શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: વીસમી સદીનો મૂડીવાદ 1

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

માનવીના માનસિક સ્વાસ્થ્ય પર મૂડીવાદી સમાજની અસર તપાસવા સત્તર-અઢારમી સદીના મૂડીવાદ ઉપરાંત 19મી સદીના મૂડીવાદનાં લક્ષણો આપણે અગાઉના પ્રકરણમાં જાણ્યાં. વીસમી સદીમાં  યંત્રોનું પ્રભુત્વ અત્યંત વધી ગયું. તે કેટલું વધી ગયું તેનો અંદાજ કેટલાક આંકડાઓ પરથી આવી શકશે. 1850માં ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે 15 ટકા માનવશક્તિનો, 79 ટકા પશુશક્તિનો અને 6 ટકા યંત્રશક્તિનો  ઉપયોગ થતો. જ્યારે 1960માં આ પ્રમાણ 3 ટકા માનવશક્તિ, 1 ટકો પશુશક્તિ અને 96 ટકા યંત્રશક્તિનું થઈ ગયું! આજે 21મી સદીમાં તો ઓટોમેશન(યંત્રોના સ્વયંસંચાલન)ના કારણે માણસના શારીરિક શ્રમનું પ્રમાણ તો નહિવત થઈ ગયું છે ઉપરાંત માનવ-મગજનું સ્થાન પણ યાંત્રિક મગજોએ લઈ લીધું છે. ઉત્પાદન પણ ગંજાવર થવા લાગ્યું. જેમ જેમ યાંત્રિકરણ વધતું જાય છે તેમ તેમ મૂડીનું કે‌ન્દ્રીકરણ થતું જાય છે અને મૂડીનું કે‌ન્દ્રીકરણ વધતા યાંત્રિકરણ વધે છે.  તેથી જેમની પાસે મૂડી ઓછી છે તેઓ પોતાના કારખાનાંમાં યાંત્રિકરણ વધારી શકતા નથી. પરિણામે ઉત્પાદનના નાના એકમો ટકી શક્યા નહિ અને મોટી તોતિંગ કંપનીઓ ઊભી થતી ગઈ.

હવે બજાર પણ મોટી કંપનીઓના હાથમાં જ આવી ગયું અને તેમની રાજકીય વગ પણ વધતી ગઈ. મોટી કંપનીઓ નાની કંપનીઓને ગળી જવા લાગી તથા નાના સ્વતંત્ર ધંધો કરનારાઓની સંખ્યા પણ ઘટતી ગઈ. ઓગણીસમી સદીની શરૂઆતમાં જે 80 ટકા લોકો પોતાનો સ્વતંત્ર ધંધો કરતા તેની સંખ્યા પચાસ વર્ષ પછી 20 ટકા થઈ ગઈ. આજે તો આ સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. તેનો સીધો અર્થ એ થયો કે વસ્તીનો મોટો ભાગ માલિક મટી નોકર બની ગયો.

મસમોટી કંપનીઓને કારણે માણસની જીવનશૈલી પર બહુ મોટી અસર પડી. રાક્ષસકાય કંપનીઓમાં કામ કરવા માટે એક સાથે હજારો માણસો નીકળી પડે છે. તેમણે કારખાને પહોંચવા સિવાય કાંઇ વિચારવાનું નથી. ત્યાં પહોંચ્યા પછી પણ કશો જ વિચાર કર્યા વિના નિષ્ણાતોએ નક્કી કરેલી ઝડપે તાલબધ્ધ કામ કરવાનું છે. સવારે આવીને યંત્રોના પૂર્જા સાથે માનવદેહધારી પૂર્જાઓ જોડાઇ જાય છે અને  સાંજે બીજા દિવસે જોડાવા માટે વિખૂટા પડે છે.

યાંત્રિકરણને કારણે ઉત્પાદન તો વિપુલ પ્રમાણમાં થવા લાગ્યું. પરંતુ ચીજવસ્તુઓ જો ખરીદાય જ નહિ તો વિપુલ ઉત્પાદનનો શો અર્થ? લોકોનું એક માત્ર લક્ષ્ય જો વધુ ને વધુ ભૌતિક વસ્તુઓનો ઉપભોગ કરવાનું બની જાય તો જ આ વિપુલ ઉત્પાદનને બજાર મળે. આ કાર્ય મોટા પ્રમાણમાં અને સતત કરાતી જાહેરાતો દ્વારા કરવામાં આવ્યું. જાહેરાતો માટે છાપા  રેડિયો, ફિલ્મ, ટીવી જેવા સમૂહ માધ્યમોનો તો ઉપયોગ થયો ઉપરાંત જે માનસશાસ્ત્રનું કાર્ય લોકોનું માનસિક સ્વાસ્થ્ય દુરસ્ત કરવાનું હોવું જોઈએ તેનો ઉપયોગ પણ જાહેરાતો માટે થવા લાગ્યો. જાહેરાતો એટલે બીજું કશું નહિ પણ લોકો પર  ભૂરકી નાખીને તેમને ચીજવસ્તુઓ ખરીદવા માટે લલચાવવા. પરિણામ એ આવ્યું કે ‘વધુ ને વધુ ઉત્પાદન તથા વધુ ને વધુ ઉપભોગ’ એ આજના યુગનો જીવનમંત્ર બની ગયો. આજે લોકોના શોખ અને રૂચિ પણ બજાર દ્વારા ઉભા કરવામાં આવે છે. કઈ વસ્તુ સારી, ખરાબ કે તમારે જરૂરી છે તે તમે પોતે નક્કી કરી શકતા નથી પણ  બજાર રૂપી જગદીશને જે ગમ્યું એ ખરું.

પરિણામે બધા જ લોકો એક પ્રકારની ચીજવસ્તુઓ વાપરે છે, એક પ્રકારના છાપાં વાંચે છે એક પ્રકારની ફિલ્મો જુએ છે. એક એવો બીબાઢાળ સમાજ ઉભો થયો છે કે જેમાં કોઇને વ્યક્તિગત આદર્શ નથી હોતો કે કોઇ સિદ્ધાંત પણ નથી હોતો. લેખક તો ત્યાં સુધી કહે છે કે આવા બીબાઢાળ સમાજના માનવીને પોતાનો  અંતરાત્મા પણ નથી હોતો. સ્વાભાવિક છે કે આવો માણસ જ આજના મૂડીવાદી સમાજમાં બરાબર બંધ બેસે. અને બજારને બીજું જોઈએ પણ શું?

બીજી એક મોટી અસર એ થઈ છે કે આજનો માનવી ભૌતિક અને ચેતન બધી જ બાબતો સાથે પરાયાપણું અનુભવે છે. અગાઉના સમયમાં કોઈ દરજી પાસે સીવવા માટે એક કપડું આવતું તો તેની સમક્ષ કપાસ ઉગાડનાર ખેડૂતનું, કપાસને લોઢનાર, પીંજનાર, કાંતનાર અને વણકર સુદ્ધા સુધીનું  ચિત્ર ખડું થતું. એ જ રીતે જોડાં સીવનાર મોચી સમક્ષ જેનું ચામડું છે તે ઢોર, ચમાર વગેરે ખડા થઈ જતા. વળી ક્પડાં સીવનારને કે જોડા સીવનારને પોતે તૈયાર કરેલ ચીજવસ્તુ કોણ વાપરે છે તેનો ખ્યાલ રહેતો. આથી આ બધા સાથેના સંપર્કથી તેને નૈસર્ગિક આત્મીયતા થવાને કારણે પરાયાપણું લાગતું નહિ.

પરંતુ આજે કારખાનાંના કારીગરને નથી હોતી કાચા માલની ખબર કે નથી હોતો તૈયાર માલ કોણ વાપરશે  તેનો ખ્યાલ. કારીગરની વાત છોડો, કંપનીના મેનેજર કે માલિકને પણ આ બધી બાબતે કશી પડી નથી હોતી. તેમને મહત્વ ફક્ત નફાનું  જ છે.

ઉત્પાદકની જેમ ગ્રાહક બાબતે પણ એવી જ સ્થિતિ પ્રવર્તે છે. અગાઉ લોકોને વપરાશની ચીજવસ્તુઓ સાથે પણ પ્રેમનો નાતો હતો, તેની સારસંભાળ લેવાતી, તેને છોડતા દુ:ખ અનુભવાતું. આજે તો કાર, ટેલીવિઝન, મોબાઈલ વગેરેનું છેલ્લામાં છેલ્લું (the latest) મોડેલ  હોવું એ ઉંચા આર્થિક અને તેને કારણે સામાજિક દરજ્જા માટેનો માપદંડ ગણાવા લાગ્યો. સામાન્ય માણસને પણ ખરીદેલી વસ્તુ પર નહિ પણ તેની નવીનતા પર પ્રેમ છે; બજારમાં નવી વસ્તુ જોતાવેંત જૂની વસ્તુ છોડવા તૈંયાર થઈ જાય છે. એ જ પ્રમાણે જે ચીજ પોતે વાપરે છે તેની ઉત્પાદન પ્રક્રિયા સાથે પણ તેને કોઈ જ લેવાદેવા નથી.

વીસમી સદીમાં એક મોટો ફેરફાર એ નોંધાયો કે આપણે કોઈ અદૃશ્ય સત્તાને તાબે થવા લાગ્યા. અગાઉ આપણને માતાપિતા ગુરુ, માલિક, અધિકારી કે રાજ્યસત્તા હુકમ આપતી.  કાયદો, ઇશ્વર કે નૈતિક વિવેકબુદ્ધિ પણ આપણને આદેશ આપતા. આ બધી સત્તા પ્રત્યક્ષ હતી. ઇશ્વર, કાયદો કે નૈતિક વિવેકબુદ્ધિ ભલે સન્મુખ દેખાતા ના હોય તો પણ તેમનું એક કાલ્પનિક ચિત્ર તો હતું જ. ક્યારેક  વિદ્ર્રોહ કરીને આ હુકમને તાબે ન થવાનું પણ બનતું. પરંતુ આજના યુગમાં આપણા પર કોઈ અદૃશ્ય સત્તાઓ જ રાજ્ય કરે છે. નફો, આપણી આર્થિક જરૂરિયાતો, બજાર, જાહેર લોકમત વગેરે સત્તાઓ આપણને હુકમ આપે છે. વળી તેના હુકમને આપણે શિસ્તબદ્ધ અનુસરીએ છીએ, કારણ કે તે અદૃશ્ય હોવાથી તેની સામે વિદ્રોહ કે આક્રમણ કેવી રીતે કરવું તે આપણને સમજાતું નથી.

મૂડીવાદી સમાજે સગવડતાપૂર્વક એક સિદ્ધંત ઉભો કરી દીધો છે કે ‘જો તમે તમારી ઈચ્છાની પૂર્તિ નહિ કરો તો તમે હતાશ થઈ જશો.’ આથી જે કોઇ ચીજવસ્તુ ખરીદવાની ઇચ્છા થાય તે ખરીદી લો. જે મોજ માણવાનું મન થાય તે માણી લો. વસ્તુ ખરીદવા કે મોજ માણવા માટે તમારી પાસે પૈસા નથી, તો ફિકર ના કરો. તમને હપ્તેથી ઉધાર આપવામાં આવશે. ઇચ્છાને દાબી ના દો. આ ઇચ્છાઓ પણ જાહેરખબરો દ્વારા કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવે છે. ભૂખ લગાડો અને પેટમાં ઠાંસવા લાગો. ગમે તેટલું ઠાંસવામાં આવશે તો પણ સંતોષનો ઓડકાર આવશે નહિ. આવા ભૂખાળવા સમાજનું આબેહુબ ચિત્રણ આલ્ડસ હકસ્લી(Aldous Huxley 1894 થી 1963)એ તેમની નવલકથા *Brave new world માં કર્યું છે. તેમાં તેમણે  છવ્વીસમી સદીના સમાજની કલ્પના કરી છે. આ સમાજનું મહત્વનું સૂત્ર છે; ‘જે મોજ તમે આજે માણી શકતા હો તેને કાલ પર મુલતવી ના રાખો.’ આલ્ડસ હક્સ્લીએ ભલે આ કલ્પના છવ્વીસમી સદીના સમાજની કરી હોય, પરંતુ આજના સમાજમાં તેના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યાં છે.

આજે દુનિયાના ઘણાબધા દેશોમાં લોકશાહી હોવાથી લોકોની ધારણા છે કે આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પરંતુ આ સ્વતંત્રતા પણ ભ્રામક છે.  સિગ્મંડ ફ્રોઈડે એક સિદ્ધાંત શોધ્યો હતો કે જો કોઈ વ્યક્તિને મુક્ત રીતે બોલવાની સ્વતંત્રતા આપો તો તેના આંતરમનને તમે બરાબર જાણી શકશો. પરંતુ અગાઉ આપણે જોયું તેમ આપણું સ્વતંત્ર વ્યક્તિત્વ જ રહ્યું નથી અને આપણી વ્યક્તિગત સ્વતંત્રતા આભાસી છે. આવી જ સ્થિતિ આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતા બાબતે પ્રવર્તે છે. આપણે જે કાંઈ બોલીએ છીએ તે આપણું પોતાનું છે ખરું? મોટાભાગે તો જે બહારથી આપણી અંદર નાખવામાં આવ્યું હોય છે તે જ બહાર આવે છે. પરસ્પરની વાતચીતમાંથી મેળવેલું, સમૂહ માધ્યમોએ અને હવે તો સોશિયલ મિડિયાએ આપણી અંદર ઓરેલું જ હોય છે. પરિણામે આપણે જે બોલીએ છીએ તે આપણી અંદરથી નથી આવતું. આપણા આંતરમનમાં જે ચાલે છે તેને બહારનાં પરિબળોએ તાળું મારીને કેદ કરી દીધું છે.  જો અંદરથી આવતું જ ન હોય તો માનસશાસ્ત્રી આપણા આંતરમનને શું ધૂળ જાણવાનો છે? લેખક જણાવે છે કે આમછતાં માનસશાસ્ત્રીઓ આપણા સ્વત્વને ઓળખવાના મિથ્યા પ્રયાસ કરે છે. ખરેખર તો તેમનો પ્રયાસ આપણને એવો માનવી બનાવવાનો હોય છે કે જે આજના મૂડીવાદી સમાજનાં માળખામાં બરાબર બંધ બેસે. વળી આશ્ચર્યની વાત એ છે કે આવા માનવીને જ માનસશાસ્ત્રીઓ નોર્મલ માનવી ગણે છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે આપણા આજના સમાજનો ઢાંચો ઘડવામાં છાપાઓ, રેડિઓ, ટેલીવિઝન વગેરેનો  ફાળો  તો છે જ છે પરંતુ તેમાં માનસશાસ્ત્રનો ફાળો કળશરૂપ છે. લેખક એક ગંભીર આરોપ પણ મૂકે છે કે માનસશાસ્ત્ર. માનસિક-ચિકિત્સા અને માનસ-પૃથ્થક્કરણના આ ધંધાઓ માણસના વિકાસ માટે એક ગંભીર ખતરારૂપ બની રહ્યા છે. આગળ વધીને તેઓ ત્યાં સુધી જણાવે છે કે આ ધંધાદારીઓ મોજમજા, ઉપભોગતા અને સ્વત્વહીનતાનો જે નવો ધર્મ પાંગરી રહ્યો છે તેના ધર્મગુરુઓ બની રહ્યા છે!

વાચકમિત્રોને સવાલ થશે કે તો પછી આજના યુગમાં કશું સારું છે જ નહિ? શું આજના યુગને આપણે માંડી જ વાળવાનો છે? લેખકે આ બબતે અગાઉ ખુલાસો  કરેલો જ છે કે આજના યુગના સારા તત્વો અનેક છે, પરંતુ પુસ્તકનો હેતુ ફક્ત આજના સમાજના એવા તત્વો જ જણાવવાનો છે કે જેનાથી  સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું છે. બીજી રીતે કહીએ તો; ‘જ્યારે કોઇ તબીબ રોગનું નિદાન કરે છે ત્યારે તેનું ધ્યાન બિમારીનાં લક્ષણો પર જ હોય છે, નહિ કે વ્યક્તિની તંદુરસ્તી તરફ’ વળી કોઈ માણસ શારીરિક રીતે ખૂબ તંદુરસ્ત હોય, તેના હાથપગ આંખ, કાન, નાક કે બીજા બધાજ અવયવો બરાબર કામ કરતા હોય, પરંતુ જો માનસિક રીતે જ તે બિમાર હોય તો તેને  તંદુરસ્ત કેવી રીતે ગણવો? વ્યક્તિની જેમ સમાજ માટે  પણ આ એટલું જ સાચું છે. આટલી સ્પષ્ટતા સાથે ચોથું પ્રકરણ પુરું કરું છું અને વીસમી સદીના મૂડીવાદના અન્ય લક્ષણોની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરીશું.


(*જાતીય બાબતે અતિશય સ્વછંદતાની હિમાયત, રંગભેદ વિષેના વિચારો તેમજ જુદાજુદા દેશોમાં અન્ય અલગ અલગ કારણોસર આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.)


(ક્રમશ:)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

1 thought on “શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: વીસમી સદીનો મૂડીવાદ 1

Leave a Reply

Your email address will not be published.