ભગવાન થાવરાણી
શરુઆતમાં એમ વિચારેલું કે આ લેખમાળામાં ફિલ્મો સાથે સંકળાયેલા શાયરોને બાકાત રાખીશું. એમના રચનાઓથી બધા વાકેફ તો છે. ( ઉપરાંત, ભવિષ્યમાં ફિલ્મી ગઝલો અને શાયરો વિષે આવી શ્રંખલા કરવાની સંભાવના પણ ખુલ્લી રહે ! ) પછી પુનર્વિચાર કરતાં લાગ્યું કે નહીં, આવા ફિલ્મો દ્વારા પ્રસિદ્ધિ પામેલા શાયરોના પણ અસંખ્ય એવા શેર છે જે ફિલ્મી નહીં, વિશુદ્ધ સાહિત્યિક છે.
તો ચાલો, મળીએ જાવેદ અખ્તરને . જાન્નિસ્સાર અખ્તરના સુપુત્ર, મુઝ્તર ખૈરાબાદીના પૌત્ર અને કૈફી આઝમીના જમાઈ એવા જાવેદ અખ્તર એક શાયર તરીકે આ દિગ્ગજ હસ્તીઓની શોહરતના મોહતાજ નથી. એમની આગવી ઓળખ છે ફિલ્મો ઉપરાંત અદબની દુનિયામાં પણ. એમની એક વિચારધારા છે અને સ્પષ્ટ, અસંદિગ્ધ વિચારસરણી પણ ! જૂઓ :
મુજે દુશ્મન સે ભી ખુદ્દારી કી ઉમ્મીદ રહતી હૈ
કિસીકા ભી હો સર, કદમો મેં સર અચ્છા નહીં લગતા
ગલત બાતોં કો ખામોશી સે સુનના, હામી ભર લેના
બહુત હૈ ફાયદે ઈસ મેં – મગર અચ્છા નહીં લગતા ..
અહીં રદીફ તરીકે ‘ અચ્છા નહીં લગતા ‘ ની જગાએ ‘ ગલત હૈ ‘ મુકીને પણ શેર – ગઝલ નિભાવી શકાયાં હોત પરંતુ ‘ અચ્છા નહીં લગતા ‘ વાકઈ અચ્છા લગતા હૈ !
આપણી આસપાસ પ્રવર્તમાન પરિસ્થિતિઓ વિષે એમનો અફસોસ જૂઓ :
ઉસ કે બંદોં કો દેખ કર કહિયે
હમ કો ઉમ્મીદ ક્યા ખુદા સે રહે ..
અને સંબંધોના તકલાદીપણા બાબતે એમનો દ્રષ્ટિકોણ :
તબ હમ દોનોં વક્ત ચુરા કર લાતે થે
અબ મિલતે હૈં જબ ભી ફુરસત હોતી હૈ
પરંતુ એમનો આ નાનકડો શેર કેવડી મોટી વાત કરે છે તે જોઈએ :
કભી જો ખ્વાબ થા વો પા લિયા હૈ
મગર જો ખો ગઈ વો ચીઝ ક્યા થી ?
વિચારવા વિવશ કરતી ઊંડી વાત. જેને પામવા સદાય ઝંખતા રહ્યા એ ખરેખર પામી લઈએ એ પામતાંની સાથે કશુંક ખોવાઈ પણ જાય છે . એ ખોવાઈ ગયેલું કશુંક અગમ્ય અને વર્ણનાતીત હોય છે. કદાચ તરસનું અદ્રષ્ય થવું એ જ કશુંક અમૂલ્ય ગુમાવ્યા બરાબર હશે !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Wahhhh
આભાર !
ક્યા બાત
આભાર ગૌરાંગભાઈ!