પૂતળું મૂકાવા માટેની લાયકાત કેવળ પુરુષ હોવાની જ છે?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

મહાનુભાવોનાં પૂતળાં ઊભાં કરવાથી એમને સન્માન અપાતું હોય એમ આપણને લાગતું હોય છે. જાહેર સ્થળોએ મૂકાયેલાં પૂતળાંઓ પૈકીના મહાનુભાવોના કામની ઓળખ જવા દઈએ, નામની સાચી ઓળખ પણ કેટલા લોકોને હોય એ સવાલ છે. અલબત્ત, કોઈ સ્થળ શોધવાના માર્ગચિહ્ન તરીકે એ વધુ ઉપયોગી છે. તદુપરાંત એ જાણીતી અને પુરવાર થઈ ગયેલી હકીકત છે કે રાજકારણ રમવા માટે આ પૂતળાં બરાબર કામ આવે છે. કોઈ મહાનુભાવના પૂતળાના ચહેરા પર ડામર ચોપડવાની કે ગળામાં ચપ્પલનો હાર પહેરાવવાની ઘટના, તેને પગલે ફાટી નીકળેલાં તોફાનો અને એની પર શેકાતા રાજકારણના રોટલાની ઘટનાઓની આપણે ત્યાં નવાઈ નથી.

હમણાં હમણાં ઈટાલીમાં એક પૂતળું મૂકવાની દરખાસ્તને લઈને વિવાદ ખડો થયો છે. વિવાદના કેન્‍દ્રમાં એલેના લુક્રેઝીઆ કોર્નારો પિસ્કોપીઆ નામની એક મહિલાનું પૂતળું છે. ઈટાલીની પડુઆ યુનિવર્સિટીમાંથી આ મહિલાએ ઈ.સ.1678માં પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિ મેળવનાર એલેના વિશ્વભરનાં સૌ પ્રથમ મહિલા હતાં. બારમી અને તેરમી સદીમાં પશ્ચિમ યુરોપની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા આ ડીગ્રી આપવામાં આવતી હતી, પણ કેવળ પુરુષોને!

યોગ્ય રીતે જ પડુઆ યુનિવર્સિટીમાં એલેનાનું પૂતળું મૂકવામાં આવ્યું છે, પણ આ વિવાદ શહેરના અન્ય એક જાણીતા સ્થળે તેમનું પૂતળું મૂકવાની દરખાસ્ત અંગેનો છે. પડુઆ શહેરમાં આવેલા, 90,000 ચો.મી. જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા ઈટાલીના સૌથી મોટા, પ્રાતો દેલ્લા વલ્લે ચોકમાં બધું મળીને 88 વિભૂતિઓની પ્રતિમાઓ મૂકાયેલી છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રતિમાઓ મૂકવામાં આવી હતી, જેમાં પડુઆ શહેરના અથવા તેની સાથે સંબંધિત એવા મહાનુભાવોનો સમાવેશ થતો હતો. ઈટાલિયન વિજ્ઞાની ગેલિલિયો ગેલીલી અને શિલ્પકાર એન્‍તોનીયો કેનોવા ઉપરાંત વિવિધ પોપનાં પૂતળાં પણ આમાં સામેલ હતાં. આ પૂતળાંમાં એક પણ મહિલાના પૂતળાનો સમાવેશ થતો નહોતો. આમાં દસેક પૂતળાં વેનિસના ડોજ(ઉમરાવ)નાં હતાં, જેને નેપોલિયનના સૈન્યે આક્રમણ દરમિયાન ધ્વસ્ત કરી દીધાં હતાં. તેને કારણે ખાલી પડેલી સ્તંભબેઠક પૈકીની આઠ પર પછી સ્મારકસ્તંભ ઊભા કરવામાં આવ્યા, જ્યારે બે સ્તંભબેઠકો ખાલી રહી.

બે સ્થાનિક કાઉન્‍સિલર સિમોન પીલ્લીતેરી અને માર્ગારીટા કોલોન્નેલોએ આ બે પૈકીની એક ખાલી સ્તંભબેઠક પર એલેનાનું પૂતળું મૂકવાનું સૂચન કર્યું. જાણીતા પુરુષોનાં 78 પૂતળાં વચ્ચે એક મહિલાનું પૂતળું મૂકવાની વાતે વિવાદ ખડો થઈ ગયો. એક અહેવાલ મુજબ, સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે કામ કરતા વ્યાવસાયિકોના સંગઠન ‘મી રાઈકોનોસી’ દ્વારા મૂકાયેલી દરખાસ્તને બન્ને કાઉન્‍સિલરોએ આ સૂચન કર્યું હતું. એ અગાઉ સમગ્ર દેશમાં હાથ ધરાયેલી જાહેર સ્થળે મૂકાયેલાં ‘પૂતળાંની વસતિગણતરી’માં જણાયું હતું કે દેશભરમાં મહિલાઓનાં પૂતળાંની સંખ્યા ફક્ત 148 છે.

કેટલાક આલોચકોના મતે આ સ્થળનો ઈતિહાસ જોતાં એલેનાનું પૂતળું અહીં મૂકવું અપ્રસ્તુત બની રહેશે. પડુઆ યુનિવર્સિટીના ઈતિહાસના પ્રાધ્યાપક કાર્લો ફ્યુમિયાને એલેનાનું પૂતળું મૂકવાના વિચારને ‘ખર્ચાળ’ અને ‘સાંસ્કૃતિક રીતે અસંગત’ ગણાવ્યો. કળા ઈતિહાસકાર ડાવિડ ટ્રેમરીને બન્ને ખાલી સ્તંભબેઠકોને ખાલી જ રહેવા દેવાનું સૂચવ્યું, જેથી તે નેપોલિયનના સૈન્ય દ્વારા કરાયેલા વિનાશને સૂચવતી રહે.

સ્વાભાવિકપણે જ આ રીતે છેડાયેલા વિવાદથી બન્ને કાઉન્‍સિલરને નવાઈ લાગી છે. તેમણે જણાવ્યું છે કે જાહેર સ્થળે મૂકાતાં પૂતળામાં એક પણ અપવાદ વિના એ પુરુષોના હોવાને કારણે લોકોને આ દરખાસ્ત બાબતે વાંધો પડે છે. ‘મી રાઈકોનોસી’ સંગઠનનાં કળા ઈતિહાસકાર ફેડરિકા આર્કોરાશીએ આ ચોકમાં કેવળ પુરુષોનાં પૂતળાં હોવાની બાબતને આપણા જીવન અને સામૂહિક કલ્પના પર પુરુષોના પ્રભાવ સાથે સાંકળી હતી. અલબત્ત, તેમણે કહ્યું હતું: ‘ઈ.સ.1776ના પ્રાતો દેલ્લા વલ્લે અધિનિયમ હેઠળ અહીં સંત, જીવિત વ્યક્તિ તેમજ આ શહેર સાથે સંકળાયેલાં ન હોય એવા લોકોનાં પૂતળાં પ્રતિબંધિત હતાં, પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ કદી પ્રતિબંધિત નહોતું. સ્પષ્ટ વાત છે કે આ બાબત ઈતિહાસની એક ચોક્કસ તરાહની સૂચક છે, પણ વર્તમાન સમયમાં આ ચોકના સમગ્ર ઈતિહાસ સાથે સંકળાયેલા પ્રકલ્પનું આયોજન કરવું શક્ય છે. એક પત્રકાર લિઓનાર્દ બાયસને જણાવ્યું હતું કે શહેરની એક મહત્ત્વની વ્યક્તિનું પૂતળું મૂકવાની કેવળ દરખાસ્તે જ આટલો વિવાદ ખડો કર્યો એ આંચકાજનક છે. ખરું આશ્ચર્ય એ વાતનું છે કે અન્ય ઓછા જાણીતા પુરુષોનાં પૂતળાં મૂકાયેલાં હોય એવે સ્થળે સુદ્ધાં એલેનાનું પૂતળું નથી.

પડુઆના સાંસ્કૃતિક વારસાના અધિક્ષક ફાબ્રીઝીઓ મગાનીને કોઈ મહિલાના પૂતળા સામે વાંધો નથી, પણ તેમણે સૂચવ્યું છે કે એ પૂતળું વધુ નજીકના ઈતિહાસમાંના કોઈક પાત્રનું હોવું જોઈએ.

ઈટાલી જેવા વિકસીત ગણાતા દેશમાં થયેલો આ વિવાદ એક તરફ રમૂજ પ્રેરે એવો છે, બીજી તરફ તે દર્શાવે છે કે પુરુષપ્રધાન માનસિકતાનાં મૂળિયાં કેટલે ઊંડે સુધી ઊતરેલાં છે.

આ જ મુદ્દાને આપણા દેશ સંદર્ભે જોઈએ તો ખ્યાલ આવે કે આપણે ત્યાં પણ પુરુષોનાં પૂતળાંની સરખામણીએ મહિલાઓનાં પૂતળાં સાવ ઓછા પ્રમાણમાં છે. એમાંય નજીકના ઈતિહાસમાં થઈ ગયેલી કોઈ મહિલાનું પૂતળું ભાગ્યે જ જોવા મળે છે. મહિલાઓનાં જે કંઈ પૂતળાં છે એમાં પણ ઘણે ભાગે પૌરાણિક પાત્ર કે પ્રાચીન કાળની મહિલાઓ જોવા મળશે. પૂતળાં કેવળ મૂકવા ખાતર જ મૂકવામાં આવે છે, અને એને કંઈ એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી, એવી કોઈ દલીલ કરે તો પણ એ સવાલ ઊભો જ રહે છે કે એમાંય પુરુષોનું પ્રતિનિધિત્વ અપ્રમાણસર રીતે કેમ વધુ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૦૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “પૂતળું મૂકાવા માટેની લાયકાત કેવળ પુરુષ હોવાની જ છે?

  1. પ્રશ્ન વિચાર માગીલે એવો છે. જોકે હું માનું છું કે પૂતળું મોટે ભાગે રાજકીય કારણ સર મૂકાય છે. અને કેટલીય વાર દંગા-ફસાદનું કારણ બને છે જ. એની જોઈએ એવી સંભાળ પણ લેવાતી નથી.

Leave a Reply

Your email address will not be published.