વિષય ગંધારો પણ વાત જરૂરી

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

આજની મારી વાતનો વિષય જેની ષષ્ટિપૂરતી ઉજવાઈ ગઈ છ એના માટે એના શબ્દોમાં “હું, હું એવું ન બોલાય,” જે પચાસી વટાવેલા છે એના માટે “ગંધારો, ગોબરો કે અશિષ્ટ છે.” તો ઇથી નાનેરા માટે “ડર્ટી” ને ઇથીયે નાનેરાના શબ્દે “યકી” છે. ટૂંકમાં વિષય ઈ જ પણ એનાં સમયે નામકરણ નવાં જે મારા આજના વિષયમાં પણ થોડુંક છે. બીજું આ વિષય ઉપર લખવા માટે આપ વાંચકોની હું પે’લાં જ ક્ષમા માગું છ પણ જો તટસ્થ મને વિચારસો તો આ વિષય ગંભીર અને રોજીંદા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલે હું આ ગંધારા, ભાગ્યે જ જાહેરમાં ચર્ચાયેલા અને એના વિષે બહુ ઓછું લખાયેલ વિષયને મારી હળવી રીતે ચીતરવા પ્રયત્ન કરીશ.

…તો સૌ જાણે છ એમ માનવ શરીરમાં મુખ્ય પાંચ અને કુલ અગિયાર તંત્રો જનમથી મરણ સુધી અવિરત હાલ્યા કરે છ. આ તંત્રોમાં દા.ત. પાચનતંત્ર, ચેતાતંત્ર, રુધિરાભીષણ તંત્ર, અંતઃબાહ્યસ્રાવી તંત્ર, ઉત્સર્જનતંત્ર, વ. ઉપરાંત પાચનતંત્રના આખરી ભાગરૂપે જે કાંઈ આપણે ભૂખે ખાધું હોય, વગર ભૂખે ખાધું હોય અને પેટ તડોતડ થઇ ગ્યા પછી પણ આસ્યડ્યું હોય ઈ બધાના ન પચેલા ભાગનો શરીર મળમાર્ગે નિયમિત નિકાલ કરે છ. જો આ નિકાલમાં અનિયમિતતા આવે તો એની સીધી કે આડકતરી માઠી અસર શરીરનાં અન્ય તંત્રો પર પડે છ. સામાન્યરીતે આ અનિયમિતતાનાં બે રૂપ હોય છ, એકમાં મળમાર્ગ કામ કરતો ધીમો કે બંધ થઇ જાય ઈ કબજીયાત ને બીજામાં જરૂરથી જાજો કામ કરે ઈ જાડા. સદ્દનસીબે આ બેયના દેશી અને આધુનિક ઉપચારો છે; દા.ત. દેશીમાં કબજીયાત માટે ગરમાળો, કાકચીયો, હીમજ, કાયમચૂરણ, પેટસફા, ઈસબગોલ તો આધુનિકમાં મિલ્ક ઓફ મેગ્નેસીયા, મીરાલેક્ષ, પર્ગોલેક્સ, સેના, વ. ઈ જ રીતે દેશીમાં જાડા માટે દા.ત. બાજરાના લોટનું ખીચું, જુવારના લોટની રાબ કે શિરો, જુવારની કે મકાઈની ધાણી, બાફેલ બટેટાં તો આધુનિકમાં લોપ્રેમીડ, લોમોટીલ,બેક્ટ્રીમ, વ.

આજ હું સાતેક દાયકા પે’લાનું જો મારુ જ બાળપણ યાદ કરું તો મારા પપ્પા ઘરમાં દાક્તર હતા તો પણ મારા માં પેટની માંદગીમાં પપ્પાને ન ગણકારીને પે’લાં વઢ ને પછી દેશી દવા જ દેતાં. કબજીયાતની વઢમાં “આવું કાચુંકોરું ને આચરકુચર ખાવ છ; ફોતરાંવાળી દાળો સરખી નથી ખાતા; ભાજીપાલો, ગુવાર, ભીંડા, રતાળુ જેવાં રેસા વાળાં શાકભાજી સાવ પરસાદની જેમ વાંદો છ એટલે જ આ “બંધકોષ” થ્યો છ.” તો જાડામાં “અન્ન પારકું હતું પણ પેટ તો તમારું જ હતું ને, અન્નનો આદર કરતાં શીખો અનાદર નહીં, અકરાંતિયાંની જેમ સુ કામ ખાધું, આજથી ત્રણ દીલગી છાસદૂધ નથી ખાવાનાં. વ.” ટુંકમાં, મારા માં જ ગેસ્ટ્રો-એન્ટ્રોલોજિસ્ટ થાતાં ને પેટની જેતે માંદગીનો ઉપચાર કરતાં, હું સાજો થાતો ને પાછો ઈની ઈ ભૂલ કરતો ને માં પે’લાં વઢતાં ને પછી દવા કરતાં. આમ આ ઘરેડમાં હું ક્યારે મોટો થઇ ગ્યો ઈ ખબરે ન પડી.

હવે મૂળ વાતે આવું તો આપણા સૌનો વધતોઓછો અનુભવ છે કે મળત્યાગ-સ્થાનના નામોમાં ગામડામાં સીમશેઢો ગોતવો, વાડો ગોતવો, વગડો ગોતવો તો શહેરમાં કૂઇ, પાયખાનું, જાજરૂ કે એના વધુ ખુલાસે ડબ્બા જાજરૂ, સુંડલા જાજરૂ; ડબ્લ્યુ.સી., વોટરક્લોસેટ, શૌચાલય, લેટ્રીન, લેવેટોરી, ટોયલેટ, કમોડ, પૉટી રૂમ, રેસ્ટરૂમ ને પાદરે મેળામાં કે લગ્ન પ્ર્સન્ગે આઉટ હાઉસ કે પોર્ટોપોટી જેવા શબ્દો વપરાય છ. ઈ જ પ્રમાણે આ સ્થાનમાં પ્રવૃત્તિના થોડાંક નામો તપાસો તો ગામડામાં દા.ત. હાથધોણે જાવું, ખર્ચુ જાવું, જાડે જાવું, જંગલે જાવું, લોટે જાવું, કળશે જાવું, કણસે જાવું, અધૂકડાં થાવા જાવું, સઁડાસ જાવું, સેઢે જાવું, વગડે જાવું તો શહેરમાં જાજરૂ જાવું, પેટ ખાલી કરવું, ખુલાસે જાવું, પેટ સાફાઈ, વણકોવાળવા જાવું, હાજતે જાવું, બેસવા જાવું, નંબર ટૂ જાવું, પૉટી જાવું. પણ જેમ શક્સ્પિયરે કીધું છ એમ “વોટ્સ ઈન એ ને’મ?” આમ જે નામ તમને ગમે ઈ વાપરો પણ ઈ મળત્યાગ-સસ્થાને કામ તો બધા એક જ કરે છ ને માય કોઈ ગુલાબના ગોટા નથી જાતું કે શાહીગુલાબ આઈસ્ક્રીમ ખાઈ ને પણ નથી જઈ સકતું. વળી આ કામ સફળતાથી પતે એટલે જાણે માથાના મોવાળા જેટલું કરજ ચૂકવીને કે છેલ્લાં દીકરાદીકરી પયણાવી ને પરવાર્યા હોય એવી નિરાંત પણ સૌને થાય જ છે.

ઈ મળ ત્યાગનું કામ પૂરું થ્યે પાણીના ચાબકે, પાણીની પીચકારીએ, પાણીના ફુવારે, કાગળે, ટીસ્યુએ કે અમારા ગામઠી કાળે મુઠી જીણી ધુળે કે પરિપક્વ વડલાના પાને બધા લુવાણ કરી ને જ પાછા દિનચર્યાના કામે ચડે છ. ટૂંકમાં, સવારના ચાની છેલ્લી અડાળી હોઠેથી ઉતારી, હોઠે બીડી ટેકવીને કે માવો દબાવીને બધા મુઠીવાળી ને એક જ કામે દોડે છ. ઈ ટાણે તમે જો ભૂલેચૂકેય ઈ વાયુવેગે ભાગતા ભાઈને પૂછો કે “ભાઈ, ટાઈમ સું થ્યો” તો એનો જવાબ પણ નીચી મૂંડીએ ઈ જ હશે, ઈ મને ખબર નથી પણ મારો ટાઈમ થઇ ગ્યો છ.” હવે આ પાણીની પીચકારી અર્થાત “બીડે”ની વાત નીકળી છ એટલે મારો જ અનુભવ કહું. યુ.એસ.માં હજી પણ જવલ્લે જ “બીડે” ઘરમાં જોવા મળે છ કારણ આંઈ સૌ ટીસ્યુ વાપરે છ. એટલે હું દેશમાં આવતો ત્યારે મને ઈ “બીડે”નો ઉપીયોગ ન આવડે ને હું આખેઆખો પાછળથી પાટલૂનસોતો ભીના કૂકડાની જેમ પલળીને મળત્યાગ-સ્થાનેથી બા’રો આવતો. એનું મૂળ કારણ ઈ કે મોટાભાગના ઘરોમાં ઈ “બીડે”ની ભુંગળી મધ્યાસ્થેથી ખસી જ ગઈ હોય. ઈ ખસેલી ભુંગળી વાપરતાં શીખ્યો યાં હવે “નાયગ્રા” ધોધ જેવી હાથમાં જાલીને મારવાના પાણીના ફુવારા ઘરેઘરમાં ઘુસી ગ્યા છ એટલે હવે પછવાડેથી ભીનો તો નહીં પણ ઈ પાણીની પછાટે લાલચોળ થઈને બા’રો નકળું છ.

હવે હું જો આ મળત્યાગ પછી સાફસૂફી માટે પાણીના ચાબકાની વાત કરું તો ઈ તો હજી મને “ભોજાભગતના ચાબકા”થી વધુ વસમા લાગે છ એટલે એની થોડે વિસ્તારે વાત કરું છ. અમારાં કાઠિયાવાડના ગામડાંઓ મારા બાળપણમાં મોટરું કે કાળી-પીળી ટેક્ષી નો’તાં આવ્યાં ને હકીકતે હું પે’લીવાર એક મિત્રની મોટરમાં દબાઈને દસમા ધોરણમાં બેઠો. આજે દેશમાં ઘણા લોકો ઈ મોટરને “ગાડી” કે’છ પણ મારે મન તો હજીયે ગાડી એટલે કોલસાના એન્જીન વાળો સોમનાથ મે’લ, કિર્તી મે’લ, સૌરાષ્ટ્ર મે’લ, ગુજરાત મે’લ કે આજના “રાજધાની એક્સપ્રેસ,” “મહારાજા એક્સપ્રેસ” કે “પેલેસે ઓન ઘી વહીલ્સ” એવી આધુનિક ગાડીઓ. દખ ઈ છે કે આ કોઈ પણ ગાડીમાં બે પગાં વાળાં ભારતીય જાજરૂમાં જ્યાં કામે બેસીયેં ઇથી બે ફુટ આઘો સફાઈકામ માટે એક નળ હોય છ. ઈ નળનો ડટ્ટો પુરા કળ અને બળથી એક હાથે દબાવી ને બીજા હાથમાં પાણીનો ચાબકો ભરીને મળદ્વારે સાફ કરવા પુગો યાં તો ચાબકાનું પાણી બધું ટપકી જાય છ ને સફાઈકામ જોયેં એવું નથી થઇ સકતું. આ બ્રિટિશરે ઉભી કરી વારસે આપેલ વ્યાધિ ભારતના વડાપ્રધાનથી માંડીને ભાવનગરનો ભીખો ભીખારી સહિત ભોગવે છ પણ દેશમાં અનેક બળવા ને બહિષ્કાર થાય છ પણ આની સામે હજી કોઈએ ઈ કાંઈ નથી કર્યું ને “આગેસે આતી હૈ” માની સૌ મોજે જીવી જાય છ ને મારા જેવા હેરાનપરેશાન થાય છ.

છેલ્લે એક વાત કે આપણા હાલના વડાપ્રધાન મોદીજીએ ખાસ તો ગામડાઓમાં – કે જ્યાં લોકો હજીયે સીમશેઢે જાય છ – જાજરૂની સમસસ્યા સમજીને જાજી સંખ્યામાં જાજરુ બનાવાનો જે યજ્ઞ આદર્યો છ ઈ બિરદાવા પાત્ર છે. ઈ જ રીતે “ટોયલેટ” ફિલ્મ પણ આજ સમસ્યા પર પ્રકાશ પાડે છ. પણ અમારા ચોરવાડમાં તો આ મુશ્કેલીનો ઉપાય દાયકાઓ પે’લાં થ્યોતો. ત્યારે ૧૯૫૯માં આપણા જુના એમ.પી. વીરેન્દ્ર શાહના પિતાશ્રી જીવણલાલ શેઠે અમારા ગામના સરપંચ અરજણ જોરા કીધું કે “મારે રૂ. ૫૦૦૦નું આપણી તાલુકાશાળામાં દાન કરવું છ જેથી બધી નાતનાં છોકરાંઉને એનો લાભ મળે.” ત્યારે સરપંચે કીધું કે “શેઠ, ઈ તો જીના છોકરાં ભણતાં હોય ઈને જ લાભ મળે. એટલે તમારે છોકરાંઉ ને ઇના માબાપ હંધાયને લાભ મળે ઈવું કામ કરવું હોય તો આપણા ગામમાં જાહેર જાજરૂ સાત છે ને એમાં જાવાવાળા સિત્તેર છે તો બીજા પાંચ ઈ બંધાવો” ને આમ સરપંચના ગામ પર્તિ સદ્દ્ભાવે ઈ બંધાણા પણ ખરાં.

ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “વિષય ગંધારો પણ વાત જરૂરી

Leave a Reply

Your email address will not be published.