દિલ મેં સજાયેંગે યે રંગ, યૂં હી ઉમ્રભર… – કિશોર કુમારે ગાયેલાં જયદેવ અને ખય્યામનાં ગીતો

મૌલિકા દેરાસરી

પાર્શ્વગાયક તરીકે  ૧૯૪૮ થી શરૂ થયેલી કિશોરકુમારની ૧૯૬૯ (આરાધના) સુધીની પહેલી ઇનિંગ્સમા તેમણે અલગ અલગ સંગીતકારો માટે ગાયેલાં ગીતોની  સફરમાં આપણે અંતિમ મુકામ પર આવી ચૂક્યા છીએ. બે સંગીતકારો એવા છે, જેમાંના એક સાથેના કિશોરદાના ગીતો આપણાં માટે ખાસ્સા અજાણ્યા હોઈ શકે છે. જ્યારે બીજા સંગીતકાર સાથેના ગીતો અત્યંત લોકપ્રિય બની ચૂક્યા છે. બંને સંગીતકારો તો પોતપોતાની રીતે ખૂબ પ્રતિભાશાળી હતા.

પહેલા સંગીતકારની વાત કરીએ તો ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના દિવસે જન્મેલા જયદેવ વર્મા, જેમને આપણે જયદેવ તરીકે ઓળખીએ છીએ. સંગીત માટે ત્રણ વખત – રેશમા ઔર શેરા (૧૯૭૨), ગમન (૧૯૭૯) અને અનકહી (૧૯૮૫) માટે એમને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. છતાં આ ફિલ્મોનાં ગીતોને જોઈએ એટલી પ્રશંસા ના મળી. જયદેવને બોલીવુડમાં સફળ ક્લબનાં સભ્યપદથી વંચિત રહેલા પણ કહી શકાય. આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો જયદેવની સમગ્ર કારકીર્દી માંડ ૩૦ કે ૪૦ ફિલ્મોનાં સો જેટલાં ગીતો અને કેટલાંક ગૈરફિલ્મો ગીતોમાં સમાઈ ગઈ. પણ તેઓ સક્રિય ઘણાં વર્ષો સુધી  રહ્યા.

‘મુઝે જીને દો’ સમયે જયદેવને સાહિર લુધિયાનવી સાથે અણબનાવ થયો અને નવકેતનની ‘હમ દોનો’ પછીની ફિલ્મ ‘ગાઈડ’માંથી તેમનું પત્તું કપાઈ ગયું. કદાચ એના પરિણામે પણ તેમને ઓછાં બજેટની ફિલ્મો સ્વીકારવી પડી હશે. ઓછાં બજેટની ફિલ્મો આવડત પર અસર નથી કરતી એટલે ફર્ક એના કારણે તો ના આવત, પણ આ ફિલ્મો ખાસ ચાલી નહિ. એને કારણે જયદેવના સંગીતને પણ કંઈક અંશે ગુમનામી નડી હોય એમ કહી શકાય! પણ એમની બીજી ઇનિંગ સારી રહી. અને આ દરમ્યાન જ જયદેવ કિશોરકુમાર પાસે આવ્યા.

માન જાઈયે અને ઇક હંસો કા જોડા, આ બે ફિલ્મોમાં જયદેવ અને કિશોરકુમારની જોડીનું યોગદાન આપણને સાંભળવા મળે છે.

એક અરસા સુધી ફિલ્મોનાં કેટલાંક ગીતોની એક ખાસિયત આપણે બધાએ નોંધી હશે! એ ગીતો જ્યારે જ્યારે પણ આપણે ગણગણીએ છીએ ત્યારે ખયાલોમાં યાદોની એક મહેફિલ સજી જાય છે. ગીત સાથે જોડાયેલી અઢળક કહાણીઓથી મન તરબતર થઈ જાય છે. ગીતોનો એ રોમાન્સ આજે ક્યાં ગુમ છે!?

ખેર… આવું જ એક ગીત ફિલ્મ ‘માન જાઈયે’માં હતું. નક્ષ લાયલપુરી રચિત આ મજાનું ગીત હતું. કિશોરકુમારનો અવાજ અને જયદેવના અપૂર્વ સંગીતના સ્પર્શે ગીતને ખાસ બનાવેલું. જેને આપણે ધડકનમાં વસાવ્યું હતું. હોઠોં પર સજાવ્યું હતું.

ફિલ્મ ‘ઇક હંસો કા જોડા’, જેમાં કિશોરદાએ ગાયેલાં બે ગીતો હતા. કિશોરકુમારે ગાયેલું એક ગીત, જેનું સંગીત અને ગીતના શબ્દો બંને એટલાં મધુર હતાં કે પહેલીવાર સાંભળીએ તો પણ મન થાય કે સાંભળતાં જ રહીયે. આ ગીત ઈન્દિવર રચિત હતું

સાથી મિલતે હૈ બડી મુશ્કિલ સે, કિસી કા સાથ ના છોડના!

બીજું એક મસ્તીભર્યું ગીત કિશોરદા અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં હતું.

હવે બીજા સંગીતકારની વાત કરીએ. મુહમ્મદ ઝહુર ખય્યામ હાશમી જેમનું નામ. આપણે એમને ખય્યામ તરીકે ઓળખીએ છીએ. ખય્યામનું સંગીત પણ એક મિસાલ બની રહ્યું હતું. આપણી સફરના સંદર્ભમાં વાત કરીએ તો, ખય્યામ અને કિશોરકુમાર બંનેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક નવો જ મોકો આપ્યો. એક અરસા પછી એમની બીજી ઇનિંગ શરૂ થઈ, જેનો ફાયદો બંનેએ ભરપૂર ઉઠાવ્યો. હું તમને ફિલ્મોનાં નામ કહું એ સાથે જ તમારાં દિમાગમાં એનાં ગીતો ઊભરાઈ આવશે!

કભી કભી, ત્રિશૂલ અને થોડી સી બેવફાઈ – આ છે ફિલ્મો, જેમાં બંનેએ પોતાની કળાનો બખૂબી ઊપયોગ કર્યો. ખય્યામે આ ફિલ્મોમાં અત્યંત ખૂબસૂરત સંગીતથી આપણાં દિમાગના તાર ઝણઝણાવ્યાં અને કિશોરકુમાર પોતાની ગાયકીથી આપણાં દિલોદિમાગ પર છવાઈ ગયા.

કભી કભી માટે સર્વશ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મેળવનાર ખય્યામે ૨૦૧૦માં લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મેળવ્યો. સરકાર દ્વારા પણ તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. કભી કભીના ગીતો આપણાં પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને એટલાં પસંદ આવ્યાં કે એમણે પોતાની એક ગાડી ખય્યામને ભેટ કરી દીધી!

ખય્યામની એક વિશેષતા હતી કે તેઓ મોટેભાગે ફિલ્મી ગીતકારો સાથે કામ કરવાને બદલે કવિઓ સાથે કામ કરવાનું પસંદ કરતા. એને કારણે ગીતોની અભિવ્યક્તિ અત્યંત ભાવપૂર્ણ રહેતી. એ ગીતો પણ લોકોના હોઠોં પર તરત ચડી જતાં. આની અસરકારકતા જોવી હોય તો ગીતોની સાથે સાથે યાદ કરો આ ફિલ્મના ગીતકારોને! કભી કભીના સાહિર લુધિયાનવી, ત્રિશૂલના જાવેદ અખ્તર અને થોડી સી બેવફાઈના ગુલઝાર સાહેબ! આ કવિઓ હોય પછી એમના ગીતો આપણાં હૈયામાં હિલ્લોળા લે તો નવાઈ કેવી! કિશોરકુમારે પણ પોતાની સંપૂર્ણ આવડત રેડીને ગાયાં છે આ ગીતો!

હવે ખય્યામજીનાં સંગીતની વાત કરશું તો વાત દૂર સુધી જશે. અત્યારે તો આપણે કિશોરકુમાર સાથેની સફર પર છીએ તો યાદ કરીએ પહેલી ફિલ્મ કભી કભીને.

ફિલ્મનું એક રંગીન મિજાજી ગીત લતા મંગેશકર અને કિશોરકુમારના અવાજમાં –

તેરે ચેહરે સે નઝર નહિ હટતી, નઝારે હમ ક્યા દેખે!

આશિકોની બોલી બોલતું બીજું પણ આપણને દંગ કરી દે એવું છે! આ ગીત પણ કિશોરદાએ લતાજી સાથે ગાયું છે.

તેરા ફૂલો જૈસા રંગ, તેરા શિશે જૈસા અંગ..

કિશોરકુમારના નટખટ અને આપણાં સૌથી પસંદીદા અંદાજમાં એક ઓર ગીત –

ઓયે! પ્યાર કર લિયા તો ક્યા, પ્યાર હૈ ખતા નહિ!

વર્ષ ૧૯૭૮ની ફિલ્મ ત્રિશૂલમાં પણ કમાલના ગીતો સાંભળવા મળ્યાં!

જાનેમન તુમ કમાલ કરતી હો… લતાજી અને કિશોરદાનું એકદમ તરોતાજા અંદાજમાં છે ગીત, જે સાંભળતાં જ હોઠ પર એક મુસ્કાન જરૂર આવી જાય!

આ જ યુગલ સ્વરમાં બીજું એક થિરકતું ગીત –

કભી કસમે ના તોડે…

હવેના આ ગીતમાં કિશોરદા અને લતાજી સાથે એક અલભ્ય અવાજનું સંમિશ્રણ સાંભળવા મળે છે. જી હાં… તેઓને ગાવામાં સાથ આપ્યો છે, રેશમી અવાજના સ્વામી યેસુદાસે.

હર તરફ હુશ્ન હૈ જવાની હૈ, આજ કી રાત ક્યા સુહાની હૈ..

પામેલા ચોપરા અને કિશોરકુમાર અવાજમાં એક વિદાય ગીત છે ફિલ્મમાં. થોડી પંક્તિ યેસુદાસે પણ ગાઈ છે. કિશોરકુમારનો અવાજ પણ અત્યંત ભાવવાહી બની ગયો છે આ ગીતમાં. આ ગીત ફિલ્મ માટે ઉપયોગમાં લેવાયું ન હતું, છતાં પણ તે યાદગાર ગીતોમાં સ્થાન પામે છે.

વાત કરીએ હવે થોડી સી બેવફાઈની. મતલબ કે એ ફિલ્મની, જે ૧૯૮૦માં રિલીઝ થઈ.

આ ફિલ્મની વાત થાય એટલે એ જ ઘડીએ મનમાં એક સદા તો ચોક્કસ ઝબકે.. હઝાર રાહેં મૂડ કે દેખી, કહીં સે કોઈ સદા ન આઈ… કિશોરકુમાર અને લતા મંગેશકરે અત્યંત ખૂબસૂરતીથી ગાયેલું આ ગીત અવિસ્મરણીય બની રહ્યું છે.

આ ગીત જેટલું વેદનામય અંદાજમાં છે એનાથી સાવ ઉલટું બીજું ગીત એવાં જ શૃંગારિક અંદાજમાં છે. બંનેના ભાવને ધ્યાનથી જુઓ અને સાંભળો ત્યારે ગાયકો અને સંગીતકાર, ગીતકાર અને બેશક કલાકારોને સલામ કરવાનું મન થાય! સમજાય કે આપણે આ લોકોને દિલમાં કેમ વસાવ્યાં છે!

આંખો મેં હમને આપ કે સપને સજાયે હૈ…

તો આ છે કિશોરકુમાર… નામ સાંભળતા જ જેમનો ખુશમિજાજી ચહેરો તત્ક્ષણ આંખ સામે તરી આવે!

અશોકકુમારે એક મુલાકાત દરમ્યાન કહેલું કે કિશોરકુમાર નાના હતા ત્યારે કાયમ પોતાના પિતાના ખભા ઉપર બેસી જતા. ત્યાં ફક્ત બેસી ન રહેતા, સાથે સાથે પિતાના મસ્તક પર તબલાં વગાડવા મંડી પડતા. એમના હાથ ક્યારેય શાંત ન રહેતા. કદાચ તેઓ આંતરિક રીતે સંપૂર્ણ સંગીતપ્રેમી હતા, જેનું પ્રતિબિંબ તેમના બાહરી વ્યક્તિત્વ પર સતત દેખાતું રહ્યું છે. કિશોરદાએ લતાજી સાથેની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે – ” દાદામુનીની ઈચ્છા હતી કે હું અભિનય કરું. પણ મેં કહ્યું કે, મારી જોડે અભિનય ના કરાવો. અભિનય જૂઠો હોય છે. જ્યારે સંગીત દિલમાંથી નીકળે છે. અને જે દિલમાંથી નીકળે એ બીજાનાં દિલ સુધી પહોંચે છે. એટલે જ હું સંગીતને વધારે ચાહું છું.”

આમ છતાં કિશોરકુમારે અભિનયમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી બતાવી. કિશોરદાની પહેલી મુખ્ય અભિનેતા તરીકેની ફિલ્મ એટલે ૧૯૫૧ની આંદોલન. આ ફિલ્મના નિર્દેશક ફણી મજુમદારના કહેવા પ્રમાણે કિશોરકુમાર એક હેન્ડસમ યંગમેન તો હતા જ, સાથે ચહેરા પર ભરપૂર હાવભાવ દેખાય છે. મૃદુ ચહેરો છે. કોઈ એટિટ્યુડ નથી. અભિનય કરે છે એવી સભાનતા ચહેરા પર નથી આવી જતી. અને આ જ એમનો સૌથી મહત્વનો ગુણ છે. કિશોરદા અભિનેતા તરીકે એકદમ સ્વાભાવિક દેખાય છે.

એમની આ જ સ્વાભાવિકતા અંતઘડી સુધી રહી. એમના મૃત્યુ સમયે પણ લીના ચંદાવરકર માનતાં રહ્યાં કે કિશોરકુમાર મજાક કરે છે. એમના સ્વાભાવિક અભિનયની આ ચરમસીમા કહી શકાય!

કિશોરદા, જેમના ગીતો જેટલાં પ્રચલિત છે એટલી જ એમના મૂડ, મિજાજ અને મસ્તીની કહાણીઓ પ્રચલિત છે. આ અલગારી કલાકાર વિશે ઘણું કહેવાયું છે ઘણું બાકી રહ્યું છે. જો સમય પરવાનગી આપશે તો બાકી રહેલું પણ કહેવાશે. નહીં કહેવાય તો ગવાશે તો ખરું જ.

સફર તો અહીં ખતમ થઈ જશે પણ સંગીતની એ તર્જો અને એ ગમતીલો પહાડી અવાજ કાનોમાં ગુંજતો રહેશે. યાદ અપાવશે આપણને ફિલ્મ જગતના આ અનન્ય વ્યક્તિત્વ નામે કિશોરકુમારની – એ કિશોરકુમાર, જે એકવાર જન્મે છે અને પછી અમર બની જાય છે.

કિશોર કુમારની બીજી ઇનિંગ્સની સફર થોડા વિરામ બાદ શરૂ કરીશું…………….


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.