સવૈયામાંથી શીખ

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

આમ જોવો તો દરેક દેશ, દેશના દરેક રાજ્ય, ઈ રાજ્યના ગામ, ગામના ઘર અને ઘરમાં દરેક વ્યક્તિનો એક એનાજોગો પણ અનેરો ઇતિહાસ હોય જ છે. ઈ ઇતિહાસમાં કેટલાંક પાનાં નબળાં તો કેટલાંક સબળાં હોય છ અને જીંદગીનું સાચું ભણતર અને છેલ્લે સરવાળો એમાંથી જ આવે છ. એટલે આમ જીવન એક પર્યોગશાળા છે કે જેમાં પ્રયોગો અર્થાત અનુભવો પેલાં આવે છ, એનું પરિણામ પછી અને ઈ પરિણામમાંથી શીખ કે ભવિષ્યમાં “આ કરવું” કે ન કરવું” ઈ છેલ્લે આવે છ. હવે આ વાત જે સાનમાં સમજે ઈ શાણાને કામની બાકી ગધેડું ડફણેએ સીધી કેડી ચાતરીને દીવાલ હારે ઘસાતું હાલે એને “ભેંસ આગળ ભાગવત” છે. સૌનો ઈ પણ અનુભવ છે કે દરેક ગામમાં થોડાક શાણા ને જાજા પોતાને સૌથી વધુ ડાહ્યા માનતા હોય છ. ઉપરાંત ગામમાં એક બીજો ફાલ એનો પણ હોય છ કે જેને કાંઈ કર્યા વીના સમાજમાં પુજાવું છ, પોતાનો રોટલો રળતાં એકાદ “કક્કો” શીખ્યો હોય ઈ આખેઆખી બારખડી શીખ્યો હોય એમ એનું જ્ઞાન દેખાડે, તો કોકે પાડોસમાં ખાટલાની પાંગત તણાવામાં મદદ કરી હોય ઈ વિનોબા ભાવે થઈને ફરતો હોય, તો બીજા કેટલાકે પાપડ ભાંગીને બે કટકા નથી કર્યા ન કર્યા હોય એને “ભા” થઈને ફરવું છ. ઇથી વધુ આ બધાની કાયમી ફરિયાદ એક જ હોય છ કે “મારો ધડો ન કર્યો,” મને ન પૂછ્યું,” “જો મને પૂછ્યું હોત તો…,” વ. હવે જો મારી એકવીસ વરસ લગીની સોરઠનાં જુદાંજુદાં ગામોની રે’ણાક માંથી બેચાર આવા “હું ડાહ્યા” ને “મારો ધડો ન કર્યો”ના દાખલ દઉં તો:

અમારે માળીયા હાટીનામાં જમણે હાથે લકવા વાળા માનભા દરબાર કે જે એના જ દીકરા હનુભાનાં લગનમાં રીસાણાતા કારણ કે વરરાજાને સાફો માનભાના નાનાભાઈ દેવકુભાએ માનભાની હાથની તકલીફ જાણીસમજીને બાંધ્યો ને સારો પણ બાંધ્યો. પણ માનભા એને આંગણે આવેલ સૌ માંડવિયાને ફરિયાદ કરે કે “આ દેવકુએ મેં બાંધ્યો હોત એવો અસલી “હાટી દરબારી” સાફો નથી બાંધ્યો પણ આંઈ બાપનો ભાવ કોણ પૂછે છ.તો દેલવાડામાં ઈ જમાનાગત ધનિક કાવત્સા શેઠને ચાર પારસણ રાખતું કે જેની હારે ઈ વારાફરફતી એના આલીશાન બંગલામાં રે’. હવે ગાંધીજી હારે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનાર દેલવાડાના પાઠકજીનો સમાજસુધારક દીકરો વિનુ ગામમાં જ એક બાળવિધવાને વિધિવત્ત પય્ણ્યોને એક સુખી ખોયડું ઉભું કર્યું એટલે શેઠે મારા પપ્પાને કીધું, મારા મતે વિનુએ લગન તો કરવાં જ જોયેં કારણ ઈ સામાજ જાળવણી માટે જરૂરી છે પણ ઈ બીજા ભાયડાની વિધવા હારે નહીં.” ઇથી આગળ મેંદરડામાં અમારા શાખાવાદી સરપંચ વેલાબાપા કે’તા, ઓલ્યો ગાંધીજી ગોળી વાગીને પડ્યો તીંયેં “હરામખોર” બોલ્યોતો ને એની સમાધિએ લખ્યું છ ઈ “હે રામ.” ઈ સાચું નથી પણ હું રોયો ઠર્યો નાના ગામનો સરપંચ એટલે ઓલ્યા દિલ્હીવાળાએ મને ન પૂછયું નકર હું સાચું કેત.”

ચોરવાડમાં વલ્લીમહમદે પાનનો ગલ્લો ખોલ્યો ને ધંધો ધીમેધીમે સારો જમાવ્યો એટલે ત્રણેકવાર દીવાળું ફુકેલ અમારા ગામના જેસુખે કીધું, “જો આ વલ્લીએ મારો ધડો કરીને મને પૂછ્યું હોત તો હું એને મારે આવતે મહિને સીંગદાળીયાની રેંકડી કાઢવી છ ઈ ધંધે બેસાડીદત ને એને આ દુકાનનું મહિને દસ રૂપિયા ભાડું બચત.” તો સનખડામાં ત્રણ ગધેડાના માલિક પભલા કુંભારની ફરિયાદ કે “ભના રબારીએ લાંબી ડોકના બે સાંઢિયા ને ત્રણ નવચન્દ્રી ભેંસું લીધી તયેં મને પૂછ્યું હોત તો હું એને કત કે ગધેડા સસ્તા ને જાજા કામના.” વિસાવદરમાં એકબીજાના વાંસાના ટેકે છગન કંદોઈની દુકાનના પાટિયે બાર બેસીને વાત કરતા મોજીબાપાને મેં સવજી ભગતને કે’તા સાંભળ્યા કે “આ ગુજરાતના નવા વડાપ્રધાન ભલે થ્યા પણ ઈ જ્યાં લગી મારી સલાહ નહીં લે યાં લગી એને નવાબસાહેબ જેવું રાજ કરતા નહીં આવડે.” ટુંકમાં, આવા ડફણેએ કેડી ચાતરીને ભીંતે ભટકાઈને હાલતા “હું ડાહ્યો ને જગ મુરખ” માનનારાઓ માટે મારે એક ટુંકી વાત માંડવી છ.

હવે ઘણાને ખબર જ હશે કે જાજું ચારણી સાહિત્ય ડીંગળપીંગળ ભાષામાં લખાયેલ છે ને એમાં દુહા, જુદાજુદા છંદ, છપાખરાં, સાખી, ચોપાઈ, સવૈયા, વ. આવે. આજકાલ હું કાગબાપુના સવૈયા વાંચું છ ને એમાં એક સવૈયાના બાંધામાં હિરણાના કાંઠે નેસના એક ખોઇડેથી એનો જુવાનજોદ્ધ મૂછાળો પહર ચારવા જાય છ ને એની રૂપરૂપનો અંબાર એવી વીસેક વરસની આયરાણી ઢોરઢાંખરની ગમાણુ ને ઢાળીયું સાફસૂફ કરી, બપોરના ભાત સાટુ ચૂલે મગબાફણાં અઢેલીને હિરણે માટીની હેલે પાણી ભરવા જાય છ. ઈ ઇંઢોણી માથે ટેકવેલી છલોછલ હેલે જીયેં નદીનો પટ વટોળીને સામે ઢાળે પુગે છ તો યાં એને એક ગર્ય ચારણ કવિ મળે છ. ઈ કવિ જોવે છ કે ઉગતા સુરજની સાંખે ઈ માટીની પણ હિરણના પાણીએ ભીની હેલ સોનાથીયે જાજી જગરા મારે છ ને કવિરાજ મનોમન વિચારે છ ને હેલને કે’છ:

“બુન, તું કેવી નસીબદાર છો. તારી લગોલગ માટીની કાયા સોળવલ્લા સોના જેવી જગે છ ને પાછી આ કંકુવર્ણી બાઈના ઘાટીલા માથે જીણા, અંકોડી ભરતની મોતીની ઇંઢોણીએ તું બેઠી છો.” તયેં આ ગર્યની પનિહારીના માથેથી માટીની હેલ કવિરાજને કે’છ ને ઈ કાગબાપુનો સવૈયો:

“ખોદી કુદાલ ચઢાઈ હે રાઠમ
દેહ પટકી ઝટકી જલધારણ
લાતમ મારી ચડાયે ચાકડે
દોરીકી ફાંસી દઈ દેહ ઉતારે
ટીપેથી ટીપી જલાઈ હે આગે>
ને તોહી લુગાઈ ટાંકણ મારે
યું ધમસી સગરી ગગરી કહે
કૌન એ પારકી પીડ વિચારે

આમ તો આ સવૈયો કદાચ થોડાક માટે સમજબારનો પણ હોય એટલે હું એને મારી રીતે સાદી બાનીએ સમજાવું. તો ઈ હેલ કે’છ કે:

અમે આ બાઈના માથે મુગટ બનીને એમનેએમ નથી બેઠાં. આ ઊંચાઈએ બેઠાં ઈ પેલાં આ નદીની ધારે ભેખડમાં જીયે માટી બની વરસોવરસ જીવતર કાઢતાંતાં તીયે ભલે અઢળક ટાઢ, તડકો ને વરસાદ સહન કરતાંતાં પણ અમારી પોતીકી મોજ અને મહેક હારે. એમાં એક દી’ કુંભાર એના ખંભે ત્રિકમ ને પાવડો લઈને આવ્યો ને અમારાં કૂણાં કાળજે જનોઈવઢા જોરીલા ઘા કરીને અમારા કાળજાં ઊંડે લગી કોતર્યાં ને પાવડેપાવડે અમને એના ગધેડે બેયકોર લાદીમાં (અડધિયાં કોથળામાં) લદોલદ ભર્યાં. પછી ઈને અમને ગધેડે ગામ ફરેવીને એના ઝૂંપડાની ફળીમાં ઢગલે ફેક્યાં. જોવાનું ઈ છે કે આમ ફેંકીને પાછું એને જાણે દયા આવી હોય એમ અમારા ઉપર પાણી છાંટ્યું. તયેં બેઘડી તો અમારા કાળજે ટાઢક થઇ ને અમને ઈવડો ઈ કુંભાર દયાભાવે લાગ્યો. પણ અમે નરાધર ખોટા હતાં કારણ ઈ જ કુંભાર એના બેય ઉઘાડા પગે અમારા ઉપર ચડ્યો, કૂદયો, કસીકસીને અમને ઈને પાટા માર્યા ને અમને સાવ છૂંદી નાખ્યાં. પછી અત્યાર લગી અમે જે બધી બેનું હારે હતી ઈનાં દનડાં ને દલડાં કાપીકાપીને અમારા પીંડા કરી ને અમને એના ચાકડે ચડાવ્યાં.

ચાકડે એને એવા ફેરવ્યાં કે અમારી આંખ્યે અંધારાં આવી ગ્યાં. આમ ખુબ ઘુમાયડયા પછી દોરીથી અમને ગળાફાંસો દઈ ને ચાકડેથી ઉતાર્યાં ને તડકે મૂકી ને સૂક્વ્યાં. સાવ સુકાઈને ખાખ થઇ ગ્યાં પછી એના ધગધગતા નિભાડે પક્વ્યાં ને ટાઢાં પડયાં એટલે અમારા માથે ગેરુ ચડાવ્યો ને અમે અમારાં માટીનાં અસલી રંગરૂપ ને ઈ ગર્યના મલકની ભીની સુગંધ ખોઈને બજારમાં વેચાણાં. બજારમાંએ આ અને આવી કેટલીયે પનિહારિયુંએ અમારા માથે કેટલાયતો એના ચાંદીના બલોયેથી ને આંગળીના વેઢીયાથી ટકોરા માર્યા ને જયારે અમે રણક્યા તીયે અમે વેચાણા ને પછી આ ઘાટીલા માથાનો મુગટ બન્યા છ.

આ મારી સરળ બાનીમાં કાગબાપુનો સવૈયો શબ્દસહઃ “મારો ધડો ન કર્યો,” મને ન પૂછ્યું,” વ. કે’નારા ગામેગામના સૌ ડફણેએ ભીંત હારે ભટકતા હાલે એને લાગુ પડે છ એમ મને લાગે છ.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

3 thoughts on “સવૈયામાંથી શીખ

  1. Really after long long time I was so happy and delighted to go through such a wonderful literature . Gujarat in general and Sorath Saurashtra in particular has its own history n heritage of culture and tradition. I m deeply impressed and feel proud of being a part of this wonderful land.congratulations and big thanks to the writer and editor. Expecting more n more such literature in time to come .

  2. ભાઈ સનત અને જગદીશભાઈ – આપ જેવા વાંચકોના હૃદયસ્થ પ્રતિભાવે જ હું મારા ખુદના નાનામોટા અનુભવો આપણી સોરઠી બાનીમાં મારી રીતે ચીતરી સકું છ બાકી આજકાલ લખવાવાળા તો વાંચવાવાળા કરતાં કદાચ જાજા છે પણ ઈ આપણી તળપદી લઢણે લખનારા જેમ ભીખુદાન ગઢવી કે’છ એમ “ઘટત ઘટત” છે. એટલે મારો આશય આપણા કાઠિયાવાડી સાહિત્યના રસાથળમાં છેલ્લે “ચટણી” થઈને પણ પીરસાવાનો છે. ફરી આપના ઉમળકાભેર પ્રતિસાદ બદલ આભાર, ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published.