ગાંધીજી અને ગિજુભાઇ વ્યાસ- એક બે વાતો એમના સંદર્ભની

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

ભલે ખુદ ગાંધીજી સાથેના સંસ્મરણો ના હોય, પણ ગાંધીજી સાથે સંકળાયેલા સંસ્મરણો જરા તાજાં  કરી લઉં.

ઉંમર વર્ષ નવ, સાંજના લગભગ છનો સમય, અને જેતપુરની મુખ્ય બજાર, અંજુમને ઇસ્લામ સ્કૂલ પાસે રંગ અને હાર્ડવેરની ‘શિરીષચંદ્ર એન્ડ કંપની’ની  ડેલાબધ્ધ બહુ મોટી દુકાન, જેનો પાછલો ભાગ એના માલિક શાંતિલાલ દોશીના નિવાસસ્થાનમાં પડે.

એ દુકાન પાસેથી હું આર.એસ.એસ.ના સ્વયંસેવકના ખાખી ચડ્ડી અને સફેદ શર્ટના ગણવેશમાં પસાર થતો હતો ત્યાં શેઠનો દિકરો ચંદ્રકાંત ગભરાયેલા ચહેરે મારી સામે આવ્યો. મારી જ વયનો અને મારી સાથે ભણતો. એ મને કંઇક કહેવા માંગતો હતો, પણ કહી શકતો નહોતો. બપોરે ચાર લગી તો નિશાળમાં સાથે હતા તે અત્યારે તે વળી એવું નવું શું કહેવાનું હોય કે જેના શબ્દો એના હોઠની બહાર પડવા માટે આનાકાની કરતા હતા !

માંડ માંડ એ બોલ્યો: “દિલ્હીમાં ગાંધીજીનું ખૂન!”

“હેં?” મારાથી એક હાયકારા જેવું “હેં” બોલાઇ ગયું. સામે પૂછ્યું : “તને કોણે કહ્યું?”

“રેડિયામાં આવ્યું. કોઇ માણસ રોવા જેવા અવાજે બોલતો હતો.” એણે કહ્યું.

“બોલનારાને મારી નાખવો જોઇએ.” આ મારો પહેલો પ્રત્યાઘાત. મારી બાળકબુદ્ધિ મારનારાને નહીં, સમાચાર આપનારને મારી નાખવા ઇચ્છતી હતી. એટલી વારમાં તો બજારમાં માણસો ટોળે વળવા માંડ્યા હતા સોપો પડી ગયો  હતો, પણ એમાં ગરમી વરતાતી હતી, હું દિગ્મૂઢ ઉભો હતો ત્યાં કોઇએ આવીને કાનમાં કહ્યું: “ભાગ જલ્દી. ઘર ભેગો થઇ જા, નહિંતર મર્યો સમજજે.”

મારે શા માટે ભાગવું જોઇએ? મને સમજાયું નહીં, પણ સલાહ આપનારાની સલાહનું પાલન કરવું જોઇએ એમ મને લાગ્યું. હું ઝડપથી ઘેર પહોંચી ગયો. ત્યાં કોઇને કાંઇ ખબર જ નહોતી. ‘રેડિયા’માં બોલનારે જેવા સ્વરે દુનિયાભરને કહ્યું હતું તેવા સ્વરે મેં મારા બા-બાપુજી અને ભાઇ-બહેનને એ કહ્યું. એ બધાં પણ હબક ખાઇ ગયાં. પણ તરત જ તોફાનો ફાટી નીકળશે તેવા અજ્ઞાત ભયથી બાપુજીએ ઘરનાં બારીબારણાં ફટોફટ બંધ  કરી દીધાં.

એ પછી બહુ દિવસો સુધી મારા મનમાં ગાંધીજીની એ છબી છવાયેલી રહી. છાપાઓમાં જ્યારે એમ આવવા માંડ્યું કે હત્યા કરનાર નથુરામ ગોડસે આર.એસ.એસ.નો બહુ મોટો સ્વયંસેવક હતો ત્યારે મને ‘ભાગી જા’ કહેનારનું  લૉજીક મગજમાં થોડું થોડું ઉતર્યું કે હું ભલે શીશુ જૂથનો, પણ આર.એસ.એસ.નો સ્વયંસેવક હતો અને એના જ ગણવેશમાં હતો. હત્યાની ક્ષણથી એ તો જાહેર થઇ જ ચૂક્યું હતું કે એ ઘટના સાથે આર.એસ.એસ.નો સંબધ સ્થપાઇ રહ્યો છે. એવા સંજોગોમાં મને કોઇ પણ લલ્લુ-પંજુ ટપલાવાળી કરી શકે.

ગાંધીજી વિષેની સૌથી પહેલી છાપ મારા મનમાં સાવ કુમળી વયથી પડી તે આ કે જેની સાથે એક વિસ્મય ઘોળાયેલું હતું તે એ કે આટલી ઝડપે ‘રેડિયા’માં આવીને ગાંધીજીની હત્યાના સમાચાર આપનારો કોણ હશે? આ બિલકુલ સ્વાભાવિક હતું, કેમ કે એ દિવસોમાં રેડિયો પણ એક જોણું હતું. અને એમાં કોઇ આપણને ના દેખાય તેમ બોલે તે તો એક નર્યો અચંબો જ હતો.

એ અચંબાનું નિરસન ક્યારે થયું અને કેવી રીતે થયું,?

**** **** ****

“ગિજુભાઇ, મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે.”

1976ના જૂનની અઠ્ઠાવીસમી તારીખે હું દિલ્હીમાં દૂરદર્શનની સમગ્ર ભારતની કેન્દ્રીય કચેરીમાં ડેપ્યુટી ડાઇરેક્ટર જનરલ ગિજુભાઇ વ્યાસની સામે બેઠો હતો. અમારી કંડોળીયા બ્રાહ્મણોની પ્રમાણમાં ટૂંકી ગણાય તેવી જ્ઞાતિમાં ગોરપદાને બદલે નોકરી કરનારા તો ઘણા હશે પણ આટલા બધા ઉંચા પદે પહોંચનારા ગિજુભાઇ સિવાય કોઇ નહિં. (આ ગિજુભાઇ તે મુંબઇના ગુજરાતી રંગભૂમિના વર્તમાનમાં સુપ્રસિધ્ધ કલાકાર સનત વ્યાસના પિતા). એમની ઉન્નતિયાત્રા જાણવામાં મને રસ હતો. અમારી વચ્ચે ઓળખાણ તો ખાસ્સી હતી, પણ નિરાંતે બેસાય એવો મોકો આવતો નહોતો. વિજયા બેંકની મેનેજર તરીકેની નોકરી દરમ્યાન લીવ ફેર કંસેશનના નિમિત્તે દિલ્હી જવાનું થયું એટલે મેં આ તક ઝડપી લીધી.

(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, અમૃત ‘ઘાયલ’, ગિજુભાઈ વ્યાસ
લેખકની પુત્રી તર્જની

એમણે હસીને કહ્યું : “તમે કહો છો, પણ મેં કોઇ એવી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવું લાગતું નથી.”

“પણ જેને લાગે છે એ માણસ તમને પૂછી રહ્યો છે.” મેં કહ્યું: “મને રસ છે.”

“શું જાણવું છે એ કહો.”

“છેક શરુથી આજ સુધીની પગથીયાંકથા કહો.”

“વડવાઓનું મૂળ વતન દીવ, પણ પછી માંગરોળ આવીને વસ્યા, પણ અમારું કુટુંબ તો છેક 1900ની સાલથી મુંબઇ આવી ગયેલું અને મારું તો બચપણ મુંબઇથી શરુ થયેલું ..અને ….”

ગિજુભાઇ પોતાના જીવનની ડાઉન મેમરી લેનમાં વિહરવા માંડ્યા, હું એ બધું એક કાગળમાં ટપકાવી રહ્યો હતો. બહુ રસ પડે તેવી વાતો હતી. પિતા હિંમતરામ વ્યાસની આંગળીએ ભાંગવાડીમાં અનેક નાટકો જોયાથી માંડીને બીજી અનેક વાતો. 1933માં એક નાટકમાં સાવ કુમળી વયે ભાગ લીધો અને નાટ્યકાર ચં.ચી.મહેતાની નજરમાં વસી ગયા. પછી પત્રકારત્વની બે-ત્રણ નાની મોટી નોકરીઓ કરી અને અંતે 1945 માં ઑલ ઇન્ડીયા રેડિયોમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ તરીકે જોડાયા.( એની અંકોડાબંધ કથા અને અન્ય વિગતો મુંબઇના વિદ્વાન લેખક મિત્ર દીપક મહેતાની એક લેખમાળા ‘ચલ મન મુંબઇ નગરી’ના તા.૨૨-૦૧-૨૨ ના લેખમાં મળે. એની લિંક છે;https://m.facebook.com/story.php?story_fbid=10221995253926813&id=1124558242) ગિજુભાઇને નોકરીમાં શરૂઆતમાં તો બહુ મઝા પડતી.

“પણ એ પછી ત્રણ જ વર્ષે એ નોકરી ખોવી પડે એવો ભયંકર શિસ્તભંગ કર્યો અને નોકરી જાય અને માથેથી સજા પડે એવું પરાક્રમ મેં કર્યું!” ગિજુભાઈએ કહ્યું.

ગિજુભાઇના એ “પરાક્રમ”ની  વિગતે વાત શી હતી ?

**** **** ****

“કેમ વ્યાસ!આટલા બધા ગભરાયેલા છો?”

છ વાગે તો ગિજુભાઇ વ્યાસ મુંબઇ આકાશવાણીનું ટર્ન-ટેબલ  છોડીને નીકળી જવાના હતા અને આ શું ?  સ્ટેશન ડાઇરેક્ટર વિક્ટર પરાન્જ્યોતિબાબુની ચેમ્બરમાં આવીને સામેની ખુરશીમાં ઢગલો કેમ થઇ ગયા ?

ના ગમે, કોઇ પણ બોસ આવી બેઅદબી ચલાવી ના લે. પહેલી વાત તો કોઇ જુવાનીયો એનાઉન્સર કે પ્રોગામ આસિસ્ટન્ટ આમ સ્ટેશન ડાઇરેક્ટરની ચેમ્બરમાં ‘મે આઇ કમ ઇન સર?’ બોલ્યા વગર અંદર ધસી આવે એ ના ચલાવી લેવાય અને બીજી વાત: આવીને ઉભા રહેવાને બદલે ખુરશીમાં ધબ્બ દઇને પડતું મૂકે એ તો હાઇલી ઓબ્જેક્શનેબલ ! પણ… પણ અરે, જોયું  તો વ્યાસના કપાળે તો પરસેવાના બુંદ બાઝી ગયા હતા ! એમને હાર્ટ એટેક આવ્યો કે શું?

ચીડની જગ્યાએ ચિંતા ઉભરી આવી. જ્યોતિબાબુ ખુરશી છોડીને ઉભા થઇ ગયા અને એની નજીક આવતા જ હતા ત્યાં વ્યાસે ચશ્મા ઉતારીને રૂમાલથી આંખો લૂછી. ચહેરા પર હળવે હાથે હથેળી ફેરવીને કંઇક સ્વસ્થ થયા. જ્યોતિબાબુ પોતાની જગ્યા ભણી પાછા ના ગયા. ટાઇને  ઠીક કરતા ઉભા જ રહ્યા.  સમજાઇ ગયું. ઘેર કંઇક અજુગતું બન્યું લાગે છે. એમણે એના બરડે હાથ ફેરવીને કહ્યું, “હેવ પેશન્સ, મિસ્ટર વ્યાસ! આઇ સિમ્પથાઇઝ ફોર યુ. ઘેર જાઓ.. ગમે તેવી પરિસ્થીતી હોય તો ઘેર જઇને સંભાળી લો, જાઓ, ઘેર જાઓ.”

(ગિજુભાઈ વ્યાસ)

“મારે એકલાએ નથી સંભાળવાનું, સર!” ગિજુભાઇ વ્યાસ હવે ખુરશીમાંથી ઉભા થઇ ગયા. છતાં જાણે કે પગ ધ્રૂજતા હતા. ટેબલની ધારનો ટેકો લીધો. ગળું ખોંખારીને બોલ્યા, “મારે એકલાએ નથી સંભાળવાનું, સર! આખા દેશે સંભાળવાનું છે. રાષ્ટ્રના પિતાની કોઇ હત્યારાએ હત્યા કરી દીધી છે. થોડી જ વાર પહેલાં, દિલ્હીમાં પ્રાર્થનાસભામાં….” એ આગળ ના બોલી શક્યા.

“ઓ ન્નો!” જ્યોતિબાબુનો અવાજ એકદમ ઉંચો થઇ ગયો.: “ઇટ કાન્ટ બી ટ્રુ.હૂ ટોલ્ડ યુ? હૂ ટોલ્ડ યુ ?”

“ઇટ ઇઝ સેન્ટ પરસેન્ટ ટ્રુ, સર!” ગિજુભાઇ વ્યાસે ફરી ટેબલની ધારનો ટેકો લીધો. “દલાલ સ્ટ્રીટના રેડિયો ચોવીસેય કલાક જીવતા હોય છે. ત્યાંથી મારા મિત્રનો ફોન આવ્યો એણે પૂરી ખાતરીથી કહ્યું છે. ક્રોસ ચેક પણ કર્યું છે.”

જ્યોતિબાબુ શૂન્યમનસ્ક થઇને સામેની દિવાલે તાકી રહ્યા હતા ત્યાં વ્યાસે નજીક આવીને એમને જરી ઢંઢોળ્યા, “સર, હું તો આપની પરમીશન લેવા આવ્યો હતો.”

જ્યોતિબાબુના ભવાં સંકોચાયાં, “ફોર વ્હૉટ?”

“આપણે હવે એક મિનીટ પણ મોડું કર્યા વગર આ સમાચારને આપણા કેન્દ્ર પરથી રિલે કરી દઇએ, નહિં તો દુનિયાના બીજા દેશોના રેડિયો આ આપણા જ આ સમાચાર આપણા પહેલાં જ..”

જ્યોતિબાબુ એકદમ ચમકી ગયા; “વી કાન્ટ, મિસ્ટર વ્યાસ! વી કાન્ટ.” એમણે બહુ મકક્મ સ્વરે કહ્યું: “આવા હેવી ન્યુસ રિલે કરવા માટે રેડિયોનો એક પર્ટિક્યુલર પ્રોટોકોલ હોય છે, યુ સી? આવા ન્યુસને પહેલાં ડૉક્ટરોની પેનલ સર્ટીફાય કરે, પછી સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ એને ઑફિશ્યલી રિલીઝ કરે અને દિલ્હી ઑલ ઇન્ડિયા રેડિયોના ન્યુઝ-રૂમને આપે અને એના થ્રુ આપણને વાયરલેસથી મળે તે પછી જ આપણે એને બ્રોડકાસ્ટ કરી શકીએ.”

વ્યાસ છળી ગયા હોય તેમ તેમની સામે જ જોઇ રહ્યા. “અરે તો તો, સાહેબ! ઘણું મોડું થઇ જાય, ભારે અનર્થ થઇ જાય!”

વ્યાસ શું કહેવા માગતા હતા? શું એ સમજતા  નહોતા કે આવા જલદ ન્યુસ હવે તો પંદર વીસ મિનીટમાં જ ઉપરથી ઑફિશ્યલી આવી જવાના હતા એમાં કોઇ શંકા નહોતી. તો એટલી વાર થોભી જવામાં એવો તે કયો મોટો અનર્થ થઇ જવાનો હતો ! એમાં જ્યોતિબાબુને કશું સમજાતું નહોતું. રાષ્ટ્રપિતાની હત્યા જેવા હાહાકાર વર્તાવી દેનારા દેશ તો શું પણ દુનિયાભરમાં ઉલ્કાપાત ફેલાવી દેનારા ન્યુસ બોમ્બેના ઑલ ઇન્ડિયા રેડિયો ઉપરથી આ રીતે કેઝ્યુઅલી રીલે કરવાની કોઇ સત્તા આપણી પાસે હતી ? બેશક, બેશક, બેશક નહોતી જ. અને એમ છતાં જો એવી અનધિકૃત ચેષ્ટા આપણાથી થઇ જાય તો ? તો એનાં પરિણામ કેવાં ભયંકર આવે? એની કલ્પના કરતા પણ આંખે અંધારા આવી જતાં હતાં. નોકરીથી હાથ ધોવા પડે એ તો નિશ્ચિત જ, પણ બીજી અનેક કાનૂની કાર્રવાઇઓના જંતરડામાંથી પસાર થતાં જિંદગીનો અંત આવી જાય. એની કલ્પના માત્રથી ઉપજેલી અકળામણ જ્યારે હદ વળોટી ગઇ ત્યારે ઘડીભર એમણે આંખો મિંચી દીધી.

પછી જ્યારે “મિસ્ટર વ્યાસ” જેવો શબ્દ એમણે જ્યારે ઉચ્ચાર્યો ત્યારે સામે કોઇ નહોતું. ખુરશી ખાલી હતી. વ્યાસ એમની ચેમ્બર છોડી ગયા હતા. એમને હાશકારો થયો. વ્યાસે જીદ છોડી દીધી હતી,

પણ એ હાશકારો લાંબો ના ટક્યો.

એમની સામેના એમના ઇન્ટર્નલ સ્પીકરમાંથી એ વખતે બ્રોડકાસ્ટ થતો બાળકો માટેનો એક ઉર્દુ કાર્યક્રમ રેલાતો હતો. બાળકોની કિલકારીઓ સંભળાતી હતી ત્યાં અચાનક એમાં વિક્ષેપ પડ્યો. જ્યોતિબાબુની સિકલ તંગ થઇ. કાન સરવા થયા. ભવાં તંગ થઇ ગયાં. શું થઇ રહ્યું છે આ? ઉર્દુ કાર્યક્રમ આમ અટકાવી કોણે દીધો? કોના કહેવાથી? પોતાની પાસે એવી સત્તા નથી તો કોણે ગુસ્તાખી કરી?

પણ એમણે સગ્ગા કાને સાંભળ્યું કે વિક્ષેપ પછી તરત જ એક ઘેરો ગંભીર ડૂમાયેલો સ્વર સ્પીકરમાંથી આવ્યો. એ વ્યાસનો સ્વર હતો, “રાષ્ટ્ર પરથી આજે પિતાનું છત્ર ઉઠી ગયું છે. થોડી જ વાર પહેલાં પ્રાપ્ત થયેલા આ કારમા સમાચાર મુજબ..” એક એક શબ્દ વ્યાસના ગળાની સ્વરપેટીમાંથી નહિ, પારાવાર વેદના અનુભવતા હૃદયમાંથી બહાર પડતો હતો. ઉચ્ચારો ચોખ્ખા હતા પણ ગળું રૂંધાયેલું હતું. જ્યોતિબાબુનું મોં લાલ લાલ થઇ ગયું. ઓહ, દિલ્હીની સેન્ટ્રલ ન્યુસરૂમમાંથી ઑફિશ્યલ સમાચાર આવે તે પહેલાં મનમાની કરીને આખરે વ્યાસે આ અનર્થ કરી જ નાખ્યો હતો ! એવો ગાંડો અનર્થ કે જેની જવાબદારી સ્ટેશન ડાઇરેક્ટર તરીકે પોતાના શીરે જ થોપાવાની હતી. એમણે બે હાથે પોતાનું માથું પકડી લીધું.!

**** **** ****

તો ?

1948ની ત્રીસમીએ મને ગાંધીજીની હત્યાના સમાચાર આપનાર ‘રેડિયા’માં પૂરાઇને આપનારી જે વ્યક્તિને મારી નાખવાનું ઝનૂન મને ચડ્યું હતું તે વ્યક્તિ મારી સામે બેઠી હતી ! મારા કુતૂહલભર્યા સવાલનો આ રીતે ત્રીસ વર્ષે જવાબ મળી ગયો હતો. ના, હવે મારી નાખવાનું નહીં, ભેટી પડવાનો ઉમળકો આવે તેવી આ વાત હતી.

ગિજુભાઈ વ્યાસ (ડાબે) અને ચન્‍દ્રકાન્‍ત ભટ્ટ
(ઑલ ઈન્‍ડિયા રેડિયો, રાજકોટ)

આ ‘પરાક્રમ’ પછી ગિજુભાઇને ઓફીશ્યલ વૉર્નિંગ મળી હશે, મેમો મળ્યો હશે. આકરી તાવણી પણ થઇ હશે, પણ એ બધામાં છૂપી શાબાશી ઘોળાયેલી હશે એ નિઃશંક હતું. પણ  એ વસ્તુ તેમના માટે બઢતી પામવાના પગથીયાં તરીક કામ આવી ગઇ.

ગાંધીહત્યા સાથે સંકળાયેલો આ પ્રસંગ મને  મારા બચપણના એ દિવસોમાં પાછો લઇ ગયો કે જે દિવસોમાં મારા ઘરના લીઓફોન બ્રાન્ડના થાળીવાજા પર ગાંધીસ્તુતિના પારાવાર ગીતોની  રેકોર્ડ્સ ચડાવવામાં આવતી. માંગરોળમાં સંગીતશિક્ષક તરીકે કામ કરતા ગાયક શાંતિલાલ શાહના પાતળા પણ મધુર કંઠે ગવાયેલાં ગાંધીગીતો ગાંધીહત્યા પછીના તરતના ગાળે શેરીએ શેરીએ ગુંજવા માંડ્યા.

 કોને પગલે પગલે ચાલી જાય છે,વણઝાર
કોના સાદે શહીદ થાવા આવે નર ને નાર
દસ-પંદર નહિં, સો-હજાર નહિં,
લાખ-લાખ પણ નહિં,
કોટી કોટી માનવ કેરો ચાલે છે પરિવાર
હિંદુ-મુસ્લીમ શીખ ઇસાઇ સૌએ હારોહાર
કોના અદભુત જાદુથી આ જાગે છે સંસાર
કોના સાદે શહીદ થાવા આવે નર ને નાર
ગાંધી તારે પગલે,બાપુ તારે પગલે….

એકદમ ભાવપ્રવણ, બલકે ભાવવિભોર થઇને શાંતિલાલ શાહે આ ગીત ગાયું હતું. શબ્દો પણ કદાચ તેમણે જ લખ્યા હતા. એ જ રેકૉર્ડની પાછળ જરા ધીમા લયમાં એમના જ સ્વરમાં ગીત હતું, “વર્ધાના વડલાની છાયેં બેઠો એક વિજોગી” અલબત્ત, મને ચોક્કસ યાદ છે કે હિઝ માસ્ટર્સ વોઇસની એ રેકોર્ડના લેબલમાં એના શબ્દો બહુ હાસ્યાસ્પદ રીતે આમ મુકાયા હતા: “વર્ધાના વડલાની ડાળે બેઠો એક વિજોગી.”

એના પછીના થોડા જ દિવસોમાં ચરોતરના કોઇ વિઠ્ઠલભાઇ પટેલે ગાંધીજી પર એક પાંચ કલાકની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી તે જેતપુરના એક મામૂલી ટૉકિઝમાં ચાલુ ફિલ્મ ‘ખિડકી’ને હટાવીને રજૂ થઇ હતી, જેમાં શાંતિલાલ શાહનાં આ ગીતો વાપરવામાં આવ્યાં હતાં.

એ અસલ દૃશ્યોનાં અસલ ટુકડાઓને દૃષ્ટિપૂર્વક જોડીને બનાવાયેલી એ અદ્‍ભુત દસ્તાવેજી  ફિલ્મ તો કાળની ગર્તામાં વિલીન થઇ ગઇ હોય એમ મને લાગતું હતું, પણ એ સચવાઇ ગઇ છે અને સાબરમતિના ગાંધી આશ્રમમાં ઉપલબ્ધ પણ છે. એ અનન્ય ફિલ્મ એ યુગના અને ગાંધીજીવનના અસલ આયનાનું એ કામ કરે છે. 

**** **** ****

એ પછી દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયા. પણ ભાગ્યે જ કોઇ દિવસ એવો ગયો હશે કે જે દહાડે તેમનું નામ કોઇ ને કોઇ રીતે મારી સાથે ચર્ચામાં ન લેવાયું હોય.

થોડાં વરસો પહેલાં અમદાવાદમાં જૈન સમાજનો એક મોટો ઉત્સવ હતો- કદાચ  સમૂહ દીક્ષાનો પ્રસંગ હતો અને મારા સહિત અનેક લેખકો-પત્રકારોને તેમાં નોંતરવામાં આવ્યા હતા. વાતાવરણ પવિત્ર હતું અને બહુ શિસ્તબદ્ધ હતું. એક મોટા મંડપની ચોતરફ દેશનેતાઓના અનેક ફોટૉગ્રાફ્સ લગાવવામાં આવ્યા હતા. એમાં હિંદુ- મુસ્લીમ ધર્મની અનેક કોમ-પેટા કોમ ઉપરાંત, ઇસાઇ-શીખ-પારસી-યહૂદી અને બીજા અનેક ધર્મોના ધર્મગુરૂઓ સહિત સંતોમહંતોની તસ્વીરો પણ હતી. પણ મને એ જોઇને  અત્યંત નવાઇ લાગી કે એમાં ગાંધીજીની તસ્વીર ક્યાંય નહોતી. જરા આંચકો આપનારી વાત હતી. મેં એના મુખ્ય આયોજકને એ વિષે પૃચ્છા કરી તો જવાબમાં મને એક પુસ્તક હાથમાં થમાવી દેવામાં આવ્યું,જેનું નામ હતું : ‘જૈન શાસનશિરતાજનું જીવનકવન.’ એ પૂજ્યપાદ મહારાજ વિજયરામચંદ્રસૂરીશ્વર મહારાજ વિષેનું હતું અને એમાં અધર્મ સામેના એમના ધર્મયુદ્ધની ગાથાઓ હતી.

એમાંની એક ‘ગાથા’ તેમાં બહુ લંબાણથી વર્ણવવામાં આવી હતી, જેનો સંબંધ ગાંધીજીની અહિંસાની વ્યાખ્યા સાથે હતો.

શી હતી એ ગાથા ?

૧૯૨૬ની સાલમાં એક વિશિષ્ટ ઘટના ઘટી હતી. અમદાવાદના શેઠ અંબાલાલ સારાભાઇની કેલિકો મિલના કમ્પાઉન્ડમાં એક કૂતરું હડકાયું થઇને એક કામદારના કોઇ સગાના છોકરા પાછળ પડ્યું. છોકરો જો કે, દોડી જઇને બચી ગયો પણ શેઠ ખુદ આ દૃશ્ય જોઇ ગયા. તેમણે તરત એ કૂતરાને ઠાર કરવા ચોકીદારને હુકમ કર્યો, પણ ચોકીદાર તેનો અમલ કરે તે પહેલાં એ બીજા આઠ –દસ કૂતરાંને કરડીને નાસી ગયું. બીજા દિવસે બીજું એક કૂતરું હડકાયું થયું અને બે માણસો અને દસ-પંદર કૂતરાંને કરડી ગયું. એ કૂતરાં તે કયાં એ ઓળખી કાઢવાનું શક્ય નહોતું એટલે વધુ હાહાકાર થતો અટકાવવા શેઠે કમ્પાઉન્ડમાં હતાં તેટલાં બધાં કૂતરાંને હકાલી હકાલીને એક ઓરડામાં પૂરાવ્યાં અને પોલિસ સુપરિન્ટેન્ડેન્ટને ફોન કરીને એક ઇન્સ્પેક્ટરને બોલાવીને એ બધા જ કૂતરાંને એક સાથે ઠાર મરાવ્યાં. આ ઘટના પર્યુષણના એક પવિત્ર દિવસે જ બની અને એક જૈન શ્રેષ્ઠીના હાથે આ કૃત્ય થયું તેનો સમગ્ર જૈન સમાજમાં ભારે ઉહાપોહ થયો અને આવી હિંસાનો પ્રતિરોધ કરવા માટે ‘શ્રી જીવદયા પ્રચારિણી મહાસભા’ની સ્થાપના કરવામાં આવી. એ સભાએ અંબાલાલ સારાભાઇને મળીને આ કૃત્ય બદલ જાહેર દિલગીરી વ્યક્ત કરવાની માંગણી કરી, પરંતુ શેઠ આ અગાઉ એ વખતે અમદાવાદમાં વસતા ગાંધીજીને મળીને તેમનું સમર્થન મેળવી ચૂક્યા હતા એટલે દિલગીરી વ્યક્ત કરવાનો ઇન્કાર કર્યો. એ પછી તો આ કથા બહુ આગળ ચાલી, જેનું વર્ણન કરવું અહીં શક્ય નથી. પરંતુ ગાંધીજીએ શેઠના કૃત્યને આપેલું સમર્થન જારી રાખ્યું. આની સામે ગાંધીજી વિરુદ્ધ જબરદસ્ત અપપ્રચાર અને પત્રિકાયુધ્ધ, હડતાલ જેવાં શસ્ત્રો વાપરવામાં આવ્યા. ગાંધીજીએ અહિંસાની પોતાની વિચારધારા સમજાવવા ‘નવજીવન’માં લેખમાળા શરુ કરી.

આ બધી વાતોના સંદર્ભમાં ઉત્સવના આ મહામંડપમાં ગાંધીજીની નાની સરખી તસ્વીર અહીં ના મૂકાવી સ્વાભાવિક હતી.

આ ઘટનાએ ગાંધીજીની સ્વચ્છ અને સુરેખ છબી મારા ચિત્તમાં ફરી એક વાર ઉપસાવી આપી.

એ મંડપમાંથી કશી પણ ભેટસોગાદ કે પત્રકારોને અપાતા નજરાણાને સ્વીકાર્યા વગર હું પાછો ફરી ગયો.  એનો અર્થ વાચકો તારવી શકશે એની ખાતરી છે,

ગાંધીજીના સંદર્ભે  બીજા અનેક સંસ્મરણો છે. પણ આ લેખ પૂરતું ઇતિ અલમ……..

(વિશેષ નોંધ:

અહિંસાના સંદર્ભે એક અતિ અગત્યની અને વ્યાપક પ્રચાર યોગ્ય વાત અહીં નોંધવી જોઇએ કે હિંદી સિનેમા જગતના વિખ્યાત પટકથા લેખક શ્રી અંજુમ રજબઅલીએ હાલ હિંસાવિરોધી એક ઉમદા ઝુંબેશ ઉપાડી છે અને ચેનલ પણ શરુ કરી છે. તે ચેનલને બહોળી માત્રામાં સબ્સ્ક્રાઇબ કરીને એ પ્રવૃત્તિમાં જોડાવા ભલામણ છે, એની લિંક છે : :

https://www.youtube.com/c/AhimsaConversations


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

10 thoughts on “ગાંધીજી અને ગિજુભાઇ વ્યાસ- એક બે વાતો એમના સંદર્ભની

  1. ગાંધી ને 100 માર્ક !!
    પણ
    શાંતિદૂતોના તુષ્ટિકરણ માટે 99 માર્ક કાપવા પડશે. નેહરુ વંશ ને આગળ વધારવા બાકી નો 1 માર્ક કાપીએ તો પછી કાઈ બચતું નથી.
    જાણીતી વાતો નું પુનરાવર્તન નહીં કરું પણ ગાંધી ની અમુક બાબતો , અભિગમો, એક્શન સમજ થી પર છે.

  2. વાહ, કેવો યોગાનુયોગ !જેનો રેડિયો પર ગાંધી જી ના ખૂન ના સમાચાર આપનાર ને ગોળી મારવા તૈયાર થનાર એમના ચાહક બની જાય, ઘણું જાણવા મળ્યું વડીલ, આ રીતે જ આપના અનુભવ પીરસતા રહેજો વંદન

  3. ગાંધીજી ને કૂતરાં ને ઠાર ની નીતિ ને સમર્થન…આવી અજાણી કે વણસ્પર્શી વાતો માં મજા આવી.ને તમે મફત ભેટ ન સ્વીકારી ગાંધીની તરફદારી કરી ..ગમ્યું

  4. વાંચવા નુ શરૂ કર્યુ ને કયારે અંત આવી ગયો ખબર ના પડી.એ આપની સફળતા .ધન્યવાદ

  5. ગાંધીજીની હત્યા શબ્દોથી રજનીકુમાર પંડયાએ જે અનુભવ્યું એ તાદૃશ થયું.

  6. હેલો રજનીકુમાર પંડ્યા,
    વેબ ગુર્જરી ની શ્રેણી માં તમારાં દ્વારા ગાંધીજી ની હત્યાના સમાચાર વખત ની તમારી મનઃસ્થિતિ…. જેતપુર… અમદાવાદ… ની તમારી કલમે આલેખાયેલ વાતો એ પોણી સદી પહેલાનો સમય તાદ્રશ્ય કરાવી દીધો..
    ને ગિજુભાઈ સાથેનાં સંસ્મરણો તેમની સાથેની સાથે નો ઈન્ટરવ્યુ NOSTALGIC રહ્યો…
    સ્વાસ્થ્ય ની કાળજી રાખી આવી રસપ્રદ માહિતી પીરસતા રહો… ✌️🙏

  7. ગાંધીજી વિષેના મારા વિચારો આટલા વર્ષે બદલાયા છે. જે ગાંધીજીને આપણે વિચક્ષણ કે દુરદર્શક પણ કહીએ તેમણે પોતે હિંદુઓ માટે ક્યારેય દુ:ખની લાગણી દર્શાવી નહેતી. મુસલમાનોને ભારતનો એક ત્ર્યત્યાંશ ભાગ આપીને પણ તેમણે મુસ્લીમોની જ દયા ખાધી. પાકિસ્તાનમાં ગાંધીને કોઇ જ યાદ કરતું નથી. પણ બાકી રહેલા ભારતમાં પણ કાળાંતરે મુસ્લીમે જ બહુબતિ બની રાજ કરશે એ પોતે કેમ વિચારી શક્યા? જે તે જ સમયના સરદાર પટેલ વિચારી શક્યા.. તેમના જાતિયતા ઉપર કરેલા અખતરાઓ કે નુસખાઓ કોઇ પણ સામાન્ય માણસ સમજી શકે કે નિષ્ફળ જવાના હતાં. અભણ લોકોએ એમને મહાન બનાવ્યાં.

  8. સરસ રસપ્રદ.આ આર્ટિકલ અગાઉ પણ મે વાંચ્યો હતો.ફરી વાંચવાની પણ એટલી જ મજા પડી.

Leave a Reply

Your email address will not be published.