વિન્સેન્ટ વાન ગોગ : …જ્યારે એની સર્જનાત્મકતા એના પ્રેમને ભરખી ગઈ!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

ગતાંકમાં આપણે મહાન ચિત્રકાર તરીકે ખ્યાતિ પામેલા વિન્સેન્ટ વાન ગોગની વાત માંડેલી. નાનપણથી જ એકલતા અને એને પરિણામે વેઠવી પડેલી અસંતુલિત લાગણીશીલતાને કારણે વિન્સેન્ટ પ્રચલિત દુનિયાદારીથી અળગો જ રહ્યો. જેને સામાન્ય કહી શકાય, એવી જિંદગી જીવવાનું એના નસીબમાં જ નહોતું, એટલે આમથી તેમ કૂટાતો રહ્યો. અત્યંત સર્જનાત્મક વ્યક્તિઓને બે ભાગમાં વહેંચી શકાય. એક પ્રકાર એવા લોકોનો છે, જે સર્જનાત્મક હોવાની સાથે બુદ્ધિનો પણ બરાબર ઉપયોગ કરી લે છે. આવા કલાકારો દુન્યવી બાબતો કે લાગણીઓને પોતાની ફેવરમાં કઈ રીતે વાપરી નાખવી, એ બાબતે પાવરધા હોવાના. આવા લોકો પોતાની એક આગવી લોબી વિકસાવી લે છે, જેના થકી કેરિયરમાં નામ અને દામ કમાઈ લેવાય! ઘણી વાર તો પ્રમાણમાં ઓછી અથવા નહિવત સર્જનાત્મક ધરાવનારા લોકો પણ આવી લોબીના સહારે તરી જતા હોય છે. આને બૌદ્ધિક ક્ષમતા ગણવી કે બદમાશી, એ વળી જુદી ચર્ચાનો વિષય છે. બીજી તરફ એવા લોકો હોય છે, જેમની સર્જનાત્મકતાને બહુ ઉંચી કોટીએ મૂકવી પડે. પણ આવી સર્જનાત્મકતા ઘણીવાર સામાન્ય વ્યવહારકુશળતાને ભોગે વિકસતી હોય છે. ભૂતકાળમાં થઇ ગયેલા અનેક સર્જકો તમને ધૂની લાગે છે, એનું કારણ જ આ છે. પોતાની લોબી વિકસાવવાનું તો છોડો, સામાન્ય મિત્રતા વિકસાવવામાં પણ આવા સર્જકો ઉણા ઉતરે છે. વિન્સેન્ટ આવો જ હતો.

શરૂઆતના વર્ષોમાં આર્ટ ગેલેરીમાં કામ કર્યું. સોળ વર્ષની ઉંમરે નોકરી શરુ કરી અને ચારેક વર્ષ સુધી સારું જીવન જીવ્યો. પછી પ્રેમમાં પડ્યો અને એમાં નિષ્ફળ જવાથી ભાંગી પડ્યો. નોકરી છોડી, પાછો પરિવાર પાસે રહેવા આવી ગયો. બાઈબલના અનુવાદો કર્યા અને ધાર્મિક શિક્ષણ મેળવવાની કોશિષ કરી. પણ પાદરી બનવામાં નિષ્ફળ ગયો. આખરે મિશનરી તરીકેની નોકરી સ્વીકારીને બેલ્જીયમના બોરીંજે ખાતે પહોંચ્યો. વિન્સેન્ટનો નાનો ભાઈ થીઓ જાણતો હતો કે વિન્સેન્ટમાં કળા અને સર્જનાત્મકતા ફૂટી ફૂટીને ભર્યા છે. એટલે એણે મોટા ભાઈને નવરાશના સમયમાં ચિત્રો દોરવાની સલાહ આપી. આ સલાહ માનીને વિન્સેન્ટે ખાણીયા મજુરોના સ્કેચ બનાવવાનું શરુ કર્યું. એ વખતે વિન્સેન્ટની ઉંમર આશરે ૨૭ વર્ષની હશે. આ ઉંમરે એને ચિત્રકળામાં રસ પાડવા માંડયો. વિન્સેન્ટને પીંછી અને રંગો સ્વરૂપે પોતાના મનોવલણો અને આંતરિક સંઘર્ષોને અભિવ્યક્ત કરવાનો એક માર્ગ મળી ગયો. બોરીંજેમાં જે ખાણીયા મજૂરોની વચ્ચે એ રહેતો હતો, એમના જીવનની પારાવાર પીડાને એણે પોતાના સ્કેચ અને ચિત્રો દ્વારા રજૂ કરી. આખા દિવસની કાળજાતૂટ મજૂરી પછી આ દુખિયારાઓ પેટનો ખાડો પુરવા માટે માંડ થોડા બટાકા મેળવી શકતા. એમની આ પીડાને વાચા આપતું એક ચિત્ર વિન્સેન્ટે દોર્યું, જે ‘પોટેટો ઈટર્સ’ નામે પ્રખ્યાત થયું. આજે આ ચિત્રની ગણના ડાર્ક માસ્ટરપીસ તરીકે થાય છે. જો કે એ બધી પ્રસિદ્ધિ તો વિન્સેન્ટના મૃત્યુ પછી મળી. જીવતેજીવ તો વિન્સેન્ટના નસીબમાં ઠેબે ચડવાનું જ લખાયેલું હતું. એક મિશનરીને ન શોભે એવું જીવન જીવવાના ‘ગુના’સર ચર્ચ દ્વારા એની નોકરી આંચકી લેવામાં આવી. એક પછી એક દુઃખો સહન કરી કરીને વિન્સેન્ટ ધીમે ધીમે તૂટી રહ્યો હતો, અને એ સાથે જ એની અંદરનો ચિત્રકાર વધુ પ્રભાવક થઈને બહાર આવી રહ્યો હતો!

એક સમય એવો આવ્યો કે નોકરી છૂટી ગયા બાદ બોરીંજેથી પાછા ફરેલા વિન્સેન્ટના વાણી-વર્તન-વહેવારથી એના પિતા ત્રાસી ગયા. વિન્સેન્ટની નિષ્ફળતાઓ માટે એનું પોતાનું ગાંડપણ જ જવાબદાર છે, એવું એના પિતા દ્રઢપણે માનવા લાગ્યા. છેવટે ટૂંકી સારવાર માટે વિન્સેન્ટને જીલ શહેર ખાતેના મનોચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યો. ૧૮૮૦માં વિન્સેન્ટ સારવાર લઈને પાછો ફરે છે અને નાના ભાઈ થીઓની સલાહ મુજબ ચિત્રકામને જ પોતાની કમાણીનું સાધન બનાવવાનું સ્વીકારે છે. થીઓ આજીવન વિન્સેન્ટનો સાથ નિભાવે છે. એને સમયાંતરે પૈસા ધીરતો રહે છે અને એની તમામ ગાંડીઘેલી વાતો ચલાવી લે છે. ઉંમરમાં થીઓ નાનો છે, તેમ છતાં એક બાપ પોતાના હતાશ થઇ ગયેલા બાળકને સાચવે, એ રીતે થીઓ મોટા ભાઈને સાચવતો રહ્યો. વિન્સેન્ટને એક બીજો મિત્ર પણ મળી ગયો. એ હતો ચિત્રકાર એન્ટોન મોવે. મોવેનું નામ મોટું હતું. કળાજગતમાં એણે વાસ્તવવાદી ચિત્રકાર તરીકે સારું કાઠું કાઢ્યું હતું. મોવેને પોતાની પત્નીના કઝીન બ્રધર એવા વિન્સેન્ટના ચિત્રો ગમી ગયા. મોવેને થયું કે જો આ માણસને યોગ્ય તાલિમ મળે, તો એ ચિત્રકાર તરીકે મોટું ગજું કાઢી શકે એમ છે. આથી એણે વિન્સેન્ટને પોતાનો શિષ્ય બનાવ્યો. વિન્સેન્ટ ઘણું શીખ્યો, બહુ ઝડપથી શીખ્યો. રંગ, ચારકોલ વગેરે ઉપર એનો હાથ બેસતો ગયો. પણ અંદરની અશાંતિ જપવા દે એમ નહોતી. સર્જનાત્મકતા જેમ ખીલતી ચાલી, એમ ઈમોશનલ બેલેન્સ પણ અસ્થિર થતું ગયું.

સર્જનાત્મક લોકોની એક બીજી ય તકલીફ હોય છે. વિજાતીય પાત્રો સાથેના એમના સંબંધો બહુ આત્યંતિક બની રહે છે. એક એક્સ્ટ્રીમ સુધીનો પ્રેમ કરી લીધા પછી માત્ર વ્યવ્હારુતાને અભાવે તેઓ પછડાટ ખાઈ જાય છે. વિન્સેન્ટ પોતાની એક વિધવા કઝીન કી વોસ સ્ટ્રીકરના પ્રેમમાં પડ્યો. ઉંમરમાં સાત વર્ષ મોટી કી એ શરૂઆતમાં જ કહી દીધેલું, ‘ના, નહિ, કદાપિ નહિ!’ તેમ છતાં વિન્સેન્ટ એકતરફી પ્રેમમાં આત્યંતિક થઇ ગયો. ગત સપ્તાહે અહીં લખેલું કે વિન્સેન્ટે પોતાની મકાન માલિકણની પુત્રીના પ્રેમમાં પોતાનો હાથ બાળેલો. પણ એ વાતમાં હકીકત દોષ છે. હકીકતે કઝીન સિસ્ટર કી વોસ સ્ટ્રીકર પ્રત્યેના પોતાના પ્રેમની ઉત્કટતા દર્શાવવા માટે વિન્સેન્ટે સળગતી મીણબત્તી પર હાથ ધરી દીધેલો. આવી ઉત્કટ અભિવ્યક્તિથી કશો ફેર ન પડ્યો. ઉલટું કીના વડીલોએ વિન્સેન્ટને કડક ભાષામાં ચેતવણી આપીને દૂર રહેવા જણાવ્યું.

આ બધા વચ્ચે મોવે પાસેથી નવી નવી ટેકનિક્સ શીખવાનું ચાલુ જ હતું. બીજા ચિત્રકારોમાં પણ વિન્સેન્ટનું નામ ઠીક ઠીક જાણીતું થવાની શરૂઆત થઇ હતી. પણ પ્રેમની ભૂખ શમતી નહોતી. પ્રેમની અવેજીમાં વિન્સેન્ટ વેશ્યાગમન કરવા માંડયો! આ ચક્કરમાં એક વાર તો ગોનોરિયા નામના રોગનો શિકાર પણ થયો. ઘણીવાર આ પ્રકારના સંબંધો માત્ર સેક્સ ખાતર નથી હોતા. સ્ત્રી-પુરુષના સંબંધોમાં સેક્સ સિવાયનું ઘણું બધું હોઈ શકે છે, સ્ત્રી ધંધાદારી હોય તો પણ! વિન્સેન્ટને આવી જ એક સ્ત્રી મળી ગઈ. સિયેન નામની આ સ્ત્રી વેશ્યા હતી, આલ્કોહોલિક હતી, છતાં વિન્સેન્ટને ચાહતી હતી. પોતાની માનસિક પરિસ્થિતિ અને સ્વભાવગત વિચિત્રતાઓને કારણે વિન્સેન્ટની પાસે પણ ચાહવા માટે એક આ જ સ્ત્રી હતી. બન્ને સાથે રહેવા લાગ્યા. સમાજ માણસની અમુક જરૂરીયાતોને સ્વીકારતો નથી. પશુઓ એ બાબતમાં ખાસ્સા પ્રોગ્રેસિવ છે. માણસ સિવાયના તમામ સજીવો બિન્ધાસ્ત ‘મેટિંગ કોલ’ આપી શકે છે. જ્યારે માનવસમાજમાં સંબંધો છુપાવવા પડે છે! વિન્સેન્ટને આવું ન આવડ્યું, એમાં એન્ટોન મોવેના કાન સુધી વાત પહોંચી ગઈ, કે એનો શિષ્ય કમ સાળો એક વેશ્યા સાથે ઘર માંડીને રહે છે. આથી માર્ચ ૧૮૮૨માં મોવેએ વિન્સેન્ટ સાથેનો સંબંધ કાપી નાખ્યો, એના પત્રોના જવાબ આપવાનું ય બંધ કર્યું. સામે વિન્સેન્ટે પણ મોવેને ‘ચિત્રકારના સ્વાંગમાં છૂપાયેલો રૂઢીવાદી’ કહીને ધુત્કારી નાખ્યો. વિન્સેન્ટ આ બધી બબાલ વચ્ચે ય ઠીક ઠીક કામ કરી રહ્યો હતો.

એક સમય હતો જ્યારે વિન્સેન્ટ પાસે અભિવ્યક્તિનું કોઈ સાધન નહોતું, માત્ર અકળામણ અને હતાશા હતી. એ હતાશા એના વ્યક્તિત્વને ખાઈ રહી હતી. પણ ચિત્રકળા પર હાથ અજમાવ્યા બાદ એની સર્જનાત્મકતા હતાશા પર હાવી થઇ જવી જોઈતી હતી. હવે તો એના જીવનમાં એક સ્ત્રી પણ હતી. પણ કમનસીબે આવું થઇ ન શક્યું. ઉલટાનું એની સર્જનાત્મકતા એના પ્રેમને ભરખી ગઈ, અને હતાશા ગાંડપણ બનીને બહાર આવી! કદાચ વિન્સેન્ટના નસીબમાં સુખી થવાનું લખ્યું જ નહોતું! એક સમય એવો આવ્યો કે વિન્સેન્ટને પારિવારિક જીવનનો કંટાળો આવવા માંડયો. સિયેનાને ત્રણ બાળકો હતા, જેમાંથી એક્કેય વિન્સેન્ટનું સંતાન નહોતું. વિન્સેન્ટને લાગવા માંડ્યું કે સિયેના અને એના બાળકો ચિત્રકળામાં બાધા બની રહ્યા છે. આવું લાગવા પાછળનું સાચું કારણ શું હતું, એ તો રામ જાણે, પણ ૧૮૮૩માં વિન્સેન્ટે સિયેનનો સાથ છોડ્યો. ગરીબીથી લાચાર સિયેન ફરી એક વાર વેશ્યાવૃત્તિ તરફ ઢળી. (વીસેક વર્ષ બાદ ૧૯૦૪માં સિયેને કોઈક કારણોસર નદીમાં પડતું મૂકીને આપઘાત કરેલો.)

ઇસ ૧૮૮૭ આવતા સુધીમાં વિન્સેન્ટ ખૂબ કામ કરે છે, ફરતો રહે છે. એણે પોતાની જાતને ય અનેક વાર ચીતરી છે. એક વાર એનો કાન કપાઈ ગયો, ત્યાર પછી એણે પોતાનું આવું – કપાયેલા કાનવાળું ચિત્ર પણ બનાવેલું. આ કાન કપાવા પાછળ પણ વિચિત્ર કારણ છે. સાઉથ ફ્રાન્સમાં વસવાટ દરમિયાન વિન્સેન્ટે પુષ્કળ કામ કર્યું, જેમાં થોડું ઘણું નામ પણ મળ્યું. સર્જકોના વ્યક્તિત્વ સાથે ખાસ પ્રકારનું તરંગીપણું જોડાયેલું હોય છે. વિન્સેન્ટના મનમાં પણ એવો તરંગ ઉઠે છે કે ચિત્રકારોને ભેગા કરીને એક આખું ગામ વસાવવું જોઈએ. એ વિખ્યાત ચિત્રકાર ગોગાને પોતાની સાથે રહેવા બોલાવે છે. ગોગા પોતે એક ઉત્કૃષ્ટ ચિત્રકાર હતો. આ સમય દરમિયાન વિન્સેન્ટ વધુ ને વધુ સર્જનાત્મક, અને સાથે જ વધુ ને વધુ દારુડીયો, ગુસ્સાવાળો અને તરંગી થતો ગયો. એક વાર કોઈક બાબતે ગોગા સાથે ઝગડો થઇ ગયો, એમાં વિન્સેન્ટ છરો લઈને ગોગાને મારવા દોડ્યો. ગોગા છટકી ગયો, પણ ક્રોધે ભરાયેલા વિન્સેન્ટે પોતાનો જ કાન કાપી નાખ્યો! છેવટે ૧૮૮૯માં પડોશીઓએ કંટાળીને એને પાગલખાનામાં મોકલી આપ્યો.

જાણીને નવાઈ લાગશે, પણ પાગલખાનામાં એક વર્ષના વસવાટ દરમિયાન વિન્સેન્ટે ખરેખર પાગલની જેમ કામ કર્યું, અને સેંકડો ચિત્રોનો ખડકલો વાળી દીધો! આમાંના ઘણા તો પાછા વિશ્વપ્રસિદ્ધ થયા! એ બધી રસપ્રદ વાતો વિન્સેન્ટ વાન ગોગ વિષેની આ લેખમાળાના અંતિમ હપ્તામાં, ૨૬-૦૧-૨૦૨૨ ના રોજ.

Author: Web Gurjari

2 thoughts on “વિન્સેન્ટ વાન ગોગ : …જ્યારે એની સર્જનાત્મકતા એના પ્રેમને ભરખી ગઈ!

  1. સુંદર! વાન ગોગ, મટીસી અને પીકાસો મારા પ્રિય આર્ટીસ્ટ! હાલ, અમારા ગામ પીટ્સબર્ગમાં વાન ગોગનું 3 D state of the art પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શન માણવું એ એક લ્હાવો છે! ૪૫ મિનિટના આ ઓડીઓ વાીજ્યુઅલ પ્રેજન્ટેશન મોટા હોલમાં દીવાલો, ફ્લોર અને સીલીંગ પર ઢગલાબંધ પેઇંટીંગ્ઝથી થાય છે! હોલમાં ઉભા ઉભા અથવા બેસીને જોતાં જોતાં માણવાનું! Once in a life time opportunity, exhibition ie touring, moves to one by one city after few months of shows.

  2. Very good information and history on Van Gogh life. I have seen the movie “LUST FOR LIFE” based on
    VAN GOGH life. Gujarati translation of the book is also available ” SALGATA SURYAMUKHI”
    Thanks for giving such information on him.

Leave a Reply

Your email address will not be published.