રક્તાનુબંધ : ભાગ – ૧

નયના પટેલ, લેસ્ટર, યુકે

આજે મારી વહાલી દીકરી નીરા ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહી છે .

પહેલી પ્રેસ કોન્ફરંસ છે તેમાં શું કહેવાનું, શું ન કહેવાનું, શું પહેરવાનું બધાનું રીહર્સલ કરી, તે સ્થળે સમય પહેલા પહોંચવા માટે અમે નીકળતા હતા અને ત્યાં તો મારી પત્ની કામિની શુકનનું દહીં લઈ આવી.

પ્રેસ કોન્ફરન્સ ધારવાં કરતાં ય ખૂબ જ સરસ રહી. નીરાએ જે અત્મવિશ્વાસથી જવાબો આપ્યા તે જોઈને મને એના ઉજ્જ્વળ ભવિષ્યની ખાત્રી થઈ ગઈ.

એવું નથી કે એ માત્ર મારી દીકરી છે અટલે જ ફિલ્મ લાઈનમાં આવવા ઈચ્છે છે પરંતુ એ એના રસનો વિષય રહ્યો છે. પુણેમાં ફિલ્મ અને ટેલિવિઝન કલાની પદવી લીધા પછી યુરોપની ફિલ્મ અને નાટ્ય પધ્ધતિ શીખવા નીરા ફ્રાંસ ગઈ અને વૈશ્વિક ફિલ્મ અને નાટ્ય પધ્ધતિના અભ્યાસાર્થે અમેરિકા પણ અભ્યાસ કર્યો.

ભારત પાછી આવેલી નીરાએ તરત જ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઝંપલાવવાની ઘસીને ના પાડી દીધી, ત્યારે એની પરિપક્વતા પર અમે બન્ને પતિ – પત્નીએ ગૌરવ અનુભવ્યું. જે ઉંમરે છોકરીઓ મોજ મઝા કરતી હોય તે વખતે મારી નીરાએ ભારતની મૂંગી ફિલ્મોથી શરુ કરી મરાઠી, બંગાળી, ગુજરાતી, તામિલ અને બોલીવુડની ફિલ્મોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. એ વિષે મારી અને કામિની સાથે જ્યારે બૌદ્ધિક ચર્ચા કરતી ત્યારે અમને શેર લોહી ચઢતું.

મારા અંતરની ખૂબ જ નિકટતમ્ એ મારી વાર્તાની સ્ક્રિપ્ટ ‘અપર્ણા’ હમણાં જ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હતી અને હવે ફિલ્મ માટે હીરો શોધવા માટે ઑડીશન્સ-કસોટી શરુ કરી દીધી છે. અત્યાર સુધી આવેલાં સેંકડો યુવાનોનાં સ્ક્રીન ટેસ્ટ લીધા હતા તે મેં જોયા પરંતુ કોઈ યુવાન ધ્યાનમાં જ નહોતો આવતો! મારો મેનેજર સ્વરૂપ હવે થાક્યો હતો, ‘સર, લીસ્ટ તો હજુ ય ખૂબ લાંબુ છે પણ તમને નથી લાગતું કે સમય…..’

‘યસ, આઈ નો (know) પણ મને જોઈએ છે એવો યુવાન મળે નહીં ત્યાં સુધી…. યુ, સી, નીરાની આ પહેલી જ ફિલ્મ છે અને એની સાથે બધી જ રીતે મેચ થાય એવો જ…અહં…….મઝા નથી આવતી, સ્વરૂપ. અત્યાર સુધીમાં એક યુવાન નજરમાં કંઈક બેઠો છે પણ એની પાછળ ખૂબ કામ કરવું પડે એવો છે. ચાલો બીજા બે દિવસ રાહ જોઈએ નહીં તો પછી એ યુવાનથી કામ ચલાવીશું. અને વાત એમ છેને સ્વરૂપ, કે અત્યારના જાણીતા અભિનેતાને લઉં તો સ્વભાવિક રીતે નીરા પાસેથી લોકોની અપેક્ષા વધી જાય. ‘મારી દીકરી છે’ એને લીધે પણ એને લોકોની અપેક્ષાઓ ઉપર ખરા ઊતરવું પડશે જ, એમાં મારે ઉમેરો નથી કરવો.’

મારા રોજના નિયમ મુજબ રાત્રે ઘરે જવા માટે બહાર નીકળ્યો એટલે ડ્રાયવરે મારી ગાડી દરવાજા પાસે ઊભી રાખી. બેસતા બેસતા મેં જોયું તો મારો રોજનો ડ્રાયવર નહોતો. આશ્ચર્ય બતાવવા જાઉં ત્યાં તો એણે જ કહ્યું,  ‘સર, સોરી, પણ આજે આપના ડ્રાયવર ભરતના દીકરાને અચાનક હોસ્પિટાલમાં દાખલ કરવો પડ્યો છે એટલે આપને લેવા માટે મને મોકલ્યો છે.’

હું તો એનો અવાજ સાંભળીને એકદમ ખુશ થઈ ગયો. અરે, ભાવથી ભર્યો ભર્યો ઊંડો અને ભારે અવાજ……અને આછા અંધારામાં પણ હું જોઈ શક્યો કે એ દેખાવમાં પણ ખૂબ જ હેંડસમ દેખાતો હતો.

કારમાં બેસીને મેં એને વિષે જાણવા માટે પ્રશ્નો પૂછવાનું શરુ કર્યું, ‘ બેટા, તારું નામ તો કહ્યું જ નહીં!’

આત્મવિશ્વાસથી સભર અવાજે કહ્યું, ‘સોરી સર, મારે પહેલાં જ કહી દેવું જોઈતું હતું. અનુજ, મારું નામ અનુજ છે સર.’ કહી એણે ગાડીના અરીસામાંથી પાછળ તરફ સ-સ્મિત નજર કરી કહ્યું.

મારા મનમાંથી અવાજ આવ્યો, ‘ બસ….આજ… આને જ હું શોધતો હતો. મનોમન ભગવાનનો આભાર માની  વધુ માહિતી મેળવવા માટે હું એની સાથે વાતે વળગ્યો.

એ વડોદરાથી આવતો હતો. મુંબઈમાં આવ્યાને હજુ ચાર મહિના જ થયા હતા. અને મારા આશ્ચર્ય વચ્ચે ડ્રામા અને ફિલ્મનો આગળ અભ્યાસ કરવા માટે પૈસા ભેગા કરવા જ મુંબઈ આવ્યો હતો. હજુ અનુજને કોઈ કામ મળ્યુ નહોતું પરંતુ આ પ્રકારનાં છૂટક કામો કરી પૈસા ભેગા કરવા મથતો હતો અને મારા ડ્રાયવર ભરતની બાજુની ખોલીમાં જ રહેતો હતો.

અનુજનો અવાજ સાંભળી, એનો બાહ્ય દેખાવ જોઈ અને ‘ફિલ્મ-ડ્રામા સ્કુલ’ શબ્દ સાંભળી મને કેટલી ખુશી થઈ હશે એનો કદાચ તમને અંદાજ પણ નહીં આવે.

અનુજ મને ખપ પૂરતી જ વાત કરવાની ટેવવાળો લાગ્યો. પ્રશ્નોના ઉત્તર ખૂબ જ વિનમ્રતાથી આપતો હતો અને સાથે સાથે ડ્રાયવર તરીકેની મર્યાદાની સમજ હતી એનામાં.

મારા ઘર પાસે ગાડીમાંથી ઊતરતાં ઊતરતાં મેં એની અટક પુછી, ‘ અનુજ, તારી અટક શું?’’

એણે એકદમ નિખાલસ હાસ્ય વેરતાં કહ્યું, ‘ સર, મારી મા એ માત્ર એનું નામ જ મને આપ્યું છે અટક નહીં. એટલે માફ કરો સર, હું અટક વગરનો છું.’

‘પિતા નથી?’ કોઈની અંગત વાતમાં આવી રીતે દખલ કરવી ન જોઈએ એ સભ્ય વિચારે, જીભે આવેલા પ્રશ્નને મેં પાછો વાળી લીધો.

મારા તરફનો દરવાજો ખોલી જ્યારે ઊભો રહ્યો ત્યારે એને ધ્યાનથી જોયો. સાચે જ હું અભિભૂત થઈ ગયો.

‘થેંક્સ’ કહી મેં મારા બંગલા તરફ જવા માંડ્યું.

અનુભવી ડ્રાયવરની જેમ મારી બ્રીફકેસ ઉપાડી મારી પાછળ આવ્યો અને અંદર આવી દરવાજો ખોલવા આવેલા મારા નોકરને બ્રીફકેસ આપી, ‘ગુડ નાઈટ, સર’ કહી, એ ગયો.

બીજે દિવસે મેં મારા મેનેજર સ્વરૂપને વાત કરી અને ડ્રાયવર ભરત સાથે સંદેશો મોકલાવી સ્વરૂપે અનુજને ઑડીશન માટે બોલાવ્યો.

રૂમમાં પ્રવેશતાં અનુજને જોઈને સ્વરૂપના મોઢાનાં ભાવો મેં વાંચ્યા. એ પણ એકદમ ઈમપ્રેસ થઈ ગયો હોય એમ મને લાગ્યું. ઑડીશન એને માટે જાણે રમત વાત હોય તેમ જરાય નર્વસ થયા વગર આપેલા ડાયલોગ્સ જે રીતે બોલાવા જોઈએ એ જ રીતે અને યોગ્ય એક્શન સાથે કરીને એણે પહેલી જ ઑડીશનમાં બાજી મારી લીધી. સ્ક્રીન ટેસ્ટ્માં પણ કોઈ પ્રોબ્લેમ થયો નહીં.

ખેર, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એને મેં મારી ફિલ્મ માટે સાઈન કરી લીધો.

નીરા અને કામિની સાથે એની ઓળખાણ કરાવી, અને એ લોકોનાં અભિપ્રાય પણ જાણ્યા.

નીરાએ એની અનુમતિની મહોર મારી અને કામિનીએ પણ એમાં સુર પુરાવ્યો.

નીરા અને અનુજને સાથે બેસાડી સ્ક્રીપ્ટનું-વાર્તાના સંવાદોનું- પઠન કર્યું.

અમારા ડાયરેક્ટર મી.ભીંડે પણ અનુજથી ખુશ હતા.

ફિલ્મ ‘અપર્ણા’નું ઈનડોર શૂટિંગ થતું હતું ત્યારે મેં નોંધ લીધી કે અનુજને ડ્રામાનો સારો એવો અનુભવ હશે અને એટલે જ એક બે સૂચને એ પરિસ્થિતિ સમજી અને એવો અભિનય કરતો. સહકાર્યકરોથી લઈને મી.ભીંડે અને કેમેરા પર કામ કરનારાઓ પણ અનુજનાં કામથી ખુશ હતા.

ખાસ મહત્વનું તો એ હતું કે નીરા અને અનુજની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ કામ કરતી હતી.

કહ્યા વગર ઘણી વખત બન્ને એકબીજાંને અભિનયમાં સાથ આપતાં હતાં એ જોઈ મારા આનંદનો કોઈ પાર નહોતો.

ફિલ્મ જે ગતિથી આગળ વધતી હતી તે જોઈને મારા પ્રોડ્યુસર પણ ખુશ હતા.

ફિલ્મના આઉટ ડોર શૂટિંગ માટે ભારતમાં જ અમે વિવિધ સ્થળો નક્કી કર્યાં હતાં એ મુજબ શીફ્ટ ગોઠવી હતી અને એકંદરે બધું જ ધારવા કરતાં પણ ખૂબ જ વ્યવસ્થિત ચાલતું હતું. મારા અન્યો કામને લીધે હું આઉટ ડોર શૂટિંગમાં જતો નહીં.

એક દિવસ બપોરના સમયે હું મારી ઓફીસમાં આરામ કરતો હતો ત્યારે મારો અંગત સેક્રેટરી વિશાલ સંકોચ પામતો હોય તેમ અંદર આવ્યો. મને થયું ખાસ કામ ન હોય તો એ આમ મારા આરામના વખતે આવે નહીં, એટલે મેં પ્રશ્નાર્થભરી નજરે એની સામે જોયું. એની અવઢવભરી સ્થિતિ જોઈ હું મારી ખુરશીને સીધી કરી બેઠો અને એને ખાત્રી આપતાં કહ્યું,

‘જે હોય તે કહીદે ને વિશાલ.’

તોય હજુ બોલતાં થોડો અચકાયો, ‘ સર, પ્લીઝ, ડોંટ ટેઈક મી રોંગ બટ……મને લાગે છે અનુજ અને આપણી નીરા વધારે પડતાં નજીક આવી ગયા છે.’ કહી એકદમ છોભીલું હસ્યો.

સાવ અચાનક આ વાત સાંભળી હું એક સેકંડ માટે તો કંઈ જ સમજ્યો નહીં, પછી ધીમે ધીમે વાત પરથી ધૂમ્મસ ખસતું હોય તેમ મગજમાં વિશાલનું વાક્ય પહોંચ્યું.

‘સર, એ લોકોની ઈંટીમસી…..અત્મિયતા, યુ નો સર, ઘણી આગળ વધી હોય એમ લાગે છે.’

‘તને ક્યાંથી ખબર? તું તો અહીંયા છે?

એણે કંઈ પણ બોલ્યા વગર એનો ફોન કાઢી એક વિડીયો બતાવ્યો. હું મારું રીએક્શન આપું તે પહેલાં જ એણે કાકલુદી ભર્યા સ્વરે કહ્યું, ‘સર, આપણા એક શુભચિંતકે જ આ મોકલ્યો છે. એણે નામ આપવાની હમણા ના પાડી છે, સર… પ્લીઝ ડોંટ આસ્ક ક્વેશ્ચન અબાઉટ ઈટ, સર.’

સાચે જ ચિંતા ઊપજાવે એવો વિડીયો હતો!

મેં એને જવા માટે કહ્યું અને પહેલા તો મેં મનને શાંત કરવા પ્રયત્ન કર્યો.

આ લાઈનમાં આ ક્યાં નવી વાત છે? પહેલા તો મને થયું કે આમ તો મારી નીરા ખુબ સમજુ છે. પરંતુ પેલો વિડીયો આંખ આગળથી ખસતો નહોતો.

મનમાં તામૂલ યુધ્ધ મચ્યું હતું, હજુ તો એ બન્નેની કારકિર્દીની શરુઆત થઈ છે ત્યારે આ વાત યોગ્ય નથી જ. વિડીયો લઈ શકાયો એટલે સાવ ખાનગીમાં તો આ ન જ બન્યું હશેને?

રૂમમાં આંટા મારતા મારતા કેટલો સમય થઈ ગયો હશે તે ખબર જ ન રહી. કામિનીનો ફોન આવ્યો ત્યારે વાસ્તવિક જીવનમાં પાછો આવ્યો.

કામિનીને ‘ની’ કહીને સંબોધું છું. મેં ઘરે જતાંની સાથે જ એને વાત કરી વિડીયો બતાવ્યો. એને પણ ચિંતા થઈ. ક્યાંય સુધી અમે ચર્ચતા રહ્યાં પણ નીરાને મળ્યા વગર વાત ફરી ફરીને એક જ જગ્યાએ આવતી હતી…અનુજ વિષે આપણે કંઈ જ જાણતા નથી એટલે પહેલાં અનુજ સાથે નિખાલસતાથી વાત કરવી જરુરી છે.

અને એ જ રીતે નીરા સાથે પણ નિઃસંકોચ વાત કરવી એમ નક્કી કર્યું.

તો ય હું લગભગ આખી રાત સૂઈ શક્યો નહી.

મેં કામિની સાથે લગ્ન કર્યા તે સમય યાદ આવ્યો. મારા માતા – પિતા નો તો સ્વર્ગવાસ થઈ ગયો હતો અને આગળ પાછળ કોઈ હતું નહી જે મને સમજે….અને જે હતું તે દુનિયાના મેળામાં ક્યાંય સંતાઈ ગયું હતું – તે હતી મારી જોડિયા બહેન શીલુ. કામિનીના પપ્પા જેમણે મારી ફિલ્મની કારકિર્દી બનાવી તેમને મારા અને કામિનીના સંબંધ સામે વાંધો હતો જ. એમની વાત આજે હું સમજી શક્યો! દીકરીની ફિલ્મ ક્ષેત્રે હજુ તો શરૂઆત જ હોય અને ત્યારે એ કોઈ એવું પગલું ન ભરે કે જેનાથી એના કર્યા કરાવ્યા પર પાણી ફરી વળે! ખાનગીમાં ડેઈટિંગ કરે કે કોઈની નજીક જવા માંડે એ ચાલે પરંતુ જાહેરમાં…..

ખેર, ત્યાર પછીના ત્રણ દિવસ અમે કેમ કાઢ્યાં છે તે અમારું મન જ જાણે છે!

ફિલ્મનો કાફલો બધું પતાવીને આવી પહોંચ્યો.

ખબર નહીં શા માટે પરંતુ નીરાને જોતાં જ મારી ચિંતા સાવ હળવી થઈ ગઈ હતી!

‘તારી પ્રથમ ફિલ્મને કંપ્લીટ કર્યાનાં કોંગ્રેટ્સ બેટા, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ.’ કહી એની પાસે જઈને એના કપાળે એક ચુંબન કર્યું.

‘મને કોગ્રેટ્સ કહી તમે તમારી જાતને જ અભિનંદન આપો છો, ડેડ. તમારા વિના ઈટ વિલ બી ઈમપોસિબલ. બટ, તોય વગર મહેનતે….’

એને વચ્ચે અટકાવી મેં કહ્યું, ‘ વગર મહેનતે ક્યાંથી? તારી મહેનત માટે અભિનંદન, સ્વીટી.’

‘મારી એકલાની નહીં, અનુજે પણ ડેડ, ખૂબ મહેનત કરી છે.’વાક્ય આમ તો સાવ સામાન્ય ટૉનમાં જ બોલાયું હોય તો પણ મને લાગ્યું કે એ વાત કરતાં કરતાં નીરા થોડી લાગણીશીલ થઈ ગઈ હતી!

ખેર, મારી એડ એજંસી અને પ્રોડક્શન હાઉસ બન્ને ખૂબ જ પ્રચલિત થતાં જાય છે તેમ તેમ કામ પણ એટલું જ પહોંચે છે. છતાં રવિવારે ગમે તે કામ હોય તો પણ હું કરતો નથી. કામિનીને મેં રવિવાર સમર્પિત કર્યો છે. એ દિવસે એ જે કહે તે કરવાનું. આજે રવિવાર હતો અને કામિનીએ નીરા એની પ્રથમ ફિલ્મ કરીને ઘરે આવી તેની ખુશાલીમાં સાંજે થોડાં મારા અંગત મિત્રોને માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.

અનુજ સાથેની પેલી વાત મનને ખૂણે રાખવી અઘરી તો લાગતી હતી પરંતુ યોગ્ય સમયની રાહ જોવાની હતી.

કામિનીએ ખાસ ‘અપર્ણા’ની થોડી ક્લિપ્સ બતાવવાની ગોઠવણ કરી હતી તે મુજબ સૌએ થોડી ક્લિપ્સ જોઈ અને પછી પાર્ટીનો શુભારંભ કર્યો.

એ દિવસે રાખેલી પાર્ટીંમાં અનુજની ઓળખાણ મેં ખૂબ જ વિખ્યાત ડાયરેક્ટર શ્રી ભટ્ટાચાર્ય સાથે કરાવી. ફિલ્મની ક્લિપ્સ જોયા પછી આખી પાર્ટી દરમ્યાન એઓ અનુજનું નિરિક્ષણ કરતાં રહ્યાં.

એમની એક નવી ફિલ્મ માટે શ્રી ભટ્ટાચાર્યએ અનુજને સાઈન કરવાની ઓફર આપી.

ત્યાં બેઠેલા સૌનાં પ્રતિભાવોમાં અનુજ તરફ અહોભાવ સાથે થોડી ઈર્ષ્યા મેં અનુભવી.

આટલી મોટી ઓફર માટે અનુજનો પ્રતિભાવ સાંભળવા સૌનાં કાન ઊંચા થઈ ગયા. આમ તો સૌને ખાત્રી જ હતી કે આવી મોટી ઓફર કોઈ જ જવા ન દે એ સ્વાભાવિક છે. પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે અનુજે ખૂબ જ નમ્રતાથી જે કહ્યું હતું તે હજુ પણ મારા કાનમાં ગુંજે છે, ‘ થેંક્યુ સર, મારે માટે આ ઓફરનું શું મહત્વ છે તે કઈ રીતે કહું? પરંતુ તેમ હોવા છતાં…..(થોડા ક્ષોભ સાથે બોલ્યો) ફિલ્મ અને ટેલિવિઝન નો અભ્યાસ કરવો એ મારે માટે જરુરિયાતથી પણ વિશેષ છે.’ પછી મારા તરફ ફરી બોલ્યો, ‘ સર, ‘અપર્ણા’ની ઓફર સ્વીકારવા પાછળ ફિલ્મ એંડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટમાં જવા માટેની આર્થિક જરુરિયાત હતી એટલે જ મેં કામ કરવાનું સ્વીકાર્યુ હતું. ચોક્કસ ‘અપર્ણા’માં કામ કરતા કરતા મને ઘણું શીખવા મળ્યું. એટલે સર, પહેલા તો આપનો આભાર માનવો છે. આર્થિક ટેકો મળ્યો એની સાથે તમે ફિલ્મ ઇંડસ્ટ્રીનો દરવાજો મને ખોલી આપ્યો છે.’

પછી શ્રી ભટ્ટાચાર્ય તરફ જોઈ બોલ્યો, ‘ સર, મેં મારી માને વચન આપ્યું છે કે હું પહેલા ડ્રામા/ફિલ્મનો અભ્યાસ કરીશ પછી જ ફિલ્મ લાઈનમાં જઈશ.’

સાંભળનારા સૌ આશ્ચર્યથી અનુજ સામે જોઈ રહ્યા.

નીરા પણ કંઈ  બોલવા જતી હતી પણ એણે પણ અનુજની નજરમાં એવું કંઈક વાંચ્યુ કે એ ચૂપ થઈ ગઈ.

શ્રી ભટ્ટાચાર્યને કદાચ હજુ આવો કોઈ માણસ મળ્યો નહોતો, અરે, ત્યાં ઊભેલા જેટલા આ લાઈનમાં હતા તેમાંથી કોઈએ આવો માથાફરેલ માણસ જોયો નહોતો જેને લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જાય!

હવે સૌનું કુતૂહલ વધ્યું. શ્રી ભટ્ટાચાર્યની આંખોમાં અહોભાવ સાથે આશ્ચર્ય પણ હતું, ‘ અનુજ, તારા મમ્મીને ફિલ્મલાઈન સાથે કોઈ……..’

જરાક હસીને અનુજ બોલ્યો, ‘સર, મારી મમ્મી અનાથાશ્રમની ગૃહમાતા છે’

‘….તો તારા પપ્પા…ડેડી’ શ્રી. ભટ્ટાચાર્યએ વાક્ય અધૂરું રાખી અનુજ સામે જોયું.

‘સોરી, સર, માય મમ ઈઝ અ સીંગલ મધર. ડેડી કે પપ્પા શબ્દ મારી ડિક્ષનરીમાંથી મેં કાઢી નાંખ્યો છે.’

રાતનાં ૧ વાગ્યો હતો અને સૌ પોત પોતાની કાર તરફ જવા માંડ્યા.

જતાં જતાં પણ શ્રી ભટ્ટાચાર્યની જિજ્ઞાસાનું સમાધાન થયું હોય એમ લાગ્યું નહીં, અનુજની સાથે ચાલતાં ચાલતાં એમણે અનુજના ખભે હાથ રાખી ખૂબ આત્મિયતાથી એના વતન વિષે માહિતી પૂછી.

હું અનુજની બીજી તરફ ચાલતો હતો.

‘સર, આમ તો મારી મમ્મીનું ગામ હરીપુરા…મહેસાણા તાલુકો, ગુજરાત.’

હું ચાલતાં ચાલતાં અટકી ગયો….માય ગૉડ, મારું ગામ પણ હરીપુરા!

મારું હૃદય બેસુમાર ગતિથી ચાલવા લાગ્યું હોય એમ મને લાગ્યું, શા માટે, કેમ – તેની મને કંઈ જ ગમ ન પડી.


ભાગ ૧ સમાપ્ત


ક્રમશઃ


નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે., નું વીજાણુ સંપર્ક સરનામું : ninapatel47@hotmail.com

Author: Web Gurjari

5 thoughts on “રક્તાનુબંધ : ભાગ – ૧

Leave a Reply

Your email address will not be published.