સૉડ (બિચારા)નો નિયમ – ભાગ્યદેવીની વિડંબના

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સૉડનો નિયમ  – જો કંઈ ખોટું થવાનું હશે, તો થઈને જ રહેશે[1] – અર્થમાં અને લાગુ પડવાની ક્ષમતાના સંદર્ભે મર્ફીના નિયમ કરતાં વધારે વ્યાપક છે. તેનું હાર્દ, જેનું નસીબ બે ડગલાં આગળ જ હોય, એવા  કોઈ ‘બિચારા’ સાથે ભાગ્યની થતી રહેતી એવી મજાક છે.

સૉડના નિયમનું અર્થઘટન એમ કરી શકાય કે જેના બધા પાસા અવળા જ પડે છે, તેમાં એ ‘બિચારા’નો દોષ તો થોડો જ છે કેમકે થોમસ હાર્ડી જેને ‘નસીબની નાની નાની વિડંબનાઓ’ કહે છે એ જ કદાચ એની નિયતિ છે.

આનું એક બહુ જ ઉપયુક્ત ઉદાહરણ ઉછાળેલા સિક્કાનું ‘હેડ્સ’ પડવું કે ‘ટેઇલ્સ’ પડવું છે. આપણા પેલા ‘બિચારા’ માટે પણ આમ થવાની ગાણિતિક સંભાવના તો ૫૦:૫૦ જ રહે છે, પરંતુ તેણે જ્યારે ‘હેડ્સ’ ધાર્યું હોય ત્યારે ‘ટેઇલ્સ’ પડે અને ‘ટેઇલ્સ’ ધાર્યું હોય ત્યારે ‘હેડ્સ’ પડે ! જ્યારે ધાર્યું હોય તેમ થવાની બહુ જ જરૂર હોય ત્યારે જ સૉડનો નિયમ સાચો પડે.

મર્ફીનો નિયમ અમેરિકન દૃષ્ટિકોણ છે. પરંતુ મર્ફી નામ બહુ જ વધારે આઈરિશ છાંટવાળું છે એટલે બ્રિટન તરફ સૉડનો નિયમ નામાભિધાન વધારે પ્રચલિત છે. જોકે બન્ને નિયમોના શબ્દે શબ્દને ધ્યાનપૂર્વક વાંચીશું તો  આટલી અમથી સરખામણીથી ઘણો વધારે ગહન તફાવત નજરે પડશે. મર્ફીના નિયમની અમુક ચોક્કસ સંજોગોમાં જ લાગુ પડવાની જે શક્યતા કેપ્ટન એડવર્ડ એ મર્ફીના પછીથી રેકોર્ડ થયેલા ઈન્ટરવ્યુમાં જણાવાઈ છે  તે ભાવાર્થનું તેમાંના સકારાત્મક પ્રતિબિંબ છે. નિયમનું કહેવું છે કે ‘જે કંઈ અવળું પડી શકવાનું છે તે થશે’. એટલે કે અવળું તો જ પડશે જો તે પડી શકવાનું હોય. જે પડી શકે છે તેને નિવારી પણ શકવાની શક્યતા પણ અહીં અભિપ્રેત છે. આમ મર્ફીના નિયમમાં સાવધાનીપૂર્વક વર્તવા માટે પુરેપુરૂં પ્રોત્સાહન છે.

જ્યારે સૉડના નિયમમાં અવળું ‘પડી શકવા’ની; શક્યતા હટી જાય છે અને અવળું પડવાનું છે તો પડશે (જ) એવી એક નિશ્ચિતતાનો ભાવ છે. પરિણામે એવું જણાય કે ગમે તેટલી સાવધાની વર્તો, કે નિવારણ કરવા બાબતે ગમે તેટલા ઉત્સાહપૂર્વકના પ્રયાસો કરો તો પણ જે થવાનું છે તે થશે જ. એ સંજોગોમાં વધારેમાં વધારે તો કોઈ પણ એટલું (જ) કરી શકે કે ‘સારૂં થવાની આશા ભલે સેવો પણ વધારેમાં વધારે ખરાબ થાય તે માટે તૈયાર (તો) રહો (જ)’; નસીબે જે કરવા ધાર્યું છે તેને, ખેલદીલીથી, સ્વીકારવું જ રહ્યું, બસ એટલું કરી શકાય કે જ્યારે એવું કંઈ બને ત્યારે ઓછામાં ઓછું  નુકસાન થાય.

જોકે, સૉડના નિયમમાં સ્પષ્ટપણે એવું તો નથી કહેવાયું કે જે થશે તે ખોટું જ થશે, જે થાય તે સારા માટે પણ હોઈ શકે છે. એવા પણ ભાગ્યશાળીઓ તો હોય જ છે કે તેઓ જે કરે તેમાં ફાયદો જ થાય. હા, એવાં લોકોની સંખ્યા બહુ જ ઓછી હશે એવું કદાચ બની શકે ! કે પછી તેઓની સફળતાનાં જ ગીત ગવાતાં હોય પણ નિષ્ફળતાઓનો હિસાબ જ ન રખાયો હોય ! આવા કિસ્સાઓને અપવાદ પણ ગણીએ તો પણ તેમને કહેવાય તો સૉડના નિયમની જ નિપજ ને !

વૈજ્ઞાનિક શોધખોળો, ઐતિહાસિક ઘટનાઓ કે કળાજગતની સિદ્ધિઓ જેવી જવલ્લે જ બનતી – કાળા હંસ  / Black Swan પ્રકારની – ઘટનાઓને, સામાન્યતઃ, સૉડના નિયમના વ્યાપમાં નથી આવરી લેવાતી કેમકે આ ઘટનાઓની આગાહી કરવી શકય નથી મનાતું. જોકે બહુ લાંબા સમયખંડને ધ્યાનમાં લઈને પાછળ દૃષ્ટિ કરીએ તો એમ જણાય ખરું કે, આપણે આગાહી કરી શકીએ તેમ હોઇએ કે ન હોઇએ, તો પણ આવી ઘટનાઓ પણ થવાની હોય છે ત્યારે થાય તો છે જ,

ખેર, આ આખી વાતનો સાર ગણવો હોય તો કદાચ એટલું કહી શકાય કે દેખીતાં ભવિષ્યની ઘટનાઓ માટે પણ આગોતરી તૈયારી ન કરવા જેટલો કોઈ ‘બેદરકાર’, કે પછી ‘મુરખ’, હોય અથવા તો ભવિષ્યની દેખીતી અથવા તો હજુ જાણ બહાર છે તેવી ઘટનાઓ અંગે સભાનપણે આયોજન કરતો , જોખમોની અસરોને બને તેટલી ઓછી કરવાનાં શક્ય બધાં જ પગલાં લેતો ‘સમજુ’ હોય, પણ કુદરત પાસે તો અકલ્પ્ય ઘટનાઓની ક્યારેય ખોટ રહી નથી , એટલે માણસ જાતે સૉડના નિયમને સમજવો તો રહ્યો જ કે જેથી તેની સાથે પડેલો પનારો અકારો ન પરવડે !


[1] Sod’s Law Explained

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.