બિર: છોટા સા ‘ગાંવ’ હોગા, બાદલોં કી છાંવ મેં

કાચની કીકીમાંથી

ઈશાન કોઠારી

ડિસેમ્બર, ૨૦૨૧ માં અમે ચાર મિત્રોએ બિરનો પ્રવાસ કર્યો. બિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. આશરે ૯૦૦ની વસતિ ધરાવતું આ ગામ છે હવે પેરાલાઈડિંગ માટે જાણીતું બની ગયું છે. ઘણા લોકો ત્યાં ફક્ત પેરાલાઈડિંગ કરવા પૂરતું જ આવે છે. થોડા વખતથી જ આ જગ્યા જાણીતી બની છે. બિર ઘણી શાંત જગ્યા છે. ઘણા લોકો અહીં પોતાનું કામ લઈને બેત્રણ અઠવાડિયા માટે રહેવા પણ આવે છે. અમે અહીં ૬ દિવસ રોકાયા. આસપાસમાં ઘણી ફરવાની જગ્યાઓ છે.

એક દિવસ અમે બિર માર્કેટ અને બાકીના દિવસે બિરની આસપાસ ફર્યા. ‘ભટ્ટુ’ ગામ બિરથી છએક કિ.મીના અંતરે છે, ત્યાં એક મોનેસ્ટરી છે. કોવિડના કારણે મોનેસ્ટરી બંધ હતી. પણ ત્યાં સુધી ચાલીને જવાની જ અમને બહુ મજા આવી.

ગુનેહર ધોધ બીજું એક સ્થળ છે, જ્યાં અમે સાયકલ ચલાવીને ગયા હતા. (બિરમાં સાયકલ અને સ્કૂટી ભાડે મળે છે). બિરથી આ સ્થળ આશરે ૧૩ કિ. મીના અંતરે છે. જેમાં છેલ્લા ૨-૩ કી. મી ટ્રેક કરીને અને પછી અમુક ભાગમાં પાણીમાં થઈને જવાનો રસ્તો છે. મુસાફરીનો બધો થાક એ ધોધ જોઈને ઊડી જાય એવી જગ્યા છે.

બીજું એક સ્થળ સૂજા ગામ, જે બિરથી નાનું છે, ત્યાં પણ અમે ગયા હતા. એ ખૂબ સુંદર ગામ હતું.

છ દિવસ દરમ્યાન જે ફોટા ખેંચ્યા તેમાંથી અમુક ફોટા અહીં મૂક્યા છે.

બિરમાં ટહેલવાની ખૂબ મજા આવે. ઠેકઠેકાણે આવા સુંદર દૃશ્યો જોવા મળે.

****

અમે બિરથી ધરમશાળા એક્ટીવા લઈને ગયા હતા. બિરથી ધરમશાળા ૭૦ કિ.મીના અંતરે હતું. રસ્તામાં અમને આવા નજારા જોવા મળ્યા.

****

બિરથી ગુનેહર ધોધ સાયકલ ચલાવીને જતી વખતે ખેંચેલો ફોટો. જો કે, જેટલું સુંદર દૃશ્ય છે એટલું જ કઠોર સાયકલ ચલાવીને ત્યાં પહોંચવાનું થઈ પડ્યું હતું. એ રસ્તે ચઢાણ ખાસું હતું. અમને સાયકલ પર સાત કિ. મી કાપતાં પાંચ કલાક લાગ્યા હતા. અને પાછા વળતાં અમને એટલું જ અંતર કાપતાં ફક્ત ૨૫ મિનિટ લાગી હતી.

ગુનેહર ધોધ

****

સૂજા ગામ જતાં અમે એક તીબેટન શાળામાંથી પસાર થયા હતા. ત્યાં ખેંચેલી આ તસવીરો છે.

 

****

બિરમાં અમે પેરાગ્લાઈડીંગની પૂછપરછ માટે ગયા હતા, તે દુકાનની બહાર ખેંચેલો ફોટો. ફોટામાં જાણે એક પડછાયો વિચાર કરતો હોય એમ જણાય છે.

****

પેરાગ્લાઈડીંગ સાઇટ બિર બિલિંગ તરીકે ઓળખાય છે. બિર ગામથી એ ૨૦ કિ.મીના અંતરે છે. આ ફક્ત પેરાગ્લાઈડીંગ ટેક ઓફ સાઇટ છે, એટલે કે પેરાગ્લાઈડીંગ માટે બેસવાનું અહીંથી, પણ ઉતારવાનું સ્થળ બિર ગામ છે. પેરાગ્લાઈડીંગ માટે અમારા વારાની રાહ જોતા હતા ત્યારે ખેંચેલી આ તસવીર છે. અમે એક સ્ટોલ પર મેગી ખાવા આવ્યા હતા, એ સ્ટોલ પર આવાં ચિત્રો દોર્યા હતા, એ ચિત્રને મારે કશાકથી કનેક્ટ કરવા હતા. આ ફોટામાં એ જોવા મળશે.

****

રોજ સવારે હું ગામમાં ચાલવા નીકળતો. એ વખતે ગામલોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. આ માજી બહાર તડકે બેઠાં હતાં. તેમના સ્થાનિક પહેરવેશને કારણે મને તેમનો ફોટો લેવાનું મન થયું.

****

સાયકલ લઈને જતા હતા ત્યાં અમને રસ્તામાં ચાના બગીચા નજરે પડ્યા. ત્યાં કેટલીક સ્ત્રીઓ ચાના છોડને કાપીને સરખા રહી હતી. મારે અહીં સ્ત્રી કામ કરતી હોય એવો ફોટો લેવો હતો, પણ સ્ટિલ ફોટો નહોતો લેવો. આથી ફોટો તે મોશનમાં હોય એવી અસર ઊભી કરી.

****

પ્રવાસના આખરી દિવસે લીધેલો ફોટો છે. મારે ફક્ત હીમશીખરોનો ફોટો ન લેવો હતો એટલે મેં એક ફ્રેમ બનાવીને એમાંથી ફોટો ખેંચ્યો. મારે ખાલી ફ્રેમ પણ નહોતી જોઈતી. આથી તેમાં કોઈ વ્યક્તિ આવે એની રાહ જોતો હતો. પણ એ ફ્રેમમાં વચ્ચે આવે તો શીખરો ઢંકાઈ જાય, એટલે એક બાજુએ દેખાતા ખોખાના માળખામાં કોઈ માણસ આવે ત્યાં સુધી રાહ જોઈ.

****

છ દિવસના આ પ્રવાસ દરમિયાન આ અજાણ્યા સ્થળમાં રહેવાની બહુ મજા આવી. એમ લાગ્યું કે હજી એકાદ સપ્તાહ વધુ રોકાણ કર્યું હોત તો વાંધો ન આવત.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

1 thought on “બિર: છોટા સા ‘ગાંવ’ હોગા, બાદલોં કી છાંવ મેં

  1. I am staying in USA….in GEORGIA state….in ATLANTA…….Lilburn city…….I wish to travel INDIA….but not now……..I born in1942….you know …i can’t, like you…. like Falls……small village……..mountains…rivers….i am Photographer….i like birds …….nature……Enjoy yourself………..

Leave a Reply

Your email address will not be published.