શિક્ષણક્ષેત્રે રચનાત્મક અને હકારાત્મક અભિગમ દર્શાવતાં પુસ્તકો

પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

‘કેન્દ્ર નહિં, પરિઘ બનીએ’ તથા ‘કેળવણીનો કસબ’ આ બન્ને પુસ્તકના લેખક રણછોડભાઈ શાહ શિક્ષણ સાથે દાયકાઓથી સંકળાયેલા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્‍ છે. ભરૂચની ખ્યાતનામ ‘એમિટી સ્કૂલ’ના તે સ્થાપક- સંચાલક છે. તેમના મનોજગતમાં સતત શિક્ષણ છવાયેલું રહે છે. આદર્શ શિક્ષણ અને તેની પદ્ધતિ અંગે સ્વતંત્ર મત ધરાવવા ઉપરાંત શિક્ષકો, શાળા, સંચાલક, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરેની જવાબદારી અંગે પણ તેમના આગવા વિચારો છે. તેમણે વીસેક પુસ્તકો લખ્યાં છે, જેમાંનાં ઘણા પુસ્તકમાં શિક્ષણની સાથોસાથ તેને આનષંગિક સામાજિક સમસ્યાઓની પણ ચર્ચા કરવામાં આવી છે.

શિક્ષણજગતની વિવિધ સમસ્યાઓની ચર્ચા કરતી તેમની કટાર ‘Challenge.edu’ નિયમિતપણે ‘વેબગુર્જરી’ પર પ્રકાશિત થઈ રહી છે.

કેન્દ્ર નહિં, પરિઘ બનીએ

આજના જમાનામાં કેન્દ્રવર્તી વિચારધારા સહુને કોઠે પડી ગયેલી છે, ત્યારે પુસ્તક ‘કેન્દ્ર નહિં, પરિઘ બનીએ’માં આગવા દૃષ્ટિકોણથી પરિઘનું મહત્વ સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. લેખકનો સીધો તર્ક છે કે કોઇ સંસ્થાના સંચાલક કેન્દ્રવર્તી વિચારધારા રાખે તો તે સંસ્થાનું આયુષ્ય ટૂંકું નિવડે છે, પરંતું જો સમયને વરતીને તે હળવેથી કેન્દ્રથી દૂર ખસતા રહી પરિઘમાં; અન્યોને સાથે લઇને, સાથે રહીને ચાલે અને સંસ્થા વિષે પોતાના વિચારોની આપ-લે કરે તો તેમના અનુગામી સહજ રીતે તૈયાર થતા રહે છે. આ અનુગામીઓ સંસ્થા વિષે યોગ્ય વિચારો ધરાવતા થાય તો સંસ્થાનો હેતુ બર લાવવામાં તેઓ પણ યથાયોગ્ય પ્રદાન કરી શકે, જે સંસ્થાના વ્યાપક હિતમાં હોય. આ માટે લેખકે સમયસર પરિઘ બની ગયેલા ગાંધીજીના ઉદાહરણથી પોતાની વાત મૂકી છે.

આ સાથે સાંપ્રત સમસ્યાઓ જેવી કે સામાજિક સમસ્યાઓ, અલ્પજીવી સમાજસેવા, ખોટા નિર્ણયો વખતે દોષના ટોપલાનો ઉલાળિયો કરવાની વૃત્તિ, અધૂરા જ્ઞાન, કોર્પોરેટ કલ્ચર, પરદેશનો મોહ વગેરે વિષયોની આગવી અને વાસ્તવિક દૃષ્ટિથી છણાવટ કરવામાં આવી છે. ક્યાંક તેમણે જીવન જીવવા જરૂરી આત્મબળને પીછાણવાની જરૂરત હાથીના સચોટ ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કર્યો છે, તો જીવનસંધ્યાએ કેટલીક ઉપયોગી ટિપ્સની પણ રજૂઆત કરી છે. સ્ત્રી પુરુષ સમોવડી હોવી જોઇએ કે નહિં તેની ચર્ચાને સ્થાને બંનેના સાયુજ્યની વાત મૂકી છે.

કેવળ શિક્ષણ સાથે જ નહીં, કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલી તેમજ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિએ વાંચવા જેવું આ પુસ્તક છે.

પુસ્તક: કેન્દ્ર નહિં, પરિઘ બનીએ

કિંમત: રૂ. 125/-
કુલ પાન: 86
પ્રથમ આવૃત્તિ: સપ્ટેમ્બર, 2021

પ્રકાશક: મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર
વિજાણુ સંપર્ક: info@navbharatonline.cpm
વેબસાઇટ: www.navbharatonline.cpm


કેળવણીનો કસબ

શિક્ષણ અને કેળવણી બંને અલગ બાબત છે. રણછોડભાઇના આ પુસ્તકમાં પણ શિક્ષણને કેળવણીકેન્દ્રી બનાવવા માટેના જરૂરી ગુણોની વિષદ છણાવટ કરવામાં આવી છે. પોતાના વિચારો રજૂ કરી દેવાને બદલે તેમણે કેળવણી અંગે જરુરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તેમણે શિક્ષકો અંગે ભારપૂર્વક લખ્યું છે,‘વાંચનનો ગુણ ન કેળવ્યો હોય તે શિક્ષક કહેવાને લાયક જ નથી.’ સાથે શિક્ષકખંડને શાળાની સબળી કે નબળી સ્થિતિ પારખવાની નાડી કહીને સ્વસ્થ શાળા માટે શિક્ષકખંડનું મહત્વ પણ ચર્ચ્યું છે. શાળામાં કોઈ શિક્ષકની ગેરહાજરીના પ્રસંગે અન્ય શિક્ષકને જે તે વર્ગમાં તાસ લેવાની જવાબદારી સોંપાય ત્યારે શિક્ષક ધારે તો એક નાનકડો તાસ હંમેશને માટે તેમને ‘વિદ્યાર્થીપ્રિય શિક્ષક’ બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હોવાની અર્થસભર રજૂઆત તેમણે કરી છે. આ માટે શેનું શું અને કેટલું મહત્વ છે તે પોતે આચાર્ય હતા તે સમયના એક ઉદાહરણથી સમજાવી છે અને કેટલીક બહુમૂલ્ય બાબતોની છણાવટ કરી છે. દોષના ટોપલા બીજા પર ઢોળવા કે પરસ્પર સરખામણી દ્વારા સ્પર્ધાત્મક વાતાવરણ પેદા કરવા પર પણ તેમણે સકારણ નારાજગી જતાવી છે.

કોરોનાકાળે આપણને ક્યારેય ન જોયેલાં દૃશ્યો દેખાડ્યાં, જેણે સ્વાભાવિકપણે નકારાત્મક છાપ દ્વારા સૌને ચિંતિત કર્યા છે, ત્યારે કોરોનાકાળની શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે અસરો ચર્ચીને તેમણે આ સિક્કાની બીજી કલ્યાણકારી બાબતોની રજૂઆત કરી છે. કેટલાંક ભયસ્થાનો તથા તેમાંથી બહાર આવવાનાં પગલાં વિશે પણ પુસ્તકમાં છણાવટ કરવામાં આવી છે.

વિદ્યાર્થી માટે પરીક્ષા એક હાઉ બની રહેતો હોય છે. આ અંગે તેમણે કેટલાંક સૂચનો કર્યાં છે. આજનાં મા-બાપ બાળકોની વધુ પડતી અને કેટલાક કિસ્સામાં ખુદ બાળકને ગૂંગળાવી નાખતી ચિંતા કરે છે અને ડગલે ને પગલે પોતાના બાળકને સલામતિની મજબૂત ઢાલ પૂરી પાડતાં હોવાનું મિથ્યા આશ્વાસન તેઓ મેળવતા હોય છે. પરંતુ એ ઢાલના છાંયા હેઠળ બાળકમાં આત્મવિશ્વાસ પાંગરી શકતો નથી એ તેઓ નજરઅંદાજ કરતા રહે છે. સફળતા માટે સંઘર્ષ જરૂરી છે. આત્મવિશ્વાસના અભાવે જીવનમાં સંઘર્ષની ઘડી આવે તેવે વખતે મા-બાપની ‘લોખંડી ઢાલ’ કર્ણના શાપની જેમ ખરે વખતે ‘કાચું કોચલું’ હોવાની પ્રતિતી થાય છે. આ બાબત પુસ્તકમાં એક પતંગિયાની વાતથી સુંદર રીતે સમજાવાઈ છે.

આ પુસ્તકમાં શ્રમદાન, સહકાર, પોતાની જાત પર વિશ્વાસ જેવી કેટલીક જીવનોપયોગી બાબતો અંગે યથાયોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યુવાનો/ યુવતીઓ વૃદ્ધોની સેવા-સારવારમાં પોતાનો સમય આપે છે તેમજ બેંકમાં નાણાંને બદલે સમય જમા કરાવવાનો કાર્યક્રમ ‘સમયદાન’ અમલી છે. આ અંગેની માહિતી અને તેનું મહત્વ આપતું નાનકડું પ્રકરણ ખાસ ધ્યાન દોરે છે.

પુસ્તકનું છેલ્લું પ્રકરણ ‘ઍમિટી સ્કૂલ’ સાથે આરંભથી સંકળાયેલાં, શાળાના સ્તંભ સમા પ્રવિણસિંહ રાજને શ્રદ્ધાંજલિનું છે, જેમાં પ્રવિણસિંહની પાયાની કામગીરી તેમજ તેમના પ્રદાનનો અંદાજ આવે છે.

આમ, આ બંને પુસ્તકમાં શૈક્ષણિક તેમજ સામાજિક દૃષ્ટિએ ખીલવેલી કેટલીક નવી સંભાવનાઓ પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.


પુસ્તક: કેળવણીનો કસબ

કિંમત: રૂ. 125/-
કુલ પાન: 90
પ્રથમ આવૃત્તિ: સપ્ટેમ્બર, 2021

પ્રકાશક- મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર
વિજાણુ સંપર્ક:  info@navbharatonline.cpm
વેબ સાઇટ: www.navbharatonline.com


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.