ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃધ્ધ છે !

નિસબત

ચંદુ મહેરિયા

અમેરિકાના બોસ્ટનમાં વસતા એક ગુજરાતી વડીલજન ભારે હરખથી ત્યાંના એડલ્ટ ડે કેર સેન્ટર વિશે વાત કરતા હતા. પાંસઠ વરસથી વધુ વયના, સંભાળની જરૂર હોય અને દિવસ દરમિયાન ઘરે એકલા  હોય તેવા વૃધ્ધોને સરકાર સહાયિત વૃધ્ધજન કેન્દ્રોની આઠેક કલાક સેવાશુશ્રુષા મળે છે. રોજ સવારે સાડા સાતે તેમને ઘરેથી વાહનમાં લઈ જવામાં આવે છે. ચા-નાસ્તો, બપોરનું ખાણું, હળવી કસરત, પ્રાર્થના, આનંદ અને આરામની સગવડ, આરોગ્યની તપાસ સાથે તેમની સતત દેખરેખ રખાય છે. મોડી બપોરે તેમને કાળજીપૂર્વક ઘરે પણ મૂકી જાય છે. રોજના વ્યક્તિદીઠ આશરે સિત્તેર ડોલરના સરકાર સહાયિત આ એડલ્ટ ડે કેર સેન્ટરનો જેમને લાભ મળ્યો છે તે વડીલમિત્રને આ સુવિધા પંચતારક હોટલ કે સ્વર્ગ જેવી લાગે છે. મૂડીવાદી અમેરિકાના કેટલાક રાજ્યોમાં વૃધ્ધોની સંભાળ માટેના આ સરકારી પ્રયત્નોની કલ્યાણ રાજ્ય અને સામાજિક સુરક્ષાના બણગા ફૂંકતા લોકશાહી ભારતમાં કલ્પના પણ થઈ શકે તેમ નથી.

દુનિયાભરમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે. વલ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ મુજબ વિશ્વમાં ૨૦૧૯માં દર અગિયાર વ્યક્તિએ એક વ્યક્તિ પાંસઠ વર્ષથી વધુ વયની હતી. ૨૦૫૦માં તે વધીને દર છ વ્યક્તિએ એક હશે. ભારતમાં ૧૯૯૧માં ૫.૫૦ કરોડ, ૨૦૦૧માં ૭.૬૦ કરોડ, ૨૦૧૧માં ૧૦.૩૪ કરોડ વૃધ્ધો હતા. ૨૦૨૧માં ૧૩.૮૦ કરોડ છે. એ રીતે જોતાં ભારતમાં આજે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃધ્ધ છે. ભારતીયોની સરેરાશ ઉમર ૨૭.૧ વરસ છે.એટલે તે ડોમોગ્રાફિક ડિવિડન્ડ ધરાવતો યુવા દેશ છે પરંતુ ૨૦૨૬માં વૃધ્ધોની વસતી વધીને ૧૭.૩ કરોડ અને ૨૦૫૦માં આશરે ૩૫ કરોડ થશે.!

વાર્ધક્ય માનવજીવનનો અનિવાર્ય હિસ્સો છે. ઢળતી ઉમરે સ્વૈચ્છાએ કે અનિચ્છાએ નોકરી-ધંધો કે દાણાપાણી મેળવવાની જંજાળમાંથી માણસને મુક્ત થવું પડે છે.જોકે સમાજ વૃધ્ધોને ખોટા સિક્કા કે બિનઉપયોગી પણ ગણે છે. આખી જિંદગી વૈતરું કરનાર જ્યારે પાછલી અવસ્થામાં કોઈ ઉત્પાદક યોગદાન આપી ન શકે, આર્થિક રીતે પરાધીન હોય, શરીર નબળું પડ્યું હોય અને સંતાનો મોં ફેરવી લે ત્યારે તે ભારે લાચારી અનુભવે છે.

લોકોનું સરેરાશ આયુષ્ય કે જીવનદર વધ્યો છે. અને જન્મદર ઘટ્યો છે તેથી વૃધ્ધોની સંખ્યા વધી છે. લંબાયેલું જીવન જો સ્વસ્થ ન હોય (અને નથી જ હોતું) તો તે બોજારૂપ બની રહે છે.વૈશ્વિક આવરદા ૭૩.૩ વરસની પણ સ્વસ્થ જીવનના વરસો તો ૬૩.૭ જ  છે. ભારતમાં સરેરાશ આયુષ્ય ૭૦.૮ વરસ છે પણ સ્વસ્થ જીવનના વરસો ૬૦.૩ એટલે કે સરેરાશ આયુષ્ય કરતાં દસ વર્ષ ઓછાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો વૃધ્ધોના આરોગ્ય અને આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ જણાવે છે કે દેશનો દર ચોથો વૃધ્ધ એકાધિક બીમારીઓથી ગ્રસ્ત છે. દર પાંચમો વૃધ્ધ સ્મ્રુતિભ્રંશ અને તણાવ જેવી માનસિક બીમારીઓથી પીડાય છે. ચોથાભાગના વડીલો રોજિંદા કામો માટે બીજા પર આધારિત છે.દર ત્રીજો વૃધ્ધ હ્રદયસંબંધી બીમારીનો શિકાર છે.શહેરોમાં ૫૫ ટકા અને ગામડાઓમાં ૨૫ ટકા વૃધ્ધો લાંબા સમયથી બીમાર છે. શહેરોમાં ૩૩ ટકા અને ગામડાઓમાં ૨૮ ટકા ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. ૬૦થી વધુ વયના જયેષ્ઠ નાગરિકોમાં ૭૫ ટકા ગામડાઓમાં વસે છે અને તે પૈકી ૬૪.૮ ટકા ખેતીના કામો સાથે સંકળાયેલા છે. ૭૮ ટકા વૃધ્ધોને કોઈ પેન્શન મળતું નથી. ૩૩ ટકા ગરીબીની રેખા નીચે અને ૬૬ ટકા નિમ્ન મધ્યમ વર્ગનું જીવન બસર કરે છે. આ આંકડાઓ વૃધ્ધોની દારુણ સ્થિતિ દર્શાવે છે.

કમજોર શારીરિક સ્થિતિ સાથે વૃધ્ધોને એકલતા, ઉપેક્ષા, ઉપરાંત પ્રેમ, લાગણી અને હૂંફના અભાવની સમસ્યા સવિશેષ પરેશાન કરે છે.સંતાનો જીવનની જદ્દોજહદમાં વ્યસ્ત હોય છે કાં રોજી-રોટી માટે શહેરોમાં સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે તેમને એકાકી જીવન જીવવું પડે છે. દેશની કુલ વૃધ્ધવસ્તીના ૨.૨ ટકા કે ૧૦ ટકા વૃધ્ધદંપતિ  સંતાનો વિના એકલવાયું જીવન જીવે છે. હજુ આપણી સમાજ વ્યવસ્થામાં સંયુક્ત કુટુંબ કે સામુદાયિક જીવન ટક્યાં છે એટલે ૮૭.૮ ટકા વૃધ્ધો કુંટુબ સાથે જ રહે છે. સંયુક્ત પરિવારોમાં વૃધ્ધોની દેખભાળ વધુ સારી રીતે થાય છે અને સ્થિતિ સહ્ય હોય છે. કદાચ માબાપે આખી જિંદગી સંતાનોના સુખ માટે હોમી દીધી હોવાનો લોકોને ખ્યાલ હોય છે એટલે લોક લાજનું તત્વ પણ વૃધ્ધોની દેખભાળમાં જોઈ શકાય.

બુઝુર્ગોની ઉપેક્ષા, અવહેલના કે યોગ્ય દેખભાળના અભાવના ઘણા કારણો છે. બદલાતાં જીવન મૂલ્યો, વિભક્ત કુટુંબોમાં વૃધ્ધિ, સંસાધનોનો અભાવ, બેરોજગારી-મોંઘવારી જેવી આર્થિક વિટંબણાઓ, સ્પર્ધાનો યુગ અને સમયનો અભાવ, કઠિન બનતું જીવન  આ બધાને પરિણામે સંતાનો અને કુટુંબ વૃધ્ધજનો પ્રત્યે મજબૂરીવશ કઠોર બને છે. બે પેઢી વચ્ચેનું અંતર પણ આ સમસ્યાને વકરાવે છે. ‘આ ધોળાવાળ તમને મોટા કરવામાં થઈ ગયા છે’, તેવી વૃધ્ધોની દલીલ અને સ્વતંત્ર મિજાજી નવી પેઢી વચ્ચે ટકરામણ ન થાય તો જ નવાઈ લાગે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને છૂટાછેડાનું એક મુખ્ય કારણ વૃધ્ધ માબાપની જવાબદારી હોવાનું ઘણા કિસ્સામાં જોવા મળે છે.

એ સાચું કે નોકરિયાત દંપતિના નાના બાળકો વૃધ્ધ માબાપ પાસે આસાનીથી ઉછરે છે. આવા સંતાનો વધુ સુરક્ષિત છે અને તેમનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કુટુંબ વ્યવસ્થામાં બદલાવથી  નોકરિયાત પતિપત્ની માટે સંતાનોની દેખભાળ અને માબાપની જવાબદારીની પસંદગી કરવાની આવે છે ત્યારે તેઓ નાના બાળકોના ઉછેરના વિકલ્પે માબાપની જવાબદારી સ્વીકારતાં નથી. નફાકેન્દ્રી સામાજિક- આર્થિક વ્યવસ્થામાં કુટુંબ કે સામુહિક જીવનનું સ્થાન ઘટ્યું છે. માણસ વધુ સ્વાર્થી અને એકલપેટો બન્યો છે.તેથી પણ વૃધ્ધોની દેખભાળની સમસ્યા વકરી છે.

વડીલ માવતરના હિતોની રખેવાળી અને બહેતર સંભાળ માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિક ભરણપોષણ કાયદો, ૨૦૦૭  ઘડ્યો છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન, રાષ્ટ્રીય વયોશ્રી, પ્રધાનમંત્રી વયવંદના અને વયોશ્રેષ્ઠ સન્માન જેવી સરકારી યોજનાઓથી થોડા નિરાધાર વૃધ્ધોને પાંચસો કે હજાર રૂપિયા જેવી સામાન્ય રકમના પેન્શનનું  બટકું સરકાર નાંખે છે.  આ વરસના બજેટમાં સિલ્વર ઈકોનોમીની જોગવાઈ કરી છે. આર્થિક સમૃધ્ધ વૃધ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તે મુજબના ઉત્પાદનો, ઘેરબેઠા વિતરણ અને ઉપયોગની આ સિલ્વર ઈકોનોમી વ્રુધ્ધોના કલ્યાણને નહીં બજારને તાકે છે. ભરણપોષણનો કાયદો સંતાનોને જવાબદાર ઠેરવવાની ચાબુક છે.પરંતુ અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં છે તેવી કોઈ  વ્યવસ્થા સરકારને કરવી નથી. ૨૦૦૭ના કાયદામાં વૃધ્ધાશ્રમોની સ્થાપના, આરોગ્ય સુવિધાઓ અને વૃધ્ધોના જીવન અને સંપત્તિની સુરક્ષાની જોગવાઈ છે પણ કાયદાને ભરણપોષણ પૂરતો અમલી બનાવી અન્ય બાબતો ભૂલવાડી દેવાય છે. સરકાર પાસે વધુ કલ્યાણકારી નક્કર પગલાંની અપેક્ષા રહે છે.

કોરોના મહામારીના કાળમાં વૃધ્ધો સાથેના વર્તન સંબંધી સર્વેક્ષણના તારણો ચિંતાજનક છે. તાળાબંધી અને મહામારી દરમિયાન ૭૩ ટકા વૃધ્ધો દુર્વ્યવહારનો ભોગ બન્યા હતા. ૩૫ ટકાને ઘરેલુ હિંસા સહેવી પડી હતી. સ્વાભાવિક રીતે જ તેમાં મહિલાઓ વધુ ભોગ બની હતી. વૃધ્ધ મહિલાઓ જીવનભર ઘર, કુટુંબ, સંતાન માટે ઢસરડા કરતી હોવા છતાં જીવનના અંતિમ પડાવે શારીરિક અશકતતા અને આર્થિક પરતંત્રતા તેને વધુ ઉપેક્ષિત બનાવે છે. ૯૬ દેશોના ગ્લોબલ એજ વોચ ઈન્ડેક્સમાં ભારત ૭૧ મા ક્રમે છે. એટલે  વડીલોના આદરની ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારોની વાતો બહુ ટકતી નથી. આ સર્વેક્ષણમાં ૪૪ ટકા વૃધ્ધોનું જાહેર સ્થળોએ થતા અપમાનનું તારણ દર્શાવે છે કે ‘પીંપળ પાન ખરંતા હસતી કુંપળિયા’નો જ ઘાટ છે. અને યુવાનોને ‘મુજ વીતી તુજ વીતશે’ની ખાસ ચિંતા નથી. કરુણા અને સેવાને વરેલા મનાતા ગુજરાતમાં ઘણા વૃધ્ધાશ્રમો છે.પરંતુ વૃધ્ધજનોની દેખભાળમાં તેનો ક્રમ ઘણો નીચો છે. અપેક્ષાક્રુત બુઝુર્ગ વસ્તી ધરાવતા રાજ્યોમાં વડીલોની સંભાળમાં ગુજરાત છેક દસમા ક્રમે છે.

બુઝુર્ગ વ્યક્તિઓ પણ સન્માનપૂર્ણ જીવનની હકદાર છે અને સંતાનોની એ ફરજ છે એવી સામાજિક ચેતના જાગે તો કોઈને વૃધ્ધાશ્રમમાં રહેવું ન પડે અને વડીલો પણ ‘ઘડપણ કોણે મોકલ્યું’ના નિસાસા નાંખી વૃધ્ધાવસ્થાને અભિશાપ કે બોજ  ન માને.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “ભારતમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ વૃધ્ધ છે !

  1. જીંદગી ની પાછલી અવસ્થા મા નિસહાય લોકો ની અવદશા ને સુંદર વાચા આપી છે , આપણે ત્યાં મંદિરો મા અઢળક પૈસો નાખવા મા આવે છે 5 Star મંદિરો એ એક ધંધા નુ રુપ લીધું છે ,ધર્મ ને ધંધો બનાવી દીધો છે ,કમાણી નું સાધન બનાવી દીધું છે દિવાળી મા 5 લાખ દિવા નુ ડેકોરેશન .

    આની સામે નિસહાય મોટી ઉંમર ના વરુધો માટે કોઇ સગવડ નથી , હવે તો બચત ના વ્યાજ પર જીવતા મોટી ઉંમર ના લોકો ને જીવવું ભારી થઇ પડ્યું છે .

    બહુ જ સરસ લખાણ

Leave a Reply to નિરંજન બૂચ Cancel reply

Your email address will not be published.