm (13–17 in) ૩૪ સે.મી થી 43 સે.મી. પાંખોનો ફેલાવો: ૪૦ ઇંચ – ૧૦૨ સે.મી. વજન: ૨૦૬ ગ્રામ થી ૪૭૫ ગ્રામ

બીજા બધા ઘુવડ કરતા આ રવાઇડો ઘુવડ કદમાં મધ્યમ અને નાનું હોય છે.  ઘાસના મેદાનનો વિશાળ ખુલ્લો વિસ્તાર, ઘાસવાળી ભીની જમીન તેમજ વિશાળ સપાટ વૃક્ષહીન પ્રદેશ જ્યાં જમીનનો નીચલો થર ઠરી ગયેલો હોય છે તેવા વિસ્તાર વસવાટ માટે પસંદ કરે છે અને આજ કારણે તેઓ જમીન ઉપર માળો બનાવી ઈંડા મુકતા હોય છે.

જ્યારે દરિયા કિનારાના ખુલ્લા વિસ્તારમાં વસતા હોય ત્યારે આ નિશાચર પક્ષી તે પોતાના  દરિયા કિનારાના વિસ્તારમાં ક્યારેક દિવસે પણ ઉડતા નજરે પડે છે જે એક વિશિષ્ટતા છે. વહેલી પરોઢે અને સૂર્યાસ્ત પહેલા વહેલી સાંજે ઉડતા જોવા મળે છે જે બીજા પ્રકારના ઘુવડમાં નથી હોતું. તેઓનો વિસ્તાર લગભગ ૨૦૦ હેક્ટર જેટલો નોંધવામાં આવેલ છે. તેઓ ખુબ લાંબા અંતર સુધી ઉડી શકે છે અને ઘણી વખત દરિયામાં જહાંજ ઉપર બેસી જઈ દૂરદરાજના વિસ્તાર સુધી પહોંચી જાય છે.

હાલમાં તેમના વિશેના વધારે અભ્યાસ માટે તેમના પગ ઉપર સોલાર પાવરથી ચાલતા જીપીએસ લગાવી તેઓનો બારમાસની ગતિવિધિ અને હાલચાલ નો અભ્યાસ થઇ શકે છે.

લગભગ આખું શરીર ફીકુ છીકણી રંગનું જેમાં પાંખો અને છાતી ઉપર લીટીઓ/ રેખાઓ હોય છે જેમાં ટપકા સુંદરતા ઉમેરે છે. જ્યારે ઉડે છે ત્યારે પાંખોને છેડે ચામડીના/ બફ રંગનો – ધુળીઓ ભાગ/ પેચ હોય છે જે સ્પષ્ટ દેખાય છે. માદા મુખ્યત્વે ઘેરા કથ્થાઈ રંગની હોય છે. તેઓની આંખો મોટી હોય છે, ગરદન ટૂંકી હોય છે. તેઓની કાળી ચાંચ નાની, મજબૂત, આંકડો/ હુક આકારની હોય છે.

રવાઇડો ઘુવડ ખાસ કરીને પોતાની વસાહત પાસે બોલતો સંભળાય છે જેમાં તે હુરિયો/ મોટરના ભૂંગળા જેવો સળંગ પરંતુ ઝીણો અવાજ કાઢે છે જે સાથે થોડો કઠોર ભસવાના અવાજ જેવો અવાજ પણ કાઢે છે. શિયાળાની ઠંડીની ઋતુમાં તેઓ ખાસ બોલતા સંભળાતા નથી.

તેઓ બિયારણ કાઢી લીધું હોય તેવી સળીઓનો માળો બનાવવા ઉપયોગ કરે છે જે તેમના વસવાટના ખુલ્લા પ્રદેશમાં ઘાંસમાં બનાવે છે. આ કારણે તેઓના ઈંડા અને બચ્ચા સ્તનીય પ્રાણીનો શિકાર બને છે. હમણાં ઘણા વર્ષોથી તેઓની સંખ્યા ઘટી રહી છે. તેમના વસવાટને લાયક જગ્યાઓમાં મોટા પ્રમાણમાં વિકાસ થઇ રહ્યો છે અને ઘટી રહી છે તે મુખ્ય કારણ છે. તેમના વસવાટના વિસ્તારમાં સસ્તન પ્રાણીઓની સંખ્યા વધારે હોય તે તેમના ઈંડા અને બચ્ચાની સંખ્યાની સફળતામાં માટે જોખમી છે.

માદા ખાસ કરીને ઈંડા હોય ત્યારે માળો છોડતી નથી અને ઘણી વખત ત્યાંજ અઘાર પાડે છે. પરંતુ આમ કરવાના કારણે આઘારની વાસથી શિકારી જીવ માળાથી દૂર રહે છે અને બચ્ચા બચી જાય છે. માર્ચ થી જૂન મહિનામાં તેઓની પ્રજનનની ઋતુ હોય છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં તેઓ એક વિસ્તારમાં ભેગા થતા હોય છે. તેવા સમયે નર પ્રજનન માટે માદાને આકર્ષવા ઊંચેથી નીચે માળા તરફ પાંખો ફફડાવી ઉડાન ભરતો હોય છે. મુખ્યત્વે તેઓ પોતાના એકજ જોડીદારને વફાદાર રહે છે.

સફેદ રંગના ૭ થી ૧૨ નંગ ઈંડા મૂકી શકે છે. ૨૧ થી ૩૭ દિવસમાં ઈંડા સેવાય છે. લગભગ પછીના ૩૦ દિવસમાં બચ્ચા સક્ષમ બની જાય છે. શિકારીને દૂર રાખવા માટે ક્યારેક માળાથી દૂર નર પાંખ તૂટી ગઈ હોય તેવું નાટક કરે છે અને શિકારીને માળાથી દૂર ખેંચી જાય છે. તેમનું સરેરાશ આયુષ્ય ઓછું ૬. ૫ વર્ષનું નોંધાયું છે.

ખોરાકમાં મુખ્યત્વે ઉંદર, ખિસકોલી, ચામડચીડિયા, નાના પક્ષી, પાણીની આસપાસના પક્ષી, તીતીઘોડા, વાણિયા, ભમરા, વંદા અને ઈયળ જેવા જીવ મુખ્ય ખોરાક છે. તેઓના શરીરની પીએચ/ pH  નું સ્તર ઊંચું રહેતું હોઈ ખોરાકનો હાડકા અને કડક ભાગ પચાવી નથી શકતા અને માટે તેવા ભાગને શરીરમાંથી બહાર ફેંકી દે છે.

એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા સિવાય આખા વિશ્વમાં ફેલાયેલા છે અને જ્યા બહુ ઠંડી પડતી હોય તેવા વિસ્તારથી ઠંડીના સમયે સ્થળાંતર કરી જતા હોય છે.

 

(ફોટોગ્રાફ: શ્રી જીતેન શાહ,  શ્રી હેમાંક્ષી મોદી).


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

   *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.