પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૦. ફેફસામાં પતરી


પુરુષોતમ મેવાડા

દિવાળીના આનંદોત્સવથી વાતાવરણ તરબતર હતું. રાત્રે દરેક ઘરના દરવાજે, શેરીઓની દુકાનો, મોટી-મોટી ઇમારતો અને સરકારી કચેરીઓને રોશની ચમકાવી રહી હતી. ઘર-આંગણે નાનેરાં અને મોટા વડીલો ફટાકડા ફોડવામાં મશગૂલ હતા. ફટાકડાના કાન ફાડી નાખે એવા અવનવા અવાજોથી વાતાવરણ ઉલ્લાસમય હતું. ડૉ. પરેશ પણ પોતાનાં બાળકો સાથે નાના ફટાકડા અને ફૂલઝડીઓનો આનંદ લઈ રહ્યો હતો. એવામાં દવાખાનામાંથી કૉલ આવ્યો. તેણે જવું જ પડે એમ હતું. બાળકોને જરાક સાવચેતી રાખીને જ મજા કરવાની તેણે સલાહ આપી, અને પોતે ઝટપટ તૈયાર થઈને દવાખાને પહોંચ્યો.

દર્દી અંગે તપાસ કરતાં તેમને જાણવા મળ્યુંં, કે દસેક વર્ષના એક છોકરાને ફટાકડા ફોડતાં છાતીમાં વાગ્યું છે. છોકરાએ પતરાના ડબ્બામાં મૂકી એક સૂતળી બૉમ્બ ફોડેલો, અને તેનાથી જે પતરીઓ ઊડી, તેમાંની એક તેની છાતીમાં ઊંડે પેસી ગઈ હતી. (Penetrating Injury Chest) આમ તો છોકરો સ્વસ્થ હતો, પણ એક્સ રે લીધો તેમાં તે પતરી જમણા ફેફસામાં ઊતરેલી દેખાતી હતી. હવે?

ઑપરેશન (Surgical Operation) કરીને પતરી કાઢવી જ પડે એમ હતું. નસીબ સારું કે તેને અત્યાર સુધી લોહી વહીને છાતીમાં ભરાયું નહોતું (Haemothorax) અને હવા પણ ભરાઈને (Pneumothorax) જાન જોખમમાં મુકાયો નહોતો. પણ ગંદી લોખંડની પતરી ગમે ત્યારે તેને જાનના જોખમમાં (Life Endangered) મૂકે એ નિર્વિવાદ હતું. તાત્કાલિક ઑપરેશનની તૈયારી થઈ, સગાંને રોકકળ કરતાં મૂકીને ડૉ. પરેશે છોકરાને ઑપરેશનમાં લીધો.

છાતીની પાંસળીઓ નીચે ચીરો (Subcostal Incision) મૂકીને તેમણે અંદર જોયું તો લોખંડની ૩x૫ સેન્ટિમીટરની પતરી તેના ફેફસાના વચ્ચેના ભાગમાં (In Middle Lobe) ભરાઈ પડી હતી. ડૉ. પરેશે સિફતપૂર્વક એ પતરી કાઢી નાખી, અને ફેફસાને હવા લીક (Air leak) ન થાય એ રીતે સાંધ્યું, અને ઑપરેશન સંપૂર્ણ રીતે પાર પાડ્યું. દવાખાનાનો સ્ટાફ અને સગાં ખુશ થઈ ગયાં, અને તેમનો આભાર માનવા લાગ્યાં. ડૉ. પરેશે સહેજ ભારપૂર્વક શિખામણનું ભાષણ ઠોકી દીધું, તેનો રજાનો દિવસ બગડ્યો હતો, પણ ડૉક્ટર-સર્જન બન્યા પછી આવા પ્રસંગો તો વારંવાર થતા જ હતા ને?

ડૉ. પરેશે બીજા દિવસે પોતાનાં બાળકોને પણ આ કિસ્સો વિસ્તારપૂર્વક સમજાવ્યો, અને સમાચારપત્રમાં પોતાનું નામ છપાયું હતું તે પણ બતાવ્યું.

આવા તહેવારોમાં નિર્દોષ આનંદ કરતાં-કરતાં કેવા જીવલેણ અકસ્માતો થાય છે એની યાદી ઘણી મોટી થાય. અવારનવાર આવા કિસ્સા સમાચાર પત્રોમાં આવતા હોય છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવતાં કેટલાય લોકો જાન ગુમાવે છે. શું આપણે જાનમાલનું નુકસાન થાય એ રીતે જ તહેવારો ઊજવતા રહીશું?


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૦. ફેફસામાં પતરી

  1. સાવચેતીથી જ સ્વબચાવ થઈ શકે એની સમજ આપી જતી વાત,આભાર…..

Leave a Reply

Your email address will not be published.