નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૫૨

સપનાં સાકાર કરવા માટે સપનાં જોવાં જરૂરી છે

નલિન શાહ

અગ્રગણ્ય નાગરીકો અને રાજકીય નેતાઓની હાજરી સુનિતાની વગનો માપદંડ હતો. સમારંભની શરૂઆત કરવા સાગરે માઇક સંભાળ્યું અને લોકો બેસવાને બદલે સામે ઊભાં રહ્યાં. એણે સૌને આવકાર્યાં અને શુભેચ્છા માટે આભાર માન્યો. ‘આર્કિટેક્ટ તરીકે આ ઇમારત મારે માટે એક ચુનોતી હતી. મારી પત્નીએ દોરેલું ‘સ્વપ્ન’ નામનાં પેન્ટિંગનું આબેહૂબ અનુકરણ વાસ્તવિક કારણોસર મુશ્કેલ હતું. મારો પ્રયત્ન કેટલી હદે સફળ રહ્યો છે એ નિર્ણય જોનાર જ કરી શકે. એ પેઈન્ટિંગ રાજુલની કલ્પના માત્ર હતી, પણ તે જ દિવસથી મારી મમ્મીએ મનસૂબો કર્યો હતો કે એને વાસ્તવિક રૂપ આપવું. નસીબે અમને મદદ કરી અને મારા વડવાઓ પ્રાપ્ત કરેલી આ વિશાળ જગ્યાનો ઉપયોગ કરવાની પ્રેરણા પ્રદાન કરી. રાજુલને અમે સરપ્રાઇઝ આપવા માંગતાં હોઈ એને અત્યાર સુધી આ વાતથી અજાણ રાખી હતી. અમે આ ઇમારતને ‘સ્વપ્નમહેલ’ નામ આપવા માંગતાં હતાં. પણ અમારા કૌટુંબિક સંસ્કારે અમને કોઈ પણ પ્રકારના આડંબરથી દૂર રાખ્યાં છે ને ‘મહેલ’ શબ્દ આડંબરયુક્ત હોવાથી રાજુલ પણ એ પસંદ ના કરત, એટલે અમે કેવળ ‘સ્વપ્ન’ નામ પસંદ કર્યું છે. આગળની જર્જરીત લાગતી ભીંત, પણ રાજુલની કલ્પના હતી. ઘરને પ્રદર્શનની વસ્તુ થતી રોકવા એણે એ ભીંતની કલ્પના કરી હતી. કેટલી હદે અમે એની કલ્પનાને સાકાર કરવા સફળ રહ્યાં છીએ એ તો એની કલાકારની દૃષ્ટિ જ માપી શકે, બાકી જે કહેવાનું છે એ મારાં મમ્મી કહેશે, આભાર!’ કહી એને માઇક સુનિતાને સોંપ્યું.

સુનિતાએ રાજુલનો હાથ થામી એની નજદીક ખેંચી બોલવાનું શરૂ કર્યું, ‘આ મારી દીકરી કરતાંય વધુ વ્હાલી વહુનુ વર્ણન કરવા મારી પાસે પૂરતા શબ્દોનો અભાવ છે. અમારી પહેલી મુલાકાત એક મીઠા ઝગડાથી શરૂ થઈ હતી. જ્યારે એણે સામે ચાલીને કહ્યુ ‘હું બહુ ગરીબ પરિવારમાં ઊછરી છું’ ત્યારે મારે એને ધમકાવવી પડી, ‘તારા જેવી પાસે જેવું રૂપ હોય, જેવા ગુણ હોય, જેવી પ્રતિભા હોય અને સાથે સાથે સ્વમાનની ભાવના પણ, એને તો સૌથી વધુ સમૃદ્ધ કહેવાય, જ્યારે મારો દીકરો આર્કિટેક્ટનું ભણતાં રાજુલના પ્રેમમાં પડ્યો ત્યારે એણે પોતાની આર્થિક સબળતા છુપાવી. એ રાજુલની ભાવના પ્રત્યે સભાન હતો. એ ગરીબ હતી, છતાં એણે પૈસાને જરૂરિયાતથી વધારે મહત્ત્વ કદી નહોતું આપ્યું. એ એને એના વ્યક્તિત્વથી પ્રભાવિત કરવા માંગતો હતો, આર્થિક સમૃદ્ધિથી નહીં.

‘મને એ વાતનો આનંદ છે કે આવી વિલક્ષણ પ્રતિભા ધરાવતી શાલીન વહુના હાથમાં કુટુંબનો દોર સોંપી આજે હું નિવૃત્ત જીવન ગાળવાનાં સપનાં સેવી રહી છું. ધન્ય છે એ પરિવારને જેમાં એ ઊછરી છે ને ધન્ય છે એની દેવીસ્વરૂપ બેનને, જેના ત્યાગે એની પ્રતિભા ખીલવી છે.

‘એની ચિત્રકળામાં હંમેશાં ઓતપ્રોત રહેવા છતાં કુટુંબની જવાબદારી કુશળતાથી નિભાવે છે. એની પાસે બધું છે, કેવળ સમયનો અભાવ છે’ ને હસતાં હસતાં બોલી, ‘એને મળવા માટે મારે પણ એની પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.’

રાજુલ સુનિતાને વળગી માઇકમાં બોલી, ‘આજે મમ્મી જિંદગીમાં પહેલી વાર જૂઠું બોલ્યાં’ ને બધાં હસી પડ્યાં.

‘હવે એક છેલ્લી પણ મહત્ત્વની વિધિ કરવાની બાકી છે.’ સુનિતા શબ્દો ચીપીચીપીને બોલી, ‘આ ઇમારત, રાજુલનું આ સ્વપ્ન શેઠ પરિવાર તરફથી રાજુલને ભેટરૂપે પ્રદાન કરીએ છીએ, જેની માલિકી કેવળ એની રહેશે.’ આમંત્રિતો અવાક્‍ થઈ સાંભળી રહ્યા. ધનલક્ષ્મીના કાને વિશ્વાસ ના બેઠો. રાજુલ સ્તબ્ધ થઈ સુનિતા સામે જોઈ રહી. સુનિતાએ એનો હાથ ખેંચી પ્રોપર્ટીના કાગળોનું પરબીડિયું એના હાથમાં થમાવ્યું, ‘આ મારી શરમાળ વહુને માંગતાં તો નથી આવડતું, પણ વગર માંગે મળેલું લેતાં પણ નથી આવડતું.’

સાસુવહુના આ સંબંધે ધનલક્ષ્મીને વિસ્મયમાં ગરકાવ કરી દીધી. લોકોએ તાળીઓના ગડગડાટથી શેઠ પરિવારને વધાવ્યું અને રાજુલને પણ કાંઈ બોલવા આગ્રહ કર્યો. સુનિતાએ માઇક રાજુલના હાથમાં સોંપ્યું. બે ઘડી ચૂપકીદી સેવી રાજુલે સસ્મિત ઉચ્ચાર્યું, ‘મને કોઈ કહેશો કે હું શું કહું?’

‘તમારા સ્વપ્નમહેલની વાત કરો…’ કેટલાક ઊંચા અવાજે કહ્યું.

‘આ મહેલ નથી, કેવળ ભવ્ય ઇમારત છે….’ રાજુલ હસતાં હસતાં બોલી, ‘ને જેને ઘરમાં પરિવર્તિત કરવાની જવાબદારી મારી આ માએ મને સોંપી છે. હું ઇચ્છું છું કે અમારા સ્વજનો અમારો સાથ નિભાવવા અહીં આવે; ઇમારતની ભવ્યતાના બહાને નહીં. મારા આર્કિટેક્ટ પતિ સાગરે મારી કલ્પનાનાં ઊંડાણને વાસ્તવિકરૂપ આપી એની કાબેલિયત પુરવાર કરી છે. જાહેરમાં એમના વધારે વખાણ કરતાં સંકોચ થાય છે. પણ જેવી રીતે આ ઇમારતની વાત મારાથી છૂપી રાખી હતી તેમ એણે એની કાબેલિયત પણ મારાથી છૂપી રાખી હતી. આ ઇમારત મારા મા સમાં સાસુ અને પતિના પ્રેમનું પ્રતીક છે. જેનો કોઈ મોલ થાય એમ નથી.’

‘હું તો ગામડામાં ગરીબ પરિવારમાં ઊછરી છું. મારી બહેને એના સુખના ભોગે મને શિક્ષણ માટે મુંબઈ મોકલીને સંજોગવશાત મને સાગર જેવો પતિ સાંપડ્યો અને સાથે સાથે બોનસરૂપે આ મા કહો ને..’  એણે સુનિતાને ભાથ ભરી, ‘ને એ ઓછું હોય એમ એક તેજસ્વી બાળક અને સેવાભાવી ડૉ. માનસી જેવી સહૃદયી સહેલી અને કાંઈ બાકી રહ્યું હોય એમ આ ઇમારત! મેં સપનામાં પણ નહોતું કલ્પ્યું કે મારા પ્રારબ્ધમાં આ બધું લખાયું હતું. હવે પ્રભુ પાસે વધુ કાંઈ માગું તો એ લોભની પરાકાષ્ટા કહેવાય. મેં ક્યાંક વાંચ્યું છે કે સપનાં કદી સાચાં નથી હોતાં ને જે સાચાં હોય છે એ સપનાં નથી હોતાં. ક્યારેક એમ પણ થાય છે કે સપનાં સાકાર કરવા માટે સપનાં જોવાં જરૂરી છે. આજના અનુભવે મને એક વસ્તુનું ભાન જરૂર કરાવ્યું છે કે મારાં સપનાને ઉડાન ને વાસ્તવિક રૂપ આપવા મારાં સાસુ ને મારા પતિએ કેટલી વ્યથા અનુભવી હશે! અંતમાં હું એટલું જ કહીશ કે ભવિષ્યમાં મારે સપનાં જોવાં હોય તો એમની વ્યથાનો વિચાર પહેલાં કરવો પડશે. આભાર!’

રાજુલનું વક્તવ્ય સાંભળનારાઓના હૃદય પર ઊંડી અસર કરી ગયું અને તાળીઓની ગુંજ હવામાં પ્રસરી ગઈ.

ધનલક્ષ્મીએ પણ પ્રભાવિત થઈ માનસીને કહ્યું, ‘કેટલી હોશિયાર છે આ બાઈ, તારું નામ પણ લીધું. મને જરૂર મળાવજે, મારે એની સાથે વાત કરવી છે.’

માનસી પણ એ જ ઇચ્છતી હતી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.