નૈતિક નેતૃત્વની નિશાળ

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

કૂંપળ ફૂટવાની મોસમ છે,
પાક્યો છું, તો ચાલ ખરી જાઉં,
વ્હેણે વ્હેણે પહોંચાશે નહીં,
સામા પૂરે લાવ તરી લઉં,
ફૂલે ડંખો એવા દીધા!
કાંટા વચ્ચે થાય ફરી લઉં…

    • અશ્વિન ચંદારાણા

 શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ અપાવું જોઈએ. સમાજની શાળા-કોલેજો પાસે ઉત્તમ શિક્ષણની અપેક્ષા હોય છે. શેક્ષણિક સંસ્થાઓમાં ભૌતિક વાતાવરણ સારું બનાવવા માટે સંનિષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે. નૂતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સંસ્થાને આધુનિક બનાવવા તનતોડ મહેનત કરવામાં આવે છે. મૂડી રોકાણનું પ્રમાણ પણ વધ્યું છે. તેમ છતાં આજે ગુણવત્તાસભર શિક્ષણ અપાઈ રહ્યું નથી તેવી સામાન્ય લાગણી છે. વરિષ્ઠ નાગરિકો પાંચ-દસ દાયકા અગાઉ શિક્ષણ ‘સારું’ હતું તેમ જણાવે છે. તેની ગુણવત્તા કથળી હોવાની બૂમ રોજ સમાચારપત્રો તથા અન્ય સમૂહ માઘ્યમો દ્વારા જાણવા મળે છે. અગાઉના સમયમાં સમાજના શ્રેષ્ઠીઓ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં ઊંડો રસ લેતા.

વર્તમાન સમયમાં જેને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (school management committee) કહેવામાં આવે છે તેવું અગાઉ બહુ ઓછું નજરે પડતું. સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં તેમના જ્ઞાન અને અનુભવનો લાભ આપે તો શિક્ષણ પ્રગતિશીલ બને છે. સરકારે પ્રત્યેક પ્રાથમિક શાળાનાં સંચાલન માટે શાળા સંચાલન સમિતિ (school management committee) ગઠિત કરી છે. તેની પાછળ શાળા સંચાલનમાં લોકભાગીદારીનો હેતુ છે. જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલ લોકો તેમની તજજ્ઞતા અને સંપર્કોનો લાભ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં આપે તે ઉદ્દેશ્ય પણ છે. આ સમિતિમાં શિક્ષણમાં રસ ધરાવતા વિદ્વાન અને લોકોપયોગી કાર્યોની ધગશ રાખનાર વ્યક્તિઓનો સમાવેશ થવો જોઈએ.

વર્તમાનયુગમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચારવાનો અભિગમ હોય તે ઈચ્છનીય છે. આજે વ્યવસ્થાપન (management) માત્ર ચીલાચાલુ નહીં, પરંતુ નાવિન્યસભર હોય તે જરૂરી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્તમ વ્યવસ્થાપન (Best management) હોય તે આજના સમયની માંગ છે. આજે શાળાઓમાં બે પ્રકારના વ્યવસ્થાપનની જરૂ૨ છે.

(૧) શૈક્ષણિક વ્યવસ્થાપન (Educational Management) )

(૨) વહીવટી વ્યવસ્થાપન (Administrative management)

આપણે બંને પાસાઓની વિગતવાર ચર્ચા કરીએ:

શૈક્ષણિક વ્યવસ્થાપન (Educational Management) )

શૈક્ષણિક વ્યવસ્થાપનની જવાબદારી માત્ર શિક્ષકો અને આચાર્યની હોય તેવી માન્યતા છે. શું શૈક્ષણિક ગુણવત્તાનું ચિંતન અને ચિંતા માત્ર સારસ્વતોએ જ કરવાની? આ સંજોગોમાં આ બે પાયાના અંગો – શિક્ષકો અને આચાર્યો – ઉપરાંત લોકોની ભાગીદારી પ્રાપ્ત થાય તે જરૂરી છે. નીચેના જેવા તજજ્ઞોનો લાભ શૈક્ષણિક વ્યવસ્થાપનમાં પ્રાપ્ત થાય તે આવકારદાયક છે.

(૧) સમિતિમાં જે તે વિસ્તારના સાહિત્યકાર અને કેળવણીકારનો સમાવેશ કરવો જોઈએ. તેઓએ શાળાનું શૈક્ષણિક વાતાવરણ ગુણવત્તાસભર બને તે માટે વ્યાવહારિક સૂચનો કરવાના રહે છે. શકય હોય તો જાતે વર્ગખંડોમાં જઈ શૈક્ષણિક કાર્ય કરી ઉદાહરણીય નમૂનો પૂરો પાડી શકાય.

(૨) શૈક્ષણિક સંશોધનમાં રસ ધરાવનાર તથા વ્યાવસાયિક માર્ગદર્શનના કાર્યનો અનુભવ હોય તેવી વ્યક્તિઓનો સમિતિમાં સમાવેશ કરવો જોઈએ.

(૩) સમાજસેવાને સમર્પિત હોય તેવા જે તે વિસ્તારના સમાજસેવક ભાઈઓ–બહેનોનો આ સમિતિમાં સમાવેશ કરવો જોઈએ. બહેનોને આ સમિતિમાં સ્થાન અપાતાં અનિચ્છનીય ઘટના સંસ્થામાં બને ત્યારે પરિસ્થિતિ પર સહેલાઈથી કાબૂ પ્રાપ્ત કરી શકાશે.

(૪) જાહેર પરીક્ષાના સમયે શાળા તથા સમાજનું વાતાવરણ ખૂબ ડહોળાઈ જાય છે. નિરીક્ષકો ઉપર નિરીક્ષકો નીમી તેના પર કાબૂ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન થાય છે. સ્થાનિક સ્કવોડ અને તેના ઉપર બોર્ડ કે મહેસૂલી અધિકારીઓની સ્કવોડ અને તેના ઉપર ફલાઈગ સ્કવોડ નીમવામાં આવે છે. તેઓ પરીક્ષાના સફળ સંચાલન માટે પ્રયત્નો કરે છે. તેના બદલે નીતિમત્તાયુકત જીવન જીવતા, પ્રમાણિક વહેવારોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા સ્થાનિક આગેવાનોની નજર તળે જે તે વિસ્તારની જાહેર પરીક્ષાઓનું સંચાલન કરાવવું ઈચ્છનીય છે. તેમના આદર્શ જીવનની વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર ખૂબ પ્રભાવક અસર ઊભી થશે. પરીક્ષાનું સંચાલન સરળ અને પ્રમાણિક બનશે. શિક્ષણની ગુણવત્તામાં આપોઆપ સુધારો આવશે. જે તે વિસ્તારમાંથી આવા ઉમદા નાગરિકો શોધવાનું કાર્ય મુશ્કેલ જરૂર છે, પરંતુ અશકય નથી. આ સજ્જનોને આમંત્રણ આપી બોલાવવા પડશે. તેમનું માનસન્માન જળવાય અને તેઓ સૂચવે તેવા પગલાં લેવા પડશે.

(૫) વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે તે જોવાની જવાબદારી નિભાવવા માટે જે તે વિસ્તારના તજજ્ઞોનો આ સમિતિમાં સામાવેશ કરી શકાય. અનેક મહાનુભાવો પરદેશમાંથી નિવૃત્ત થઈ દેશસેવાની ભાવના સાથે પરત ફર્યા છે. તેમના બહોળા અનુભવનો લાભ લઈ શકાય. બાળકો પણ વૈશ્વિક કક્ષાની શેક્ષણિક અને સહઅભ્યાસ સ્પર્ધાઓમાં ભાગ લે તેવું વાતાવરણ તેયાર કરવામાં આ મહાનુભાવો ઉપયોગી બની શકે.

(૬) શાળા સંચાલક મંડળે આચાર્યશ્રીને અંગત મદદનીશ (personal secretary) પૂરા પડવા જોઈએ. તેઓ આચાર્યશ્રીને વહીવટી કાર્યમાં મદદ કરશે. ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં પણ તેઓ મદદરૂપ બની શકે. આ વ્યકિત કૉમ્પ્યુટર તથા અદ્યતન ટેકનોલોજીના જાણકાર હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત (Educational qualification) ની સાથે સાથે સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવનાવાળી વ્યક્તિની પસંદગી થવી જોઈએ. આજે સૌથી વધારે જરૂ૨ રિસેપ્સનીસ્ટ (receptionist) ની છે. આ વ્યકિત તો શાળાનો અરીસો છે. શાળાની સુગંધનો અનુભવ કરાવી શકે તેવું વ્યકિતત્વ આ સ્થાનને શોભાવી શકે. શાળા સંચાલનને ખૂબ સરળ અને સક્ષમ બનાવવામાં તેનો સિંહફાળો રહેલો છે.

ઉપરોકત તમામ વ્યકિતઓ તેમના અભિપ્રાયો આચાર્યશ્રીને આપશે. તેમના રોજિંદા કાર્યમાં મદદરૂપ બનશે. અંતિમ નિર્ણય તો આચાર્યશ્રીનો જ રહેશે. ગુણવત્તા જાળવવાની જવાબદારી અને કામગીરી સારસ્વત મિત્રોએ કરવાની હોવાથી તેમની મુશ્કેલીઓ સમજી મદદરૂપ થવાની ભાવનાવાળી વ્યકિતઓનો જ આ સમિતિમાં સમાવેશ થવો જોઈએ.

વહીવટી વ્યવસ્થાપન (Administrative management)

વહીવટી વ્યવસ્થાપનની જવાબદારી શાળાના ટ્રસ્ટની હોવાથી ચેરમેન, મેનેજીંગ ટ્રસ્ટી કે मुખ્ય ટ્રસ્ટીઓએ વિવિધ જવાબદારી નિભાવવાની હોય છે. તેમને મદદરૂપ બનવા એક સમિતિ હોય તે આવશ્યક છે. આ સમિતિના સભ્યો શાળાની તમામ પ્રકારની સમૃદ્ધિ ઉત્તરોત્તર વધે તે જોવાની જવાબદારી નિભાવશે. આ સમિતિ શાળાની રોજબરોજની પ્રવૃત્તિઓથી માહિતગાર રહેશે. પરંતુ પોતાના અભિપ્રાયો આપવાથી દૂર રહેશે. તેમાં નીચેના જેવી વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે.

(૧) વ્યવસ્થાપનના તજજ્ઞ (Management Expert):  વ્યવસ્થાપનનું એક મોટું અને આગવું ક્ષેત્ર વિકસી ગયું છે. માત્ર ઔદ્યોગિક સંસ્થાઓના સંચાલનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેટર (M.B.A.)ની જરૂ૨ છે તેવું નથી. શૈક્ષણિક સંસ્થાઓને પણ તેમના જ્ઞાન અને અનુભવનો લાભ પ્રાપ્ત થાય તે વર્તમાનની તાતી જરૂરિયાત છે. આ ક્ષેત્રમાં કાર્યરત અથવા નિવૃત્ત અનુભવી વ્યકિતઓ જે તે વિસ્તારમાં ઉપલબ્ધ છે. તેમના લાંબા અને બહોળા અનુભવનો લાભ લેવા તેમને આમંત્રણ આપી સમિતિમાં સમાવેશ કરી શકાય.

(૨) બાંધકામના નિષ્ણાત (Construction Expert):  શાળાની ભૌતિક વ્યવસ્થામાં અવારનવાર સુધારોવધારો કરવાનો હોવાથી બાંધકામ ક્ષેત્રના સેવાભાવી વ્યકિતનો સમિતિમાં સમાવેશ કરવો જોઈએ. સંસ્થાનો વિકાસ થતો હોય ત્યારે કેવું બાંધકામ ભવિષ્યમાં ઉપયોગી અને ટકાઉ બનશે તે જોવાનું રહેશે. વળી સંસ્થાઓ સમાજની સંપત્તિ હોવાથી તેમાં કરકસર પણ અગ્રસ્થાને રહે છે. શાળામાં રોજબરોજ ઊભા થતા વિવિધ પ્રકારના રીપેરીંગ કાર્યમાં આવી નિષ્ણાત વ્યકિતની મદદ લઈ શકાય.

(૩) લોકસંપર્ક અધિકારી (Public Relation Officer): જે વ્યકિતનું સમાજમાં આગવું સ્થાન છે, લોકો જેમની વાતો સાંભળે છે, જેમનું વ્યકિતત્વ નિર્દંભ અને પ્રેમાળ છે તેવી વ્યકિતને આ સમિતિમાં સમાવવી જોઈએ. શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી વિધેયાત્મક રીતે સમાજમાં પહોંચાડે તે જોવાની જવાબદારી તેમની રહેશે. ખાસ તો આ વ્યકિતનો પોતાનો હકારાત્મક અભિગમ હોય તે અત્યંત જરૂરી છે. આવી વ્યકિત શોધવાનું કાર્ય કઠિન છે, પરંતુ અશકય નથી. સમાજ શાળા વિશે શું અને કેવું વિચારે છે તેની માહિતી તેઓ ટ્રસ્ટી મંડળને આપશે. તેમની માહિતીને ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવાની રહેશે.

(૪) જાહેરાત અધિકારી (Marketing Manager): માર્કેટીંગનો જમાનો છે. શાળાની સમાજમાં અલગ ઓળખ ઊભી કરે તેવી વ્યકિતનો સમાવેશ કરવો જોઈએ. આ વ્યકિત ખૂબ દૂર સુધીનું વિચારે તેવી દૂરંદેશી હોવી જોઈએ. શાળાની વિશેષતાઓ સમાજ સુધી લઈ જવાનું કાર્ય તેઓ કરશે.

(પ) વિવિધ કળાઓના જ્ઞાતા : શાળાની સમિતિમાં જે તે વિસ્તારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉજાગર કરતી હોય તેવી વ્યકિતનો સમાવેશ કરવો જોઈએ. સંગીત, કલા, પેઇન્ટીંગ, વ્યાયામ વગેરે જેવી પ્રવૃત્તિઓના જાણકારનો સમાવેશ કરવાથી શાળાની પ્રવૃત્તિઓનો ઉત્તરોત્તર વિકાસ શકય બને છે. તેઓ પોતાની શક્તિઓનો સમાજ માટે ઉપયોગ કરતા હોવાથી સમાજમાં તેમની આગવી ઓળખ ઊભી થાય છે. તેઓને પણ સત્કાર્યનો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.

() સમસ્યા ઉકેલ અધિકારી:  શાળાની સ્વચ્છતા અંગે, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા બાબતે તથા વાલીઓને પડતી મુશ્કેલીઓ બાબતે ટ્રસ્ટને માહિતી આપી શકે તેવી વ્યકિત સંસ્થાના સંચાલનને ખૂબ સરળ બનાવે છે. આવી વ્યક્તિનો સમાવેશ શાળાને બિનજરૂરી પ્રશ્નોથી દૂર રાખે છે. આજે તમામ પ્રકારની સંસ્થાઓના સંચાલનમાં કાયદાના નિષ્ણાતો ખૂબ ઉપયોગી બને છે. પ્રશ્નો ઊભા થાય તે પહેલાં જ તેના નિરાકરણ અંગે શું કરી શકાય તેની સમજ આવા નિષ્ણાત એડવોકેટ્સ આપી શકે. આ સંજોગોમાં સેવાભાવી એડવોકેટ્સની સલાહ લેવાની વ્યવસ્થા પણ અગાઉથી વિચારી લેવી આવશ્યક છે. શાળા સરકારી હોય, અનુદાનિત હોય કે સ્વનિર્ભર હોય તેને સરકાર સાથે એક યા બીજી રીતે કાર્યવાહી કરવાની જરૂરીઆત ઊભી થાય છે. આ સંજોગોમાં જે તે વિસ્તારના નિવૃત્ત અને સેવાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવતા સરકારી અધિકારીની આ સમિતિમાં નિમણૂક કરી તેમના માર્ગદર્શન હેઠળ સરકાર સાથે પત્રવ્યવહાર કરવો જોઈએ. તેમનાં સૂચનો સમજી તથા સ્વીકારી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાનું શકય બનાવી શકાય.

સંસ્થાઓના સંચાલનમાં સૌએ ‘શુભમાં શ્રદ્ધા’ રાખવી જોઈએ. કોઈપણ પ્રકારના અહમ્‌ વિના જે તે વિસ્તારની તજજ્ઞ અને સેવાભાવનાથી જોડાતી વ્યક્તિઓનો સમિતિમાં સમાવેશ કરવાથી સંસ્થાને ગુણવત્તાસભર અને બિનવિવાદાસ્પદ બનાવી શકાય છે.

 

આચમન:

ઓળખું છું વાદળને,
જાણું છું જળની લિપિ,
પવન ગતિના ભેદ ઉકેલું
હું અમેય આકાશ છું…

મુકુન્‍દ પરીખ

 


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.