લુત્ફ-એ-શેર: મણકો # ૮૪

ભગવાન થાવરાણી

તૈમૂર હસન પાકિસ્તાનના શાયર છે. ઉંમર માત્ર ૪૫ પરંતુ એમની કલમ આજે પણ પુરબહારમાં છે. એ અને એમની પેઢીના અન્ય શાયરો જે આત્મવિશ્વાસ અને મજબૂતીથી પોતાની વાત મૂકે છે એ જોઈને ઉર્દૂ શાયરીના ભવિષ્ય માટે આશાવાદ પ્રગટે છે. એમના વિશ્વાસની ઝલક :

તૂ છૂ સકેગા બુલંદી કે કિન મનાઝિલ કો
યે  ફૈસલા  તેરી  પહલી  ઉડાન  સે હોગા
( મનાઝિલ = મંઝિલનું બહુવચન )
પોતાના પુત્ર સાથે એમની બેતકલ્લુફી જૂઓ :
મેરે બેટે !  મૈં  તુજે  દોસ્ત  સમજને  લગા  હૂં
તુમ બડે હો કે મુજે દુનિયા દિખાના મેરે દોસ્ત !
અને શબ્દો ગૂંચવ્યા વિના આ સીધો પ્રહાર :
ઉસકી તૂ સોચ દુનિયા મેં જિસકા કોઈ નહીં
તૂ  કિસલિયે  ઉદાસ હૈ ?  તેરા તો મૈં ભી હૂં 
 
ઐ કહકહે બિખેરને વાલે તૂ ખુશ ભી હૈ ?
હંસને કી બાત છોડ કિ હંસતા તો મૈં ભી હૂં
 
અને એમની એક વિશિષ્ટ બહર વાળી મુરસ્સા ગઝલનો આ મત્લો તો હદ્દ કરે છે :
મૈને બક્શ દી તેરી કયું ખતા તુજે ઈલ્મ હૈ 
તુજે દી હૈ કિતની બડી સઝા, તુજે ઈલ્મ હૈ 
 
આ બે સમજદાર ઈંસાનો વચ્ચે ચાલતી વિશિષ્ટ વાતચીત છે. બોલે છે એક જ જણ, પરંતુ બીજો કશું બોલ્યા વિના પણ વાતચીતમાં શામેલ છે. એટલા માટે કે એ વાત સમજી રહ્યો છે. બોલનાર કેવળ એટલું કહે છે કે મેં તારી ભૂલ માફ કરી છે. શા માટે માફ કરી એ પણ તું જાણે છે. પણ સૌથી અગત્યની વાત એ કે તારી ભૂલ માફ કરીને તને બહુ મોટી સજા કરી છે એ વાત સમજાય છે ને ! આ માફીને આજીવન વેંઢારવી કંઈ નાનીસૂની વાત નથી એ પણ તું બરાબર સમજે છે. અહીં સાંભળનારના ચહેરા પરના ભાવોની કલ્પના – માત્ર કરવી પર્યાપ્ત છે કારણ કે એ પણ સમજદાર છે.

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૮૪

Leave a Reply

Your email address will not be published.