રક્તાનુબંધ : ભાગ – ૨

ગતાંક ભાગ – ૧ થી આગળ

નયના પટેલ, લેસ્ટર, યુકે

‘પણ મારો જન્મ વડોદરા થયો હતો.’ અનુજે કહ્યું.

ત્યાં તો શ્રી ભટ્ટાચાર્યની કાર દરવાજે આવી ઊભી રહી. સૌને ‘ગુડ નાઈટ’ કહી અને અનુજને એના આગળ અભ્યાસ માટે ‘બેસ્ટ વિશીસ’ કહી વિદાય થયા.

રાત્રીનો દોઢ વાગવા આવ્યો હતો. અનુજને મારે ઘરે રોકાવાનું હું કહું તે પહેલા તો અનુજ એની મોટર બાઈક તરફ ગયો. મેં રોક્યો પણ નહીં. મારે શ્વાસ લેવાની જગ્યા જોઈતી હોય એવી લાગણી મને થઈ આવી. આ પ્રસંગ બહાર માર્કીમાં રાખ્યો હતો એટલે કામિની નોકરોને બધું સમેટવાની સૂચનાઓ આપવા માટે રોકાઈ.

હું અને નીરા ધીમે ધીમે ઘર તરફ વળ્યા.

બન્ને ચૂપ હતાં.

મારા મનમાં હવે અનુજના મમ્મીનું નામ જાણવાની તાલાવેલી હતી. અમે બન્ને હરીપુરાનાં જ હોઈએ તો હું જરૂર એના નાના કે મામા કે એમના કોઈને કોઈ સંબંધીને ઓળખતો હોઈશ જ! એમ પણ બને કે એ મારી બહેનની બહેનપણી પણ હોઈ શકે! મારી જોડિયા બહેન શીલા અને એની મિત્ર અને મારો પ્રથમ પ્રેમ અંજનીની  યાદે મને ઉદાસ કરી દીધો.

ક્યારે અમે ઘરમાં આવી ગયા તેનો મને ખ્યાલ પણ ન રહ્યો. નીરાએ મારા ખભા પર હાથ મુક્યો ત્યારે હું એકદમ ચમકી ઊઠ્યો!

‘ડેડ, શા વિચારમાં પડી ગયા? અનુજે શ્રી ભટ્ટાચાર્યને ના પાડી એટલે ઉદાસ થઈ ગયા?’

‘અં…..ના બેટા, સાચુ કહું તો હું તો ખુશ થયો. કારણ એને એના લક્ષ્યની ખબર છે અને બીજુ એ કે પૈસા અને ખ્યાતિને ઠોકર મારવાની હિંમત આ ઉંમરે એનામાં જોઈ એની પરિપક્વતા માટે ખૂબ માન થયું.’

‘તો, કેમ એકદમ ઉદાસ થઈ ગયા ડેડી?’ કહી મારા હાથને વળગીને ચાલવા લાગી.

‘થાકી ગયો છું બેટા, ઉદાસ નથી. આજે તો આ તારી પહેલી ફિલ્મ સંપૂર્ણ થયાનો આનંદ છે.’ પણ મને જ મારા બોલવાનું ખોખલું લાગ્યું!

‘ડ્રીંક તૈયાર કરી આપું, ડેડ?’

‘ના, તું સૂઈ જા રાની, જા……’

જ્યારે મને નીરા પર વહાલ આવી જાય ત્યારે હું એના નામને ઊંધું કરી ‘નીરા’ નું ‘રાની’ કરી બોલાવતો.

‘ઓ.કે. ડેડી, ગુડનાઈટ’

‘ગુડનાઈટ, બચ્ચું’

નીરા માળ ઉપર એના રૂમમાં ગઈ અને હું લોંજમાં જ રાખેલી આરામ ખુરશીમાં કામિનીની રાહ જોતો આડો પડ્યો.

આખા દિવસનો થાક અને તેમાં અનુજે કરેલા એની મમ્મીના ગામનાં ઉલ્લેખે મને વિમાસણમાં મૂકી દીધો હતો, ક્યારે મારી આંખ મિંચાઈ ગઈ તેની ખબર જ ન રહી.

માથે કોઈનો સ્નેહાળ હાથ ફરતાં જ એકદમ ઝબકીને હું જાગી ગયો.

કામિનીનો હાથ મેં પકડી લીધો. એની આંખોમાં પણ થાક વર્તાતો હતો. અમે બન્ને જણ અમારા બેડરુમ તરફ જતાં હતાં ત્યારે નીરાએ જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ પ્રશ્ન મને કામિનીએ પણ પૂછ્યો, ‘કેમ, ઉદાસ લાગે છે, નુપ?’

‘અંહ….ઉદાસ નથી, થાકી ગયો છું ની, તું યે થાકેલી લાગે છે.’

કપડાં બદલતાં બદલતાં મેં કામિનીને પૂછ્યું, ‘અનુજે શ્રી ભટ્ટાચાર્યને ના પાડી, એ વિષે તને શું લાગે છે?’

બાથરુમમાંથી બહાર આવતાં આવતાં કામિનીએ કહ્યું, ‘ આમ તો છોકરો ખૂબ મેચ્યોર લાગ્યો, નહીં તો માને આપેલા વચનને લીધે મોટ્ટી ઓફર જતી કરવી સહેલી નથી. અને તે પણ આટલા મોટા ડાયરેક્ટરની ઓફર નકારવા માટે જીગર જોઈએને? (આળસ મરડી, બગાસું ખાતાં ખાતાં) ગુડનાઈટ, નુપ’

લગભગ અઢી વાગવા આવ્યા હતાં. થાક તો ખૂબ જ હતો તો પણ મારા મનમાંથી ‘હરીપુરા’ ગામ નહોતું ખસતું. મારી ગરીબડી બા, ક્રોધી બાપુજી, જીદ્દી જોડિયા બેન શીલા, એ મોટ્ટા ફળિયામાં બે માળવાળું ઘર…..મારા દોસ્તો…..સ્કુલ………અંજની, અર્ધજાગૃત અવસ્થામાં ફિલ્મની પટ્ટી પર એ સઘળા આવતાં-જતાં રહ્યાં.

સવારે તો આંખો ખુલતી નહોતી.

કામિની પણ થાકેલી હતી એટલે એ પણ મોડી ઉઠી.

મેં માંડ માંડ આંખો ખોલીને કામિનીને કેટલા વાગ્યા પૂછ્યું.

કામિની એકદમ મને જોઈને ડરી ગઈ હોય તેમ બોલી, ‘તને શું થયું છે નુપ? જો તો તારી આંખો તો એકદમ સોજી ગઈ છે અને મોં પણ સાવ કેવું થઈ ગયું છે!’

કામિનીને કેમ કરી સમજાવું કે બંધ આંખે હું ભૂતકાળના છાયા – પડછાયામાં રાત આખી અટવાતો રહ્યો હતો. અનુજ વિષે વિગતે માહિતી મેળવવા હું અધીરો થઈ ગયો.

મને મારા પોતાના જ વર્તન પર નવાઈ લાગતી હતી, હું કંઈ ખોટું કામ કરતો હોઉં તેમ બધાથી છાની રીતે કેમ અનુજને મળવાનું મન થતું હતું?

હું ઘરેથી પણ અનુજને ફોન કરી શકતે પણ મેં આગળ કહ્યું તેમ કોઈ આજુબાજુ ન હોય ત્યારે ફોન કરવો હોય તેમ મેં તે દિવસે ઓફિસે જઈને પહેલું કામ અનુજને ફોન કરવાનું કર્યું, ‘અનુજ, થાક ઊતર્યો?’

‘સર, બધું કામ તો આંટીએ અને નીરાએ કર્યું હતું…’

‘એ થાક નહીં, ફિલ્મ પત્યા પછીનો થાક કેવો હોય છે તેનો મને સારો અનુભવ છે, એટલે પૂછ્યું. અને હા, અનુજ તારી પાસે સમય હોય તો એકાદ દિવસ શાંતિથી બેસીને વાતો થાય એમ અહીં ઓફિસમાં આવજેને.’

હજુ પણ ‘હું તારા મમ્મીનાં ગામનો જ છું’ – કહેતાં જીભ ઊપડતી નહોતી.

‘સ્યોર, સર, પણ કાલે તો હું પુણે એડમિશન માટે જવાનો છું, ત્યાંથી કામ પતાવીને પાછો આવીશ પછી નિરાંતે મળીશું.’

જે ભૂતકાળ મારા મનનાં કોઈ ખૂણે સાવ મૃતઃપ્રાય પડ્યો હતો તેના પર અનુજે કરેલા એનાં ગામના નામે જાણે સંજીવનીનો છંટકાવ કર્યો અને ફરીને આળસ મરડીને બેઠો થવા માટે તડપતો હોય તેમ પીછો નહોતો છોડતો!

અઠવાડિયું વીતી ગયું.

‘અપર્ણા’નાં ઍડિટિંગનું કામ પૂર જોશમાં ચાલતું હતું. પ્રોમો માટેના સીન્સ નક્કી થઈ ગયાં. હવે ફિલ્મની રિલિઝ  થવાની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. અમારા મેનેજર સ્વરૂપે ફિલ્મની જાહેરાત માટે ટેલિવિઝનના વિવિધ રીયાલિટી શૉઝમાં અનુજ અને નીરાને જવા માટેની તારીખો લગભગ નક્કી કરી નાંખી હતી.

બરાબર દસમે દિવસ અનુજ મુંબઈ પાછો આવ્યો. હવે એ મારા ડ્રાયવર ભરતની બાજુની ખોલીમાં રહેતો નહોતો. એણે દાદરમાં એક રૂમ ભાડે રાખ્યો હતો.

આખો દિવસ મેં અનુજનાં ફોનની રાહ જોઇ.

નીરા સાંજે મળી ત્યારે એણે અનુજને એડમિશન મળી ગયાનાં અને ત્યાં રહેવાની સગવડ પણ કરી આવ્યાની માહિતી આપી. મારી ધીરજ હવે હદ વટાવવા માંડી હતી.

સાચું કહું તો અનુજ સાથે ખાનગીમાં કેમ મારે વાત કરવી છે – એ લાગણી હું પોતે પણ સમજી શકતો નહોતો.

મારી આ ન સમજી શકાય એવી મુંઝવણ અને બીજી તરફ અનુજને મળવાની તાલાવેલી!

ખેર, મારી અધિરાઈનો અંત આવ્યો અને અનુજનો ફોન એક દિવસે સવારે આવ્યો. મેં એને એ જ સાંજે મળવા બોલાવ્યો. કારણ એક તો મારી અધિરતા અને બીજું કે બીજા દિવસથી ફિલ્મનાં પ્રમોશન માટે ટેલિવિઝનનાં એક શોમાં જવાનું હતું અને પછી એ જ રીતે અમારા સૌનું રોકાણ વધી જવાનું હતું.

સાંજે સાત-સાડા સાતે એને બોલાવ્યો હતો. સાડા સાત…. આંઠ થયા…સાડા આંઠ થવાની તૈયારી હતી અને નીરાનો ફોન આવ્યો, ‘ ડેડ, અનુજને તમે સાંજે મળવા બોલાવ્યો હતોને? એના મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે એટલે એ હમણાં સાંજની ફ્લાઈટમાં વડોદરા ગયો. હું એને મૂકવા એરપોર્ટ પર આવી હતી અને એણે જ મને તમને ફોન કરી ‘સોરી’ કહેવા કહ્યું છે.’

બે ઘડી તો હું દિગ્મૂઢ થઈ ગયો! અનુજ સાથેની મિટિંગની વાત મેં નીરાને કહી નહોતી એ જાણે મેં ગુન્હો કર્યો હોય તેમ થોડો ક્ષોભ પણ થયો. ઘરે ગયા પછી નીરા અનુજનાં વડોદરા પહોંચી ગયાના ફોનની રાહ જોતી હતી. હું પણ અસ્વસ્થતાથી અનુજના મમ્મીની તબિયતનાં સમાચાર સાંભળવા આતુર હતો.

રાત્રે અગિયાર વાગે હોસ્પિટલથી અનુજનો ફોન આવ્યો. એનાં મમ્મીને બ્લડ ટ્રાન્ફ્યુશન કરી અને આઈ.સી.યુ. માં રાખ્યા હતાં. એનાં મમ્મી ડાયાબિટીસના દર્દી છે. થોડા દિવસ પહેલાં પગમાં કંઈક ઈજા થઈ હતી અને સામાન્ય રીતે ડયાબિટીસના દર્દીને બને તેમ ઘા રૂઝાતો નહોતો. છેલ્લા ચાર – પાંચ દિવસથી તાવ આવવા માંડ્યો હતો અને ઘા પાક્યો હતો. એમને સેપ્સીસ થયું હતું અને ઈમરજંસીમાં એમને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતાં. આ સંજોગોમાં અનુજને વધારે માહિતી પૂછવાનું યોગ્ય ન હતું તો ય નીરાની બાજુમાં જ હું બેઠો હતો એટલે મેં નીરા પાસેથી ફોન લઈને અનુજને હિંમત રાખવા કહ્યું અને અચાનક મારાથી પૂછાઈ ગયું, ‘દર વખતે ‘તારા મમ્મી’ નું સંબોધન કર્યા કરવા કરતાં એમના નામે બોલાવવાનું સભ્ય લાગશે, અનુજ’ કહી નામ પૂછ્યું. ‘શીલા, મારી માનું નામ શીલા છે, સર.’ મારા હાથમાંથી ફોન છટકતો રહી ગયો. નીરાએ લઈ લીધો, અનુજને ‘ગુડનાઈટ’ કહી ફોન મુકી મારી સામે અચંબાથી એ જોઈ રહી. મારા મોઢા પર એવા કોઈ ભાવ જરૂર હશે જ જેણે એને અચંબિત કરી, ‘ડેડ, આર યુ, ઑલરાઈટ?’

કામિની પણ રસોઈવાળા મહારાજને, કાલે સવારે નાસ્તા માટેના સૂચનો આપી રૂમમાં આવી.

‘ઓહ યસ, રાની, આઈ એમ ફાઈન બેટા.’ ક્ષણિક, આગળની વાત કહેવી કે નહી તેની અવઢવમાં હતો, પરંતુ કામિનીને રૂમમાં આવતી જોઈને મનમાં થયું કે નીરા પણ પુખ્ત થઈ ગઈ છે અને કામિનીને પણ મેં ક્યારેય સંપૂર્ણ વાતથી માહિતગાર કરી નથી, હવે નિખાલસ થવાનો સમય આવી ગયો છે, ‘હા, થોડો અસ્વસ્થ થઈ ગયો….’

તે દિવસની હરિપુરાની ઉદાસ સાંજ મારી આંખ આગળ ઊપસી આવી. હું અને મારી જોડિયા બહેન શીલા કોલેજનાં બીજા વર્ષમાં હતાં. સામાન્ય રીતે અમારા ઘરમાં પપ્પાનો ગુસ્સો દુર્વાસા મુનિ જેવો કહેવાતો એટલે  એમની સાથે અમે સૌ દલીલ કરવાનું ટાળતાં. શીલાએ એ ગુસ્સાનો વરસો લીધો હતો, એટલે જ્યારે પણ પપ્પા અને શીલા સામ સામે દલીલ પર આવી જાય ત્યારે અમારા ઘરમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી.

તે દિવસે વાત તો મારાથી શરુ થઈ હતી. મારી અને શીલાની સાથે ભણતી અંજની વાતનું મૂળ હતી. પપ્પા પર અંજનીના પપ્પાનો ફોન આવ્યો હતો અને ‘ ક્યાં તો મારા અને અંજનીના લગ્ન કરાવી આપવા અથવા મારે એને આજથી મળવું નહી’ ની ચેતવણી આપી હતી. પપ્પાનું મગજ ફાટફાટ થતું હતું. ‘ગામનો એક કોડી નો માણસ કે જે મારી બેંકનો પટાવાળો છે, તે આમ મને તતડાવી જાય!’ એ વાતથી એમનો ગુસ્સો આસમાનથી પણ ઉપર પહોંચી ગયો હતો.

સાવ  જ અણધાર્યું આ બન્યું એટલે મને સમજણ નહોતી પડતી કે મારે શું કરવું, શું કહેવું?

અચાનક શીલા બોલી, ‘અનુપ, તું  અંજાની સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં?’

બસ, શીલાનો આ પ્રશ્ન સાંભળીને પપ્પાએ શરીરમાં હતી એટલી બધી જ તાકાતથી રાડ પાડી, ‘ તને કોણે વચ્ચે બોલવા કહ્યું? હું એનો બાપ હજુ જીવતો બેઠો છું.’ કહી મારા તરફ ફરી બોલ્યા, ‘ ભણવાના ઠેકાણા નથી અને પ્રેમ કરવા નીકળ્યો છે! અને તે પણ કેવી જાત સાથે….શરમ નથી આવતી?’

એમનું વાક્ય હજુ તો પુરું ય નહોતું થયું ને શીલાનો મક્કમ અવાજ સંભળાયો, ‘ અનુપ, લગ્ન કરીશ કે નહીં? એ લોકોની જ્ઞાતિમાં….’

‘ભાડમાં જાય એ લોકોની જ્ઞાતિ, અનુપે લગ્ન કરવા હોય તો આ ઘરની બહાર નીકળી અને મારા નામનું નાહીને, જે કરવું હોય તે કરે, સમજ્યો?’

મારી અક્કલ બહેર મારી ગઈ હતી. હા, એ સાચું હતું કે હું અજંનીને પ્રેમ કરતો હતો, અમે સારા એવાં નજીક આવી ગયાં હતાં…..અરે, થોડાં ઉન્માદમાં આવીને શારીરિક સંબંધ પણ એક વખત બાંધી બેઠાં હતાં……લગ્ન એની સાથે જ કરવાનો હતો એ મનોમન નક્કી હતું પણ ભણી રહ્યાં પછી. ત્યાં આ અચાનક સર્જાયેલી પરિસ્થિતિ મારે માટે એટલી તો મુંઝવણભરી હતી કે હું કંઈ વિચારી જ નહોતો શકતો.

પરંતુ શીલા એકદમ સ્પષ્ટ હતી- ‘મારે અંજની સાથે લગ્ન કરી લેવાં જોઈએ જ.’

પપ્પા, ગુસ્સાને કાબૂમાં રાખવા રૂમમાં આંટા મારતા હતા. મારી મમ્મીને અમારા ઘરમાં કોઈ પણ વાતમાં બોલવાનો અધિકાર પપ્પાએ આપ્યો નહોતો! તે વાતને અવગણીને, ‘ અનુપ ભણી લે પછી…..’

અને બીજી જ સેકંડે, સડાક કરીને થયેલા અવાજે અમે બધા સહેમી ગયાં હતાં.

બીજી થપ્પડ માટે ઉગામાયેલા પપ્પાના હાથને શીલાએ મક્કમતાથી પકડી લીધો અને ડારતાં અવાજે બોલી, ‘ કાયર પતિ બૈરી પર સુરો!. હં…..ખબરદાર મારી મમ્મી પર હાથ ઉગામ્યો છે તો…’

ન બનવાનું બની ગયું, પપ્પા પણ શીલાના અવાજના પડકારથી અવાચક થઈ ગયા હોય તેમ ઊભા હતા.

શીલા મારી તરફ ફરી, ‘તું લગ્ન કરીશ કે નહીં, મને હમણાં ને હમણાં જવાબ આપ.’

મેં રઘવાયા સ્વરે કહ્યું, ‘પણ આટલી ઉતાવળ…’

નજરમાં ભારોભાર તિરસ્કાર સાથે એ રૂમ છોડીને જતી રહી.

મને થયું કે કાલે શાંતીથી એની સાથે વાત કરીશ. પપ્પા પણ ધૂંવાફૂવાં થતાં ચપ્પલ પહેરીને ઘર બહાર જતા રહ્યા હતા.

એ સાંજે અમારા ઘરનું ખાવાનું રખડી પડ્યું હતું. સૌ એકબીજાની સામે આવતાં ડરતાં હોય તેમ પોત પોતાનાં રૂમમાં ભરાય રહ્યાં હતાં.

રોજ સવારનાં દૂધ લેવા જવાની જવાબદારી શીલાની હતી. એટલે મમ્મી જ્યારે સવારે રસોડામાં ગઈ અને દૂધ ન જોયું એટલે શીલાને બૂમ પાડી. બે – ત્રણ બૂમો માર્યા પછી પણ જવાબ ન મળતાં એનાં રૂમમાં ગઈ….અને પપ્પાનાં ડરે બૂમાબૂમ ન કરતાં સીધી મારા રૂમમાં આવી, ‘અનુ, શીલા એના રૂમમાં નથી.’ કહીને એક ચિઠ્ઠી મારી સામે ધરી.


ભાગ – ૨ સમાપ્ત


ક્રમશઃ


નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે., નું વીજાણુ સંપર્ક સરનામું : ninapatel47@hotmail.com

Author: Web Gurjari

5 thoughts on “રક્તાનુબંધ : ભાગ – ૨

Leave a Reply

Your email address will not be published.