ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું માધ્યમ: અનુવાદ [૧]

શબ્દસંગ

નિરુપમ છાયા

મનુષ્યએ ભાષાનો પ્રયોગ શરુ કર્યો પછી વિચારોનું આદાનપ્રદાન થવા લાગ્યું, અને આગળ પ્રગતિ કરતાં ભાષાને સુવ્યવસ્થિત રૂપ આપતાં સાહિત્યનો પ્રવેશ થયો અને એ બંને થકી સંસ્કૃતિ સમૃદ્ધ થતી ગઈ. પણ વાત આટલેથી ન અટકી. વિવિધ વિસ્તારોમાં વસતા ભિન્ન ભિન્ન ભાષા બોલતા મનુષ્યોએ  સ્થળાંતર કરતાં ભાષાનું પણ આદાનપ્રદાન થવા લાગ્યું અને એમાંથી જુદી જુદી ભાષાઓ વચ્ચે સેતુ રચવાનું માધ્યમ પણ ઉદભવ્યું અને તે અનુવાદ.

આ અનુવાદ પણ એક ઘણી રસપ્રદ બાબત છે. હમણાં ભુજ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૨મું જ્ઞાનસત્ર યોજાઈ ગયું તેમાં એક સત્રમાં અનુવાદનાં વિવિધ પાસાં વિષે ઉદાહરણો સહિત તજજ્ઞોએ ઊંડાણપૂર્વકનો અભ્યાસ રજુ કર્યો. આપણે આ અભ્યાસમાંથી થોડું આચમન કરીશું અને અનુવાદને જાગૃતિપૂર્વક, રસ કેળવીને, માણવાની દૃષ્ટિ કેળવી શકીશું.

પ્રથમ વક્તા જાણીતાં વિવેચક, અનુવાદક ,સાહિત્યકાર ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ વિષય ચર્ચ્યો. પ્રથમ તેમણે અનુવાદ વિષે વિવિધ વિદ્વાનો સર્જકોના અનુભવ કથનો ટાંક્યા. મહત્વના પણ મુશ્કેલ સર્જનાત્મક કૃતિના અનુવાદો કૃતિઓના વ્યાપને સિદ્ધ કરતા હોય છે આ વાતના સમર્થનમાં તેમણે દુર્ગા ભાગવતનું મંતવ્ય ટાંક્યું, “ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ  શક્ય છે.એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ ક્યારેક જ પેદા થાય છે.’

કાવ્યનો અનુવાદ પણ એવી જ સજ્જતા માગી લે છે. એને  સ્પષ્ટ કરવા  પદ્યાનુવાદની સમસ્યા’ નામના કવિ ઉમાશંકરના  લેખમાંથી અવતરણ આપ્યું, “ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપણી પાસે બે શબ્દો છે: ભાષાંતર અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીયે સરણી સુરેખ રીતે સમજવામાં અન્ય ભાષા એવા અર્થ સાથે ભાષાંતર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત પર ભાર મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ-મૂળને અનુસરીને બોલવું તે. અનુવાદ શબ્દ ભાષાંતર કેવી રીતે થયું તે આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે. ભાષા પલટાય એટલું પૂરતું નથી, મૂળ કૃતિનો અવાજ ઝિલાવો જોઈએ…..દરેક  અનુવાદ ભાષાંતર તો હશે જ, દરેક ભાષાંતર અનુવાદ હશે જ હશે જ એમ ન ખી શકાય.” સાથે સાથે તેમણે ક્રોચેના ‘અનુવાદની અશક્યતા’ એ વિચારને પણ સ્પષ્ટ કરતાં કહ્યું કે પોતાનું નોખું વ્યક્તિત્વ ધરાવતી પોતાના ભાષાઘાટમાંની  પ્રત્યેક અભિવ્યક્તિ  બીજા ભાષાઘાટમાં શી રીતે પ્રગટ થાય એમ કહીને શબ્દને બદલે શબ્દ મૂકવામાં આવે તો અસુંદર ખોખું માત્ર નીપજે છે. પણ તેમ છતાં કલાકૃતિઓને ભિન્ન ભિન્ન વ્યક્તિ સમજનાર ક્રોચે તેઓની વચ્ચે કૌટુંબિક સમાનતા સ્વીકારી, અનુવાદની સાપેક્ષ શક્યતાના સ્વીકારના નિર્દેશ સાથે સારા  લેખાતા અનુવાદથી  આવી નજીકની સમાનતા ધરાવતી, મૌલિક મૂલ્ય ધરાવતી કલાકૃતિ પોતાની મેળે ઊભી રહી શકે છે એ પ્રતિપાદન પણ આપ્યું.

અનુવાદ કરતી વખતે એક પ્રશ્ન  મૂળ ભાષાના વ્યવહારોના સંદર્ભ  સમજવાનો  છે એ વાતને  દર્શનાબહેને એક ઉદાહરણ સાથે સમજાવી. બંગાળમાં પ્રચલિત દેવી પૂજા કે એવી વર્ષોની  પરંપરાને કારણે સ્ત્રીજાતિ પ્રત્યે જે એક  આદરનો ભાવ છે એને કારણે પુત્રી, પૌત્રી કે પુત્રવધુને ‘માં’ કહીને સંબોધવામાં આવે છે. હવે આ એક જ નાનકડા સંબોધનમાં  વ્યક્ત થતો આદર, હેત, લાડ વગેરેનો  ભાવ બીજી ભાષામાં કેમ વ્યક્ત થાય? ગુજરાતીમાં ‘મા’ શબ્દ એ ભાવો માટે એવી કોઈ પરંપરા ન હોવાથી વિચિત્ર લાગે અને બહેન, બેટા શબ્દ વપરાય તો મૂળનો ભાવ વ્યક્ત ન થાય. એનો ઉપાય દર્શાવતાં તેમણે ઉમેર્ય કે મૂળ સંબોધન કાયમ રાખી તેની સામાજિક ભૂમિકા પાદટીપમાં સમજાવવી જોઈએ. પોતાના અનુભવને આધારે તેમણે સ્પષ્ટ કર્યું કે  ભાષા રૂઢ ગુજરાતી જ રહેવી જોઈએ. અર્થ સમજાઈ જાય એવા અપવાદને બાદ કરતાં બીજી ભાષાના રુઢિપ્રયોગોનો અનુવાદ ન કરવો જોઈએ. ભાષાની સ્વાભાવિકતા અને અર્થની વિશદતા અથવા પ્રાસાદિકતા સચવાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

કૃતિમાં આવતા સંવાદોની ભાષા ઘરગથ્થુ, સંક્ષિપ્ત, વેગવતી અને ચોટદાર હોય એટલે  એના અનુવાદમાં વાક્યો અરૂઢ, કઢંગાં કે અસંબદ્ધ ન લાગે એ  અંગે પણ વિશેષ કાળજી રાખવી પડે છે. શબ્દોના ક્રમ, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેનાં સ્થાનો પર ધ્યાન રાખવું જોઈએ. નહીંતર સહેજ અમથા ફેરફારથી આખો અર્થ માર્યો જાય છે.

આ વક્તાએ કેટલાંક ઉદાહરણ દ્વારા અનુવાદ કેવી રીતે યોગ્ય બને એની પણ ચર્ચા કરી. પંચતંત્રના એક શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે: ‘વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે અંધારા પખવાડિયામાં જેમાં મુશ્કેલીથી ફ્રરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જયરે વિદેશ ગાયો હોય ત્યારે….” પણ એને બદલે આ રીતે કરવો જોઈતો હતો એવું લાગે છે. ‘વાદળથી ઘેરાયેલો દિવસ હોય, અંધારિયું પખવાડિયું હોય, નગરની ગલીઓ મુશ્કેલીથી ફરી શકાય એવી થઈ ગઈ હોય, અને પતિ વિદેશ ગાયો હોય ત્યારે….’ (નગીનદાસ પારેખ) કાલિદાસકૃત શાકુંતલમાં શકુંતલા વનજ્યોત્સનાને કહે છે, “એષ નૂનં તવાત્મગતો મનોરથ:” એનો અનુવાદ કે કા શાસ્ત્રીએ કર્યો છે, ‘એ તો તારા મનમાંથી ઊભા કરેલા ઘોડા છે.’ પણ એને બદલે આ વધુ સારો લાગે.: ‘એ તો તારા પોતાના મનોરથ છે.’

તેઓ હિમાંશી શેલતના એક લેખમાં  કવિતાનો મિજાજ અન્ય ભાષામાં કેવી રીતે ઉતારી શકાય  એની ચર્ચામાં આપેલું  ઉદાહરણ પણ ટાંકે છે.

IN MY LOVES HOUSE મારા પ્રીતમના ઓરડા ઊંચા,
THERE ARE  HILLS AND PASTURES કે ઓરડા ઓહો કર્યા રે લોલ
COVERED WITH FLOWERS હરિયાળા ડુંગર, ને ગોચરમાં પાથરી
ફૂલ જાજમની ભાત
(કેથેલીન રેનું કાવ્ય થે હાઉસ) (મકરંદ દવેનું અનુવાદરૂપ)

આ ઉદાહરણથી તેઓ હિમાંશી શેલતનું એ મંતવ્ય પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યના અનુવાદમાં ‘સમાંતર ભાવસ્થિતિ’ની શોધ કરી હોય ત્યારે લય પણ એને જ અનુસરે.

પશ્ચિમમાં લગ્નનું પ્રતિક વીંટી અને આપણે ત્યાં મંગલસૂત્ર એટલે , ‘HE HAS MARRIED ME WITH A RING’ નો અનુવાદ કરવા, મૂળ કાવ્યના પ્રાણને રક્ષવા થોડી છૂટ લેવાય અને આ રીતે મૂકવામાં આવે : “મારા પ્રીતમનો હાર મારે કંઠે’.

એ જ રીતે તેલુગુ ભાષાના વિખ્યાત કવિ એન. ગોપીના કાવ્ય જલગીતમના રમણિક સોમેશ્વરે કરેલા ગુજરાતી અનુવાદનું ઉદાહરણ પણ એમણે ટાંક્યું.

કિન બ્રહ્માંડો કે અંતરાલ સે ઢુલક આયા પાની,    આદિકાળના ક્યા બ્રહ્મઅંડને ભેદી દડી પડ્યું આ પાણી
કલ્પનામેં ન સમાનેવાલી કિન વિશાલતાઓંસે     કલ્પી પણ ન શકાય એવી
ઇનકા યહ ચિરંતન પ્રયાણ હૈ                              કઈ વિરાટ ધરાથી એનું છે આ નિત્ય પ્રયાણ !
કિન વિશ્વાન્તરાલોંસે પ્રાદિમ  ધ્વનિ                    ક્યા અગમ ઊંડાણેથી એ વહન કરી લાવ્યું
એ ઢોકર લાયેં હૈ                                                  આ આદિમ ધ્વનિ!

(કવિની અહીં લય જાળવવા શબ્દોની મથામણ જોઈ શકાય. જેમ કે ‘ઢુલક આયા પાની’ માટે “દડી પડ્યું પાણી” કેવું પ્રાસાદિક લાગે છે! આવાં બીજાં ઉદાહરણો ભાવક પોતે શોધી શકશે. )

એવું જ ઉદાહરણ જયંત મેઘાણી એ ટાગોરના કાવ્યોના ‘અનુકૃતિ’માં મૂકાયેલા અનુવાદોમાં મળે છે. એ કાવ્યોના ભાવ, લયને ગુજરાતીમાં પૂરા પામી શકાય છે.

IT WAS GROWING DARK WHEN I ASKED HER            તિમિર ઘેરાતું હતું: મેં પૂછ્યું,
WHAT STRANGE LAND HAVE I CAOME TO                 ક્યા અજાણ્યા મુલકમાં હું આવી ચઢ્યો છું?

*

LET ME SEEK REST IN THE STRANGE LAND   ઝાંખા તારક-ચંદરવાની છાયામાં
DIMLY LYING UNDER THE STARS                      માંરો   વિશ્રામ    છે
WHERE DARKNESS TNKLES WITH                    કારણ તિમિર સ્પર્શે પેલા ઘડૂલિયે
THE TINKLE OF THE WRISTLET                         કંકણ ઝંકાર ગુંજ્યા કરે છે
KNOWCKING AGAINST A WATER JAR.                        ગુંજ્યા જ કરે છે

દર્શનાબહેને દામોદર માવઝો  કૃત કોંકણી નવલકથા કાર્મેલીનનો અનુવાદ કર્યો છે (જે માટે તેમણે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલ છે.) તેમાંના નામો સાથે વિભક્તિ પ્રત્યયો ગોઠવવા અને એને અનુરૂપ વાક્ય રચનાની મથામણની પણ વાત કરી છે.

ડૉ. યોગેન્દ્ર વ્યાસે ગુજરાતી ૧૨આ ધોરણના પાઠ્યપુસ્તકના ૨૦૦૩માં થયેલા અનુવાદમાં ૨૦૧૬માં ફેરફાર સૂચવ્યો અને  એ બંનેમાં અનુવાદકની ભાષાસૂઝના વિકાસનો પણ ખ્યાલ આવે છે. ચૌખાનેકા મનપસંદ કપડેકાનો અનુવાદ ચોકડીવાળા મનપસંદ કાપડની એવો હતો. પણ ૨૦૧૬માં એ અનુવાદ આમ થયો: મનપસંદ ચોકડીવાળા કાપડ થયું. ફેરફાર ઝીણો છે. મનપસંદ કાપડ નથી પણ ચોકડીવાળું કાપડ મનપસંદ છે એમ આખો અર્થ બદલાઈ જાય છે.

દર્શનાબહેને આવાં કેટલાંય ઉદાહરણો ટાંકીને અનુવાદને  રસસમૃદ્ધ અને ભાવપ્રવણ બનાવવા શબ્દો, વાક્ય રચના, લય માટે શબ્દપસંદગી વગેરેમાં કેટલા જાગૃત રહેવું પડે છે તે સ્પષ્ટ કર્યું. અને આવો અનુવાદ ભાવકના ચિત્તને પણ સમૃદ્ધ કરી અન્ય ભાષા અને તેના દ્વારા તેના સાહિત્ય અને અંતે સંસ્કૃતિનો પરિચાયક બની શકે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું માધ્યમ: અનુવાદ [૧]

Leave a Reply

Your email address will not be published.