બહુઆયામી પ્રયાસોથી આત્મહત્યાઓ અટકાવી શકાય છે.

નિસબત

ચંદુ મહેરિયા

લગભગ રોજેરોજ આપણને આત્મહત્યાના સમાચાર વાંચવા-જોવા મળે છે. જો ભોગ બનનાર કોઈ નજીકની વ્યક્તિ  ન હોય તો આવા સમાચારોની ખાસ કશી અસર ન થતી હોય એમ પણ બનવાજોગ છે. આત્મહત્યાના બનાવોમાં મોખરાના વીસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વ આખામાં વરસે દહાડે દસથી વીસ લાખ આત્મહત્યાના પ્રયાસોમાં આઠથી દસ લાખ લોકોના મોત થાય છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ્સ બ્યૂરોના ‘સ્યુસાઈડ્સ એન્ડ એક્સિડેન્ટલ ડેથ્સ ઈન ઈન્ડિયા’ રિપોર્ટ મુજબ ૨૦૨૦માં ભારતમાં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં દસ ટકા વધારે આત્મહત્યા થઈ છે. ૨૦૨૦ના કોરોના કાળમાં આત્મહત્યા કરીને જીવનનો અંત આણનારા લોકોમાં દાડિયા મજૂરો અને ગૃહિણીઓનું પ્રમાણ વધારે હતું.મહિલાઓની તુલનામાં પુરુષો વધુ આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરનારાનાઓમાં પુરુષો ૧,૦૮,૫૩૨ (૭૦.૯ ટકા) અને મહિલાઓ ૪૪,૪૯૮(૨૯.૧ ટકા) હતા. ૬૬.૧ ટકા પરિણિત લોકોની આત્મહત્યા, આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૫૦.૩ ટકા ગૃહિણીઓ અને આત્મહત્યા પાછળનું  સૌથી મોટું (૩૩.૬ ટકા) કારણ કૌટુંબિક સમસ્યા હોવું- આત્મહત્યાની સમસ્યા આપણા કુટુંબ જીવનને કેટલી મોટી અસર કરે છે. તે દર્શાવે છે.

આમ તો તમામ વયજૂથના અને આવકના લોકો આત્મહત્યા કરતા હોય છે. પરંતુ ૨૦૨૦ના આંકડા દર્શાવે છે કે આત્મહત્યા કરનારા પૈકી ૯૬,૮૧૦(૬૩.૩ ટકા)ની વાર્ષિક આવક રૂ. એક લાખ રૂપિયાથી ઓછી અને ૪૯,૨૭૦(૩૨.૨ ટકા) ની આવક એક થી પાંચ લાખ હતી. એટલે ગરીબી –બેકારી જેવી આર્થિક સમસ્યાને કારણે તેમણે જીવન ટૂંકાવ્યું હતું.કોરોના મહામારી અને તાળાબંધીએ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોનું જીવવું દોહ્યલું કરી મૂક્યું હતું. રોજનું કમાઈને ખાનારા લોકો માટે જીવન ગુજારાનો કોઈ ઉપાય ન રહેતા ૩૭,૦૦૦ લોકોને ૨૦૨૦માં આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હતું.

ખેડૂતોની આત્મહત્યા ઘણા વરસોથી ચિંતા અને ચકચાર જગાવે છે. પરંતુ હવે ખેડૂતોના જેટલાં જ ખેતકામદારો પણ આત્મહત્યા કરે છે,તે સવિશેષ ચિંતાનો વિષય બનવો જોઈએ. ૨૦૨૦ના વરસમાં ખેતીક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦,૬૭૭ લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં ૫૫૭૯ ખેડૂતો અને ૫૦૯૮ ખેત કામદારો હતા. ગુજરાતમાં ૫ ખેડૂતો અને ૧૨૬ ખેત કામદારોના આત્મહત્યાથી મોત થયાનું નોંધાયું છે. ખેતીમાં ઝાઝી બરકત ન રહેવી,પાક નિષ્ફળ જવો અને દેવું- ખેતી ક્ષેત્રની આત્મહત્યાનું કારણ છે.

દુનિયાના અન્ય દેશોમાં મોટી ઉમરના લોકો આત્મહત્યા કરતા નોંધાયા છે. પરંતુ ભારતમાં યુવાનો અને આધેડ વયના લોકો વધુ આત્મહત્યા કરે છે. ૧૮ થી ૪૫ વરસના ૬૫.૮ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં દસેક ટકા વિધ્યાર્થીઓ હતા. આત્મહત્યા કરનારાઓમાં  માત્ર ૧૨.૬ ટકા જ અશિક્ષિત હતા. જ્યારે ૪ ટકા જ ઉચ્ચ શિક્ષણ મેળવેલા હતા. એટલે મોટો વર્ગ મધ્ય શિક્ષણ મેળવેલો હતો. અધૂરા કે રોજગારવિહીન શિક્ષણના કારણે જેમ આત્મહત્યાઓ થાય છે તેમ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ અને જ્ઞાતિ ઉત્પીડન પણ યુવાનોની આત્મહત્યાનું કારણ બને છે. લોકસભાના છેલ્લા શીતકાલીન સત્રમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે આઈઆઈટી, આઈઆઈએમ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૨૦૧૪ થી ૨૧માં ૧૨૨ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી હતી. તેમાં ૪૧ અન્ય પછાત વર્ગના, ૨૪ દલિત અને  ૩-૩ આદિવાસી-લઘુમતી વર્ગના હતા.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી આત્મહત્યાઓ જ દર્શાવે છે. ખરેખર તેના કરતાં વધુ મોત થાય છે. એનસીઆરબી  ૨૦૧૯માં ૧.૩૯ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે પરંતુ વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ૧.૭૩ લાખ આત્મહત્યા થયાનું જણાવે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં પંજાબમાં કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦૮૨ આત્મહત્યાના બનાવો રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોમાં નોંધાયેલા છે. પરંતુ પંજાબની ત્રણ યુનિવર્સિટીઓનો માત્ર છ જ જિલ્લાનો અભ્યાસ તેના કરતાં ચાર ગણી વધુ આત્મહત્યાઓ થઈ હોવાનું દર્શાવે છે.

ભારતમાં મહામારી જેવો આત્મહત્યાનો આ સવાલ કેટલો ભયાનક છે તેની વરવી હકીકતો આંખ ઉઘાડનારી નહીં ઉંઘ ઉડાડનારી છે :દુનિયામાં દર એક લાખની વસ્તીએ સરેરાશ નવ લોકો આત્મહત્યા કરે છે પણ ભારતમાં અગિયાર લોકો આત્મહત્યા કરે છે. વળી એક લાખે કિસાન આત્મહત્યાની સરેરાશ ૧૫.૮ છે.કેરળના કોલ્લમમાં એક લાખે ૪૩.૧ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી.  દરરોજ ખેતી સાથે જોડાયેલા ૨૮ લોકો આત્મહત્યા કરે છે. ૧૫ થી ૨૯ વરસના લોકોમાં દેશની કુલ આત્મહત્યાઓની સરેરાશથી ત્રણ ગણી વધુ આત્મહત્યા થાય છે. ૨૦૧૯માં ૫૩.૬ ટકા લોકોએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.દર ચાર મિનિટે આત્મહત્યાનો એક બનાવ બને છે.દક્ષિણ ભારતના સંપન્ન રાજ્યોની સરખામણીએ ઉત્તરના નિર્ધન રાજ્યોમાં આત્મહત્યા ઓછી છે. ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૦માં વ્યવસાયીઓની આત્મહત્યામાં પચાસ ટકાની વૃધ્ધિ થઈ છે.આત્મહત્યા કરનારા દુનિયાના ચોથા ભાગના પુરુષો અને ૧૫ થી ૪૦ વરસની ઉમરની દુનિયાભરની આત્મહત્યા કરનારી મહિલાઓમાં ૩૭ ટકા મહિલાઓ ભારતીય છે.

આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં સામાજિક કલંક અને કાનૂની અપરાધ છે. આત્મહત્યાનો પ્રયાસ ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૯ હેઠળ ગુનો ગણાય છે.એટલે આત્મહત્યાનો પ્રયાસ ભારતમાં મોત નહીં તો જેલ અને દંડ તો આપે જ છે. એનડીએ સરકારે ૨૦૧૭માં માનસિક સ્વાસ્થ્ય અધિનિયમની ધારા-૧૧૫ હેઠળ માનસિક તાણને લીધે કરાયેલી આત્મહત્યાને અપરાધ ગણવામાંથી મુક્તિ આપી છે પણ ઈન્ડિયન પિનલ કોડની ધારા ૩૦૯ તો ઉભી જ છે.

આત્મહત્યા માટે સામાજિક,આર્થિક અને માનસિક કારણો જવાબદાર છે.એટલે તેને અટકાવવા માટે પણ બહુઆયામી પ્રયાસોની જરૂર રહે છે. બીમારી અને પરીક્ષામાં નિષ્ફળતા જો આત્મહત્યાનું કારણ હોય તો સૌને પરવડે તેવાં અને છતાં ગુણવત્તાયુક્ત દવાખાના અને શિક્ષણસંસ્થાઓ તેનો ઉકેલ છે.મહિલાઓને ઘરકંકાસ અને ઘરેલું હિંસાના કારણે મરવું ન પડે તેવું સામાજિક વાતાવરણ અને સ્થિતિ ઉભી કરવી પડશે. ખેડૂતોને ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તથા દેવામુક્ત થાય તેવા કૃષિ કાયદા ઘડવાની જરૂર છે. આત્મહત્યા માટે હાથવગા સાધનો સીમિત અને પ્રતિબંધિત કરવા જોઈએ. ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવા વધુ કલ્યાણકારી કાર્યક્રમો અપનાવવા જોઈએ. જાગ્રતિ કાર્યક્રમો, સહાનુભૂતિ, હૂંફ, આપાતકાલીન હેલ્પલાઈન, માનસિક સ્વાસ્થ્ય સેવા અને સામાજિક સુરક્ષાની દિશામાં વિચારવું પડશે.

‘મનખાવતાર મળ્યો છે તો તેને આનંદથી, દુ:ખો વચ્ચે પણ જીવવો જોઈએ’ ,’દુ:ખોનો ઉકેલ મોત નથી પણ સંઘર્ષપૂર્ણ જીવન છે’, ‘માનવમાત્રમાં જીવટ તો હોવી જ જોઈએ.’  આ  અને આવી આધ્યાત્મિક ફિલસૂફીની નહીં રોજિંદી જિંદગીની વાસ્તવિકતા ઉકેલી આપે તેવા પ્રયાસો જ આત્મહત્યાઓને રોકી શકશે. આત્મહત્યા એ ખરા અર્થમાં તો સરકાર અને સમાજવ્યવસ્થાની વિફળતાનું પરિણામ છે તેનો સ્વીકાર કરીને તે દિશાના પ્રયાસો કરવાની જરૂર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.