મારું જૂનાગઢ

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

ઘણાને ખબર જ હશે કે યુ.એસ.માં કુટુંબનો એક માણસ આવે પછી ઈ એનાં વહુ, છોકરાં, માં-બાપ ભાઈ-બેન ને સાસુ-સસરાને તાણતો આવે. પછી ભાઈ-બેન પોતેપોતાના સાસરાપક્ષને ઢયડ્યાવે ને ઈ સાસરાપક્ષ એના કુટુંબોને ખેંચતો આવે ને આમ આ ચક્કર અવિરત હાલ્યા કરે છ ને ઈ “ચેઇન ઈમિગ્રશન” તરીકે ઓળખાય છ. આ “ચેઇન ઈમિગ્રશન” બાબતે મારાં દાયકાઓ જૂનાં થોડાંક નિરીક્ષણ છે જેવાં કે ઈ આઘેરાં સગાંઓ યુ.એસ.માં ઉતરે છ એવા પુરુષો વતનનાં મેલાંદાટ ધોતિયાં, ઝભા, ટોપી ને પગમાં સ્લીપર્સ તજી ને અમાપના જીન્સ ને રઁગેબેરંગી ટી.શર્ટ્સ, ને બૈરાં સાડલા ને અલવિદા કઈ ને પોળા પંજાબી ડ્રેસો પે’રતાં થઇ જાય છ ને કપાસીએ ભરેલ પગમાં વોલીબોલ જેવડા ટેનિસ સૂઝ પે’રીને ગોઠાણેથી વળેલ ટાંટીયે, ઢેકા કાઢીને જ્યાં હોય ઈ ગામ માથે કરે છ ને વસી જાય છ.

બીજું અવલોકન ઈ કે યુ.એસ. આવ્યાં પે’લાં છોકરાંઉ એના બાપને બાપુજી, કાકા, મોટાભાઈ ને માંને બા, મોટીબેન, ભાભી, કાકીમાં કે એવું ક્યાંક કે’તાંતાં ઈ ડેડી, ડેડ, પપ્પા કે પાપ ને મમ્મી, મામ કે મોમ કે’તાં થઈ જાય છ. એટલું જ નહીં પણ આ બધા પોતાના જનમે મળેલ નામો અમેરિકન કરી દે છ; દા.ત. અશ્વિન નું એષ, રમણનું રીક, ડાહ્યાલાલનું ડીક, ત્રિભોવનનું ટોમ, બાબુનું બોબ, નારણનું નીક, હરિભાઈનું હેરી, રણછોડનું રોન, કપિલાનું કેલી, જસુનું જેકી, સવિતાનું સેલી, માલતીનું મેગન, વ. ઉપરાંત આ છેટેરાં સગાંમાંના ઘણા દેશમાં દાક્તર, વકીલ, એન્જીનયર, શિક્ષક, પ્રોફેસર, વ. એમ પણ હોય છ છતાં યુ.એસ.માં આવ્યા પછી ફાંકાફોજદારી છાંડીને મોટાભાગના મોટેલો, ગેસસ્ટેશનો, લિકર શોપ્સ, “સેવન-ઇલેવન”, “ડંકીન ડોનટ્સ” કે “વોલમાર્ટ” જેવી જગ્યાએ જે કામ મળે ઈ સ્વીકરીને જોતજોતામાં જાતકમાણીએ પગભર થઇ છોકરાંઉને કામેકાજે ઉપીયોગી થાય છ. બાકી તો “કાગડા બધે કાળા” ઈ ન્યાયે આમના કેટલાય દેશની પોતાની સંપત્તિ ન બતાવી, આ દેશમાં રોકડે કમાઈ, હળાહળ ખોટું બોલી, પૈસે ગરીબ બનીને યુ.એસ.ના સરકારી ફાયદાઓનો ગેરલાભ લે છ કે જેને આ દેશનાં ભોળપણ, ભલમનસાઈ, અજ્ઞાનતા કે મૂર્ખાઈ ગણવાં ઈ હું આજ દી’ લગી નક્કી નથી કરી સક્યો.

આ “ચેઇન ઈમિગ્રશન” લીધે યુ.એસ.માં ભાગ્યેજ એવું ગામ હસે કે જ્યાં ભારતિયો અને એમાં પણ ગુજરાતીઓ ન હોય. હવે જો હું મારા જ ગામનો દાખલો લઉં તો ગામ ને એના આજુબાજુના પચાસેક માઈલના ઘેરાવામાં કુલ વસ્તી કદાચ ચારેક લાખ જેટલી છે. એમાં એકાદ હજાર ભારતિયો, એમાં અઢીસોત્રણસો ગુજરાતીઓ ને એમાં ૯૯%થી વધુ સુરત, ચરોતર, વડોદરા,અમદાવાદ ને મહેસાણાના વતનીઓ, બાકીનામાં બીજાબધા ગુજરાતીઓ ને એમાં અમે સમ ખાઈને ત્રણ કાઠિયાવાડી. એમાં પણ હું એક જ છું કે જેની કે’ણી, લેખણી ને રે’ણીકે’ણી નખશિખ તળપદી કાઠિયાવાડી છે. આંઈના જાણતલ ગુજરાતીયુંને ઈ પણ ખબર છે કે દા.ત. સૌરાષ્ટ્રમાં પણ ગોહિલવાડી, ઝાલાવાડી, કચ્છી ને કાઠિયાવાડી ગુજરાતી બોલીમાં પણ ફેર ને એમાં પણ સોરઠી જભાન સૌના કાને સાકરના ગાંગડા લાગે ઈ પણ હીકત છે. એટલે આમ મારા જેવો કોક સોરઠી બાનીએ વાત્યું મંડાવાવાળો હોય તો એને ન થાવું હોય તો પણ ઈ “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન” થઇ જાય છ.

મને આ અકારણ “પ્રધાન”પદ સામે વાંધો નથી પણ એનું દખ ઈ કે હું કોક નાનીમોટી મીજલસમાં જાઉં એટલે આ સૌરાષ્ટ્ર બારની પ્રજા મને ઘેરીવળે ને બધા એક જ વાત ગુજરાતની ચાંપલી ગુજરાતીમાં કે’, દિનેશભઇ કશીક વાતો કરોને. તમે ત્યાં જવું છે એને બદલે યાં કણે કે યાં જાવું છે, નજીક આવ ને બદલે પાસે કે ઓળો આવ્ય એવું બધું બોલો છો એ અમને કશું સમજાતું નથી પણ બહુહુહુ જ ગમે છે.” હવે બન્યું એવું કે ત્રણેક વરસ પે’લાં આ જ સમાજના મારા દીકરાની વયના અશોકના બાપુજી ઉર્ફે “ડેડી” ચંપકભાઈના ૬૫માં જનમદી’ની ઉનાળે મોટેપાયે ઉજવણી. આમ તો હું ખાસ આવા અને અન્ય પ્રસંગે ભાગ્યે જ જાઉં છ પણ આમાં અશોકનો ગળાડૂબ આગ્રહ એટલે હું ગ્યો. ખાણીપીણી પતી પછી અમે પાચાસેક જણ પચાસી વટાવેલા ઘરની ફળીમાં ખુરસીયું લઈને બેઠા ને મેં નેજવું માંડીને જોયું તો એમાં ત્રીસચાલીસ ટકા “ચેઇન ઈમિગ્રાન્ટસનનો નવો ફાલ દેખાણો. બેપાંચ મિનિટમાં અશોક આવ્યો ને સૌને કીધું, આ દિનેશભઇ મૂળ જૂનાગઢના છે અને વાતો સરસ કરે છ એટલે ઈ તમારી જોડે જૂનાગઢની વાતો કરશે.” ઈ અટલું કઇને જુવાનીયાના ટોળામાં ગાયબ ને મારે ભાગે આ ડેડ, પપ્પા, પાપ, મમ્મી, મામ ને મોમ આવ્યાં.

પછી તરત જ સુરતથી નવા આવેલ ભગુભાઈએ સવાલ કર્યો, “દિનેશભઇ, પેલો નરસી કઈ નિશાળમાં મેતો નથી છે?” નસીબે મને દક્ષિણ ગુજરાતની “છે નથી” ભાષા ને ઈ પ્રાંતમાં શિક્ષકને “મેતો” ને શિક્ષિકાને “મેતી” કે’ ઈ ખબર’. હું એનો જવાબ દઉં યાં ઊંઝાનાં ભાઈલાલભાઈએ હોઠે બીડી ટેકવી ને સાંઢીયા જેવી લાંબી ડોકે પાછળથી પૂછ્યું, “દિનેશભઇ, હું નાનો હતો ત્યારે તમારો પેલો ગિરનાર પર્વત ચડેલો ને તમારું ગામ મેં ગિરનારની ટૂક પર જોયેલ.” યાં મારા નાક નીચે જ બેઠેલ અને એની જીંદગીના નવમા દાયકાને આંબતા ચંપકભાઈનાં માં ભગવતીદાદીએ ચશ્મા ઊંચા કરીને એલાન કર્યું કે જૂનાગઢમાં રાતના સાવજુ ને નાગાબાવા શેરીયુંમાં ફરીફરીને છોકરાંઉને ખાઈ જાય છ. તે રણછોડભાઈથી ન રે’વાણું તે એના મોમમાં “બુદ્ધાલાલ”નો માવો મુકતાં પૂછયું, “પેલા ભુપત અને મકરાણી ડાકુઓ તમારા જ ગામનાને?” ટુંકમાં, પછી તો પ્રભુભાઈ, શંકરભાઇ, કાંતીકાકા, મધુભાઈ, કાન્તાબા, ભાનુફઈ, વ.એ આમ પોતપોતાનું જ્ઞાન આવા અજ્ઞાનસભર સવાલોમાં પ્રગટ કર્યું. એટલે મને વિચાર આવ્યો કે આ પ્રજાને હું જૂનાગઢ સું ચીજ છે ઈ જ કહું.

મેં ઊંડો શ્વાસ લીધો ને મને તરત જ ઈ વિચાર પણ આવ્યો કે કયું જૂનાગઢ હું કહું – શિરોમણી કવિ નરસીએ એના પદોમાં ગાયેલું કે કવિ દલપતરામે કીધેલું – “… જે જનમ ધરી ન ગયો જૂનાગઢ ઈ સો જનમ ધર્યો ન ધર્યો” ઈ જૂનાગઢ; સૌરાષ્ટ્ર ઇતિહાસના સાક્ષર સ્વ. શ્રી. શંભુભાઈ દેસાઈનું સોલંકીથી લઈ બાબી નવાબની સલનતનું જૂનાગઢ કે પછી પદ્મશ્રી સ્વ. દીવાલીબેન ભીલે એના કોકિલકંઠે ઢાળેલું, પદ્મશ્રી સ્વ. કવિ દાદે એના ભાતીગળ કાવ્યોમાં ગુંથેલું કે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ડાયરાની વાતે વણેલું જૂનાગઢ; કે સ્વ. પ્રો. તખ્તસિંહ પરમારે શબ્દે સજાવેલું, ચિત્રકાર વૃદાવન સોલંકીએ કાગળે ઉપજાવેલુ ઈ જૂનાગઢ; કે પછી મેં જોયેલા અને માણેલા રુસ્વા મઝલૂમી, મનોજ ખંડેરિયા, જવાહર બક્ષી, મહેન્દ્ર પઢિયારની રચનાઓનું જૂનાગઢ કે ૠષિકવિ રાજેન્દ્ર શુકલના ચિરંજીવી કાવ્ય “હું મળીશ જ…”, કે “હાથ લાગે…” માં બિછાવેલું, બિરદાવેલું બેનમૂન જૂનાગઢ હું કહું. છેલ્લે આ બધા એષ, રિચાર્ડ, ડીક, બોબ, કેલી, જેકી, વ. જેવાને થોડીક અને થોકબઁધ ખોટી જૂનાગઢની જાણ એટલે “સુતારનું ચીત બાવળિયે” ઈ રુહે મેં જૂનાગઢ સું છે ઈ મારી જ કે’ણીમાં કે’વાનું નક્કી કર્યું ને નીચે એની એક ઝલક છે:

મારું જૂનાગઢ – શ્રી. મોરારીબાપુ ઘણીવાર કે’છ કે જો દુનિયાનો નકશો જોવો તો ભારત એનું હૃદય છે, ભારતનો નકશો જોવો તો ગુજરાત એનું હૃદય છે, ગુજરાતનો નકશો જોવો તો સૌરાષ્ટ્ર એનું હૃદય છે અને સૌરાષ્ટ્રનો નકશો જોવો તો જૂનાગઢ એનું હૃદય છે. બાપુનો જૂનગાઢ પ્રત્યે પક્ષપાતી પ્રેમ છે જેમ સગી માને પોતાના પેટના જણ્યા બાળક પ્રત્યે હોય. બાપુના આ પ્રેમના કારણોમાં જૂનાગઢે અને આસપાસની ધીંગી ધરાએ સંસ્કાર, સંસ્કૃતિ અને પોતાની એક આગવી અને અનોખી અસ્મિતાનું આવરણ ઓઢ્યું છે. જૂનાગઢ ગીગાબાવાના સત્તાધારથી લઈ ને જલારામના વીરપુર ને દેવીદાસબાપુના પરબ લગી પાંગર્યું છે. જૂનાગઢ મનુ આઈના “નાગલ” નેસથી લઈને “મેલડીમા”ના નેસે વસ્યું છે. જૂનાગઢને માંના પેટ જેવું ગર્ય મળ્યું છે કે જે સવા હાથ પુંછડાના સાવજુને ઉજેરે છ, ઢુંવામાં સંઘરે છે ને તોયે ઈ ભોમકાનું લાવણ્ય કવિ દાદના શ્રાવણી સાંધ્યએ ખીલતા મેઘધનુષને ઈર્ષા કરાવે છે. જૂનાગઢ ચૌઉદ વરસની ચારણ કન્યાના હાથ અને હૈયાની તાકાતથી લઇ ને સ્વ. પૂ. રતુભાઇ અદાણી, દિવ્યકાંત નાણાવટી ને સૂર્યકાન્ત આચાર્ય જેવાનાં વાણી, વિચાર અને કાર્યોની તાકાતે દીપે છે. જૂનાગઢને ભક્તકવિ નરસીથી લઇ ને આજના નવજુવાન મિલિન્દ ગઢવી જેવાએ પદ્યે પારખ્યું છે, કવિ દાદ જેવાએ લોકવાણીમાં લોકોના હૈયે પુગાડયું છે, ભીખુદાન જેવાએ શબ્દે શણગાર્યું છે, દિલીપકાકા (સ્વ. દિલીપ ધોળકિયા) જેવાએ કંઠે ઢાળ્યું છે, ઘનશ્યામ વ્યાસ જેવાએ વાંસળીએ વેહ્તું કર્યું છે અને વૃંદાવન સોલંકી જેવાએ પીંછીએ ચીતર્યું છે. જૂનાગઢે પાણીમાં ગળેલા ગોળની જેમ સંપીને રે’તી અનેક કોમોના રીતરિવાજ અને પરમ્પરા ઉઘાડે હાથે અને હૈયે અપનાવ્યાં છે, ને એટલે જ પૃથ્વીના ગોળે જમણીકોર દાતાર, વચાળે જોગીન્દર ઋષિની જેમ સુતેલ ગિરનાર અને ડાબીકોર જોગણીના ડુંગરાની ઓથે ઈ એક ગામ નથી પણ એની રીતે કાલાઘેલા કરતું ને સમયહારે પાપાપગલી ભરતું બડુંકું બાળક છે.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

4 thoughts on “મારું જૂનાગઢ

  1. Ee Mara Junagadh ni vatu karva vehu to paar no ave. Dhomdhakhel Chaitra Vaishakh na tadka ma tractor ni ghans bhareli and troli maathe sutelo majur Yuvan bhajan gato hoy. Chhakda na bhadbhadiya mathe 15-20 chadi betha hoy jane First class dabbaa ma behela hoy. 80 varah na Maadi mathe sabthio no bharo layine jaataa hoy ane sandhaay ne je Sri krishna ni haakal maartaa hoy ee. Maaru Junagadh. Taleti ma aanto maaro etle laheru aave. Ne Parodhiye dur thi hambhalaataa bhajan Bhairav hudhi ponchaa hoy. Maanyu hoy ee j hamaje. Junagadh ni vaatuyu no khute. Jay Girnari.

  2. Very well written Bhayun! I am the one Manohar Patel (Padaliya) among three Kathiyawadi here in Fox Valley Wisconsin. I was the only one Kathiyawadi here before Dineshbhai moved here. It has been a pleasure to be in the company of our Bhayun ( we call each other Bhayun in our Kathiyawadi tradition) .

Leave a Reply

Your email address will not be published.