કલમના કસબી : કનૈયાલાલ મુનશી
રીટા જાની
(ગતાંકથી ચાલુ)…
સ્વપ્નો જોવા કોને ન ગમે? જેની આંખોમાં સ્વપ્નાં આંજ્યા હોય એની દુનિયા તો અલગ જ હોય છે. સપનાંને ન કોઈ મર્યાદા છે, ન કોઈ બંધન કે ન કોઈ લગામ. સ્વપ્નઘેલા થવું એ બધાનો અધિકાર છે. એમાં પણ યુવાનોનો તો એ વિશેષાધિકાર છે. જી હા, ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી મુનશીની નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ની.
ગત અંકમાં આપણે જોયું કે કલેકટર સાહેબના ઘરની મુલાકાત પછી સુદર્શનનું મનોવિશ્વ બદલાઈ ગયું. અંગ્રેજી સાહિત્ય વાંચી તેને એમ લાગ્યું કે પિંઢારા ને ઠગના ત્રાસથી હિંદને બચાવવા અંગ્રેજો આવ્યા. તેના પૂર્વજો નિર્માલ્ય હતા, જેમણે અજ્ઞાન અને અંધકારથી પરિપૂર્ણ સંસ્કારો રચ્યા. ધીમે ધીમે તેનો કચવાટ, નિરાશા અને અલ્પતાનું ભાન તેની તિરસ્કારવૃત્તિને વીંટળાઈ વળ્યાં. તેમાં બાજુમાં રહેતી પરન્યાતની છોકરી ગમન સાથે પરણવાની માતાએ તેને ના પાડી. તેથી તેનું અંતર તોફાની ઉછાળા મારી રહ્યું. આંધીની વિનાશકતાએ સ્વભાવ અને સંસ્કારના મૂળ ઉખેડી નાખ્યાં. તેણે પ્રિય પુસ્તકો ટેબલ નીચે નાખ્યાં. શંકર ભગવાનની પૂજા બંધ કરી. પવિત્ર જનોઈ કાઢી નાખી. બ્રાહ્મણત્વની નિશાનીરૂપ શિખા કાપી નાખી. પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે તે અગાશી પર ચડી નળિયા ચારે તરફ ફેંકતો હતો. મહામહેનતે પિતાએ તેને પકડ્યો ત્યારે તેનું શરીર અંગારાની માફક ધીકતું હતું. માંદગી પછી તેને વડોદરા કોલેજમાં મોકલવામાં આવ્યો. બોર્ડિંગમાં એ વિનાશવૃત્તિને સબળ બનાવે એવા વાંચનમાં ગરકાવ થઈ રહ્યો. અર્વાચીનોમાં તેનો એક માત્ર મિત્ર રહ્યો : અંગ્રેજોનો કટ્ટર વેરી નેપોલિયન. ને કોલેજમાં પ્રોફેસર ‘આરબી’ એટલે કે રામલાલ ભૂખણદાસ સાથે દોસ્તી થઈ.
ફ્રેન્ચ વિપ્લાવની સફળતાથી સુદર્શનમાં નવા પ્રાણનો સંચાર થયો. એ માત્ર વિપ્લવ ન હતો, પણ સમગ્ર રાષ્ટ્રનું ધર્મયુદ્ધ હતું. તેને લાગ્યું કે ‘વિપ્લવ એટલે નિયમનો પ્રારંભ. સત્યનો પુનર્જન્મ, ન્યાયનો પ્રત્યાઘાત.’ વિદ્યાર્થીનું મગજ ચંચળ ને સુંવાળું, બિનઅનુભવી ને આશાવાદી, ઉત્સાહી ને અધીરું હોય છે. નથી હોતી એને પરિસ્થિતિની પરવા કે નથી હોતી ઊંડી વિચારણા. સુદર્શનની સ્થિતિ પણ કંઇક આવી જ હતી. વિપ્લવવાદે એનામાં આશા જગાડી. રાજકીય પહેલાં સામાજિક અને ધાર્મિક માન્યતાઓ બદલવાની તેને જરૂરત જણાઈ. આ અધીરાઈ અને ઉકળાટમાં, આ વિનાશક વૃત્તિની ઘેલછામાં ક્યારેક ઉત્સાહની લહેરીઓ આવતી, માનવતાનો મઘમઘાટ વ્યાપી રહેતો, સ્વાતંત્ર્યનો સંચાર થતો હોય એવી અનુપમ સૃષ્ટિના દર્શન તેને થતાં. ત્યારે તેને પ્રશ્ન થતો કે આ સૃષ્ટિ ક્યારે સર્જાશે. શું પોતે એવી સૃષ્ટિ સર્જાવી શકશે?
જાપાને રશિયા અને યુરોપને પડકાર્યું એની અસર વડોદરા કોલેજમાં જબરી થઈ. સુદર્શનના અંતરમાં નવી આશા પ્રગટી. એનાં સપનાં હવે આર્યાવર્તથી જાપાન ને તુર્કસ્તાન સુધી એક પ્રચંડ મહાવિપ્લવ પ્રસારી, રાજ્ય, સમાજ અને ધર્મના ભેદ ભુલાવી એશિયાને નવા અવતારે આણવાની યોજનામાં ગુંથાયા. પણ સુદર્શનને જલદી જ સમજાઈ ગયું કે જાપાન સ્વાધીન હતું ને હિંદ પરાધીન. બંગભંગની યોજના અને વંદેમાતરમના ગાનથી તેને જ્ઞાન થયું કે સ્વદેશ એ દેશ નહિ પણ જીવંત દુ:ખાર્ત માતા ‘મા ભારતી ‘ હતી. માતાની મુક્તિના, સ્વદેશીના, ઉદ્ધારના, સ્વાતંત્ર્યના અનેક સપનાં તેના મગજમાં તરવરી રહ્યાં. તેને એમ લાગતું કે ‘મા’ ના
‘પ્રાણ’ પાછા લાવવાની જવાબદારી માત્ર એના એકલાના માથે જ હતી. દરરોજ રાત્રે ‘મા’ તેને દર્શન દેતી ને આખો દિવસ તેની મુક્તિના વિચારો તે કર્યા કરતો.
પાંચ સમાનશીલ ઉત્સાહી યુવકો ભીમનાથના તળાવે દેશનો ઉદ્ધાર કરવા અંધારામાં ભેગા મળ્યા, એમાં સુદર્શન પણ હતો. અરવિંદના ભાષણના નશામાં તેઓ ચકચૂર હતા. તેમનાં અંતર હિંમત, આશા ને કાર્યતત્પરતાથી ભરેલા હતા. તેમની આંખો સ્વદેશભક્તિથી ચમકતી હતી ને વખત આવે મરવા પણ તૈયાર હતા. ‘આ સંસ્કારી ને વિશુદ્ધ હ્રુદયના યુવકોના હૈયામાં સ્વાતંત્ર્ય ને માતૃભક્તિની જ્વાલા અખંડ ચેતી રહી હતી. પયગંબરોની શ્રદ્ધા તેમના હૃદયમાં સ્ફુરી રહી હતી. ગુજરાતના પ્રતાપી આત્માના તણખા સમાન આ છોકરાઓને મન રાષ્ટ્ર રચવું એ જ પરમ ધ્યેય હતું. તેને સ્વતંત્ર કરવું એ જ પરમ કર્તવ્ય હતું.’
સ્વતંત્રતા યુવા આંખોનું સ્વપ્ન હોય છે. યુવાન આંખો નવા વિશ્વની આકાંક્ષાનું દ્રશ્ય જોતી હોય છે. તેના હૈયામાં ક્યારેક પ્રેમની પ્રતિક્ષા હોય છે તો ક્યારેક પ્રવર્તમાન વિશ્વ સામેનો વિદ્રોહ. આ વિદ્રોહ ક્યારેક ચિનગારી બને છે અને યુવાશક્તિ માભોમના માટે પ્રેરણા, પુરુષાર્થ અને પરાક્રમનો સમન્વય બને છે. તેને સ્થાપિત હિતો સામે મોરચો માંડવો છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ યુવાનો પ્રથમ હરોળમાં રહ્યા છે. સુદર્શન કદાચ તેનું જ એક ઉદાહરણ છે.
સ્વપ્નદ્રષ્ટા સુદર્શન સ્વપ્નસિદ્ધિની મંઝિલ સુધી પહોંચે છે કે કેમ તેની છણાવટ કરીશું આવતા અંકે..
સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
1 thought on “સ્વપ્નદ્રષ્ટા [૨]”