ધડકન, ધડકને લગતા ફિલ્મીગીતો

નિરંજન મહેતા

ધબકતું હૃદય વધુ વેગથી ધડકે છે જ્યારે પ્રિય પાત્રનું દર્શન થાય છે. આપણી ફિલ્મોમાં આવા પ્રસંગ સામાન્ય છે અને ત્યાં મુકાયેલા ગીતોમાં ધડકન કે ધડક શબ્દનો પ્રયોગ કરાયો છે. આ લેખમાં આ બે શબ્દોને આવરતા થોડાકો ગીતોને સમાવાયા છે. જો કે ધડક શબ્દવાળા ઘણા ગીતો છે પણ તેમાંના થોડાકનો જ આ લેખમાં ઉલ્લેખ છે કારણ લેખની મર્યાદા.

૧૯૫૨ની ફિલ્મ ‘અનહોની’નું ગીત છે –

मेरे दिल की धड़कन क्या बोले
मै जानू और तू जाने

રાજકપૂર અને નરગીસ ટેલીફોન પર એકબીજાની લાગણીને દર્શાવે છે જાણે તેમની આ લાગણી તેમના બે સિવાય કોઈ સમજતું નથી. શૈલેન્દ્રનાં શબ્દો અને રોશનનું સંગીત. તલત મહેમુદ અને લતાજીનાં સ્વર.

આ ગીત જોઇને ફિલ્મ ‘સુજાતા’નું ગીત જરૂર યાદ આવશે જેમાં સુનીલ દત્ત આ જ રીતે ટેલીફોન પર નૂતનને પોતાના મનની લાગણીને દર્શાવે છે. કેવો સંયોગ કે બંને ગીત તલત મહેમૂદના સ્વરમાં છે.

जलते है जिस के लिए तेरी आँखों के दिए

૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નું ગીત જણાવે છે કે મહોબ્બતની ધડકન એક એવી ચીજ છે જે સમજાવી શકાતી નથી.

मुहब्बत ऐसी धड़कन है जो समजाये नहीं जाती

બીના રોય પર રચાયેલ આ ગીતના ગાયિકા છે લતાજી જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત સી. રામચંદ્રનું.

૧૯૫૪ની ફિલ્મ ‘અંગારે’માં પ્રેમિકા પ્રેમીને જણાવે છે કે તે રાતના પ્યારભરી ધડકનોને લઈને આવશે.

प्यार भरी प्यार भरी
धडकनों को ले के आउंगी आज रात तेरे लिए

નરગીસ આ લાગણી નાસીરખાન આગળ વ્યક્ત કરે છે. શબ્દો છે સાહિર લુંધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું. શરૂઆતના સમયનો લતાજીનો સ્વર!

૧૯૫૬ની ફિલ્મ ‘ઇન્સાફ’ના આ ગીતમાં દિલના ધડકવાને દર્શાવાયું છે જેમાં જણાવાય છે કે ભલે દિલ બે હોય પણ તેની ધડકનનો અવાજ એક જ છે.

दो दिल धड़क रहे है और आवाज़ एक है

ઓડીઓને કારણે ક્યાં ચિત્રિત થયું છે તે જણાતું નથી પણ કલાકારો છે અજીત અને નલિની જયવંત. ગીતના શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત છે ચિત્રગુપ્તનું. આશા ભોસલે અને તલત મહેમુદ ગાયક કલાકારો.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નાં ગીતમાં જુદા જ ભાવ દર્શાવાયા છે.

दिल तड़प तड़प के केह रहा है आ भी
……..
दिल धड़क धड़क के दे रहा है ये सदा
तुम्हारी हो चुकी हु मै

શરૂઆતના શબ્દોમાં વિરહમાં તડપતા દિલીપકુમારનો ભાવ પ્રગટ થાય છે જેના જવાબમાં વૈજયંતીમાલા તેના ધડકતા દિલની વાત કરી જણાવે છે કે તે સદા તેની બની ગઈ છે. મુકેશ અને લતાજીના સ્વર અને શૈલેન્દ્રનાં શબ્દો. સંગીત સલીલ ચૌધરીનું.

તો આ જ ફિલ્મનું બીજું ગીત છે જેમાં વૈજયંતીમાલા પોતાના ભાવ વ્યક્ત કરે છે

घड़ी घड़ी मेरा दिल धड़के
हाय धड़के क्यों धड़के

લતાજીનો સ્વર અને શૈલેન્દ્રનાં શબ્દો. સંગીત સલીલ ચૌધરીનું.

૧૯૫૮ની ફિલ્મ ‘લાજવંતી’નું ગીત છે

कोई आया धड़कन कहती है

કોઈના આવવાનો અણસારો ધડકન જણાવી દે છે એવો ભાવ આ ગીતમાં છે જે નરગીસ પર રચાયું છે. સહકલાકાર છે બલરાજ સહાની. મજરૂહ સુલતાનપુરી આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર આપ્યો છે આશા ભોસલેએ.

અહી અરી એકવાર વિષયથી અલગ એક નોંધ લઉં છું. આ ગીત જોતા જાણકારોને ફિલ્મ ‘અનુપમા’નું ગીત જરૂર યાદ આવશે જેમાં આ ગીતના કલાકાર સુરેખા પિયાનો પર આવા જ ભાવ વ્યક્ત કરે છે.

धीरे धीरे मचल ऐ दिले बेकरार कोई आता है

૧૯૫૯ની ફિલ્મ ‘ગુંજ ઉઠી શેહનાઈ’નું મધુર ગીત છે

तेरे सुर और मेरे गीत
दोनों मिलकर बनेगी प्री

આગળ ઉપર અંતરામાં આવતા શબ્દો છે

धड़कन में तू है समाया हुआ

આ શબ્દો દ્વારા અમિતા રાજેન્દ્રકુમાર આગળ પોતાના ભાવ વ્યક્ત કરે છે. ભરત વ્યાસનાં શબ્દોને સંગીત મળ્યું છે વસંત દેસાઈ તરફથી અને સ્વર મળ્યો છે લતાજીનો.

૧૯૫૯ની ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ના આ ગીતમાં બે પ્રેમીઓની લાગણીને દર્શાવાઈ છે.

धड़कने लगी दिल के तारो की दुनिया

રાજેન્દ્રકુમાર અને માલા સિન્હા પર રચિત આ ગીતના શબ્દકાર છે સાહિર લુંધિયાનવી અને સંગીતકાર છે એન. દત્તા. ગાયક કલાકારો આશા ભોસલે ને મહેન્દ્ર કપૂર.

૧૯૬૦ની ફિલ્મ ‘પતંગ’નું ગીત છે

रंग दिल की धड़कन भी लाती तो होगी

આતુરતાથી રાહ જોતી પ્રજ્ઞાચક્ષુ માલા સિન્હા કુદરતના સહારે પોતાના ભાવ વ્યક્ત કરે છે લતાજીનાં સ્વરમાં. રાજીન્દર ક્રિશ્નનાં શબ્દો અને ચિત્રગુપ્તનું સંગીત.

૧૯૬૧ની ફિલ્મ ‘શમા’નું ગીત છે

धड़कते दिल की तमन्ना हो तुम मेरा प्यार हो

નિમ્મી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે કૈફી આઝમી જેને સંગીત આપ્યું છે ગુલામ મહંમદે. ગાયિકા સુરૈયા.

૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દીવાના’માં એક મસ્તીભર્યું ગીત છે

धड़कने लगता है मेरा दिल तेरे नाम से
ऐसा लगता है की हम गए काम से
:
ક્લબમાં એક મહિલાને જોઇને શમ્મીકપૂર આ ગીત ગાય છે જે મહિલા ખરેખર મહેમુદ છે. એટલે જ આ ગીત મસ્તીભર્યું ગણાય. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. રફીસાહેબ ગાયક કલાકાર.

૧૯૭૫ની ફિલ્મ ‘મિલી’નું આ ગીત એક પ્રેમીની વ્યથા દર્શાવે છે.

आये तुम याद मुजे गाने लगी हर धडकन
:
અમિતાભ બચ્ચન પર રચિત આ ગીતને સ્વર મળ્યો છે કિશોરકુમારનો. યોગેશનાં શબ્દો અને સચિન દેવ બર્મનનું સંગીત.

૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ન આ ગીતમાં પણ પ્રેમીના ભાવો વ્યક્ત કરાયા છે.

ओ साथी रे तेरे बिना क्या जीना

અંતરામાં શબ્દો છે

हर धड़कन में प्यास है तेरी
साँसों में तेरी खुशबु है

ફરી એકવાર કલાકાર અમિતાભ બચ્ચન. ગીતકાર અન્જાન અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. કંઠ મળ્યો છે કિશોરકુમારનો.

૧૯૯૧ની ફિલ્મ ‘પ્રહાર’નું આ ગીત એક નૃત્યગીત છે ને તે પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

धड़कन ज़रा रूक गई है कही जिंदगी बह गई है

નૃત્યગીતના કલાકારો છે મકરંદ દેશપાંડે અને માધુરી દિક્ષિત. મંગેશ કુલકર્ણીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સુરેશ વાડકરનો સ્વર.

૨૦૦૦ની ફિલ્મ ‘ધડકન’નાં નામ પરથી જ સમજાઈ જશે કે તેમાં એક કરતા વધુ ગીતો હશે જે ધડકનને લગતા હશે. નીચે દર્શાવેલ બધા ગીતો પ્રચલિત છે.

तुम दिल की धड़कन में रेहते हो तुम रेहते हो

આ ગીતમાં પ્રેમના ભાવો વ્યક્ત કરે છે સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટી જેના શબ્દો છે સમીરના અને સંગીત છે નદીમ શ્રવણનું. અભિજિત અને અલકા યાજ્ઞિક ગાયકો

આજ ફિલ્મનું બીજું ગીત છે જેના શબ્દો ઉપર મુજબના.

આ ગીત ફક્ત સુનીલ શેટ્ટી પર રચાયું છે જેના શબ્દો છે સમીરના અને સંગીત છે નદીમ શ્રવણનું. ગાયક અભિજિત.

તો ત્રીજું ગીત પણ છે જેમાં ધડકનનો જુદી રીતે ઉલ્લેખ છે.

दुल्हे का सेहरा सुहाना लगता है
दुल्हन का तो दिल दीवाना लगता है

અંતરામાં કહ્યું છે

धड़कन मेरी धड़कन
धड़कन तेरी धड़कन

તો આ ગીતમાં આગળ ઉપર ધડકન શબ્દ પર એટલો ભાર મુકાયો છે કે તે અનેકવાર બોલાય છે

धड़कन धड़कन धड़कन धड़कन
धड़कन धड़कन धड़कन धड़कन

શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમારના લગ્નના પ્રસંગે કાદરખાન પર આ ગીત રચાયું છે જે એક રીતે દર્દભર્યું છે. શબ્દો છે સમીરના અને સંગીત છે નદીમ શ્રવણનું. નુસરત ફતેહ અલી ખાન ગાનાર કલાકાર.

૨૦૦૨ની ફિલ્મ ‘મુઝ સે દોસ્તી કરોગે’નું ગીત એક સુંદર યુવતીને જોઇને એક યુવાનમાં જે પ્રેમભાવ પ્રગટ થાય છે તે દર્શાવે છે.

सांवली सी एक लडकी धड़कन जैसे दिल की

ઉદય ચોપરા રાની મુકરજીને જોઇને આ ગીત ગાય છે જેના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત છે રાહુલ શર્માનું. ઉદિત નારાયણનો સ્વર.

૨૦૦૩ની ફિલ્મ ‘મૈ પ્રેમ કી દીવાની હું’માં વેલેન્ટાઇન ડેની ઉજવણીના સંદર્ભમાં યોજાયેલી પાર્ટીનું ગીત છે

धड़कन की रवानी ले ले चाहत की निशानी ले ले

કરીના કપૂર રિતિક રોશન તરફ પોતાના ભાવ આ ગીતમાં વ્યક્ત કરે છે જેના શબ્દો છે દેવ કોહલીના અને સંગીત અનુ મલિકનું. ચિત્રા, કે.કે. ને સુનિધિ ચૌહાણ ગાનાર કલાકારો.

ધડકન અને ધડક પરના આટલા જ ગીતોને જોઇને રસિક્જનને લેખ અધુરો લાગશે પણ ક્ષમસ્વ કારણ લેખની મર્યાદા.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ધડકન, ધડકને લગતા ફિલ્મીગીતો

Leave a Reply

Your email address will not be published.