સોહામણું શ્યામશિર ટપુશીયુ

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

*શ્યામશિર ટપુશીયુ/Tricoloured munia /Lonchura mallaca /Black-headed munia /Three-colored * *Munia / Southern Black-headed Munia*
*કદ: ૧૨ સે.મી./ ૪.૭૫ ઇંચ. વજન: ૧૧ ગ્રામ
(ફોટોગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી ડો. યતીન દેસાઈ અને શ્રી કિરણ શાહ.)

શ્યામશિર ટપુશીયુ તેમના માથાના કાળા રંગની સામ્યતાના લીધે તેમના કુળના કથ્થઈ ટપસીયુની જેમ બ્લેક હેડેડ મુનિઆ તરીકે પણ ઓળખાય છે. ૧૭૬૬માં પોતાની ૧૨મી આવૃત્તિમાં શ્યામશિર ટપુશીયુને આગવી ઓળખ  પર્યાવરણવિદ્દ શ્રી કાર્લ લીનીયસ એ આપી હતી.

મૂળભૂત રીતે એશિયાનું આ પક્ષી દક્ષિણ પશ્ચિમ ભારત, તેમજ ભારતના વિવિધ ભાગમાં અને બાંગ્લાદેશ, દક્ષિણ ચીન, જાવા વગેરે દેશનું ટોળા કે વૃંદમાં વસનારું આ સ્થાનિક પક્ષી છે.

પક્ષીજગતના વિશ્વમાં ચકલી જેવું નાનું કદ ધરાવતા હોય તેવા પક્ષીને પેસેરાઈન બર્ડ એટલેકે ચકલીના કદનું પક્ષી કહેવાય છે અને શ્યામશિર ટપુશીયુ ગણના પણ ચકલીના કદનું હોઈ તેની ગણના પક્ષીમાંઓમાં પેસેરાઈન બર્ડમાં થાય છે.

ખોરાકમાં તેઓ જુદાજુદા દાણા અને બીયા ખાવા ટેવાયેલા છે. તે બાજરી, ચોખા અને તે કારણે મુખ્યત્વે જયાં તેમને પસંદગીનું બિયારણ ઉગતું હોય તેવા ખેતરોના વિસ્તારમાં જોવા મળે છે. આ પક્ષી ખાસ કરીને ઉડે ત્યારેજ જોવા મળે છે બાકી ખેતરના ઉભા પાકમાં અંદર ઉડાઉડ કરતું હોય તો બહાર ખબર પણ ન પડે.

રહેવા માટે ચોખાના ખેતર, શેરડીના ખેતર, વરસાદી પાણીના સંગ્રહ/ વેટલેન્ડ વગેરે ભેજવાળી જગ્યાઓ પાસે રહેવાનું વધારે પસંદ હોય છે.

તેઓના બચ્ચાનો રંગ પુખ્ત કરતા જુદો પડે છે. બચ્ચાનો છાતીનો રંગ આચ્છો બફ/ કથ્થાઈ રંગનો હોય છે અને બચ્ચાનું માથું કાળાશ ઉપર હોય પરંતુ પુખ્ત જેટલું ઘેરું કાળું નથી હોતું.

નર અને માદા દેખાવમાં લગભગ સરખા હોય છે. ચાંચ ટૂંકી તેમજ ચાંચ અને પગરં ગે વાદળી- સિલેટિયા ભૂખરા રંગના હોય છે. માથું કાળું, પીઠ છીકણી કથ્થાઈ, પેટાળ કાળું, છાતી, થાપા અને પૂંછડીનો નીચેનો ભાગ સફેદ અથવા સફેદમાં તજના રંગ જેવી છાંટ હોય છે. છીકણી કથ્થાઈ પીઠ અને કાળા પેટાળ વચ્ચેનો ભાગ સફેદ હોય છે  પૂંછડી કથ્થાઈ હોય છે જે રંગ ક્યારેક બે બાજુ પીઠથી પીંછા સુધી પથરાય છે અને તેવી રીતે પૂંછડીનો નીચેનો છુપાયેલો ભાગ બળેલા ઓરેન્જ/ નારંગી રંગ જેવો હોય છે.

સામાન્ય રીતે વેટલેન્ડ/  નીચા વિસ્તાર જ્યાં જમીન પાણીથી સંતૃપ્ત થાય છે તેવા વરસાદી પાણીના સંગ્રહ પાસે અને ભેજવાળા ગીચ વિસ્તાર, ઝાડી કે નાના જંગલનું વાતાવરણ તેમને વધારે માફક આવે છે. લોકો તેને પાંજરામાં પુરી પાલતુ પક્ષી તરીકે દાણા ખવડાવી પાળે છે પરંતુ તેઓ ભેજ વાળું વાતાવરણ પસંદ કરતા હોઈ તેઓનું આયુષ્ય પાંજરામાં ટૂંકું થઇ જાય છે.

સ્વભાવે શાંત અને સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ખુબ ઝીણા અવાજે, ટૂંકું અને સુંદર. પીઇઇઇઇઇઇઇઇ બોલે છે. માદાને આકર્ષવા માટે નર પહેલા ગાય છે અને ત્યાર બાદ માદાની નજીક જઈ મોટી સળી લઇ સીધી ઉભી રાખે છે અને માદાને સંવનન માટે રીઝવી આહવાન આપે છે. તેવા સમયે પીંછા પહોળા કરી માથું નીચું નમાવે છે. જ્યારે માદા સહમત થાય છે ત્યારે માદા પોતાની પૂંછડી નર તરફ રાખી આડી ચાલે છે અને નરને આમંત્રણ સ્વીકાર્ય સંકેત આપે છે. આ આમંત્રણનો સ્વીકાર કરી નર માદા તરફ થોડું માથું નમાવી સમાગમ માટે પૂંછડી માદા તરફ કરી અને સમાગમ કરે છે.

દક્ષિણ ભારતમાં તેઓ સુગરીના વપરાઈ ગયેલા માળાનો પણ પોતાના ઈંડા મુકવા માટે ઉપયોગ કરે છે.

ઘાસના મેદાનમાં છુપાવીને બરડ ઘાસમાં પોતાનો માળો બનાવે છે. પાણીની અંદરના ઘાંસમાં પાણી કરતા થોડે ઊંચે સલામત જગ્યાએ માળો બનાવવાનું પસંદ કરે છે. નર અને માદા બંને સંયુક્ત રીતે માળો બનાવવાનું કામ કરે છે. નર મુખ્યત્વે લીલું ઘાસ, વાંસ/ બામ્બુના પત્તા, સુંવાળા ઘાસ વગેરે લાવી આપે છે અને માદા શંકુ આકારનો માળો બનાવે છે.

વસંત ઋતુથી ઉનાળાના દિવસોમાં માદા ૪ થી ૭ ઈંડા મૂકી શકે છે. ઈંડા મુક્યા બાદ બંને નર અને માદા રાત્રે માળાની અંદર સુઈ જાય છે. વારાફરતી ઈંડા સેવતા ૧૨ દિવસ જેટલો સમય જાય છે અને લગભગ ૨૨ થી ૨૮ દિવસમાં  બચ્ચાં કુદરતમાં ફરતા થઇ જાય છે. જન્મના ૬ મહિના બાદ પહેલી વખત પીંછા બદલે/ ખરે છે. તેઓનું સરેરાશ આયુષ્ય ૮ વર્ષનું હોય છે.

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.