લેખિકા સરોજ પાઠક અને ભમરડાભીતિ

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

એક રવિવારે સવારે,ચોક્કસ તારીખ લખું તો ૧૯૮૯ના એપ્રિલની ૧૬મી તારીખે વહેલી સવારે એક મિત્રનો સુરતથી અમદાવાદ મારા પર ટ્રંકકોલ આવ્યો હતો. “સરોજ પાઠક ગયાં – રજનીકુમાર, મિત્રોને આ સમાચાર પહોંચાડી દેજો.” આ પછી ટેલિફોન પર ‘ગુજરાતમિત્ર’ના ચંદ્રકાન્ત પુરોહિત આવ્યા હતા અને ડૂમાયેલા અવાજે બોલ્યા હતા : “દોહરાવવા ગમે એવા સમચાર નથી એટલે દોહરાવતો નથી પણ…”

(સરોજ પાઠક)

એ એક ક્ષણ સ્તબ્ધતાની ક્ષણ હતી. શૂન્યમનસ્ક થઈ જવાની ક્ષણ! પણ પછી તો દરેક પ્રહાર પછીની વળતી ક્ષણ જેમ રેઝિસ્ટન્સની – ટકી જવાની આવે એમ બીજી ક્ષણ ડગમગીને ફરી સ્થિર ઊભા રહેવાની આવી ગઈ. “હું એકલો જ જાણું છું, આખા અમદાવદમાં ને બીજું જાણતું નથી.” એવો બાલિશ અહેસાસ પણ જન્મ્યો.

એ પછી મેં પહેલો ફોન ટ્રંકકોલ એક યાસીન દલાલને રાજકોટ જોડ્યો : “મિત્રોને કહી દેજે.” હા, આપણે જાણતા હોઈએ એ મૃત્યુના સમાચાર બીજો કોઈ પહોંચાડી ન દે તેનું ઝનૂન પણ હોય છે. એ ઝનૂનના માર્યા પછી તો અમદાવાદમાં જ પચીસ – ત્રીસ ફોન પર મેં આતંક મચાવી દીધો.

છેક તે પછી રમણ પાઠકને ફોન કરવાનું સૂઝ્યું – આમ તો “વેવારિકતા”ની માંગ છે કે ખભે ધોતિયું નાખી સુરત પહોંચી જવું જોઈએ. પણ રમણભાઈ પાકા રેશનાલિસ્ટ માણસ અને આમાં તો હું સગવડિયો રેશનાલિસ્ટ, મારા મનનું વાક્ય એ બોલી ગયા : “અહીં સૌ ટોળે મળ્યા છે. સ્મશાનયાત્રાની તૈયારી ચાલે છે – તમારે આવવાની કોઈ જરૂર નથી. શો ફેર પડે ? નકામો સમય, શક્તિ, ભાડાનો વ્યય કરશો ? પહોંચશો ત્યાં તો એ બળીને ભસ્મ પણ થઈ ગયાં હશે. મોઢું જોવાની ઈચ્છા પણ પાર નહીં પડે, ઉશનસને પણ હું એમ જ કહું છું.”

“તમે તો રેશનાલિસ્ટ..” મેં કહ્યું “કોઈ પણ શાસ્ત્રોકત વિધિ નહીં કરવાના ને?”

“હું મર્યો નથી.” એ બોલ્યા : “એ મરી છે. એની ઈચ્છા હતી કે એવું બધું કરવું, એટલે બધું કરીશ. પાટલે બેસીને. જનોઈ પહેરીને સંકલ્પો પણ…”

સાચા રેશનાલિસ્ટનું આ લક્ષણ હતું. બુદ્ધિએ હ્રદયને પણ વિશ્વાસમાં લઈને ચાલવું જોઈએ. આ  પછી ગુજરાતભરમાં સરોજ પાઠકના અવસાન વિષે જે ગુસપુસ – ગુસપુસ ચાલી અને પછી જે બેશરમ પૂછપરછો મારા કાને અને સરોજબેનના અન્ય સ્વજનોને કાને પડી તે અસહ્ય હતી – લોકો, મતલબ કે એમનાં જ કેટલાક તો નિકટના ગણાતા હોય એવા મિત્રો પણ પૂછપરછ કર્યા કરતા :  “સરોજબેને આપઘાત કર્યો હતો એ વાત સાચી ? કહે છે કે ઘણી બધી ઊંઘની ગોળી ખાઈને સૂઈ ગયેલાં !” આવા વાક્યો મને પણ ભોંકાય, છતાં હું હસતું મોં રાખીને કહું : “એવું કંઈ નથી.” સામો માણસ સાંભળવા જ માગતો હોય, એ ન સાંભળવા મળે એટલે પછી કાલું પણ કાતિલ શસ્ત્ર વાપરે, કહે : “હા, પણ તમારે તો એમ જ કહેવું પડે ને ! વાજબી પણ એ જ કહેવાય ને ! ખાનદાની કોને કહી છે ?”

એક ભડવીરે એટલે સુધી કહ્યું : “એમણે છેલ્લે મૂકેલી ચિઠ્ઠીમાં તમારું નામ છે – એમની અધૂરી લખેલી નવલકથા ‘ગ્રીનરૂમ’ પૂરી કરવાનું કામ તમને સોંપી ગયા છે.”

મેં કહ્યું : “એવી કોઈ ચિઠ્ઠી-બિઠ્ઠી નથી. એ તો એક પત્ર હતો. એમાં સરોજ પાઠકની મનોદશાનો એક્સ-રે હતો.”

સરોજ પાઠકની મનોદશાનો ક્લોઝઅપ. મૃત્યુના ચાર દિવસ પહેલાં જ એમણે મને લખેલું કે : “હું બધા ગંભીર લેખો નથી લખતી. હળવા પણ લખું છું જેવા કે “મારી શોકસભા હોય તો ?” આ વાક્ય તમે બહુ ભારે ભારે કવિતાઓ લખો છો હમણાં હમણાં” એવી એમના વિષેની મારી ટકોરના જવાબમાં હતું. અલબત્ત, એ મૃત્યુના ખયાલથી ઓબ્સેસ્ડ હતાં એવો એમાં સંકેત છે. પણ આપઘાતનો ઈરાદો નહોતો જ. કારણ કે એ વાક્ય પછી તરત જ એમણે મને લખ્યું છે. “પત્ર એક્નોલેજ કરશો જ.” મરણચિઠ્ઠી હોય તો એ લખનાર પહોંચનો આગ્રહ રાખે ?

આ ઠપકા છતાં એ મીંડા જેવી આંખો કરીને બોલ્યાં: “કહે છે કે રમણ પાઠકનો એમના પર ભારે ત્રાસ હતો.”

પોતાનું ચાલે તો ધરતી પર પગલાંનો ભાર પણ પડવા ન દે એવો માણસ તે રમણ પાઠક. પરસ્પરની સમજણોના રસાયણ જેવું એમનું લેશમાત્ર કંકાસ વગરનું દામ્પત્ય. એકબીજા એકબીજાને “જીજા” “જિજી” કહીને સંબોધતાં. રમણ પાઠક પોતાની અંદર મસ્ત, ને સરોજબેન પ્રવૃત્તિઓથી ઘેરાયેલાં. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ અલપઝલપ મળે. બાકી રમણભાઈ રહે સુરત. સરોજબેન રહે બારડોલી. બંને વચ્ચેના મધુર ઈન્ટરલ્યુડ (બે અંતરા વચ્ચેનું એકત્વ રચી આપતું વાદ્યસંગીત) જેવી દીકરી શર્વરી. એનું પણ પ્રેમલગ્ન. ઉમદા સ્વભાવનો અનાવિલ જમાઈ મુકેશ દેસાઈ. એ લોકોના પણ બે પરાણે વહાલાં લાગે એવા બાળકો મલ્હાર અને તર્જની. સરોજબેન રમણભાઈ બન્નેનો એમના આ દોહિતરાં પર અપાર પ્રેમ. એ આખો અંતરંગ સ્નેહસિકત પરિવાર. આમાં કંકાસ તો શું, ઊંચા મન થવાની ઘટનાને પણ અવકાશ ન રહે. હશે, સમાધાનો હશે. એ પણ હું જાણું, પણ એ સમજણોરૂપે પાંગરી ગયેલા.

ને આ માણસ ત્રાસની વાત કરતો હતો ! કે જે એ લોકોને ત્યાં અનેક દહાડા રહી ચૂક્યો હતો ! આ વાત સાંભળીને જ ત્રાસ થતો હતો.

એમની સાથે ગાળેલી છેલ્લી સાંજ યાદ આવી ગઈ મને. પચ્ચીસમી માર્ચ એટલે કે ખરેખર નિવૃત્ત થવાના ત્રણેક અઠવાડિયા અગાઉ એમનો વિદાય સમારંભ બારડોલી કોલેજમાં હતો. ગુલાબદાસ બ્રોકર મુંબઇથી આવેલા. મારે પણ મુખ્ય મહેમાન તરીકે જવાનું હતું. એમના વિષેના સુંદર પુસ્તક “સરોજ પાઠક, સંવેદના અને સર્જન”નું વિમોચન બ્રોકરસાહેબે કર્યું – પછી ભાષણો થયાં – પણ બોલનારાઓએ અને એમની કોલેજના સાથીઓએ જે અનરાધાર પ્રેમ એમના પર વરસાવ્યો હતો તેને કારણે ખુદ ઉત્તમ વક્તા સરોજબેન પ્રતિભાવ વખતે એકદમ ડુમાઈ ગયાં. બહુ બોલી ન શક્યાં. પછી મને સ્ટેજના પગથિયાં ઊતરતાં ઊતરતાં કહે : “એટલો પ્રેમ મળ્યો કે હવે આજ મોત આવે તો પણ રંજ નથી.”

(વિમોચન કાર્યક્રમમાં સરોજબહેન, ગુલાબદાસ બ્રોકર, રજનીકુમાર પંડ્યા)

“આવું કેમ બોલો છો ?” મેં કહેલું: “હવે તો તમારું જીવન શરૂ થયું છે.”

બારડોલીના એ સમારંભ પછી રાતે સુરતમાં એમના અમારા અંતરંગ મિત્ર ડૉ. પ્રવીણભાઈ, ડૉ માલતીબહેનને ત્યાં મિલન-મહેફીલ ગોઠવેલાં. મોડી રાતે છૂટા પડ્યા પછી રમણભાઈને ઘેર, મારી, સરોજબેનની અને રમણભાઈની મહેફિલનો ત્રીજો દોર ચાલ્યો. સવારના પાંચ !

એ એમની સાથે ગાળેલી છેલ્લી ક્ષણો હતી. જેમાં સરોજબેન ખીલેલાં અને ખડખડાટ હસ્યાં પણ. પણ એમના આગમની એંધાણી એમાં વરતાતી હતી ? સત્તર દિવસ પછી થનારાં એમના મોતની કોઈ સંજ્ઞા ? કોઈ સંકેત ?

ના, કશું જ એવું યાદ નથી આવતું કે જેમાંથી સરોજ પાઠકના આંતરમનમાં ધરબાયેલી આત્મઘાતની કે એવી કોઈ વૃત્તિનો સળવળાટ ડોકાય. એ તો હસવું પણ ખાળી ન શકાય તેટલી હદે મારા અને રમણભાઈની દરેક મજાક પર હસી લેતા હતાં !

મને થયું કે સાંજે એ જે બોલ્યા હતાં કે હવે આજે મોત આવી જાય તોય કોઈ રંજ નથી. એ એમના આટલો બધો પ્રેમ-માન-સન્માન પામ્યાની પરિતૃપ્તિના ઓડકારથી વિશેષ કશું નથી.

સવારે પાંચ વાગે હું અને રમણ પાઠક અમારી અંગત મહેફિલ પૂરી કરીને ઊઠ્યા ત્યારેય પણ સરોજબહેન બીજા ખંડમાં અંધારું કરીને ગોટમોટ સૂતા હતા. એમને વેલીયમની ગોળીઓ લઈને ઘસઘસાટ નિંદ્રા લેવાની ટેવ હતી એથી હું જાણકાર. એટલે એમને ‘આવજો’ કર્યા વગર, માત્ર રમણભાઈની રજા લઈને મેં મુંબઇની ગાડી પકડી.

**** *** ***

“હમણાં તમે થોડો સમય પૂરેપૂરા ચોવીસ કલાકનો આરામ નહીં લો તો તમારા જાન પર ખતરો છે.” એમ ડૉક્ટરોએ આજથી ૧૯૮૩ ની સાલમાં એમનું બ્લડપ્રેશર જોઈને કહ્યું હતું – એમનું નીચામાં નીચું બ્લડપ્રેશર પણ ૧૩૦ જેટલું રહેતું હતું, તો ઊંચામાં ઊંચું બસોની પણ ઉપર. ડોક્ટરોની આવી ચેતવણીના જવાબમાં એ કહેતાં : “પથારીમાં પડ્યા રહીને જિંદગી લંબાવવા કરતાં પાંચ વરસ પહેલાં મરી જવાય તો બેટર.”

ડોક્ટરોની સલાહને એમણે અવગણી હતી. અજંપાને એમણે દિનચર્યામાં હરેક ક્ષણ સાથે સામેલ કરી દીધો હતો. નાટક-ગરબા જેવી પ્રવૃત્તિમાં સતત રમમાણ-લેખન સતત ચાલુ. રાતના બે પહેલાં સૂએ નહીં. ખાવાનું અનિયમિત. ફ્રીજમાં રાખેલું હાથમાં આવે તે ખાઈ લે. ખાતાં ખાતાં વાંચતા તો મેં એમને સેંકડો વાર જોયાં. ક્યારેક કોઈ નવલકથાનું લેખન ચાલુ નોકરીએ પણ એક મહિનામાં પૂરું કર્યું હોય. જે એમણે દિવસે દિવસભર લખ્યું હોય, તે સાંજે એક વાર મેં જોયેલું કે એક છોકરીના પગના એક ઠેકામાં તાલ તૂટતો હોય તે કલાક સુધી એમની જોડે લમણાફોડ કરી. વચ્ચે વચ્ચે કુ.અર્ચના દેસાઈ દહેજ-યુદ્ધ પ્રકરણમાં જીજા (રમણભાઈ)ની કટોકટીભરી સ્થિતિ વિષે અત્યંત ચિંતાતુર. ( એ એક આખો તદ્દન જુદું મામલો, જેમાં રમણભાઇ અને સરોજબહેનની વિનંતીથી મારે મોરચો સંભાળવો પડ્યો હતો. એની વિગતે વાત રમણભાઇએ મારા ષષ્ટિપૂર્તિ ગ્રંથમાં લખી છે,)  એમાં તો અમદાવાદમાં મારે ત્યાં સરોજબહેનને-એક વાર રસોડામાં જ ફીટ આવી ગયેલી. એમની સામાજિક પ્રવૃત્તિઓ પહોંચી ન વળાય એટલી. આ બધાનો મતલબ શક્તિઓનો માત્ર વ્યય જ નહીં-ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ચાલે. ડોક્ટરોએ જ્યારે એમને કહ્યું કે હવે જો તમે નહીં અટકો તો આમાંથી તમને કાં પેરેલીસીસ, કાં હાર્ટફેઈલ્યોર, કાં બ્રેઈન હેમરેજ- ત્રણમાંથી એકનો ભોગ બનવું પડશે. ત્યારે બિલકુલ સ્ત્રૈણ છટામાં એ બોલેલા :”હાય બાપ, પેરેલીસીસ તો મારે જોઈએ જ નહીં, એ કરતાં હેમરેજ, ને કાં હાર્ટફેઈલ્યોરના ખાનામાં હું ટિક માર્ક કરું.”

એમનું મૃત્યુ ભલે બ્રેઈન હેમરેજના કારણેથયું પણ અસલી નિદાન શું છે ?

મારું નિદાન એ કે એ જીવનની તીવ્ર ગતિ તૂટી જવાની ભયગ્રંથિથી પીડાઈ રહ્યા હતા. એ તીવ્ર ગતિ એમની નિવૃત્તિને કારણે તૂટી જવાની હતી.(એવો એમને ભય હતો) એટલે એ વારંવાર મારા પરના પત્રોમાં ‘નિવૃત્તિ પછી શું કરીશ?’ એવાં વાક્યો લખતાં હતાં. આર્થિક મૂંઝવણ તો કોઈ હતી જ નહીં-એમણે જ એક વાર રમણભાઈને કહેલું: “મારી નિવૃત્તિ વખતે જે રકમ આવે એમાંથી પચ્ચીસ હજાર લઈને, તું વિદેશ મોજ કરી આવજે.” એટલે ‘નિવૃત્તિપછી શું ?’ જેવો પ્રશ્ન એમને આર્થિક સંદર્ભમાં નહોતો સતાવતો. પણ ગતિભંગના સંદર્ભમાં સતાવતો હતો. અત્યારે મને લખતાં ખરેખર ભારે સંકોચ થાય છે કે, છેલ્લે એક વાર તો મારા જેવા, એમનાથી ક્યાંય જુનિયરને લખેલું : “મારી કોલમનું ક્યાંક ગોઠવાય એવું કરજો ને !”

મેં એમને લખ્યું : “તમે મને કહો છો ? હું તે કોણ ?” આમ છતાં પણ નોકરી જતાં પ્રવૃત્તિના સમયમાં ખાડો પડશે એવો હાઉ એમને સતાવી રહ્યો હતો. મારું પોતાનું તો એવું નિદાન છે કે ભમરડો જો ફરતો ન રહે તો ભોંય પર પડી જાય. તે પ્રકારની “ભમરડાભીતિ” તેમના ચિત્તમાં વ્યાપી ગઈ. અને એણે જ એમનો જીવ લીધો. પણ પોતે નિવૃત્ત થશે એટલે રહી ગયેલી પ્રવૃત્તિઓનો ધોધ તેમના પર છૂટશે એવી કલ્પના તેમનું સમર્થ સર્જક ચિત્ત જન્માવી જ ન શક્યું. પરિણામે આવી પડ્યું આ બ્રેકડાઉન……

તેમના મૃત્યુ અગાઉના ચાર મહિનાના એટલે કે ૨૦-૧૨-૧૯૮૮ ના મારા પરના પત્રના કેટલાંક વાક્યો :”સખ્ખત નર્વસ છું…. રિટાયર્ડ થવાની એટલે મહાભાર (“ત” નહીં)!’. બારડોલી ઘર સંકેલવાનું ને તે વાતે વીસ વર્ષનો ભાર ઉલેચવાનું માનસિક દબાણ ક્રાઈસીસની હદે પહોંચેલું. એટલે જીજા (રમણભાઈ) બિચારા બૈરીની ટ્રીટમેન્ટ કર્યા કરે. જાણે કે પક્ષઘાતવાળી ન હોઉં !….જીજા સુરત ઘરમાંથી ઓફિસે જાય. એટલે ઘાંધીઘાંધી એકલતા થાય કે નહીં ! હવે હવે હવે હારી ગઈ. માનો કે જાણે શારીરિક બેડરીડન થઈ ગઈ છું. તમારા પત્રો અક્ષરો એ જ સાહિત્યની (બરાબર ઉકલતું નથી) ધ્રુજારી, ધ્રુજારી….ઉમાશંકર જોશીનું પ્રયાણ…. ને ચોખાવાલા(ગોરધનદાસ)…. હવે હું જઈશ ક્યારે ? ક્યાં સુધી ખેંચીશ ? ડીપ્રેસન ડીપ્રેસન…. ‘આટલું લખ્યા પછી સરોજબહેન તા.ક. માં લખે છે : “તમને જે લખ્યું તે સમજશો-અંગત-ભીતર આપણો જુદો જ ચહેરો, બહાર તો હસી-ખુશી, રમતિયાળ, સોશિયલના અભિનયની કસરત કરું છું.

**********

મરણના દિવસની કહાણી તો ટૂંકી છે. તેમણે કોલેજ છોડી તેરમી એપ્રિલે. ૧૪ મી એ રજા હતી. ૧૫મીથી તો નિવૃત્તિ હતી. ૧૪ મીએ બપોરે બે વાગે બારડોલીમાં જ બીજે રહેતી દીકરી શર્વરીને ત્યાં જમીને બાર વાગે પોતાને ઘેર આવ્યાં. આકાશવાણી માટે વાર્તા લખી. કવર બનાવ્યું – (વાર્તાનું નામ “છેલ્લો નિર્ણય”) કવર પર સરનામું લખ્યું, પણ ગામનું નામ ‘વડોદરા’ લખવાનું રહી ગયું. સૂઈ જવાની તાલાવેલી લાગી હશે ? હશે. વેલીયમની બે જ ગોળી લીધી. એમ પાકે પાયે કહી શકાય કારણ કે દસની સ્ટ્રીપમાંથી આઠ તો એમને એમ પડી હતી. લઈને સૂઈ ગયાં તે સૂતાં જ. દીકરી શર્વરી ત્રણેક વાગે આવી. ઢંઢોળ્યાં, પણ ઘસઘસાટ સૂતેલાં જોઈને બહુ ઉઠાડવાનો પ્રયત્ન ન કર્યો. કલાક પછી એ ફરી વાર આવી ત્યારે એને લાગ્યું કે આ સામાન્ય નિંદર નથી. એટલે એણે પોતાનાં સાસુને બોલાવ્યાં. પાંચેક વાગ્યા હશે-આ વખતે બરાબરના ઢંઢોળ્યાં તો થોડું જાગીને સરોજબેન બોલ્યા કે :”મને ઊંઘવા દો-સાંજે આવીશ.” (રોજ સાંજે એ દોહિતરા મલ્હાર-તર્જનીને આવીને રમાડતાં–ભણાવતા હતાં). ફરી સૂઈ ગયા. ફરી ઢંઢોળ્યા, પણ બોલ્યાં નહીં એટલે પાડોશીઓને એકઠાં કર્યા. જમાઈની જ મારુતિ ગાડીમાં પાછળ સુવડાવીને તરત ડૉ. રાજેન્દ્ર દેસાઈના અમિત ક્લીનિકમાં લઇ ગયાં. ડોક્ટરે તરત નિદાન કર્યું કે બ્રેઈન હેમરેજ થયું છે-કોમામાં સરી પડ્યાં છે.

સૌ આજુબાજુ વીંટળાયેલા હતા. રમણભાઈ પણ. સવારે ચાર વાગે કોમાની અવસ્થામાં જ  સરોજબેન સરકી ગયાં. કોઈ આપઘાતની ચેષ્ટાએ જ નહીં, પણ ગતિભંગની ગ્રંથિએ જ નિવૃત્તિના દહાડે જ એમને નિશ્ચેષ્ટ બનાવી દીધાં. બાકી કોઈએ ખોટી કલ્પનાઓ કરવાની જરૂર નથી.

(વિશેષ માહિતી: સરોજ રમણલાલ પાઠક/સરોજ નારણદાસ ઉદેશી, જન્મ તા. ૧-૬-૧૯૨૯ /અવસાન ૧૬-૪-૧૯૮૯ /જન્મ સ્થળ: જખૌ –કચ્છ. ખાસ કૃતિઓ: નવલકથાઓ  –‘નાઇટમેર’, ‘નિઃશેષ’, / રમણ પાઠક સાથે સહલેખન: ‘પ્રીત બંધાણી’  / વાર્તા સંગ્રહો: ‘વિરાટ ટપકું’, ‘સાંસારિકા’  ‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ’ અર્વાચીના; રમણ પાઠકનું અવસાન- ૧૨-૩-૨૦૧૫)

નોંધ:

શબ્દચિત્રોનાં મારાં ‘ઝબકાર’ના પુસ્તકો પર સરોજબહેન અતિ પ્રસન્ન હતાં. તેના સંદર્ભમાં મારા ઉપરના તેમના એક લાંબા પત્રનું એક પાનું અહીં મૂકું છું.


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “લેખિકા સરોજ પાઠક અને ભમરડાભીતિ

 1. રજનીભાઇ,
  લેખ બહુજ ગમ્યો. સરોજબેન વિષે તો હું ખાસ જાણતો નથી પણ તમારી શૈલી નો ચાહક આજના લેખથી વધારે ખુશ થયો.
  રમણભાઈનું વર્તન રેશનાલીસ્ટ મુજબનુ જ.
  આ બધી વિગતો રમણભાઈ તથા તમારા પરિચય પહેલાની. તેથી સારી એવી વિગતથી માહિતગાર થયો.
  આભાર.
  પ્રફુલ્લ ઘોરેચા

Leave a Reply

Your email address will not be published.