ફિલ્મસંગીતના નકશીકારો (૨૧) બાસુ ચક્રવર્તી

પીયૂષ મ. પંડ્યા

રાહુલ દેવ બર્મને તેમના ત્રણ મુખ્ય સહાયકો સાથે મળીને ફિલ્મી સંગીતના આધુનિકરણ માટે અનેકવિધ પ્રયોગો કર્યા અને કંઈ કેટલાંયે યાદગાર ગીતોનો ખજાનો રસિકજનોને ધરી દીધો છે. એ પૈકીના બે- મારુતિરાવ કીર અને મનોહારી સિંહ વિશે અગાઉની કડીઓમાં અહીં લખાઈ ચૂક્યું છે. રાહુલદેવના ‘ત્રણ એક્કા’માંના ત્રીજા એટલે બાસુદેબ ચક્રવર્તી, જે ‘બાસુ’ નામે પ્રખ્યાત હતા.

આ કલાકારનો પરિચય મેળવવા માટે શરૂઆત કરીએ ૧૯૭૪ની ફિલ્મ ‘શોલે’ના એક નાનકડા અંશથી, જ્યાં ખુંખાર ખલનાયક ગબ્બરના પ્રવેશ સાથે જ ભયાવહ સંગીત વાગે છે.

 

એ સાંગીતિક અંશ ચેલો નામના બહુ પ્રચલિત નહીં એવા તંતુવાદ્ય ઉપર બાસુ ચક્રવર્તીએ વગાડ્યો છે. વળી સંગીતના એ અંશનું સર્જન પણ એમનું જ છે. ફિલ્મમાં જ્યારે જ્યારે ગબ્બરનો પ્રવેશ થાય ત્યારે દરેક વખતે એ અંશ વાગતો રહે છે અને દર્શકો ઉપર ઈચ્છિત અસર ઉપજાવે છે. પ્રસ્તુત ક્લીપમાં બાસુના દીકરા સંજીવ ચક્રવર્તી એને વિશે વાત પણ કરે છે અને ચેલો ઉપર એ વગાડી પણ બતાવે છે.

 

આ જ ફિલ્મમાંના અતિશય લોકપ્રિય બની ગયેલા હાર્મોનિકા વાદન વિશે ગઈ કડી (ભાનુ ગુપ્તા)માં જ આપણે વિગતે વાત કરી ગયા છીએ. બેશક, એ અંશ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અને રેકોર્ડીંગમાં ભાનુ ગુપ્તાએ વગાડ્યો છે અને એના સર્જનનો યશ સંગીતકાર રાહુલ દેવને ખાતે જાય છે, પણ એ ટૂકડો મૂળ તો બાસુનું જ સર્જન છે.

સને ૧૯૨૮ની ૨૩મી જાન્યુઆરીના રોજ કલકત્તા મુકામે જન્મેલા બાસુ એમનાં મા-બાપનું દસમું અને છેલ્લું સંતાન હતા. ઘરનાં બધાં જ સભ્યો સંગીતપ્રેમી હોવાથી કુદરતી રીતે જ બાસુને નાની ઉમરથી જ સંગીતનો નાદ લાગ્યો હતો. એમના એક મોટાભાઈ કલકત્તામાં સંગીતશાળા ચલાવતા હતા. બાળવયના બાસુ અવારનવાર ત્યાં જતા રહેતા. અહીં તેમને વિવિધ વાદ્યોનો અને વાદ્યકારોનો પરિચય થતો રહ્યો. આગળ જતાં વિશ્વવિખ્યાત બનેલા એવા વાયોલિનવાદક વી.જી.જોગ જ્યારે કલકત્તામાં હોય ત્યારે એ સંગીતશાળાની મુલાકાત લેતા. બાસુના મોટાભાઈ કમલ ચક્રવર્તી એમની પાસે વાયોલિન શીખવા લાગ્યા. આ કારણે બાસુને એ વાદ્ય માટેનું કુતૂહલ હતું તે આકર્ષણમાં ફેરવાતું રહ્યું. જો કે બાસુએ પ્રારંભિક તાલિમ ત્યાંના સુખ્યાત કલાકાર બસંત ગુપ્તા પાસેથી લીધી. તેમની પાસે બાસુ વાયોલિન અને સાથે સાથે ચેલો તેમ જ તબલાં વગાડતાં પણ શીખ્યા. ચેલો મૂળભૂત રીતે તો વાયોલિન જેવી જ રચના ધરાવે છે અને એને વગાડવાની પધ્ધ્તિ પણ વાયોલિન વગાડવાને મળતી આવે છે. મુખ્ય તફાવત કદનો છે. વાયોલિન પ્રમાણમાં નાનું અને હળવું હોવાથી વાદક એને આસાનીથી પકડીને વગાડી શકે છે, જ્યારે એની સરખામણીએ ચેલો અતિશય મોટું અને વજનદાર હોવાથી વાદક શારીરિક રીતે મજબૂત હોવો જરૂરી છે. નીચે એ બન્ને વાદ્યોનાં કદ અને પકડવાની પધ્ધતિ વચ્ચેનો તફાવત જોઈ-સમજી શકાય છે.

બાસુનો શારીરિક બાંધો ખાસ્સો મજબૂત હોવાથી એ સહેલાઈથી ચેલો સાથે કામ પાડતાં શીખી ગયા. કિશોરવયમાં પ્રવેશે એ પહેલાં બાસુને કલકત્તાની નાટ્યમંડળીઓના સંગીતવિભાગમાં કામ મળવા લાગ્યું. તે સમયે બાસુના ધ્યાનમાં આવ્યું કે વાયોલિન વાદકોને મળતા રોજીંદા ભથ્થા કરતાં ચેલો વગાડનારાઓનું મહેનતાણું દોઢું હતું. કારણ સાદું હતું _ સાવ ઓછા કલાકારો વજનદાર ચેલો વગાડી શકે એવા મજબૂત હોવાથી એને માટેના વાદકો મેળવવા મુશ્કેલ હતા!

એમની વધતી જતી નિપૂણતા જોતાં પંકજ મલ્લિક અને રાયચંદ(આર.સી.) બોરાલ જેવા સંગીતકારોએ સ્થાનિક ફિલ્મોનાં ગીતોમાં વગાડવા માટેનાં વાદ્યવૃંદમાં બાસુને સ્થાન આપ્યું. આગળ જતાં સત્યજિત રે સુધી બાસુની ખ્યાતિ પહોંચી. અને એમની ફિલ્મો માટે બાસુને તક મળવા લાગી. એ અરસામાં તેમણે પંડીત રવીશંકર સાથે કેટલાક સ્ટેજ કાર્યક્રમોમાં કામ કર્યું.

 

પં રવીશંકર સાથે

એ સમયગાળામાં સ્વેતોસ્લાવ નામના એક વિખ્યાત રશીયન ચેલોવાદક ટૂંકા રોકાણ માટે કલકત્તા આવ્યા. બાસુએ આ મોકો ઝડપી લીધો અને તેમની પાસેથી ચેલોવાદનની બારીકિઓ શીખ્યા.

જો કે ભાગલા પછી બંગાળના ફિલ્મોદ્યોગનાં વળતાં પાણી થવા લાગ્યાં. તે સમયે સલિલ ચૌધરી મુંબઈ અને કલકત્તા વચ્ચે આવન-જાવન કરતા હતા. એમની પારખુ નજરમાં બાસુ હતા જ. આથી ચૌધરીએ બાસુને પોતાની સાથે મુંબઈ રહી, ત્યાં નસીબ અજમાવવાનું સૂચન કર્યું. સામેથી આવેલી આ તક ઝડપીને બાસુ મુંબઈ ગયા. એકાદ વર્ષના સંઘર્ષ પછી એમને વ્યવસ્થિત કામ મળવાનું શરૂ થયું. એવામાં બાસુના કલકત્તા નિવાસી સહકર્મી અને મિત્ર મનોહારિ સિંહ પણ મુંબઈ જઈ પહોંચ્યા. આમ થતાં બસુને મોટો સધિયારો મળ્યો. સદનસીબે મોટા ભાગનાં વાદ્યવૃંદોમાં આ બેય મિત્રોને સાથે કામ મળતું રહેતું હતું. બાસુ અત્યંત કુશળ એવા ચેલોવાદક તરીકે ત્યાંનાં વાદ્યવૃંદોમાં જાણીતા થઈ ગયા.

૧૯૫૮માં બસુ સચીન દેવ બર્મનના વાદ્યવૃંદમાં જોડાયા. એ જરૂર પ્રમાણે ચેલો અને વાયોલિન બન્ને વગાડી લેતા હતા. મુંબઈમાં રહ્યે રહ્યે બાસુએ પીયાનો-વાદનમાં પણ સારી એવી મહારત કેળવી. સ્વરલીપી/નોટેશન્સ લખવામાં પણ એ કાબેલ હતા. બાસુના સ્વભાવમાં નિયમિતતા અને શિસ્ત બાળપણથી હતાં જ, સાથે એક કરતાં વધારે વાદ્યો વગાડવાની કુશળતા અને ખાસ તો ધૂનને ઝડપથી સમજી લઈને એને માટેની સ્વરલીપી લખવાની આવડત વડે એ વ્યાવસાયિક વર્તૂળોમાં સ્વીકૃત જ નહીં, અનિવાર્ય બની ગયા. આગળ જતાં સચીન દેવ અને રાહુલ દેવનાં વાદ્યવૃંદોની એરેન્જમેન્ટ અને તેના સંચાલનની જવાબદારી પણ બાસુએ મનોહારિ સિંહના સાથમાં નિભાવી.

આશા, ગીતકાર વર્મા મલિક અને સચીન દેવ સાથે બાસુ

રાહુલ દેવે એમની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’(૧૯૬૧)થી જ બાસુને પોતાની સાથે બોલાવી લીધા. એ બાસુ ઉપર એટલા આધારિત થઈ ગયેલા કે કોઈ ગીતમાં બાસુએ વગાડવાનું ન હોય તો પણ એમને સાથે રાખવાનો આગ્રહ રાખતા. બાસુએ પોતાની તબિયતે સાથ આપ્યો ત્યાં સુધી રાહુલ દેવને નિષ્ઠાપૂર્વક સાથ આપ્યો.

ડાબેથી મારૂતિરાવ, ભાનુ ગુપ્તા, લુઈ કોરીઆ, બાસુ અને મનોહારિ, રાહુલ દેવની સાથે

અભિનેતા-ગાયક કિશોરકુમારે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. એમનાં સર્જનોને આખરી ઓપ હંમેશાં બાસુ જ આપતા રહ્યા. નિર્માતા શક્તિ સામંતે પોતાની એક ફિલ્મ ‘અમાનુષ’ (૧૯૭૫)ના સંગીતનું કામ  સંગીત બંગાળી સંગીતકાર શ્યામલ મિત્રને સોંપેલું. એ સમયે મિત્ર મુંબઈના વાદકો અને ત્યાંની કાર્યપધ્ધ્તિથી જરાયે પરિચિત ન હતા, આથી નિર્માતાએ મિત્ર અને અન્યો વચ્ચે સુયોગ્ય સંકલન કરવાની જવાબદારી બાસુને સોંપી. એ કપરી કામગીરિ બાસુએ સુપેરે નિભાવી. બપ્પી લાહીરિએ સંગીતકાર તરીકે મુંબઈમાં પદાર્પણ કર્યું ત્યારે કૌટુંબિક સંબંધ હોવાથી બાસુએ એમની શરૂઆતની બે ફિલ્મો ‘જખ્મી’(૧૯૭૫) અને ‘ચલતે ચલતે’(૧૯૭૬)ના સંગીતનિયોજન  માટે ખાસ્સી મદદ કરી. ઉલ્લેખનિય છે કે ન તો એ ફિલ્મો માટે બાસુને કોઈ શુલ્ક મળ્યું હતું કે ન તો શ્રેયયાદીમાં એમનો ઉલ્લેખ હતો! એ બન્ને ફિલ્મોનાં ગીતોમાં બપ્પીનાં ગીતોમાં ઓછી જોવા મળે છે એવી તાજગી છે.

બાસુએ મનોહારિ સિંહ સાથે જોડી બનાવી અને ‘બાસુ-મનોહારિ’ એવા નામથી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. પણ એમાંની કેટલીક સાવ નિષ્ફળ ગઈ અથવા તો પ્રદર્શિત જ ન થઈ. જે જાણીતિ થઈ એ ફિલ્મોમાં ૧૯૬૮ની ‘બંબઈ રાત કી બાહોં મેં’, ૧૯૭૬ની ‘સબ સે બડા રૂપૈયા’ અને ૧૯૮૩ની ‘ચટપટી’ તેમ જ જીના હૈ પ્યાર મેં’ ગણાવી શકાય. ૧૯૮૧માં હ્રદયરોગનો હૂમલો આવ્યા પછી બાસુએ કામ લેવાનું સાવ ઓછું કરી દીધું હતું.

બાસુના પ્રદાન વાળાં નોંધપાત્ર ગીતોની યાદીમાં ટોચ ઉપર સંગીતકાર સચીન દેવ  ફિલ્મ ‘ગાઈડ’(૧૯૬૫)નું ‘કાંટો સે ખીંચ કર યે આંચલ’ મૂકી શકાય. સંગીતકાર સચીન દેવ એના ઈન્ટરલ્યુડ્સ ટૂંકા રાખવાના મતના હતા. બાસુએ સૂચવ્યું કે લાંબા સમય માટેના ઈન્ટરલ્યુડ્સ નાયિકાના મુક્તિના ભાવને વધુ અસરકારક રીતે વ્યક્ત કરી શકશે. લાંબી ચર્ચા પછી સચીન દેવ એ માટે તૈયાર થયા અને પરિણામ આપણે જાણીએ છીએ.

એટલું જ નોંધપાત્ર ગીત એટલે સંગીતકાર સચીન દેવ  બનાવેલું ‘શર્મીલિ’(૧૯૭૧)નું ‘મેઘા છાયે આધી રાત’. એ ગીતનો પૂર્વાલાપ/પ્રિલ્યુડ તેમ જ તેના મધ્યાલાપ/ઈન્ટરલ્યુડ્સ ભારતિય અને પશ્ચીમી વાદનના અદભૂત સંમિશ્રણ વડે સજાવાયા છે. આ કમાલ બાસુનો છે. એ ગીત પ્રસ્તુત છે.

૧૯૭૪ની ફિલ્મ ‘શોલે’ના ગીત ‘મહેબૂબા મહેબૂબા’ની શરૂઆતમાં ૦.5 થી 0.17 સુધી કેટલાક વિશિષ્ટ નાદસ્વર કાને પડતા રહે છે. ધ્યાનથી સાંભળતાં એ નાદો વચ્ચે વચ્ચે વારંવાર કાને પડતા રહે છે. બાસુએ કાચની ખાલી બાટલીઓમાં ફૂંક મારીને એ નિપજાવ્યા હતા.

ફિલ્મ ‘વૉરન્ટ’(૧૯૭૫)ના ગીત ‘રુક જાના ઓ જાના’માં પણ આવો અનોખો પ્રયોગ બાસુએ કર્યો હતો. ગીતના પ્રિલ્યુડ સંગીતમાં પણ ‘રુક રુક રુક રુક’ જેવો ધ્વનિ કાને પડે છે. પછી કિશોરકુમાર એ ગાવાનું શરૂ કરે છે ત્યારે ફરીથી વાદ્ય દ્વારા એ જ અસર ઉભી કરવામાં આવી છે. આ મૌલિક વિચાર અને એના અમલીકરણનો સમગ્ર યશ બાસુને ફાળે જાય છે.

 

૧૯૭૮ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’ના ગીત ‘હમ કો તો યારા તેરી યારી’ ના ઈન્ટરલ્યુડ્સ અને કાઉન્ટર્સ/ ઓબ્લીગેટોસ સંપૂર્ણપણે બાસુએ બનાવ્યા હતા. શોખીનો અને જાણકારો એ અંશોને કાયમી યાદગીરી ગણાવે છે.

 

અસાધારણ ક્ષમતા અને સાંગીતિક સૂઝ હોવા છતાંયે શરમાળ કહેવાય એ હદનો અંતર્મુખી સ્વભાવ હોવાથી બાસુ બહુ પ્રસિધ્ધિ ન પામ્યા. વળી શિસ્ત માટેનો એમનો જીદની કક્ષાનો આગ્રહ વ્યવસાયિક વાદકોને અનુકૂળ ન પડતો. આથી બાસુને શુભેચ્છકો તો પુષ્કળ મળ્યા પણ અંગત કહેવાય એવા મિત્રો ઓછા મળી શક્યા. જો કે આજે પણ બાસુનું ફિલ્મી સંગીત માટેનું પ્રદાન તો માત્ર અને માત્ર પ્રશંસા જ પામતું રહ્યું છે.

સને ૨૦૦૧ની ૨૭મી જુલાઈ ના રોજ બાસુએ મુંબઈ ખાતે દેહ છોડ્યો.

નોંધ……
તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “ફિલ્મસંગીતના નકશીકારો (૨૧) બાસુ ચક્રવર્તી

  1. માહિતી સાથે સંગીત સભર લેખ આપનેા મજાનો રહ્યો છે. ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published.