(૧૦૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૯ (આંશિક ભાગ – ૧)

– મિર્ઝા ગ઼ાલિબ

વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના

(શેર ૧ થી ૩)

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના
આદમી કો ભી મયસ્સર નહીં ઇંસાઁ હોના (૧)

[દુશ્વાર= મુશ્કેલ; આસાઁ= સરળ; મયસ્સર= મળેલું; પ્રાપ્ત, (અહીં) સહેલું હોવું; ઇંસાઁ= ઇન્સાન, મનુષ્ય]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં વિષય વૈવિધ્ય હોય છે અને તેમાંય વળી કોઈકવાર તો તેઓ દાર્શનિક બની જાય છે અને જીવનદર્શનની ઝાંખી પણ કરાવે છે. આ શેરના પહેલા મિસરામાં ગ઼ાલિબ માનવજીવનની એક વાસ્તવિકતા આપણી સમક્ષ રજૂ કરતાં જણાવે છે કે એ માની લેવું મુશ્કેલ છે કે જીવનમાં દરેક કાર્ય કે લક્ષપ્રાપ્તિ ખૂબ જ  સરળતાથી સિદ્ધ કરી શકાય છે. ઘણીવાર આપણે વણથંભી અથાગ મહેનત કરીએ તો જ સફળતા પ્રાપ્ત થતી હોય છે અથવા એવું પણ બને કે આપણે અંતે નિષ્ફળ જ રહીએ.

બીજા મિસરામાં ગ઼ાલિબની કટાક્ષમય હળવી રમુજવૃત્તિ પ્રગટ થાય છે. ગ઼ાલિબ કહે છે કે જીવનનાં બીજાં અઘરાં કાર્યોની વાત તો જવા દો, પણ માનવી માટેનું સાવ સહેલામા સહેલું કામ જો હોય તો તે એ છે કે તે ખરા અર્થમાં માનવી થઈ બતાવે. પરંતુ આપણે જોઈએ છીએ કે માનવી આ સહેલું કામ પણ કરી શકતો નથી. ઈશ્વરનું ઉમદા સર્જન એટલે માનવી અને છતાંય આપણને ઘણીવાર જોવા મળે છે કે માનવી પશુ કરતાં પણ બદતર પુરવાર થાય છે. ગુજરાતી કવિ ઉમાશંકરે પોતાના એક કાવ્યમાં ગ઼ાલિબની આ જ વાતને ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું’ શબ્દોમાં વ્યક્ત કરી છે.

આમ આ શેરનો પ્રથમ મિસરા જીવનના કોઈ પરમલક્ષને પામવા માટે પુરુષાર્થની હાકલ કરે છે, તો વળી બીજો મિસરો માનવીએ માનવ બનીને માનવતાના ગુણને વિકસાવવાની શિખામણ આપે છે. વળી આ શેરમાં આદમી અને ઇન્સાન શબ્દો સમાનાર્થી લાગતા હોવા છતાં ગ઼ાલિબ ‘ઇન્સાન’ શબ્દને પ્રભુત્વ આપે છે, જેનો મતલબ એમ થાય કે ‘આદમી’ તો જન્મથી સૌ કોઈ ગણાઈ શકે; પણ પોતાનામાં ઉમદા ગુણોનું સિંચન કરીને ઇન્સાન બનવું તે વધારે ઉત્તમ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી માન્યતા મુજબ હજરત આદમ આ પૃથ્વી ઉપરના પહેલા પુરુષ હતા અને તેમના વંશજો ‘આદમી’ કહેવાયા. આમ ‘આદમી’ શબ્દ ‘આદમ’ ઉપરથી, તો તે જ રીતે ‘મનુજ, મનુષ્ય, માનવ’ શબ્દો ‘મનુ’ ઉપરથી બન્યા છે. ‘મનુ’ને પણ આદિ પુરુષ તરીકે માનવામાં આવે છે અને તેથી ‘આદમ’ અને ‘મનુ’ને બૌદ્ધિકો એક તરીકે જ ઓળખાવે છે.

* * *

ગિર્યા ચાહે હૈ ખ઼રાબી મિરે કાશાને કી
દર ઓ દીવાર સે ટપકે હૈ બયાબાઁ હોના (૨)

[ગિર્યા= રડવું-કકળવું, આંસુ વહાવવાં; કાશાના= નાનું ઘર, ઝૂંપડી; બયાબાઁ= જંગલ]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં ઘણા શેર એવા જોવા મળે છે કે જે પહેલા વાંચનમાં સમજવા મુશ્કેલ હોય છે. એવા શેર પૈકીનો આ એક શેર છે, જે સમજાયા પછી આપણને લાગશે કે તેમાં દર્શાવાયેલી પ્રતિકાત્મકતા (Symbolism) કાબિલે તારીફ છે. અહીં આંસુનો પ્રત્યક્ષ જે ઉલ્લેખ છે, જે પ્રતિક બને છે અને તે અપ્રત્યક્ષ એવા બારિશને બયાન કરે છે. તો વળી નાનું ઘર કે ઝૂંપડીનો પ્રત્યક્ષ ઉલ્લેખ જે છે, તે શાયરના  અલ્પ એવા જીવનને અપ્રત્યક્ષ રૂપે દર્શાવે છે. આમ આ શેરમાં બબ્બે રૂપકો છે, જે તેની વિશિષ્ઠતાને ઉજાગર કરે છે.

પહેલા મિસરામાં ગ઼ાલિબ કહે છે કે મારાં વહેતાં આંસુ મારા નાનકડા ઘર રૂપી મારા અલ્પજીવનની તબાહીને કારણે છે. જેમ બારિશના કારણે મારા નાનકડા ઘરની દિવાલો અને દરવાજાઓમાંથી ટપકતા પાણીના  કારણે જોતજોતામાં એ જમીનદોસ્ત થઈને વેરાન જંગલ જેવી સ્થિતિમાં આવી જાય, બસ તેમ જ મારા અલ્પ જીવનમાં પણ એવાં વિઘાતક પરિબળોએ મારા જીવનને વેરાન કરી દીધું છે, જેના કારણે હું રૂદન કરી રહ્યો છું. મારા જીવનમાં આવી પડેલી એ વેદનાઓ મારા હૃદયને કોરી ખાય છે અને તેથી હું મારા રૂદન ઉપર કાબૂ મેળવી શકતો નથી.

આ શેરના પ્રથમ મિસરામાંના ‘ચાહે હૈ’નો કોઈક અભ્યાસુઓ ‘ઇચ્છે છે’ એવો અર્થ કરે છે, તો વળી કોઈક ‘ભલે છે’ એવો અર્થ તારવે છે. હવે આ તો શબ્દાર્થો થયા કહેવાય, જે ‘ગિર્યા’ અર્થાત ‘રોકકળ’ સાથે બંધ બેસતા નથી. આમ મેં એ શબ્દોના અર્થમાં ઊંડા ઊતર્યા વગર પુખ્ત વિચારણાના અંતે સર્વગ્રાહી (Comprehensive) સારરૂપે આ શેરનું અર્થઘટન કર્યું છે, આમ છતાય શક્ય છે કે કોઈ પાઠકનું મંતવ્ય આનાથી ભિન્ન પણ હોઈ શકે.

* * *

વા-એ-દીવાનગી-એ-શૌક઼ કિ હર દમ મુઝ કો
આપ જાના ઉધર ઔર આપ હી હૈરાઁ હોના (૩)

[વા-એ-દીવાનગી-એ-શૌક઼=  પ્રેમના ઉન્માદમાંથી ઉદ્ભવતી બેચેની; હૈરાઁ= હેરાન]

 

પોતાની જાત ઉપર જ મજાક કરતો ગ઼ાલિબનો આ શેર આપણને પણ ઘડીભર મોજ કરાવી જાય છે. પ્રથમ મિસરામાં માશૂક કબૂલ કરે છે કે પોતાનામાં માશૂકા પરત્વેનો પ્રેમ એટલો બધો તો તીવ્ર છે કે તે દીવાનાપણું અનુભવે છે. વળી આ દીવાનગી પણ એવી છે કે જે હરપળ તેમના ચિત્ત ઉપર સવાર થયેલી રહે છે અને તે તેમને એવી ફરજ પાડે છે કે તે માશૂકાની ગલીએ જઈ પહોંચે અને તેની સાથેના મિલનના આનંદને માણે. અહીં માશૂકને જાણ તો છે જ કે માશૂકા તરફથી કોઈ ભાવ મળવાની આશા નથી, તેમ છતાંય પેલી દીવાનગી તેમને માશૂકા તરફ ધકેલે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની શક્તિનો પરિચય ‘ઉધર’ શબ્દપ્રયોગથી જણાઈ આવે છે. અહીં શેરનો પાઠક આપમેળે સમજી જ જાય છે કે ‘ઉધર’ એટલે માશૂકાનું નિવાસસ્થાન. આમ માશૂક કબૂલે છે કે દીવાનગીના પ્રભાવ હેઠળ માશૂકાની દેહલીજ (ઉંબર) ઉપર જાતે જ પહોંચી જવું અને તેની અવહેલનાના કારણે વળી પાછા જાતે જ હેરાન થવું, અર્થાત્ દુ:ખી થવું એ નરી મૂર્ખાઈ છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે પ્રેમદીવાનાઓ આવી મૂર્ખાઈઓ વારંવાર કરતા જ રહેતા હોય છે, એ આશાએ કે કોઈક દિવસે તો તેમનો પ્રેમ રંગ લાવશે જ.

ગ઼ાલિબ આ ગ઼ઝલના દરેક શેરના અંતે આવતા રદીફ ‘હોના’ને બાખૂબી ન્યાય આપે છે, તે આપણા ધ્યાન બહાર રહેવું જોઈએ નહિ. અગાઉ અનેકવાર કહેવાયું છે અને છતાંય અહીં એ વાતને ફરી રજૂ કરું છું કે ગ઼ઝલ એ કોઈ કવિતા નથી કે જે કોઈ એક વિષયને સમજાવે. અલબત્ત ગ઼ઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે તો ખરો, છતાંય તે દરેક શેરના અંતે આવતા રહેતા રદીફના કારણે એક જ ભાવસાતત્યને તો જાળવી જ રાખ  છે.

                                                                                   (ક્રમશ: ભાગ-૨)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે     

 

Author: Web Gurjari

1 thought on “(૧૦૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૯ (આંશિક ભાગ – ૧)

Leave a Reply

Your email address will not be published.