ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિને સમૃદ્ધ કરતું માધ્યમ: અનુવાદ [૨}

શબ્દસંગ

નિરુપમ છાયા

ગુજરાતી સાહિત્યપરિષદના ભુજમાં યોજાયેલા જ્ઞાનસત્રમાં ‘અનુવાદ: એક સાંસ્કૃતિક ઘટના’ વિષય અંગેનાં સત્રમાં ડો. દર્શનાબહેન ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના  અનુવાદના  પ્રશ્નો’ વિષય પર મૂકેલ વિચારોનું આપણે આચમન કર્યું. આજે આપણે રમણિક સોમેશ્વરે ‘અનુવાદ: ભાષાની આંનદ ક્રીડા’ વિષય પર મૂકેલ વિચારોનું  અને સાથે  સાહિત્યકાર રમણભાઈ સોનીનાં   અધ્યક્ષીય સમાપનનું આચમન કરીશું.

પોતાના વિષયની ભૂમિકા બાંધતાં રમણિકભાઈએ કવિ બોદલેરનું મંતવ્ય ટાંક્યું કે કવિઓ વૈશ્વિક ભાષાંતરકારો છે, કારણકે તેઓ સૃષ્ટિની ભાષા- તારામંડળ, જલતત્વ, વૃક્ષરાજી આદિ-નો  મનુષ્યની ભાષામાં અનુવાદ કરતા રહે છે. આમ સૃષ્ટિની ભાષાનો, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવભાષામાં અનુવાદ થતાં પ્રત્યેક ભાષા સ્વયં પોતે એક અનુવાદ છે એવું મંતવ્ય આપીને ભાષા તરફ જતાં ભાષા અંગે શ્રી નગીનદાસ પારેખની બહુ મૌલિક વાત મૂકી કે, “ દરેક ભાષા સૈકાઓના વપરાશ અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઈતિહાસથી એવી વિશિષ્ટ રીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.” આ પરથી, માનવમાત્રની સંવેદનાના સમાન ભાસતા રણકારને કારણે જ પરભાષામાં વ્યક્ત થતાં સંવેદનો ઝીલવાની ઉત્કંઠા જાગી હશે અને એમાંથી અનુવાદની ભાષાનો  આવિર્ભાવ થયો એવી એક નૂતન સંકલ્પના પણ વક્તાએ પ્રસ્તુત કરી.

એ પછી ત્રણ પ્રશ્નો તેઓ મૂકે છે: ૧. શું છે અનુવાદની ભાષા ? ૨. વિકસતાં અને વિલસતાં કેવી રીતે બંધાય છે એનો પિંડ? ૩. કેવા કેવા વળાંકો વચ્ચેથી પસાર થવું પડે છે? જેના ઉત્તરમાં ૧૭૯૧માં પ્રકાશિત એલેક્ઝાંડર ફ્રેસર ટાઈટલરનાં અનુવાદના સિદ્ધાંત માટેનાં ગણાતાં પ્રથમ પુસ્તકમાં આપેલાં મહત્વનાં ત્રણ સૂત્રો મૂકે છે : ૧. અનુવાદમાં મૂળ રચનાનો પુરેપુરો ભાવ જળવાવો જોઈએ. ૨. અનુવાદની શૈલી મૂળ રચનાની શૈલીને અનુરૂપ હોવી જોઈએ. ૩. મૂળ  કૃતિની સુબોધતા અનુવાદમાં પણ પ્રગટવી જોઈએ. આ ત્રણ સિદ્ધાંતોમાંથી અનુવાદની ભાષા વિષે વાત કરતાં રમણિકભાઈ કહે છે કે સંનિષ્ઠ સર્જક પોતાની ભાષાને ભરપૂર ચાહે છે, કૃતિને સુચારુ ઘાટ આપવા ભાષાના આંતરબાહ્ય પ્રવાહીને જાણે છે, નાણે છે, ભાષાનાં અંગેઅંગને એના આભરણો, આભૂષણો અને આઘાતો સહિત  આત્મસાત કરવાની મથામણ કરે છે. આ બધી વાતોનો સાર તેઓ  એક વાક્યમાં મૂકે છે, અનુવાદક કોઈ એક ભાષાની કૃતિને નવી ભાષામાં પુનર્જન્મ આપે છે અને મૂળ કૃતિના જેવી જ પીડા અને પ્રસન્નતા અનુવાદની પ્રક્રિયામાં અનુભવે છે.

આ પછી  અનુવાદનાં કેટલાંક ઉદાહરણો પણ આપે છે:

૧. રશિયન સર્જક તોલ્સતોયની નવલ ‘વોર એન્ડ પીસ’ના અનુવાદ માટે જયંતિ દલાલે એના દસ અંગ્રેજી અનુવાદોમાંથી બે સારા પસંદ કરી, એના ફકરેફકરા સરખાવી એમાંથી સંયોજન કરી, ‘યુદ્ધ અને શાંતિ’ નામનો અનુવાદ આપ્યો.

૨.લક્ષ્મણ માને નામના મરાઠી  લેખકની ‘ઉપરા’ નામની કૃતિમાં અડધા ભાગમાં કૈકાડી નામની બોલીની છાંટ સાથેની ગ્રામીણ ભાષા હતી એટલે અનુવાદક શ્રીપાદ ભાવેને એના  ગુજરાતી શબ્દો માટે ઠીક ઠીક શોધ કરવી પડી. તેઓ લેખકને સતારા જઈને મળ્યા, ગુજરાતી ભાષાની તળપદી બોલીમાં લખાયેલી નવલકથાઓ ઝીણવટથી વાંચી અને પછી અનુવાદ આપ્યો, આવા સંનિષ્ઠ સ્વાધ્યાય અને સર્જનાત્મક ઉદ્યમથી અનુવાદની ભાષા નીપજે છે.

૩. શ્રી જહાંગીર સંજાણાનાં  એક મંતવ્ય, ‘ભાષાન્તરે આપણી ભાષા બોલવી જોઈએ-ગુજરાતી બોલવી જોઈએ’ સ્પષ્ટ કરતું ઉદાહરણ તેમણે શ્રી રમણ સોનીના ‘ત્તોત્તોચાન’માંથી આપ્યું. કથાની બાળનાયિકા તોત્તોચાનને તારની વાડ નીચેથી સરકી જવાની મજા પડે. એમ કરતાં એક વખત ફ્રોક ચિરાઈ  ગયું. પછી માની વઢથી બચવા એણે એક ગપ્પું ઉપજાવી કાઢ્યું. જે અંગ્રેજીમાં આ રીતે હતું: “AS I WAS WALKING ALONG THE ROAD A LOT OF CHILDREN I DON’T KNOW THROW KNIVES AT MY BACK. THAT’S WHY MY DRESS TORN LIKE THIS.” સજ્જ અનુવાદકે કેવી રસાળ રીતે એ મૂક્યું: “ હું રસ્તા પર ચાલતી હતીને ત્યારે છે ને એકદમ બહુ બધાં છોકરાં આવ્યાં. એમણે ખબર નહીં કેમ, પણ છે ને, બહુ બધી છરીઓ ફેંકી, તે એ છરીઓથી જો આ ડ્રેસ ફાટી ગયો !” ૩. શરીફા વીજળીવાળાએ સ્ટીફન ત્સ્વાઈકની વાર્તા AMOKનું ગુજરાતી હડકાયો આપ્યું. કારણકે નાયક ઘેલો થઈને નાયિકા પાછળ દોડ્યો. પણ એમના એક મિત્રએ ચર્ચા કરતાં ‘ભુરાયો’ શબ્દ સૂચવ્યો જેનાથી અનુવાદકને પ્રસન્નતા થઈ.

૪. જર્મન કવિ રિલ્કેની કવિતાનો હરીન્દ્ર દવેએ કરેલો લયાત્મક અનુવાદ માણવા જેવો છે. આ કાવ્યના ઉઘાડની અંગ્રેજી પંક્તિ EXTENGUISH MY EYES નો અનુવાદ સાંભળીએ:

‘ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ,

મને એ કાચ નથી કંઈ ખપના.’     રિલ્કેનું જાણે સર્જનાત્મક નવ સંસ્કરણ.

રમણિકભાઈએ પોતે એક તેલુગુ કવિ એન. ગોપીના ‘જલગીતમ’નો અનુવાદ કર્યો છે. એની કેફીયતમાં તેમણે કહ્યું કે  લયાત્મક અનુવાદ માટે હિંદી અંગ્રેજી અનુવાદોમાંથી પસાર થયા, એક તેલુગુભાષી સહકર્મી, તેલુગુ જાણતા ગુજરાતી પ્રાધ્યાપક અને સ્વયં કવિ સાથે ચર્ચા કરી, મૂળ કવિ સાથે  ટેલીફોનીક શ્રવણ વગેરે કેટલીયે મથામણોમાંથી પસાર થયાની વાતો કહી. ઉદાહરણરૂપે એક પંક્તિ જોઈએ. કવિતામાં વાદળની પાઘડી પહેરી ઉભેલા પર્વતનું મનોહર ચિત્ર આવે. હિન્દીમાં શબ્દ હતો પગહિયાં, અંગ્રેજીમાં શબ્દ હતો TURBAN. આપણા આ કવિ સોમેશ્વરના મનમાં તો વાદળનો સાફો બાંધીને ઊભેલા વરરાજા શા પર્વતનું ચિત્ર ઝળક્યું અને આ પંક્તિઓ ઉતરી આવી. :

“ગગન ઉછળ્યા મેઘ બની વાદળના સાફા,

અચલ ઊભા પર્વતના – મસ્તક પર સોહે.”

આમ તેમણે ઉમેર્યું કે કવિતામાં આવતાં સ્થળ કાળ, વ્યક્તિવિશેષ આદિના સંદર્ભો મેળવતાં મેળવતાં સંસ્કૃતિ સેતુ રચાતો રહે અને કાવ્યાનુવાદ- અનુવાદને પિંડ બંધાતો રહે. તેમણે એક કૃતિના અનેક અનુવાદો, મેઘદૂત, શાકુંતલ વગેરેના અનુવાદો જેવી ચર્ચા પણ કરી. અંતમાં તેમણે કહ્યું કે અનુવાદ કરતાં કરતાં ક્યારેક આપણે આપણી  ભાષાને જ નવી રીતે પામીએ છીએ.. નવી નવી લઢણોને શોધવા જતાં આપણે દ્વિજ સંસ્કાર પામેલી એક ત્રીજી જ ભાષાને મળીએ છીએ. સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ તો એ દ્વારા જ રચાય છે.

સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીએ અધ્યક્ષીય વક્તવ્યમાં  અનુવાદની વાત અનુવાદક પાસે ઊભા રહીને, અને વાચક પાસે ઉભા રહીને એમ બે રીતે કરી. તોલ્સતોયની નવલકથાના એક અંગ્રેજી અનુવાદક રિચર્ડ પિવિયરેએ આપેલી અનુવાદની સાદી પણ માર્મિક ઓળખ પણ સંભારી. “એક ભાષામાંથી ખેંચીને બીજી ભાષામાં જુદા પાડી શકાય એવા કોઈ અર્થનું બીજી ભાષામાં કરતું સ્થાનાંતર નથી. અનુવાદ તો બે ભાષા વચ્ચેનો સંવાદ છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરીને  કહ્યું કે  સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોને બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તારમાં એની પોતાની ભાષાની સાહિત્યકૃતિઓનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્ય કૃતિઓનો પણ છે. એડિથ ગ્રોસમેનનું ‘ઉત્તમ અનુવાદો અનુવાદ રહીને પણ મૌલિક લેખનનો દરજ્જો  ધરાવે છે’ એવું  દૃષ્ટિબિંદુ પણ આપીને તેમણે બે વાતો સ્પષ્ટ કરી. એક, ઉત્તમ રીતે થયેલા  અનુવાદો એ બીજા સ્તરનું લેખન નથી, એ આપણી પોતાની કુલ સાહિત્ય સંપદાનો જ એક ભાગ બને છે. અને બીજું ઉત્કૃષ્ટ અનુવાદો મૌલિક લેખનને પણ પ્રેરે છે.સંસ્કૃત કવિ બાણની કાદંબરીના  કવિ ભાલણે  અને પ્રેમાનંદે કરેલા દશમસ્કંધ ના અનુવાદની પણ આ સંદર્ભે ચર્ચા કરી.

અનુવાદક  અને અનુવાદ ની વાત કરતાં તેમણે કહ્યું કે …અનુવાદકને બે સંસ્કૃતિઓ વચ્ચે, ને ખાસ તો, બે ભાષાઓ વચ્ચે ભીંસીને પસાર થવાનું આવે છે. એક રસિક અને જિજ્ઞાસુ વાચક પછી અનુવાદક આસ્વાદક-વિવેચક હોય તો નિકટ વાચન કરીને મર્મસ્થાનો પકડે છે પણ અનુવાદ માટે હાથમાં લે ત્યારે ઘણાં  સ્થાનો અપરિચિત લાગવા માંડે છે અને એનો નવેસરથી પરિચય કરવા અનુવાદકે  મથવું પડે છે. જો ક્યારેક અનુવાદક વિલક્ષણ ચોકસાઈના અતિરેકમાં મૂળ ભાષાના શબ્દ સામે શબ્દ અને વાક્ય સામે વાક્ય બેસાડવા મંડી પડે તો એનાથી પોતાની ભાષા, ભૂલાય અને અનુવાદ દુર્વાચ્ય અને કઢંગો થઈ જાય છે. એટલે અનુવાદકે વફાદારી અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનું છે.

વાચક અને અનુવાદક ની વાત કરતાં તેમણે  કહ્યું કે આજનો વાચક કેવળ કથારસ માટેનો જ મુગ્ધ રસિક નથી- ન હોઈ શકે. આજના  સમયે એક સજ્જ અનુવાદકની જેમ સજ્જ વાચકની પણ અપેક્ષા રાખેલી છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે અનુવાદોમાં ગામોનાં કે પાત્રોનાં  નામોમાં લ્યુસીનું લક્ષ્મી કરી આપો તો જ વાંચીએ એવા નરમ અને નિર્દોષ વાચકો અનુવાદના યોગ્ય વાચકો ન કહેવાય. સજ્જ સાહિત્યરસિકને નડતા અનુવાદનાં કારણો તેમણે મૂળ કૃતિની ભાષાની સમજનો અભાવ, લક્ષ્ય ભાષાની સરખી માવજતનો અભાવ કે બંનેના અભાવે થયેલા નબળા અનુવાદો એવાં આપ્યાં. અનુચિત શબ્દચયનો, ખોડંગાતાં વાક્યોથી ઊભી થતી ક્લિષ્ટતા, વગેરેથી પણ નબળા અનુવાદોને કારણે અનુવાદ પ્રવૃત્તિનું  મૂલ્ય અને મહત્વ ઘટે છે.

અંતમાં એમણે સાહિત્ય સંસ્થાઓની  અનુવાદ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ બાબતો જેવી કે  અનુવાદકની પસંદગી, પરામર્શકો, અનુવાદોની જરૂરી આકરી સમીક્ષાઓ, કાર્યશાળાઓની અછત વગેરેની ચર્ચા પણ કરી. સાહિત્ય પરિષદના સુપ્ત  અનુવાદ કેન્દ્રને સક્રિય કરી, પરિસંવાદો, કાર્યશાળાઓ અને અનુવાદ પુસ્તકોના પ્રકાશન પર ખાસ ભાર મુક્યો.


(ત્રણેય વક્તવ્યનાં અલગ અલગ  મૂળ લિખિત સ્વરૂપ જો કોઈ ભાવક ઈચ્છે તો MAIL ADDRESS જણાવવાથી એની PDF  મોકલી શકાશે.)


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિને સમૃદ્ધ કરતું માધ્યમ: અનુવાદ [૨}

 1. ” જર્મન કવિ રિલ્કેની કવિતાનો હરીન્દ્ર દવેએ કરેલો લયાત્મક અનુવાદ માણવા જેવો છે. આ કાવ્યના ઉઘાડની અંગ્રેજી પંક્તિ EXTENGUISH MY EYES નો અનુવાદ સાંભળીએ:
  ‘ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ,
  મને એ કાચ નથી કંઈ ખપના.’ ” …વાહ!
  ખૂબ સુંદર લેખ.
  સરયૂ પરીખ

  1. આપનો mail પણ મળ્યો..તમારા બ્લોગની જરૂર મુલાકાત લઈશ..

Leave a Reply

Your email address will not be published.